દાહોદ લોકસભામાં કુપોષણ અને પાણીની સમસ્યાનો પ્રશ્ન કેમ ઉકેલાતો નથી?

ઇમેજ સ્રોત, Pavan Jayaswal / BBC
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, દાહોદથી
ધારો કે તમે દાહોદના કોઈ ગામડાની મુલાકાત લઈ રહ્યા છો અને તમારે ત્યાં ટોઇલેટનો ઉપયોગ કરવાની જરૂર પડે છે તો તમારે પ્રથમ એ તપાસી લેવું જોઈએ કે એ ટોઇલેટ ભારત સરકારનાં 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ બનેલું છે કે નહીં.
કારણ કે દાહોદનાં અનેક ગામડાંમાં 'સ્વચ્છ ભારત મિશન' યોજનાના નામે ઘરની બહાર ટોઇલેટ તો દેખાય છે, પરંતુ તે ટોઇલેટની અંદર કમોડ, પાણી કે ડ્રેનેજ કનેક્શન જેવું કંઈ જ નથી હોતું.
હાલમાં જ બીબીસી ગુજરાતીની ટીમે દાહોદનાં આવાં અનેક ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં ટોઇલેટની દિવાલો તો હોય છે, પરંતુ તેમાં કોઈ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી નથી. જેના કારણે લોકો તેનો અન્ય કામમાં ઉપયોગ કરે છે.
કેટલાક લોકો તેમાં બોરવેલનું મીટર ફીટ કરી દે છે તો કેટલાક તેમાં ઘાસચારો મૂકીને રાખે છે. અને શૌચક્રિયા માટે આખરે તો તેમને ખુલ્લામાં જ જવું પડે છે.
દાહોદનાં વિવિધ ગામોની મુલાકાત લેતી વખતે મોટાભાગનાં ગામડાંમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી.
‘અધિકારીઓ માત્ર દીવાલો ઊભી કરીને જતા રહ્યા’

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
દાહોદના એક નાનકડા ગામ બારાની મુલાકાત લેતા સમયે અમે રાયસિંગભાઈ નાયકના ઘરની મુલાકાત લીધી. આ યોજના હેઠળ બનેલાં શૌચાલયમાં તેમણે પોતાના બોર માટેનું ઇલેક્ટ્રિક મીટર રાખેલું છે.
આ વિશે જ્યારે અમે તેમને પૂછ્યું તો રાયસિંગભાઈએ જણાવ્યું કે, “અધિકારીઓ આવીને આ જગ્યા જોઈને ગયા અને પછી દીવાલો ઊભી કરીને જતા રહ્યા. ત્યારબાદ કોઈ અહીં આવ્યું નથી. અમે ઘણીવાર સરકારી કચેરીઓના ધક્કા ખાધા છે, પરંતુ કમોડ ફીટ કરવા માટે કોઈ અહીં આવ્યું જ નહીં. છેલ્લે કંટાળીને અમે અહીં વીજળીનું મીટર ફીટ કરી દીધું છે.”
રાયસિંગભાઈના ઘરથી થોડે જ દૂર આવેલા અમે કાનજીભાઈ નાયકના ઘરે ગયા તો ત્યાં અમને લગભગ સમાન સમસ્યા જોવા મળી. કાનજીભાઈના શૌચાલયમાં કમોડ તો ફીટ થઈ ગયું હતું, પરંતુ તેમને ગટરનું કોઈ કનેક્શન મળ્યું ન હતું. એટલે કે શૌચાલયનું પાણી કાઢવા માટે એક નાનકડો ખાડો ખોદીને તેમને આપી દેવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “આટલા નાના ખાડામાં શૌચાલયનું કનેક્શન ન થઈ શકે તેવું અમે અધિકારીઓને અનેક વખત કહ્યું પરંતુ કોઈએ અમારું સાભળ્યું નહીં અને અમને જબરદસ્તીથી આ શૌચાલય બનાવી આપ્યું હતું. આનો ઉપયોગ અમે એક દિવસ પણ નથી કરી શક્યા.”
મહિલાઓ અને બાળકોમાં કુપોષણ

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દાહોદના અનેક વિસ્તારોમાં બીબીસી ગુજરાતીની ટીમને એવાં અનેક મહિલાઓ મળ્યાં જેઓ પોતે અથવા તો તેમનાં બાળકો કુપોષણને કારણે પરેશાન હોય.
બીજલી નાયકના બે દીકરાઓ છે અને તેમને કુલ ચાર બાળકો છે. તેમના પરિવારમાં જન્મેલા આ ચારેય બાળકો કુપોષિત છે.
તેઓ કહે છે કે, “આ ચારેય બાળકોનાં જન્મ પહેલાં અમે તમામ સરકારી કામગીરી કરીને ફૉર્મ ભર્યાં હતાં. ચારમાંથી માત્ર એક બાળકને જ જન્મ સમયે રોકડ સહાય મળી હતી. ત્રણ બાળકોના જન્મ સમયે અમને કોઈ જ સહાય મળી નહોતી. અમને સારો પોષણયુક્ત આહાર મળતો નથી જેથી અમને સરકારી સહાયની જરૂર હોય છે. પરંતુ સરકાર અમારા સુધી ક્યારેય પહોંચી જ નથી શકી.”
દાહોદ જિલ્લો છેલ્લા ઘણા દાયકાઓથી કુપોષણની સમસ્યાનો ભોગ બની રહ્યો છે. ફેબ્રુઆરી 2024માં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે દાહોદમાં 18,326 કુપોષિત બાળકો છે જે અમદાવાદથી લગભગ આઠ ગણો વધારે દર છે. જોકે, સરકારે તેના માટે કોરોના મહામારીને જવાબદાર ગણાવી હતી.
કુપોષણની સમસ્યા વિશે વાત કરતા આ વિસ્તારની મહિલાઓ સાથે કામ કરતાં મંગુબહેન જણાવે છે કે, “આ વિસ્તારમાં અંધવિશ્વાસ અને યોગ્ય ખોરાકની ઉણપ કુપોષણનું મુખ્ય કારણ છે, અને તેના માટે સરકારના પ્રયાસો ઓછા પડે છે. જેના કારણે આ સમસ્યાનો અંત આવતો નથી.”
મંગુબહેન આનંદી સંસ્થાનાં પ્રોગ્રામ કૉ-ઓર્ડિનેટર છે, જેઓ દાહોદના વિસ્તારોમાં મહિલાઓના અધિકારો માટે કામ કરે છે.
અન્ય કર્મશીલ કુસુમબહેન પુનાભાઈ કહે છે કે, “નેતાઓ તો આવે છે, ચૂંટણી સમયે વાયદાઓ કરે છે. પરંતુ કુપોષણની સમસ્યા હોય કે પાણી મળવાનો વાયદો હોય, આજ સુધી આ પ્રકારની કોઈપણ સમસ્યાના નિવારણ માટે ચૂંટણી જીત્યા બાદ કોઈ નેતાએ પાછા ફરીને અમારી તરફ જોયું નથી. આ પ્રકારની સમસ્યાના નિરાકરણ માટે આ વખતે પણ કોઈ નેતાથી અમને આશા નથી.”
શહેરમાં સ્માર્ટ સિટીના મુદ્દાની પણ અસર

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
જોકે, આ ગ્રામ્ય વિસ્તારથી દૂર દાહોદ શહેરમાં પણ બીબીસીની ટીમ પહોંચી હતી. જ્યાં અમે અનેક લોકોને મળીને લોકસભાની ચૂંટણીનો માહોલ જાણવાનો પ્રયાસ કર્યો હતો. દાહોદ એસ.ટી. સ્ટેન્ડ પર ચા-નાસ્તા માટે આવેલા અનેક લોકો સાથે વાત કરીને વિસ્તારની સમસ્યાઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ભરચક એવા આ વિસ્તારમાં અમે ઘણા લોકો સાથે વાત કરી. કોઈએ દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાતને બિરદાવી હતી. તો કોઈએ આ નિર્ણયને કારણે લોકોને થતી તકલીફોની વાત કરી હતી.
અહીંના રહેવાસી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું, કે સ્માર્ટસિટીને કારણે દેશભરમાં દાહોદનું નામ લોકોમાં ચર્ચાયું છે, જેના કારણે લોકોનું જીવનધોરણ સુધરશે. જોકે, આ પ્રોજેક્ટને કારણે અનેક લોકો માને છે કે તેમને પરેશાની થઈ રહી છે.
જેમ કે, આસિફભાઈ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “દાહોદ વિસ્તારની વર્ષો જૂની નગીના મસ્જીદ આ પ્રોજેક્ટને કારણે તોડી પાડવામાં આવી. જોકે, ત્યારબાદ અમને ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપી દીધો હતો, પરંતુ તે પહેલાં જ આ મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. જેના કારણે અનેક લોકો સરકારથી નારાજ છે, જેની સીધી અસર આ વખતે ચૂંટણીમાં પડશે.”
જોકે બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓનું કહેવું હતું કે દાહોદ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી છે. એટલે દરેક ગામડામાં હવે ભાજપનો કાર્યકર્તા હાજર છે, માટે હવે અહીંથી ક્યારેય કૉંગ્રેસ જીતી નહીં શકે.
દાહોદમાં કોના વચ્ચે લડાઈ?

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
દાહોદ લોકસભામાં સાત વિધાનસભા આવે છે, જેમાં દાહોદ, ગરબાડા, સંતરામપુર, દેવગઢબારિયા, ફતેહપુરા, લીમખેડા અને ઝાલોદનો સમાવેશ થાય છે.
જેમાં દાહોદ અને ઝાલોદ સિવાયની તમામ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે. આ તમામ બેઠકો પર એક સમયે કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ હવે ઘણા આદિવાસી વિસ્તારોમાં ભાજપનો દબદબો જોવા મળે છે.
દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપે જશવંતસિંહ ભાભોરને ટિકિટ આપી છે. તેઓ છેલ્લી બે ટર્મથી અહીંના ચૂંટાયેલા સંસદસભ્ય છે.
કૉંગ્રેસે તેનાં પૂર્વ સંસદસભ્ય ડૉ. પ્રભાબહેન તાવિયાડને અહીંથી ટિકિટ આપી છે. તેઓ આ બેઠક પરથી 2009માં ચૂંટાયાં હતાં.
ગત ચૂંટણીમાં અહીં ભાજપના જશવંતસિંહ ભાભોરે 1.27 લાખ મતે જીત મેળવી હતી.












