વાજપેયીથી મોદી સુધી, દિગ્ગજો સામે 239 ચૂંટણી લડી ચૂકેલા 'ઇલેક્શન કિંગ'ની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુભાષચંદ્ર બૉઝ
- પદ, બીબીસી
ભારતમાં ચૂંટણીને લોકતંત્રના મહાઉત્સવ તરીકે જોવામાં આવે છે. દરેક ચૂંટણી દરમિયાન વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો ચૂંટણી મેદાનમાં ઊતરે છે, જેમાંથી કેટલાક સ્ટાર હોય છે તો કેટલાક સાવ સામાન્ય ઉમેદવાર.
જોકે, એક વાત સ્પષ્ટ છે કે દરેક ઉમેદવાર જીતવાના ઇરાદા સાથે જ મેદાને ઊતરતો હોય છે, પણ આ બધામાં એક ઉમેદવાર અપવાદ છે.
તામિલનાડુના સેલમ જિલ્લામાં આવેલા મેટ્ટૂરમાં રહેતા કે. પદ્મરાજન માટે કોઈ પણ ચૂંટણીનો ટાર્ગેટ 'પરાજય' જ રહ્યો છે! ચોંકી ન જશો, આ હકીકત છે. તેમણે વર્ષ 1988થી અત્યાર સુધી 239 ચૂંટણીઓ લડી છે. ભારતમાં સૌથી વધુ ચૂંટણીઓ લડવાનો રેકૉર્ડ તેમના નામે છે. જોકે, એ અલગ વાત છે તેઓ ચૂંટણી જીતવાની હજી રાહ જોઈ રહ્યા છે.
કેટલા રાજ્યોમાં ચૂંટણી લડી ચૂક્યા છે પદ્મરાજન?

ઇમેજ સ્રોત, K PADMARAJAN
પદ્મરાજને 12 રાજ્યોમાં અલગ-અલગ મતવિસ્તારોમાં ચૂંટણીઓ લડી છે, જેમાં વિધાનસભા, લોકસભા ઉપરાંત રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી પણ સામેલ છે.
ભારતમાં ચૂંટણી લડવાની પાત્રતાવાળી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાથી ચૂંટણી લડી શકે છે.
પદ્મરાજને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, “સાચું કહું તો મારો ટાર્ગેટ હજી વધારે ચૂંટણીઓ હારવાનો છે.”
આ વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે પણ આ જ તેમની ઈચ્છા છે. જોકે, સૌથી મોટો સવાલ છે કે 'ઇલેક્શન કિંગ' તરીકે ઓળખાતા પદ્મરાજનને ચૂંટણી લડવામા રસ કેમ પડ્યો? તેમણે શાળાનો અભ્યાસ પૂર્ણ થાય તે પહેલાં જ સાઇકલ રિપેરિંગનું કામ શરૂ કરી દીધુ હતું.
તેમણે કૉલેજ ગયા વિના ડિસટન્સ ઍજ્યુકેશન થકી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. જોકે, તેમનો મુખ્ય વ્યવસાય આજે પણ સાયકલ રિપેરિંગનો જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણી લડવા માટે રૂપિયા ક્યાંથી આવે છે?

ઇમેજ સ્રોત, K PADMARAJAN
હારવાના ટાર્ગેટ સાથે ચૂંટણી લડનારા પદ્મરાજનને એમના આ અભિયાનમાં પરિવારનું સમર્થન મળે છે?
આ સવાલનો જવાબ આપતાં તેઓ જણાવે છે, “શરૂઆતમાં લોકોએ ઘણો વિરોધ કર્યો. જોકે, તેમને સમય સાથે મારી વાત સમજાઈ ગઈ.”
પદ્મરાજનના દીકરા શ્રીજેશ એમબીએ ગ્રૅજ્યુએટ છે. પિતાની હઠ વિશે વાત કરતાં તેઓ જણાવે છે, “હું જ્યારે ભણતો હતો ત્યારે મારા પિતાથી નારાજ રહેતો. મને આશ્ચર્ય થતું કે તેઓ આ શું કરી રહ્યા છે. જોકે, હું જ્યારે મોટો થયો ત્યારે મને સમજ પડી કે મારા પિતાનું લક્ષ્ય શું છે.”
“તેઓ સામાન્ય લોકોને સંદેશ પહોંચાડવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. એ વાત સમજ્યા બાદ મેં હંમેશાં તેમનો સાથ આપ્યો છે.”
ચૂંટણી લડવાને કારણે કથળી પરિવારની સ્થિતિ

ઇમેજ સ્રોત, K PADMARAJAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સતત ચૂંટણી લડવાને કારણે પરિવારને આર્થિક નુકશાન તો થઈ જ રહ્યું છે. આ ઉપરાંત તેમને પણ અણધાર્યાં જોખમોનો પણ સામનો કરવો પડ્યો છે.
કે. પદ્મરાજને દાવો કર્યો છે કે વર્ષ 1991માં આંધ્ર પ્રદેશના નાંદયાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે પી. વી. નરસિમ્હા રાવ વિરુદ્ધ ઉમેદવારીનું ફૉર્મ ભર્યું હતું અને એ વખતે કેટલાક લોકોએ તેમનું અપહરણ કરી લીધું હતું.
તેમના દાવા પ્રમાણે, તેઓ કોઈ પણ રીતે અપહરણ કરનારાઓની જાળમાંથી છૂટ્યા અને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. જોકે, એ વાતની પણ તેમની ચૂંટણી લડવાની ઈચ્છા પર કોઈ અસર નથી પડી.
પૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવ સિવાય પદ્મરાજને 2004માં લખનૌમાં અટલ બિહારી વાજપેયી સામે, 2007 અને 2013માં આસમામાં મનમોહન સિંહ સામે અને 2014માં વડોદરામાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણીઓ લડી હતી.
આ ઉપરાંત તેઓ ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિઓ કે. આર. નારાયણ, અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખરજી, રામનાથ કોવિંદ અને વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.
તેમણે તામિલનાડુમાં કે. કરૂણાનિધિ, જે. જયલલિતા, એમ. કે. સ્ટાલિન અને ઇ. કે. પલાનીસ્વામી, કર્ણાટકમાં સિદ્ધારમૈયા, બાસવરાજ બોમ્મઈ, કુમારાસ્વામી અને યેદિયુરપ્પા, કેરળમાં પીનરાઈ વિજયન અને તેલંગણામાં કે. ચન્દ્રશેખર રાવ જેવા મુખ્ય મંત્રીઓ સામે પણ ચૂંટણીઓ લડી હતી.
પદ્મરાજન ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા જાય કે નહીં? આ સવાલના જવાબમાં તેઓ જણાવે છે કે તેઓ માત્ર નામાંકન દાખલ કે છે, ચૂંટણીપ્રચાર નથી કરતા.
પદ્મરાજનને સૌથી વધારે વોટ ક્યાં મળ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
પદ્મરાજને રાહુલ ગાંધી વિરુદ્ધ વાયનાડથી 2019માં ચૂંટણી લડી હતી, જ્યાં તેમણે 1887 મતો મળ્યા હતા. જોકે, એક વખત સ્થિતિ એવી સર્જાઈ હતી કે તેમને પોતાના વૉર્ડની ચૂંટણીમાં એક પણ મત નહોતો મળ્યો.
આ ઉપરાંત 2011માં મેટ્ટૂર વિધાનસભાની ચૂંટણીમાં તેમને 6273 મતો મળ્યા હતા, જે કોઈ પણ ચૂંટણીમા તેમને મળેલા સૌથી વધારે મતો છે.
પદ્મરાજનના મત પ્રમાણે તેમની નીતિ ચૂંટણી હારવાની છે. આ કારણે જ તેમનું નામ 'લિમ્કા બુક ઑફ રેકૉર્ડસ'માં સૌથી વધારે ચૂંટણી હારનાર ઉમેદવાર તરીકે નોંધાયેલું છે. તેમની ઇચ્છા હવે સૌથી વધારે ચૂંટણી લડવા માટે 'ગિનીસ બુક ઑફ રેકૉર્ડ્સ'માં સામેલ થવાનું છે.
જોકે, ભારતમાં પદ્મરાજન પહેલાં કાકા જોગિંદરસિંહ ધરતીપકડે પણ સતત ચૂંટણી લડીને દાખલો બેસાડ્યો હતો. તેમણે 1962માં ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. વર્ષ 1998માં તેમના મૃત્યુ પહેલાં તેમણે લગભગ 300 ચૂંટણીઓ લડી હતી.
તેમણે સ્થાનિક ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિની ચૂંટણીમા પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેઓ ચૂંટણીક્ષેત્રમાં પોતાનો પ્રચાર પણ કરતા અને લોકોને અપીલ કરતા કે તેમને મત ન આપે.
લોકસભા 2024ની ચૂંટણી માટે પદ્મરાજન તામિલનાડુની ધર્મપૂરી બેઠક પરથી નામાંકન દાખલ કરી ચૂક્યા છે.
પદ્મરાજનને ભરોસો છે કે આ વખતે પણ તેમને હારનો સામનો કરવો પડશે. જોકે, 'ઇલેક્શન કિંગ'ની કોશિશ ધરતીપકડથી આગળ નીકળી જવાની છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












