હિમાલયની ખીણમાં આવેલું ગામ, જેને ખાલી કરી દેવું પડ્યું

ઇમેજ સ્રોત, Shanta Nepali
- લેેખક, તુલસી રૌનિયાર
- પદ, બીબીસી ફ્યુચર
સામડઝોંગ ગામમાં લાંબો દુકાળ પડ્યો ત્યારે ગામલોકોએ ત્યાં રહેવું કે ગામ છોડી દેવું તેનો નિર્ણય લેવો પડ્યો હતો.
ભક્કી ગુરુંગની બાળપણની સૌથી જૂની સ્મૃતિ નેપાળ અને તિબેટની દૂરસ્થ તથા નિર્જન સરહદની વિશાળ, પવનયુક્ત ખીણોની આસપાસ દોડવાની છે.
ભક્કીને યાદ છે કે વાદળી આકાશ નીચેના બરફથી ઢંકાયેલા પહાડોનાં શિખરો સામે તેમને બહુ નાના, રેતીના દાણા જેવડા હોવાની અનુભૂતિ થતી હતી.
અપર મસ્તાંગમાં 13,451 ફૂટની ઊંચાઈ પરનો શિયાળો અતિ આકરો રહેતો હતો, પરંતુ ઉનાળા દરમિયાન તેમને ઝરણાં યાદ આવે છે. તેમાં વહેતું પાણી હિમનદી પીગળવાના પ્રવાહ સાથે ચમકતું હોય છે.
હવે 70 વર્ષની વયના ભક્કી ગુરુંગ કહે છે, “અમારા પૂર્વજો કહેતા હતા કે આપણે યુગોથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. આપણે જે છીએ તે સ્થળાંતરને લીધે છીએ. એક તબક્કે અમે અમારા ગામ સમદઝોંગમાં પણ વસવાટ કર્યો હતો.”
વિચરતી જાતિના પરિવારો તેમના પશુધનને સદીઓથી ઉત્તરી તિબેટનાં મેદાનોમાં લઈ જતા રહ્યા છે અને પેઢીઓથી ચાલતી રહેલી આ જીવનશૈલીને તેમણે જાળવી રાખી છે. લગભગ 3,000 વર્ષ પહેલાં અપર મસ્તાંગમાં આવેલા લોકો મૂળે ઉત્તરમાંથી આવ્યા હતા.
તેમની પોતાની અનન્ય સ્વદેશી સંસ્કૃતિ, પરંપરાઓ, ભાષાઓ અને પ્રથાઓ છે. તેઓ મસ્તાંગમાં પ્રવેશ્યા ત્યારે ખીણની ઢાળવાળી દીવાલોમાં ગુફાઓ કોતરીને રહેતા હતા. એ ગુફાઓ હવે સ્કાય કેવ્ઝ તરીકે ઓળખાય છે. સમય પસાર થતો ગયો તેમ તેઓ સ્થાયી થયા હતા અને મઠો તથા માટીનાં ઘરો બાંધ્યાં હતાં.
તેઓ સોલ્ટ ઇકૉનૉમીમાં સામેલ થયા હતા. સૅન્ટ્રલ હિલ્સમાં તથા મેદાની વિસ્તારોમાં તેમણે ઊન અને મીઠાંનો વેપાર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિચરતા પશુપાલકો હિમાલયની કઠોર આબોહવાનો સામનો સતત કરતા રહ્યા હતા. હવે આ વિસ્તારને આબોહવા પરિવર્તનની અસર માટે ગ્રાઉન્ડ ઝીરો ગણવામાં આવે છે.
સામડઝોંગના લોકો માટે સ્થળાંતર અસ્તિત્વ ટકાવી રાખવાની સૌથી જૂની યુક્તિ બની રહ્યું છે, પરંતુ હવે તેઓ અભૂતપૂર્વ પ્રમાણમાં જોખમનો સામનો કરી રહ્યા છે.
ગુરુંગના કહેવા મુજબ, આ ગામ 1990ના દાયકાની શરૂઆતમાં સૌપ્રથમ વાર દુષ્કાળની ઝપેટમાં આવ્યું હતું. ગ્લેશિયરને લીધે સર્જાતાં ઝરણાં ધીમે ધીમે અદૃશ્ય થવાં લાગ્યાં હતાં. આબોહવા પરિવર્તનની કઠોર અસરથી તેમણે તેમના પૂર્વજોની જમીન તથા સાંસ્કૃતિક વારસો પાછળ છોડીને ફરી એક વાર તેમના ગામથી 16 કિલોમીટર દૂર સ્થળાંતર કરવું પડ્યું હતું.
ચહેરા વિનાનો દુશ્મન

ઇમેજ સ્રોત, Tulsi Rauniyar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સામડઝોંગ નીચેની મોટા ભાગની જમીન હવે પહેલાં જેવી નથી. લગભગ શુષ્ક નદીના પટ સાથે વહેતી કૅનાલમાં જમીનની સિંચાઈ માટે પાણી બચ્યું ન હતું. તેને લીધે ઉનાળાના દિવસોમાં ખેતીના પડકારો વધી જાય છે અને પરિણામે પાકની નબળી વૃદ્ધિ થાય છે. પશુધન મરી રહ્યું હતું અને સ્થાનિકો હતાશ હતા.
આ પ્રદેશ ઉનાળા દરમિયાન વરસાદની ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. એકાએક વધારે પાણી આવ્યું હતું. 7.9 ઈંચ વરસાદની વાર્ષિક સરેરાશ ધરાવતા ટ્રાન્સ-હિમાલયન પ્રદેશમાં અનિયમિત વરસાદ અને હિમવર્ષાથી પાણીની ગહન કટોકટી સર્જાઈ શકે છે.
તેનો અર્થ વરસાદ કે હિમવર્ષાના ઓછા દિવસો થાય, પરંતુ એ દિવસોમાં ભારે વરસાદ પડે. તેના પરિણામે સમગ્ર વિસ્તારમાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. સામડઝોંગ જેવા પહાડી ગામમાં આવું વિનાશક પૂરના સ્વરૂપમાં આવે છે.
નિષ્ણાતોએ તારણ કાઢ્યું છે કે 1988ની ઘટના ઊંચા તાપમાન સાથે ભારે હિમવર્ષાને કારણે બની હતી. તેનાથી હિમનદી તળાવ ફાટ્યું હતું, જે પૂરનું કારણ બન્યું હતું. પૂરાં ચાર મોટાં ગામ ડૂબી ગયાં હતાં મોટી શીલાઓ તૂટી હતી અને તેમાં 36થી વધુ મકાનો કચડાઈ ગયાં હતાં. સંખ્યાબંધ પશુઓનાં મોત થયાં હતાં. આ બધાના પરિણામે અહીંના પરિવારોએ અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. આ વિસ્તારમાં ફેલાયેલો કાટમાળ અને ખડકોના ટુકડા તે ઘટનાની યાદ અપાવે છે.
દરમિયાન, 1990ના દાયકાના અંત સુધીમાં દુષ્કાળ વકર્યો હતો. ગુરુંગે કહ્યું હતું, “મેં મારાં બે નવજાત બાળકોને ગુમાવ્યાં હતાં. અમારી પાસે કોઈ પણ પ્રકારની મદદ કે તબીબી સારવાર મેળવવાની વ્યવસ્થા ન હતી. એવું લાગતું હતું કે ચહેરા વિનાના દુશ્મને અમારા ગામને શ્રાપ આપ્યો છે. મેં અમારા દેવો અને પૂર્વજોને પ્રાર્થના કરી હતી, પરંતુ કશું કામ આવ્યું નહીં.”
નેપાળના દૂરના આ ખૂણામાં વીજળી નથી, હૉસ્પિટલ, પોલીસ સ્ટેશન કે આરોગ્યકેન્દ્ર નથી. અભ્યાસો દર્શાવે છે કે પર્વતીય પ્રદેશોમાં ગરીબીનો દર દેશમાં સૌથી વધારે છે.
ઘણા રહેવાસીઓ જેમતેમ જીવનનિર્વાહ કરે છે. તેને લીધે અને ગોચરની નાજુક પ્રકૃતિને કારણે હિમાલયમાં હવામાનમાં પરિવર્તનની ઘટનાઓ ઘણી વાર વિનાશક સાબિત થાય છે.
ગામમાં રહેવું કે ગામ છોડી દેવું તેનો નિર્ણય ગામલોકોએ ભારે હૈયે કરવો પડ્યો હતો.
ગામનું ભવિષ્ય નક્કી થવાનું હતું એ સભાના દિવસને ગુરુંગે યાદ કર્યો હતો. લગભગ દરેક ગામવાસીએ 2006ના ઉનાળામાં પોતાનું ઘર છોડવાનું અનિચ્છાએ નક્કી કર્યું હતું. પોતાના પૂર્વજોનાં ઘર, પોતાનો ઇતિહાસ, સ્મૃતિઓ અને સંસ્કૃતિના એકમાત્ર અવશેષને છોડવાનો ઘણા વડીલોએ આગામી પેઢી માટેની ચિંતાને કારણે વિરોધ કર્યો હતો, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.
સ્થાનિક નેતા પાસંગ ત્સેરિંગે કહ્યું હતું, “લુપ્ત થઈ જવાની એ પરિસ્થિતિમાં અમારે અમારા બાળકોના ભવિષ્ય માટે વૈકલ્પિક માર્ગો શોધવાની જરૂર હતી. અમારા પર ગામ છોડવાનું દબાણ કરવામાં આવ્યું હતું.”

ઇમેજ સ્રોત, Tulsi Rauniyar
એ પછી રહેવાસીઓએ જૂના ગામથી લગભગ 11 કિલોમીટર દૂર ફળદ્રુપ જમીનમાં સ્થળાંતર કરવા માટે મુસ્તાંગના તત્કાલીન રાજા પાસે પરવાનગી માગી હતી.
આ બધાની વચ્ચે 1997ના ઑગસ્ટમાં તેઓ એક સ્વિસ ફોટોગ્રાફર મેન્યુઅલ બાઉડરનો સધિયારો મેળવવામાં સફળ થયા હતા. બાઉરે સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રવચનો દ્વારા ભંડોળ એકઠું કરીને ગ્રામજનોને સ્થળાંતરમાં મદદ કરી હતી.
2016 સુધીમાં 86 રહેવાસીઓના 17 પરિવારોને સામડઝોંગમાંથી ‘નામાશુંગ’ નામની નવી વસાહતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. નામશુંગનો અર્થ હરિયાળી જમીન થાય છે.
લો મન્થાંગ શહેરની નજીક જવાથી ગ્રામવાસીઓ ખુશ હતા. એ શહેર એક સમયે લો સામ્રાજ્યની રાજધાની હતું. શહેર નજીક જવાથી આર્થિક સમૃદ્ધિ આવશે એવી ગામલોકોને આશા હતી.
ગામના સ્થળાંતરનો ખર્ચ

ઇમેજ સ્રોત, Tulsi Rauniyar
નામાશુંગ બનાવવામાં પાંચ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. 1988માં હિમનદીનું તળાવ ફાડ્યું તેને કારણે આવેલા પૂરના અવશેષો, વિશાળ પથ્થરો હટાવવાના કામથી તેની શરૂઆત થઈ હતી.
ઉપલબ્ધ વિસ્તારના સમાન ભાગ પાડીને ફાળવણી કરવામાં આવી હતી. તેનું વિતરણ લૉટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું હતું. માટી અને ચૂના જેવાં સ્થાનિક સંસાધનો ગ્રામજનોનાં નવાં ઘરોનાં બિલ્ડિંગ બ્લૉક્સ બન્યાં હતાં, જ્યારે ખીલા, દરવાજા અને કાચ જેવી આવશ્યક સામગ્રી પ્રાદેશિક માર્કેટ્સમાંથી મેળવવામાં આવી હતી.
આ વિસ્તારમાં લાકડાની અછત હોવાથી નામાશુંગમાં નવાં મકાનો બાંધવા માટે ગામવાસીઓએ તેમનું જૂનું ફર્નિચર તોડીને તેનાં લાકડાંનો ઉપયોગ કર્યો હતો. મોટા ભાગનું બાંધકામ પરિવારના સભ્યો દ્વારા અન્ય સંબંધીઓને મદદથી કરવામાં આવ્યું હતું.
જૂના ગામમાં ધૂળિયાં ઘર હજુ પણ ઊભાં છે. સામડઝોંગમાં આજે પણ પાંચ ગ્રામવાસીઓ રહે છે. 65 વર્ષના ટીનઝેન અંગમુ એ પૈકીના એક છે.
તેમણે કહ્યું હતું, “અમે વર્ષમાં બે વખત સરસવ, કુટ્ટુ (બકવીટ) અને ઘઉંનો પાક લેતા હતા.” હવે પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી તેઓ વર્ષમાં એક જ વાર ઘઉંના પાક લઈ શકે છે અને તે પાંચ લોકો માટે અપૂરતો હોય છે. તેમના દૂર ચાલ્યા ગયેલાં સગાંઓ તેમને એવી ખાદ્યસામગ્રી આપી જાય છે, જે આ લોકો પોતે ઉગાડી શકતા નથી.
તેમણે કહ્યું હતું, “અહીં અમે માત્ર પાંચ લોકો છીએ. અમે વૃદ્ધ છીએ. તેથી ગામ છોડીને નવા ગામમાં નવેસરથી જીવન શરૂ કરી શકીએ તેમ નથી. આ અમારું એકમાત્ર ઘર છે. અહીં બધું બરાબર છે. અહીંનો ખાલીપો ક્યારેક બહુ ડરામણો હોય છે.”
સામડઝોંગમાં જમીનના ધોવાણના સ્પષ્ટ ડાઘ જોવા મળે છે અને નિષ્ણાતો ચેતવણી આપે છે કે અહીં હિમનદી સરોવર ફાટવાનું, પૂર આવવાનું અને ભૂસ્ખલનનું જોખમ વધુ છે.
સ્વિસ-નેપાળ સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ પાર્ટનરશિપ કેમ ફો સુડના અહેવાલ મુજબ, “ભૌગોલિક જોખમની દૃષ્ટિએ નવું સ્થળ વધારે અનુકૂળ છે.” સ્થાનિકોનું કહેવું છે કે સ્થળાંતર બાદ સિંચાઈ અને પાણીની ઉપલબ્ધતામાં સુધારો થયો છે.

ઇમેજ સ્રોત, Tulsi Rauniyar
તેમ છતાં ગુરુંગ અને અન્ય ગ્રામજનો મઠો, ઘરો અને સ્કાય કેવ્ઝ જેવા તેમના ભૂતકાળના હિસ્સા ઝંખે છે. તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી.
નામશુંગના સ્થાનિક નેતા ત્સેરિંગના કહેવા મુજબ, પુનર્વસનના તમામ પડકારોનું નિરાકરણ થયું નથી. રહેવાસીઓએ તેમના પાણીના સ્રોતનો ઉપયોગ પાડોશી ગામ નેન્યોલ સાથે મળીને કરવો પડે છે.
પાણી પુરવઠો પહેલેથી જ ઓછો હોવાની ચિંતા ન્યોલના લોકો કરે છે. દરમિયાન, નામશુંગના રહેવાસીઓને જમીનની માલિકીના અધિકારો હજુ સુધી મળ્યા નથી. તેઓ ભૂતપૂર્વ શાહી પરિવારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
નેપાળમાં સ્વદેશી લોકોના અધિકારો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા સેન્ટર ફૉર ઇન્ડિજિનસ પીપલ્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના પાસંગ ડોલ્મા શેરપાએ જણાવ્યું હતું કે સામડઝોંગ જેવી સંવેદનશીલ સમુદાય માટે જમીનના અધિકારો સુનિશ્ચિત કરવા જરૂરી છે. આવા અધિકારોના અભાવે તેમના પર હકાલપટ્ટી અને ભેદભાવ સહિતના જોખમોની તલવાર તોળાયેલી રહે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રામજનોના પુનઃસ્થાપનને ઔપચારિક સ્વરૂપ આપવા માટે સ્થાનિક સરકારે પ્રક્રિયાને માન્ય કરવાની અને જમીનમાલિકીનાં પ્રમાણપત્રો આપવાની જરૂર છે.
આ બાબતે ટિપ્પણીની બીબીસીની વિનંતીનો સ્થાનિક સરકારે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.
નવી જગ્યાએ સ્થળાંતર કરવા છતાં એવું લાગે છે કે સ્થાનિકોએ એ હકીકત સ્વીકારવી પડશે કે તેઓ પર તેમનો ભૌતિક વારસો ગુમાવવાનું જોખમ છે. આબોહવા સંકટને કારણે તેમના ઐતિહાસિક મઠો અને સ્કાય કેવ્ઝ પર જોખમ તોળાઈ રહ્યું છે.
મસ્તાંગમાં વધતા વરસાદને લીધે માટીનું સ્થાપત્ય અસ્થિર થઈ ગયું છે. જોરદાર પવન, ભેજ અને ઊંચા તાપમાનને કારણે, 15મી સદીમાં નિર્મિત મઠો પર પહેલાંથી માઠી અસર થઈ છે.
એક વખતે જે દીવાલ શ્વેત હતી, તે હવે નિસ્તેજ ગ્રે થઈ ગઈ છે. મસ્તાંગમાના કેટલાક લોકો, નેપાળમાં અન્યત્ર ભાંગી પડેલા મઠોને બચાવી રહ્યા છે. સામડઝોંગમાં પણ આ સંસ્કૃતિ પર જોખમ છે. ગામની ગુફાઓમાં અનેક લોકો દફન થયા છે. તે હિમાલયના બૌદ્ધ પૂર્વેના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે.
ત્સેરિંગે કહ્યું હતું, “અમે અમારાં પ્રિય ઘરો અને મઠોની ખોટને સ્વીકારી લીધી છે. અમારા ગામમાં નેતૃત્વ કરી શકે તેવું કોઈ નથી. અમે પશુપાલકો છીએ. અમને કોઈ શિક્ષણ મળ્યું નથી. અમે સદીઓથી આ રીતે જીવીએ છીએ.”

ઇમેજ સ્રોત, Shanta Nepali
સમગ્ર નેપાળમાં આબોહવા પરિવર્તન પ્રેરિત સ્થળાંતર થઈ રહ્યું છે. સામડઝોંગના કિસ્સાને, હિમાલયના ઘણા સમુદાયોમાંના વલણનું ઉદાહરણ ગણી શકાય.
પાડોશના ધ્યે ગામે સ્મૃતિઓ તથા ભૂતકાળની પરંપરાના ભોગે તમામ વસાહતોને વધારે ફળદ્રુપ અને સલામત જમીનમાં સ્થાનાંતરિત કરી છે. યારા નામનું એક અન્ય ગામ પણ સ્થળાંતરના જોખમનો સામનો કરી રહ્યું છે.
મધ્ય નેપાળના નુવાકોટમાં પાણીની અછતને કારણે લગભગ સમગ્ર વસ્તીએ ધીમે ધીમે સ્થળાંતર કર્યું છે. એ જ રીતે રામેછાપના અન્ય જિલ્લાઓમાં એક માછીમાર સમુદાયે, નદી સુકાઈ જવાને કારણે અચાનક સ્થળાંતર કર્યું હતું, જ્યારે અન્ય લોકોએ રાહ જોવાનું નક્કી કર્યું હતું.
મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા અને સારી આજીવિકા મેળવવા લોકો નીચે આવેલાં સ્થળો પર સ્થળાંતર કરતા હોવાને કારણે પારિવારિક ઝઘડા પણ થાય છે.
નેપાળના પાટણમાં સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટન ડેવલપમૅન્ટના આજીવિકા તથા સ્થળાંતર નિષ્ણાત અમીના મહાજને કહ્યુ હતું, “ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાની શક્યતા વધુને વધુ પડકારજનક બનતી જાય છે. સામડઝોંગનું સ્થળાંતર આંતરરાષ્ટ્રીય ટેકાને લીધે થઈ શક્યું, પરંતુ નુવાકોટ અને રામેછાપ બંને આંતરરાષ્ટ્રીય કે સરકારી સહાય મેળવી શક્યા નથી.”
તેમણે ઉમેર્યું હતું, “વિકટ આબોહવા ધરાવતા વિસ્તારોના લોકો સમસ્યાગ્રસ્ત વિસ્તારોમાંથી નવા વિસ્તારોમાં આપમેળે ખસી રહ્યા છે. તેમને કોઈ સરકારી સહાય મળતી નથી. નવા વિસ્તારમાં સ્થાયી થવાનો બોજ આવા લોકો પર જ હોય છે.”
સામડઝોંગ માત્ર એક ઉદાહરણ છે, એમ જણાવતાં મહાજને કહ્યું હતું, “સ્થળાંતર સતત ચાલુ છે. અમે ગ્રામ્ય આજીવિકાના સુષુપ્ત પ્રદેશોમાંથી બહાર નીકળતા અનેક લોકોને જોયા છે. સ્થળાંતર કરતા લોકોનું વૈશ્વિક પ્રમાણ છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર રીતે વધ્યું છે. તે વિસ્થાપિતોની વધતી સંખ્યાના પડકારનો સામનો કરવાની ચિંતાને ઉજાગર કરે છે. ભારે જોખમી વિસ્તારોમાં આબોહવાની આપદાને લીધે રહેવું અશક્ય બની જશે અને લોકોને સ્થળાંતરની ફરજ પડશે.”
21મી સદીના અંત સુધીમાં અપર મસ્તાંગમાં શિયાળુ તાપમાન વધીને છથી દસ ડિગ્રી સેન્ટિગ્રેડ થવાની અને ચોમાસા દરમિયાન ચારથી દસ ડિગ્રી સેન્ટિગ્રેડ થવાની ધારણા છે.
સમગ્ર પ્રદેશનો વધારે ખરાબ સમય આવવો બાકી છે, એવું ઘણા લોકો માને છે.
હિંદુ કુશ હિમાલયની પર્વતમાળામાં પડેલો બરફ અને હિમનો જથ્થો એશિયાના બે અબજ લોકોને તાજું પાણી પૂરું પાડે છે. 2023ના એક અભ્યાસના તારણ મુજબ, હિન્દુ કુશ હિમાલય 2100 સુધીમાં તેના વર્તમાન જથ્થા પૈકીનો 80 ટકા સુધીનો જથ્થો ગુમાવી શકે છે.
અફઘાનિસ્તાનથી માંડીને ભારત તથા પાકિસ્તાન સુધીના ગ્રામજનો લાંબા ગાળાના કપરા દુકાળ તેમજ હિમનદીના અદૃશ્ય થવાના સંયોજનનો અનુભવ કરી રહ્યા છે. ઓગળેલા બરફમાંથી બનેલા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.
નેપાળના કીર્તિપુરની ત્રિભુવન યુનિવર્સિટીના ક્લાયમેટ રેઝિલિયન્સ નિષ્ણાત તથા સંશોધક ધરમ ઉપ્રેતીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે પ્રકૃતિની નજીક રહેતા, ખાસ કરીને પોતાની આજીવિકા માટે પ્રાકૃતિક સંસાધનો પર આધાર રાખતા લોકો વધતા તાપમાન, અનિયમિત વરસાદ, મોસમી પેટર્નમાં ફેરફાર, સ્થળાંતરના બદલાતા માર્ગો, તીવ્ર પવન, ઘટતા ગ્લેશિયર્સ, દુષ્કાળ અને પાણીના સ્તરમાં વધારા જેવી સમસ્યાઓનો સામનો સૌપ્રથમ કરી રહ્યા છે.
ઉપ્રેતીએ કહ્યું હતું, “એક સમયે નજીવા હતા એ ફેરફારો હવે આત્યંતિક સ્તરે વધી ગયા છે. તેના પરિણામે વિશ્વભરમાં સૌથી સંવેદનશીલ તથા નાજુક માનવ સમુદાયો માટે અભૂતપૂર્વ તથા કાયમી આફતો જથ્થાબંધ પ્રમાણમાં સર્જાઈ રહી છે.”
મસ્તાંગમાં આ શિયાળામાં જરાય હિમવર્ષા થઈ ન હતી. ગામલોકોએ મને કહ્યું હતું કે તેઓ હવે સૂકી મોસમનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. પહેલેથી જ ઓછા પાણી પુરવઠામાં વઘુ ઘટાડો થવાની ચિંતા પણ તેમને છે.
ફરી સામડઝોંગની વાત કરીએ. ગામ શાંત હતું. વિશાળ શુષ્ક લૅન્ડસ્કેપમાં કોઈ પશુધન કે દોડતાં બાળકો જોવાં મળતાં નથી. જોરદાર પવનને કારણે ટકરાતા ખડકો અથવા કાટમાળના અવાજથી નિરવ શાંતિનું મૌન તૂટે છે.
ગુરુંગ સામડઝોંગમાંના તેમના જૂના ઘરની સામે સૂકા ઘાસના પરિચિત પ્રદેશમાં શાંતિથી ડગલાં ભરે છે. તમારા અને તમારા સમુદાયનું ભવિષ્ય કેવું છે, એવો સવાલ કર્યો ત્યારે ગુરુંગે નીચું જોઈને કહ્યું હતું, “અમારી જમીનમાં અમારો ઇતિહાસ છે અને ઇતિહાસ અમારા જીવનમાં શ્વાસ ફૂંકે છે. અમારા પૂર્વજોની જમીન, અમારો પાયો જોખમમાં છે. અમારું જીવન સતત જોખમમાં છે.”












