બીબીસી ઇમ્પેક્ટ: પોતાના જ ખેતરમાં મજૂર બનેલાં આદિવાસી મહિલા કેવી રીતે માલિક બન્યાં?

ગંગામ્મા
ઇમેજ કૅપ્શન, ગંગામ્મા
    • લેેખક, લાક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

આંધ્રપ્રદેશનાં 55 વર્ષીય આદિવાસી ગંગામ્મા તેમની આંખોમાં ચમક સાથે કહે છે, “હવે હું મારા જ ખેતરમાં મજૂરી નથી કરતી.”

હું 2023માં તેમને મળ્યો ત્યારે આ આનંદ ગાયબ હતો.

ગંગામ્માએ ઘર બનાવવા માટે પોતાની 2.1 એકર જમીન ગીરવે મૂકી હતી અને એક શાહુકાર પાસેથી રૂ. બે લાખની લીધી હતી. ગંગામ્માને બાદમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યાજ સાથે લોન વધીને રૂ. 7.5 લાખની થઈ ગઈ છે. આમ શા માટે થયું તેનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું.

તેના બદલામાં ગંગામ્માને તેમના પોતાના ખેતરમાં મજૂર તરીકે કામ કરવાની ફરજ પડી હતી અને લણણીનો મોટો હિસ્સો શાહુકારને આપી દેવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

આંધ્રપ્રદેશના આ વિસ્તારોમાં કાજુની ખેતી લોકોની આજીવિકાનો મુખ્ય સ્રોત છે. અહીં હજારો એકર જમીનમાં કાજુનું વાવેતર કરવામાં આવે છે.

શાહુકાર તરીકે ઓળખાતા આર્થિક રીતે શક્તિશાળી ફાઇનાન્સર્સ મોટા ભાગે વાલમા અને કાપુ જેવી ઉચ્ચ જ્ઞાતિના હોય છે તેમજ રાજકીય રીતે વગદાર હોય છે.

ગંગામ્માએ બીબીસી તેલુગુને કહ્યું હતું, “તેમણે મારી જમીનના દસ્તાવેજો લઈ લીધા હતા અને મારા તથા મારા પરિવાર પાસે તેના પર બળજબરીથી સહી કરાવાઈ હતી.”

ભારતમાં ક્રેડિટ માર્કેટ પર લાંબા સમયથી શાહુકારોનું વર્ચસ્વ છે. એક સરકારી સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે જૂન-2018 સુધીમાં ગ્રામીણ ભારતમાં કુલ ધિરાણમાં બિન-સંસ્થાકીય ફાઇનાન્સર્સ એટલે કે પ્રોફેશનલ્શ અને સંબંધીઓનો હિસ્સો લગભગ 34 ટકા હતો.

કેન્દ્ર સરકારના 2019ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કુલ પૈકીના 50 ટકા ખેડૂત પરિવારો દેવા હેઠળ છે અને લગભગ 21 ટકા લોન પ્રોફેશનલ મનીલેન્ડર્સ દ્વારા આપવામાં આવેલી છે.

ગંગામ્માના ગામમાં શાહુકારો ખેતી, બાળકોની શિક્ષણ, લગ્ન અથવા અન્ય ખર્ચ માટે આપેલી લોન માટે 24 ટકા સુધી વ્યાજ વસૂલતા હતા. પ્રદેશની અર્થવ્યવસ્થામાં તેમનો દબદબો હતો.

બીબીસીના અહેવાલની અસર

ગંગામ્મા પોતાના જ ખેતરમાં મજૂરી કરતાં હતાં
ઇમેજ કૅપ્શન, ગંગામ્મા પોતાના જ ખેતરમાં મજૂરી કરતાં હતાં

આદિવાસીઓએ તેમની જમીનના દસ્તાવેજો અને પ્રોમિસરી નોટ્સ ગીરવે મૂકવી પડતી હતી.

ગંગામ્મા જેવાં પીડિતો પાસે પોતાના માટે બહુ ઓછા પૈસા બચ્યા હતા. તેથી તેમના 22 તથા 24 વર્ષનાં બે સંતાનોને ભણાવવાનું પરવડે તેમ ન હતું. તેમણે અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો.

બીબીસી તેલુગુએ મે-2023માં રોચુપાનુકુલા, તાતીપર્થી, રાયપાડુ તથા પેદ્દાગરુવુ નામનાં ચાર ગામોની મુલાકાત લીધી હતી અને આદિવાસીઓની દુર્દશા તેમજ શાહુકારો તેમની જમીન કેવી રીતે છીનવી લે છે તે વિશેનો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

સત્તાવાળાઓએ તેની તરત જ નોંધ લીધી હતી.

અહેવાલ પ્રકાશિત થયાના થોડા દિવસોમાં જ ગંગામ્માને તેમની જમીનના દસ્તાવેજો પાછી મળી ગયા હતા
ઇમેજ કૅપ્શન, અહેવાલ પ્રકાશિત થયાના થોડા દિવસોમાં જ ગંગામ્માને તેમની જમીનના દસ્તાવેજો પાછી મળી ગયા હતા

અહેવાલ પ્રકાશિત થયાના થોડા દિવસોમાં જ ગંગામ્માને તેમની જમીનના દસ્તાવેજો પાછી મળી ગયા હતા.

તેમણે કહ્યું હતું, “મારી જમીન, મારા દસ્તાવેજો મને પાછા મળી ગયા છે. હવે હું મજૂર નથી. હું ખુશ છું. ઘરનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરીને તમને બધાને જમવા બોલાવીશ.”

લોન લીધા પછી આ વર્ષે પહેલી વાર ગંગામ્માએ કાજુ વેચીને રૂ. 50,000ની કમાણી કરી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, બીબીસીના અહેવાલને પગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં 90થી વધુ પરિવારોને 110 એકર જમીનના કાગળો પાછા મળ્યા છે.

વરિષ્ઠ સરકારી મહેસૂલ અધિકારી એસ. રામન્ના રાવે બીબીસીને કહ્યું હતું, “મહેસૂલ તથા પોલીસ વિભાગના અધિકારીઓએ બીબીસીના અહેવાલનો પ્રતિસાદ આપ્યો હતો અને શાહુકારો પાસેથી દસ્તાવેજો આદિવાસીઓને પાછા સોંપ્યા હતા.”

ગરીબીગ્રસ્ત પ્રદેશ

ગરીબ મહિલાઓ

નાણાં ધિરાણ સંસ્થાઓ અને નાણાકીય સર્વસમાવેશકતાના વિસ્તાર માટે ભારત સરકારે ઘણાં પગલાં લીધાં હોવા છતાં અનેક વિસ્તારોમાં શાહુકારોની પકડ યથાવત છે, કારણ કે તેઓ જરૂરતમંદ લોકોની નજીક હોય છે અને તેમને વધારે દસ્તાવેજોની જરૂર હોતી નથી.

ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલવાના આરોપસર ગુજરાત પોલીસે 2023માં 300થી વધુ શાહુકારોની ધરપકડ કરી હતી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં આસામ પોલીસે 122 કથિત શાહુકારોની ધરપકડ કરી હતી.

‘ધ પર્સિસ્ટન્સ ઑફ લૅન્ડ એલિયનેશનઃ ધ એક્સપિરિયન્સ ઑફ ટ્રાઇબલ પીપલ ઑફ આંધ્રપ્રદેશ’ શીર્ષક હેઠળના 2014ના એક અભ્યાસમાં લેખક રામદાસ રુપાવથે જણાવ્યું હતું કે “જમીન છીનવી લેવાનું કામ” અંગ્રેજોના શાસનના સમયથી ચાલી રહ્યું છે. તેનાં કારણોમાં જમીનના રેકૉર્ડ્સમાં હેરાફેરી, મોટા પાયે બનાવટી લૅન્ડ ટ્રાન્સફર અને અતિક્રમણનો સમાવેશ થાય છે.

મોટાભાગે અશિક્ષિત હોવાને કારણે આ લોકો વ્યાજની ગણતરી સારી રીતે સમજી શકતા નથી
ઇમેજ કૅપ્શન, મોટાભાગે અશિક્ષિત હોવાને કારણે આ લોકો વ્યાજની ગણતરી સારી રીતે સમજી શકતા નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રુપાવથે લખ્યું હતું, “ધિરાણ વિશેના કાયદાથી અજાણ હોવાને લીધે આદિવાસીઓ બ્રિટિશ શાસનના સમયગાળાથી જ નાણાકીય જાળમાં ફસાતા રહ્યા છે.”

“લૅન્ડ ટ્રાન્સફર સંબંધી બ્રિટિશ કાયદાઓ અને રેવેન્યુ સિસ્ટમને લીધે પણ આદિવાસીઓએ તેમની જમીન શાહુકારો, જમીનદારો, વેપારીઓ, જાગીરદારો અથવા શ્રીમંત ખેડૂતોને વેચી દેવી પડી હતી.”

“એ મોટા ભાગે બિન-આદિવાસી લોકો હતા, જેમણે ઉદારતાથી લોન આપી હતી અને બાના તરીકે આદિવાસીઓની જમીનનો એક હિસ્સો મેળવવાનો આગ્રહ રાખ્યો હતો. દેવાની ચુકવણી કરવામાં અસમર્થ આદિવાસીઓએ આખરે તેમની જમીન ગુમાવવી પડી હતી.”

ગરીબી અને શોષણે પણ આ પ્રદેશમાં ઉગ્રવાદને વેગ આપ્યો હતો. જોકે, સરકારો અને બિન-સરકારી સંસ્થાઓના કામને લીધે સમય જતાં આ શોષણ ઘટ્યું છે.

બીબીસી તેલુગુના પ્રતિનિધિ ગયા વર્ષે રોચુપાનકુલા ગામમાં ગંગામ્માને મળ્યા ત્યારે તેમના ઘરમાં બારી-દરવાજા ન હતા. અન્ય લોકોની સ્થિતિ પણ એવી જ હતી.

મોટા ભાગે અશિક્ષિત હોવાને કારણે આ લોકો વ્યાજની ગણતરી સારી રીતે સમજી શકતા નથી.

પેદ્દાગરુ ગામનાં શાંતિ ચિન્નરીએ ચાર વર્ષ પહેલાં રૂ. 30,000ની લોન લીધી હતી, પરંતુ તે વધીને રૂ. એક લાખની થઈ ગઈ હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું.

શાંતિએ કહ્યું હતું, “મેં મારા બગીચામાં મજૂર તરીકે કામ કરીને શાહુકારો માટે કાજુ ઉગાડ્યા હતા.”

સત્તાવાર હસ્તક્ષેપ પછી શાંતિ આ વર્ષે રૂ. 50,000ની કમાણી કરી શક્યાં.

શાહુકારો શું કહે છે?

ગલી સંજીવ રાવ નામના એક શાહુકાર રોચચુપાનકુલા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમણે નવ આદિવાસી પરિવારોને જમીનના દસ્તાવેજો પરત કર્યા હતા
ઇમેજ કૅપ્શન, ગલી સંજીવ રાવ નામના એક શાહુકાર રોચચુપાનકુલા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમણે નવ આદિવાસી પરિવારોને જમીનના દસ્તાવેજો પરત કર્યા હતા

ઑલ ઇન્ડિયા એગ્રિકલ્ચરલ ઍન્ડ રૂરલ લેબર યુનિયનના રાષ્ટ્રીય સચિવ પીએસ અજયકુમારે કહ્યું હતું, “બીબીસી તેલુગુના અહેવાલને પગલે આદિવાસીઓને કાજુના વાવેતરની લગભગ 110 એકર જમીન પાછી મળી છે.”

તેમણે ઉમેર્યું હતું કે કાજુની 900 બેગ્ઝના વેચાણથી 90થી વધુ પરિવારોને સરેરાશ રૂ. 80,000ની કમાણી થઈ છે.

ગલી સંજીવ રાવ નામના એક શાહુકાર રોચચુપાનકુલા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમણે નવ આદિવાસી પરિવારોને જમીનના દસ્તાવેજો પરત કર્યા હતા. તેમને ગામમાંથી ભગાડી મૂકવામાં આવ્યા હતા અને તેમની દુકાન બંધ કરી દેવાની ફરજ પાડવામાં આવી હતી.

તેમણે સવાલ કર્યો હતો, “આદિવાસીઓએ મારી પાસેથી પૈસા ઉછીના લીધા હતા. લોન યોગ્ય રીતે ચૂકવવામાં આવી હતી. અમે વ્યાજ પણ લીધું હતું. બીજું તો શું કરી શકાય?”

તમે કેટલા પૈસા ઉછીના આપ્યા હતા અને કેટલું વ્યાજ વસૂલ્યું હતું, એવા સવાલના જવાબમાં રાવે જણાવ્યું હતું કે એ તેમને યાદ નથી.

પીએસ અજયકુમારે કહ્યું કે પેદ્દાગરુવુ, રાયપાડુ, તાતીપર્થી અને રોચચુપાનકુલા એમ ચાર ગામના લોકોએ શાહુકારોને રૂપિયા બે કરોડથી વધુ ચૂકવવાના છે.

વરિષ્ઠ સરકારી અધિકારી રામન્ના રાવે કહ્યું હતું, “પોતાની વાત સાચી છે, એવું શાહુકારોને લાગતું હોય તો તેઓ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ તેઓ આદિવાસીઓની જમીન કે ગીરો દસ્તાવેજો કબજે કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

રાજ્યના કાયદા મુજબ, ખાનગી ધિરાણ સંસ્થાઓ અથવા વ્યક્તિઓને આદિવાસી વિસ્તારોમાં ધીરધારનો ધંધો કરવાની પરવાનગી નથી, પરંતુ સવાલ આ કાયદાના અમલીકરણનો છે.