બાળકનાં પેટમાં કૃમિ થાય તો શું કરવું? એનાથી બાળકોને કેવી રીતે બચાવવાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓમકાર કરંબેળકર
- પદ, બીબીસી સંવાદદાતા
આંતરડામાં કૃમિ ભારત અને અન્ય ઘણા દેશોમાં જોવા મળતી એક મોટી સમસ્યા છે. તે ખોરાક, પાણી અથવા અન્ય માધ્ચમોને લીધે સર્જાતી સમસ્યા છે. મોટાભાગે તેનાં મુખ્ય લક્ષણોમાં વિષ્ટામાં લાંબા કીડાની હાજરી અથવા પેટમાં પીડા અને ગુદા નજીકની ખંજવાળનો સમાવેશ થાય છે. આ લક્ષણોની તપાસ પછી વધુ નિદાન કરવામાં આવે છે.
પેટમાં જોવા મળતાં આવાં કૃમિને ગૅસ્ટ્રિક વર્મ્સ પણ કહેવામાં આવે છે. તેના રાઉન્ડવર્મ્સ, ફ્લેટવર્મ્સ અને ટેપવર્મ્સ જેવા અનેક પ્રકારો છે.
દરેક વર્મની અલગ-અલગ લાક્ષણિકતા હોય છે. તેમનું જીવનચક્ર અને આપણા સ્વાસ્થ્ય પર તેની અસર પણ અલગ-અલગ હોય છે.
એ કૃમિ રાઉન્ડ, વ્હીપ, હુક અને એન્સાયલોસ્ટોમા પ્રકારના હોય છે, જે માટીના સંપર્કને લીધે આપણા પેટમાં પ્રવેશે છે.
કૃમિનો ચેપ કેવી રીતે લાગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર વિપુલ તુરખીયા અમદાવાદમાં બાળરોગોના નિષ્ણાત છે. તેઓ કહે છે કે, આંતરડામાં કૃમિ ઘૂસવાની બે રીત છે: એક છે મોઢા વાટે, જો પગમાં તિરાડો (વાઢિયા) થયા હોય અને જો બાળક ખુલ્લા પગે ફરે ત્યારે, અને ત્રીજું, દૂષિત ખોરાક વાટે.
જેમાં કૃમિના ઈંડાં લાગેલાં હોય તેવી વસ્તુને સ્પર્શ કરવાથી અને પછી હાથ ન ધોવાથી મોટાભાગે કૃમિનો ચેપ લાગે છે.
જંતુના ઈંડાં લાગેલાં હોય તેવી માટીના સંપર્કથી અથવા કૃમિનાં ઈંડાં ધરાવતો ખોરાક કે પાણી પીવાથી પણ ચેપ લાગે છે.
ગંદા પાણીના નિકાલની નબળી ગટર તથા અસ્વચ્છ શૌચાલય હોય તેવાં સ્થળોએ પણ ચેપ લાગે છે. કૃમિથી સંક્રમિત કાચું માંસ અથવા માછલી ખાવાથી તકલીફ થઈ શકે છે. ક્યારેય પાળેલા પ્રાણીને લીધે પણ ચેપ લાગી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થ્રેડવર્મનો ચેપ ઘણાં બાળકોમાં જોવા મળે છે. લાંબી દોરી જેવા આ કીડાનાં ઈંડાં પેટમાં પ્રવેશે ત્યારે મુશ્કેલી શરૂ થાય છે. આ કૃમિનાં ઈંડાં ગુદાદ્વાર પાસે હોય છે. તેનાથી બાળકને ખંજવાળ આવે છે અને તે હાથ પર ચોંટી જાય છે.
આ ઈંડાં કપડાં, રમકડાં, ટૂથબ્રશ, રસોડા કે બાથરૂમની ફર્શ, પાથરણ કે અન્ન એમ કોઈપણ જગ્યાએ પ્રસરેલાં હોઈ શકે છે.
આ વસ્તુઓ અથવા સપાટીને સ્પર્શ કર્યા પછી હાથ તરત જ મોં પર ફેરવવાથી જંતુનો ચેપ લાગી શકે છે. થ્રેડવર્મનાં ઈંડાં બે સપ્તાહ સુધી ‘જીવંત’ રહી શકે છે.
આ ઈંડાં પેટમાં પ્રવેશ્યાં પછી આંતરડાંમાંં લાર્વા જન્મે છે અને એક કે બે મહિનામાં મોટા કીડા બની જાય છે.
આ ઈંડાં મળની જગ્યાએથી નીકળે છે અને પછી ત્યાં ખંજવાળ અને બળતરા થાય છે.
એકવાર સારવાર કર્યા પછી પણ બાળકો ફરીથી આવાં ઈંડાંના સંપર્કમાં આવે તો તેમને ફરીથી ચેપ લાગી શકે છે. તેથી બાળકોને નિયમિત હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ.
થ્રેડવર્મ્સનો ચેપ ટાળવા માટે આટલું કરવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
- દરેક વ્યક્તિએ પોતાના હાથ બરાબર ધોવા જોઈએ, નખ કાપવા જોઈએ.
- જમતા પહેલાં, ટોઇલેટ ગયા પછી અને બાળકનાં બાળોતિયાં બદલ્યાં પછી હાથ અવશ્ય ધોવા જોઈએ.
- બાળકોને નિયમિતપણે હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ. દરરોજ સ્નાન કરવું જોઈએ.
- બ્રશ કરતાં પહેલાં અને પછી બ્રશને સારી રીતે ધોઈ નાખવું જોઈએ.
- ચાદર, પાથરણ, ટુવાલ ગરમ પાણીમાં ધોવા જોઈએ. સોફ્ટ ટોય્ઝને સ્વચ્છ રાખવાં જોઈએ.
- રસોડાં અને બાથરૂમમાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
હવે આ જંતુના ચેપથી ખુદને કઈ રીતે બચાવી શકાય તે જાણીએ.
આ બાબતે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે (એનએચએસ) કેટલાંક સૂચનો કર્યાં છે.
એ મુજબ, કોઈપણ ભોજન કરતાં પહેલાં આપણે હાથ ધોવા જોઈએ. માટીને સ્પર્શ કર્યા પછી અને શૌચ કર્યા પછી હાથ ધોવા જોઈએ. પાણી ગંદુ હોય એવા વિસ્તારમાં જતી વખતે શુદ્ધ અથવા બોટલબંધ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ.
બધાં શાકભાજી અને ફળોને ધોઈને જ ખાવાં જોઈએ. તમારાં પાળેલાં પ્રાણીઓને કૃમિની દવા સમયસર આપવી જોઈએ. તેમના ડ્રોપિંગ્ઝ (મળ) શક્ય તેટલાં વહેલા સાફ કરવા જોઈએ.
કૂતરા-બિલાડીની વિષ્ટા પાસે બાળકોને ન રમવા દેવા. સંક્રમણની શક્યતા વધારે હોય તેવી જગ્યાએ ફળો તથા શાકભાજી રાખવાનું ટાળવું જોઈએ.
ચેપ લાગવાની શક્યતા વધારે હોય તેવા વિસ્તારોમાં ખુલ્લા પગે ચાલવું ન જોઈએ.
પેટમાં કૃમિને કઈ રીતે ઓળખવા?

ઇમેજ સ્રોત, Getty Images
ચેપ લાગ્યા પછી નીચે મુજબના કેટલાંક લક્ષણો જોવા મળે છે.
- બાળકો તથા પુખ્ત વયના લોકોને પેટમાં દુખાવો, ઉબકા કે અસ્વસ્થતાનો અનુભવ થાય છે.
- ઘણા લોકોને ઝાડા થાય છે અને કેટલાક લોકોને કબજિયાત પણ થાય છે.
- કૃમિથી સંક્રમિત દર્દીને ભૂખ ઓછી લાગે છે તેમજ વજન પણ ઓછું થાય છે. તે નબળાઈ તથા થાકનો અનુભવ કરે છે.
- ગુદાદ્વાર પાસે ખંજવાળ આવે છે.
- ઊંઘ આવતી નથી અને અસ્વસ્થતા અનુભવાય છે.
- પુખ્ત વયના લોકોને પેટમાં ગેસ થાય છે. કેટલાક દર્દીઓમાં એનિમિયા પણ જોવા મળે છે.
કૃમિનો નાશ કેવી રીતે કરવો અને તેમ કરવું કેમ જરૂરી છે?
શરીરમાં રહેલાં વિવિધ કૃમિ આપણા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય શકે છે.
તે એનિમિયાનું કારણ બની શકે છે અને બાળકોનાં વિકાસ પર માઠી અસર કરી શકે છે. તેનાથી કુપોષણની સમસ્યા તેમજ આપણા અંગોને નુકસાન પણ થઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નિયમિત રીતે કૃમિનો નાશ કરવાના ઉપાય સૂચવ્યા છે.
કૃમિ નિર્મૂલન કેવી રીતે કરવું?
ડૉક્ટર વિપુલ તુરખિયા કહે છે, "કૃમિ રોગ 2થી 7 વર્ષનાં બાળકો જે ખુલ્લા પગે રમે છે અને ગમે તે વસ્તુને અડતાં હોય છે, તેમને વધારે થાય છે. કૃમિના નાશ માટે ફક્ત એક ડોઝની દવા આવે છે. તેનાથી આંતરડાનાં બધાં જ કૃમિ નાશ પામે છે. પરંતુ જો કૃમિ વધારે હોય તો 2-3 ડોઝ આપવામાં આવે છે જે 15 દિવસના અંતરમાં આપી શકાય."
તેમણે ઉમેર્યું હતું, “પેટમાં પ્રવેશેલા જંતુઓ આ પ્રક્રિયાને લીધે શરીરમાંથી બહાર નીકળી જાય છે. માટીને લીધે બાળકોનાં શરીરમાં મોટા પ્રમાણમાં જંતુ પ્રવેશતાં હોય તેવા વિસ્તારમાં નિશ્ચિત સમયાંતરે કૃમિનાશક કાર્યક્રમ હાથ ધરવાની ભલામણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કરે છે.”












