ગુજરાતમાં નવાં સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને લોકોની વધુ બિલની ફરિયાદ કેમ છે?

પ્રીપેઇડ ઇલેક્ટ્રિક મીટર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં નવાં સ્માર્ટ મીટર લગાવાતાં વિરોધ શરૂ થયો છે અને વિરોધ કરનાર લોકોનું કહેવું છે કે નવાં મીટરથી તેમનાં વીજબિલમાં વધારો થયો છે. તો સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે નવાં મીટરથી વીજબિલમાં કોઈ વધારો થતો નથી, "આ ગ્રાહકો માટે ફાયદાકારક છે."

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ભારતભરમાં દોઢ કરોડથી પણ વધુ સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કર્યું હતું.

ગુજરાતમાં ચૂંટણી બાદ સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થતાં જ ભારે હોબાળો મચી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટ અને જામનગરમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ થયો છે.

કેટલાક લોકોએ આ મામલે વિરોધ કરીને પ્રદર્શન પણ કર્યું હતું અને જૂનાં મીટરો ફરી લગાવવા માગ કરી છે.

અધિકારીઓ અનુસાર, દક્ષિણ ગુજરાત વીજકંપનીમાં 12 હજાર જેટલાં મીટર લાગી ગયાં છે. હવે સરકારી ઑફિસમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે.

તો ગુજરાતના ઊર્જામંત્રી કનુ દેસાઈ કહે છે કે બધું નિયમ મુજબ થઈ રહ્યું છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.

સ્માર્ટ મીટરથી વિરોધ કેમ થયો છે?

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ

વડોદરા અને સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો છે. વડોદરાના ફતેહગંજ, ગોરવા, ન્યુ સમા રોડ, સુભાનપુરા વિસ્તારમાં સૌથી વધુ વીજળીનાં બિલ આવ્યાં હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.

ગોરવા વિસ્તારમાં રહેતાં નિશાબહેન દેવપુરકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સ્માર્ટ મીટરથી અમારાં વીજળીનાં બિલ અચાનક વધી ગયાં છે. અમારે વારંવાર રિચાર્જ કરવું પડે છે, અમારાં ઍવરેજ બિલ કરતાં આ બિલ વધારે છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તો સુભાનપુરાનાં રમીલાબહેન સથવારાએ કહ્યું કે "મારી પાસે સ્માર્ટ ફોન નથી. મારું વીજળીનું બિલ કેવી રીતે રિચાર્જ કરવું? નવાં મીટર નાખ્યાં પછી વીજળીનાં બિલ વધી ગયાં છે. પહેલાં બે મહિને વીજળીનું બિલ આવતું ત્યારે અમે એનું અલગ બજેટ બનાવીને રાખતા, પણ આ છાશવારે પૈસા ભરવાથી અમારું ઘરનું બજેટ અટવાઈ જાય છે."

"રિચાર્જ કરાવ્યા પછી ખબર પડી કે વીજળીનું બિલ પહેલાં કરતાં જેમ જેમ મહિનો પૂરો થાય એમ વધુ આવે છે."

તો સુરતના પુણા વિસ્તારમાં 42 સોસાયટીના રહીશોએ વધુ વીજબિલના વિરોધમાં વીજકંપની સામે ધરણાં કર્યાં હતાં અને એક આવેદનપત્ર આપી જૂનાં મીટર પરત લગાવવાની માગણી પણ કરી છે.

સુરતના પુણે વિસ્તાર મહેન્દ્ર શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ વાસ્તવમાં 'ચીટર મીટર' છે. જેમ જેમ દિવસો જાય છે એમ બિલ વધતું જાય છે."

"આ ઉનાળામાં પંખા-એસીનો વપરાશ વધે છે ત્યારે વારંવાર વીજળીનાં બિલનું રિચાર્જ કરાવવું મોંઘું પડે છે. અમે એક જ માગણી કરીએ છીએ કે વીજળીનાં જૂનાં મીટર અમને પરત મળવાં જોઈએ."

વડોદરામાં રહેતાં સુષમાબહેન કહે છે કે "2000 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું. છ દિવસ પછી બૅલેન્સ જોયું તો 1800 રૂપિયા કપાઈ ગયા હતા. શું થયું એ મને ખબર નથી."

તો મિલન શાહ કહે છે, "અગાઉ મારું બિલ બે મહિનાનું સરેરાશ 1700-1800 રૂપિયા આવતું હતું. જ્યારે હાલમાં માત્ર 20 દિવસમાં 2000 રૂપિયા કપાઈ ગયા છે. અત્યારે દોઢું અથવા પોણા બે ગણું બિલ આવે છે."

કેટલાક લોકોનું કહેવું છે કે બધા લોકો પાસે સ્માર્ટ ફોન નથી હોતા અને કેટલાક લોકોને ઑનલાઇન પેમેન્ટ કરતા ન આવડતું હોવાથી મુશ્કેલીઓ પડી રહી છે.

સ્માર્ટ મીટર શું છે અને કેવી રીતે કામ કરે છે?

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ

આ મીટર લગાવવાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મે મહિનાથી શરૂ થઈ.

અધિકારીઓ અનુસાર, કેન્દ્ર સરકારના આદેશ મુજબ દોઢ વર્ષમાં ખેતી સિવાયના વિભાગમાં 17 લાખ નવાં સ્માર્ટ મીટર લગાવાશે.

અધિકારીઓ અનુસાર, સ્માર્ટ મીટર કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત જ નહીં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં પણ લાગ્યાં છે.

અધિકારીએ આપેલી માહિતી અનુસાર, રેગ્યુલર મીટરમાં વીજકંપનીઓ દ્વારા દર બે મહિને મીટર રીડિંગ કરી બિલ આપવામાં આવે છે, જ્યારે સ્માર્ટ મીટરમાં એક ઍપ્લિકેશન છે કે જેમાં ગ્રાહક કેટલી વીજળીનો વપરાશ કરે છે, એની દર કલાકે માહિતી મેળવીને પોતાનું વીજબિલ મૉનિટર કરી શકે.

આ સ્માર્ટ મીટરમાં એ પણ ફેસેલિટી છે કે મોબાઇલ ફોનની જેમ ગ્રાહક પોતાનું વીજળીનું બિલ પ્રિપેડ ભરી શકે અને વીજળીનો જેમ જેમ વપરાશ થાય એમ ઍપ્લિકેશનથી પૈસા ભરી શકે છે.

ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ સ્માર્ટ મીટર જૂનાં મીટર જેવાં જ છે. એનો ફાયદો એ છે કે આ એક કૉમ્યુનિકેશન ઍપ્લિકેશન છે, જેનાથી રોજનો વીજ વપરાશ જોઈ શકાય છે."

બિલ વધુ આવતાં હોવાની લોકોની ફરિયાદ પર તેઓ કહે છે, "આ એક ગેરસમજણ ત્યાં ઊભી થઈ છે. અમે કેટલીક જગ્યાએ જૂનું બિલ આવે એ પહેલાં નવાં મીટર નાખ્યાં છે, એટલે કોઈનું એક મહિના કે દોઢ મહિનાનું બિલ બાકી હોય એ સ્માર્ટ મીટર લાગ્યા પછી પ્રીપેડમાં પૈસા ભરાય ત્યારે આપોઆપ જૂના બિલના પૈસા કપાઈ જાય છે, આથી ગ્રાહકોને એવું લાગે છે કે વધુ બિલના કારણે વારંવાર રિચાર્જ કરવું પડે છે."

"ઘણા લોકોને અમે એમનાં જૂના બિલ સાથે નવા મીટરના વીજવપરાશની સરખામણી કરાવી તો એ લોકો સ્માર્ટ મીટરને સમજી શક્યા છે. આમ છતાં અમે આ અંગે વધુ જાગૃતિ લાવીશું."

તો મધ્ય ગુજરાત વીજકંપનીના ડાયરેક્ટર તેજસ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સ્માર્ટ મીટરમાં ઓછામાં ઓછું 100 રૂપિયાનું રિચાર્જ કરવાની સુવિધા છે અને 300 રૂપિયા સુધી પ્રીપેડ બૅલેન્સ હોય ત્યારે મૅસેજ આપવામાં આવે છે."

તેઓ કહે છે, "બૅલેન્સ શૂન્ય થાય અને ત્યાર બાદ પણ 300 રૂપિયા સુધી બાકી હોય ત્યાં સુધી વીજકંપની દ્વારા વીજજોડાણ કાપવામાં નથી આવતું."

લોકોની ફરિયાદ છે કે બૅલેન્સ પૂરું થઈ ગયા પછી જો વીજળી જતી રહે તો તેમને શું કરવું? અધિકારીઓનું કહેવું છે કે વીજજોડાણ રાત્રે કે રજાના દિવસે કાપવામાં નથી આવતું.

સોલર સિસ્ટમવાળા વીજગ્રાહકો અંગે વાત કરતા પરમાર કહે છે કે સોલર પેનલવાળાને કેવી રીતે વપરાશની ક્રૅડિટ આપવી એની ગણતરી કરી રહ્યા છીએ.

જૂનાં મીટર કરતાં નવાં મીટરમાં વધુ બિલ આવે છે?

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ

આ સ્માર્ટ મીટર માટે દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા એક મૉનિટરિંગ રૂમમાં બનાવાયો છે, જેમાં દર અડધા કલાકે મીટરનું મૉનિટરિંગ કરવામાં આવે છે. અધિકારીના કહેવા અનુસાર, ગ્રાહકોની ફરિયાદ અહીં આવે છે અને તેનું તાત્કાલિક નિવારણ કરી દેવાશે.

જાણીતા ઇલેક્ટ્રિક એન્જિનિયર પ્રો. નરેન્દ્ર માલવિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ સ્માર્ટ મીટરમાં ગેરસમજણો થવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં વીજપરાશના સ્લેબ અલગઅલગ છે. 0થી 50 વીજયુનિટ સુધીનો ભાવ અલગ છે. 51થી 150 અને 200થી વધુ યુનિટનો ભાવ અલગ છે, જેના કારણે પ્રીપેડ સ્માર્ટ મીટરમાં પહેલા ગ્રાહકને એમ લાગે કે બિલ ઓછું છે, પણ 51 યુનિટના વપરાશ પછી ભાવ વધે અને 200 યુનિટ પછી વધુ ભાવ થાય, એટલે એને એવું લાગે કે મીટર ફાસ્ટ ફરે છે."

"આ સ્માર્ટ મીટર ભારતમાં ચાર કંપની બનાવે છે, જેને ભારત સરકારની કંપની દ્વારા ચકાસાયા પછી જ લગાવાય છે, એટલે શરૂઆતમાં બીજાં રાજ્યોમાં આ મીટર લાગ્યાં છે. પણ ગુજરાતમાં ઉનાળામાં લાગ્યાં છે અને વીજ ટેરિફના અલગ ભાવને કારણે ગેરસમજ થઈ છે."

તેઓ કહે છે કે, "પણ આ મીટરથી એક ફાયદો એ થશે કે રોજના વીજવપરાશને ધ્યાનમાં રાખી ઉદ્યોગોમાં અત્યારે જે સ્ટેગરિંગ આપવું પડે છે, એના સમયનું આયોજન થઈ શકશે."

તો સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ ચલાવતા ચીફ ઍન્જિનિયર જેએસ કેદારિયા કહે છે, "ધારો કે કોઈ એક ગ્રાહકને નવું મીટર આપવામાં આવ્યું તો જ્યારે નવું બિલ આવે ત્યારે એમનું બાકી રહેલું જૂનું બિલ પણ આવી જાય છે, એટલે ગ્રાહકને એમ લાગે છે કે બિલ વધુ આવે છે, હકીકતમાં એવું નથી. જૂનું બિલ પતી જશે તો કોઈ સમસ્યા નહીં આવે."

કૉંગ્રેસનો ભાજપ પર 'મીટરના નામે લૂંટ'નો આરોપ

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ગુજરાતમાં સ્માર્ટ મીટર મામલે રાજકીય પક્ષોએ પણ પ્રતિક્રિયા આપી છે. વીજળીના આ સ્માર્ટ મીટર આવ્યાં પછી વડોદરા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનોદ શાહે વડોદરામાં પોતાના શરીર પર માર મારીને વિરોધ કર્યો. એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે લોકોએ ભાજપને બહુમતીથી સત્તા આપી છે એટલે ભાજપ ગુજરાતના લોકોને હવે 'સ્માર્ટ મીટરના નામે લૂંટી' રહ્યો છે, જે નહીં ચલાવી લેવાય.

કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારપરિષદમાં કહ્યું કે "સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવાની છે, કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે."

"સરકાર કહે છે કે આ ગ્રાહકોના હિતમાં છે, તો એમને વિકલ્પ આપો. જેને જોઈતું હોય એને આપો, અન્યને નહીં. સ્માર્ટ મીટરના નામે પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રવૃત્તિ કરી રહી છે એ ગુજરાતીઓ માટે અન્યાય છે."

તો વડોદરાના સયાજીગંજના ભાજપના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વડોદરામાં સ્માર્ટ મીટર સામે લોકોનો વિરોધ છે, એટલે મેં મુખ્ય મંત્રીને આ બાબતની જાણ કરી છે, કારણ કે દરેક લોકો પાસે સ્માર્ટફોન નથી હોતા. કેન્દ્ર સરકારની આ યોજનાથી વીજળીનાં બિલ કેવી રીતે ગણાય છે એ સમજાવ્યા બાદ સ્માર્ટ મીટર લગાવવાની રજૂઆત કરી છે."

"વીજનિગમના અધ્યક્ષને પણ કહ્યું છે કે હાલ પૂરતાં સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દે. જૂનાં અને નવાં સ્માર્ટ મીટરમાં વીજવપરાશની ગણતરી કેવી રીતે થાય છે એ લોકોને સમજાવ્યા બાદ સ્માર્ટ મીટર લગાવવા કહ્યું છે."

તો ગુજરાતના ઊર્જામંત્રી કનુ ભાઈ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સ્માર્ટ મીટરમાં કોઈ ગરબડ નથી. અમે અધિકારીઓને લોકોની તકલીફ સમજી સ્માર્ટ મીટર લગાવવા કહ્યું છે, જેથી લોકોની ગેરસમજણો દૂર થાય."

બીબીસી