લોકસભાની ચૂંટણી: ઓવૈસીની પાર્ટી ગાંધીનગર અને ભરૂચમાં ઉમેદવારો ઊભા રાખશે તો કોને અસર થશે?

અસદુદ્દીન ઔવૈસી ભરૂચ ગાંધીનગર ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અસદુદ્દીન ઔવૈસી
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અસદુદ્દિન ઓવૈસીની પાર્ટી 'ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન' એટલે કે એઆઈએમઆઈએમએ ગુજરાતની બે લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાનું એલાન કર્યું છે.

એઆઈએમઆઈએમ તરફથી એલાન કરવામાં આવ્યું છે કે તે ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે જ્યારે કે ભરૂચ પણ ભાજપની પરંપરાગત બેઠક છે પણ અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. 35 વર્ષ પહેલાં આ બેઠક કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો ગઢ મનાતી હતી. અહીં મુસ્લિમ મતદારોની સારી એવી સંંખ્યા છે.

એઆઈએમઆઈએમ ગુજરાતના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગોધરા, મોડાસા, અમદાવાદ અને ભરૂચમાં અમને સફળતા મળી હતી જેમાંથી પ્રેરણા લઈને અમે આ નિર્ણય લીધો છે.”

પક્ષે કરેલા એલાન અનુસાર તે ભરૂચ અને ગાંધીનગર લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારશે. તેના આ એલાનથી ગુજરાતમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ ઉમેદવારો કોના મતો કાપશે અને તેનાથી કોને ફાયદો થશે? પરંતુ એઆઈએમઆઈએમે માત્ર આ બે બેઠકો પર જ ઉમેદવાર કેમ ઉતાર્યાં? શું તેનાથી મુસ્લિમ મતોનું વિભાજન થશે અને વિપક્ષને નુકસાન જશે? તેનું શું ગણિત છે? આ સવાલોના જવાબો મેળવવા અમે ગુજરાતના મુખ્ય રાજનીતિક પાર્ટીના નેતાઓ અને રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી.

ઓવૈસીની પાર્ટીની ગુજરાતમાં ઍન્ટ્રી

અસદુદ્દીન ઔવૈસી ભરૂચ, ગાંધીનગર, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં 2021માં થયેલી ઔવૈસીની સભાનું દૃશ્ય

ગુજરાતની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ મતોના વિભાજનથી વિવિધ પાર્ટીને થતાં નફા-નુકસાનને સમજવા માટે અઢી વર્ષ પહેલાં અમદાવાદ શહેર સહિત ગુજરાતની મહાનગરપાલિકાઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં લેવી પડે.

ખાસ કરીને, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સરળતાથી સત્તા મેળવી હતી, પણ વર્ષ 2021માંપહેલીવાર અમદાવાદની 192માંથી સાત બેઠકો પર એઆઈએમઆઈએમનો વિજય થયો હતો. આ તમામ બેઠકો પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ મનાતી જમાલપુર અને મક્તમપુરા વૉર્ડની બેઠકો હતી. ઓવૈસીનો પક્ષ આ બેઠકો પર ગાબડું પાડવામાં સફળ થયો હતો.

એઆઈએમઆઈએમએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 13 ઉમેદવારોને ઉતાર્યા હતા અને તેમાંથી 12 ઉમેદવારો મુસ્લિમ હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિધાનસભામાં તેઓ એક પણ બેઠક જીતી શક્યા ન હતા. મુસ્લિમ મતદારોના પ્રભુત્ત્વવાળી દરિયાપુર બેઠક વર્ષોથી કૉંગ્રેસના ફાળે આવતી રહી છે. આ બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 5243 મતે વિજય થયો હતો. જ્યારે આ જ બેઠક પર આપ અને એઆઈએમઆઈએમના ઉમેદવારોને અનુક્રમે 4164 અને 1771 મતો મળ્યા હતા.

એ જ રીતે જમાલપુર-ખાડિયા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાનો વિજય થયો હતો પરંતુ તેમના જીતનું અંતર 2017ની જીત કરતાં 16 હજાર મતો જેટલું ઘટી ગયું હતું. આ બેઠક પર એઆઈએમઆઈએમના ઉમેદવારને 15,655 મતો મળ્યા હતા.

જૂનાગઢની માંગરોળ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનો 22501 મતે પરાજય થયો હતો. જ્યારે આ બેઠક પર આપના ઉમેદવારને 34414 અને એઆઈએમઆઈએમના ઉમેદવારને 10789 મતો મળ્યા હતા.

ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, અહીંથી દેશના ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવાર છે. જ્યારે કૉંગ્રેસે ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસનાં પ્રમુખ સોનલબહેન પટેલને મેદાનમાં ઉતાર્યાં છે, ત્યારે અહીં એઆઈએમઆઈએમ દ્વારા મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે.

બહુચર્ચિત ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ પક્ષ જે ઉમેદવાર ઉતારશે તે ઉમેદવાર મુસ્લિમ હોવાની સંભાવના છે. આથી, જાણકારો કૉંગ્રેસના ટેકાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનેલા ચૈતર વસાવાને નુકસાન થાય તેવી શંકા સેવી રહ્યા છે. આ બેઠક ઉપર ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને સાતમીવાર મેદાનમાં ઉતાર્યા છે.

'ભાજપની બી ટીમના આરોપો' અંગે એઆઈએમઆઈએમનું શું કહેવું છે?

અસદુદ્દીન ઓવૈસી ભરૂચ ગાંધીનગર ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sabir Kabliwala/FB

ઇમેજ કૅપ્શન, એઆઈએમઆઈએમના ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલા અને અસદુદ્દીન ઓવૈસી

ઘણીવાર એઆઈએમઆઈએમ પર 'ભાજપની બી ટીમ' હોવાનો આરોપ લાગતો રહ્યો છે.

આ અંગે એઆઈએમઆઈએમના ગુજરાત અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમારી ઉપર ભાજપની ‘બી’ ટીમ હોવાનો આરોપ કૉંગ્રેસ કે અન્ય વિપક્ષ દ્વારા લગાડવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે, કૉંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય એક જ પ્રકારની વિચારધારાવાળી પાર્ટીઓ છે.”

“અમે લોકસભાની ચૂંટણીમાં હાલ બે બેઠકો ઉપર ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે. અમે રણનીતિના ભાગરૂપે આ બેઠકોની પસંદગી કરી છે. આ બેઠકો ઉપર સૌથી વધુ મુસ્લિમ મતદારો છે.”

તેમણે ઉમેર્યું, “ભરૂચ લોકસભા સીટ પર ચાર લાખ મુસ્લિમ મતદારો છે જ્યારે ગાંધીનગર લોકસભા સીટ પર અઢી લાખ મુસ્લિમ મતદારો છે. ભાજપને આજની પરિસ્થિતિ સુધી પહોંચતા ઘણાં વર્ષ લાગ્યા છે. જેથી દરેકે ક્યાંકથી તો શરૂઆત કરવી પડે અને લડવું જોઈએ તો જ આગળ વધી શકાય. બે વર્ષ બાદ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે અમે અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ.”

કાબલીવાલાએ કહ્યું, “2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં અમારી બેઠકો આવી હતી, મોડાસા નગરપાલિકામાં અમે વિપક્ષમાં આવી ગયા હતા તેમજ ગોધરા નગરપાલિકામાં અમે બૉર્ડ બનાવ્યું હતું. અમે મહેનત કરીએ છીએ. રમઝાન બાદ અમારા ઉમેદવારોનાં નામો જાહેર કરવામાં આવશે અને એ મજબૂત હશે.”

ગાંધીનગરનું ગણિત શું છે?

અસદુદ્દીન ઔવૈસી ભરૂચ ગાંધીનગર ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવાર છે

ગાંધીનગર લોકસભા બેઠક ‘ભાજપનો ગઢ’ ગણાય છે. કૉંગ્રેસે છેલ્લે 1984માં ગાંધીનગર લોકસભા બેઠક ઉપર જીત મેળવી હતી. ત્યારબાદ આ બેઠક ઉપરથી સતત નવ વખત ભાજપના ઉમેદવારો જ જીત્યા છે.

ભાજપના ઉમેદવાર તરીકે અહીંથી પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણી ચૂંટણી જીતીને સંસદસભ્ય બન્યા હતા. પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પણ અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે જીતી ચૂક્યા છે.

વર્તમાનમાં અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના સંસદસભ્ય છે અને હવે તેઓ ફરીથી ગાંધીનગરની બેઠક માટે ચૂંટણીમેદાનમાં છે.

ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી વેજલપુર વિધાનસભા બેઠકમાં મક્તમપુરા વૉર્ડ અને સરખેજ વૉર્ડના વિસ્તારો આવે છે. જેમાં જુહાપુરા વિસ્તાર પણ સામેલ છે. જુહાપુરામાં અઢી લાખ જેટલા મુસ્લિમ મતદારો હોવાનો અંદાજ છે.

આ સિવાય ગાંધીનગર લોકસભા બેઠકમાં અમદાવાદ શહેરની વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી જેવી વિધાનસભા બેઠકોનો વિસ્તાર આવે છે.

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષી કહે છે, “ગાંધીનગર કૉંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ મહિલામંડળો સાથે કામ કરે છે. તેમને જુહાપુરા, સરખેજ વિસ્તારમાંથી મત મળી શકે એમ છે. આથી, આ મતોનું વિભાજન થાય એટલા માટે આવા ઉમેદવાર ઊભા રાખવામાં આવે છે. વિરોધી ઉમેદવારના મતો તોડવા માટે અન્ય ઉમેદવારોને ઊભા રાખવાની આ ખૂબ જૂની સ્ટ્રૅટેજી છે.”

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈના મતે એઆઈએમઆઈએમની ચૂંટણીમાં હાજરી ભાજપને ફાયદો કરાવે છે તે વાત લોકો જાણી ગયા છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “આ પાર્ટીની ભૂમિકા મુસ્લિમ મતોનું વિભાજન કરવાની છે. તે ભાજપની ‘બી’ ટીમ તરીકે કામ કરે છે. બિહારમાં એમને થોડું સારું પરિણામ મળ્યું પરંતુ ત્યારબાદ લોકો સમજી ગયા એટલે ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં લોકોએ તેમને મત ન આપ્યા.”

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ પણ માને છે કે એઆઈએમઆઈએમ પાર્ટી એ મત કાપવાનું કામ કરે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તેઓ સારું પર્ફૉર્મન્સ કરી શક્યા ન હતા. પરંતુ તેમણે મતોના વિભાજન કરવાનું કામ કર્યું હતું. બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં પણ આમ જ જોવા મળ્યું હતું.”

જોકે, એઆઈએમઆઈએમનું કહેવું છે કે તેમને રાજ્યોમાં તેમની ફૂટપ્રિન્ટ વધારવી છે.

ભરૂચ બેઠકનું શું ગણિત છે?

અસદુદ્દીન ઔવૈસી ભરૂચ ગાંધીનગર ગુજરાત બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભરૂચમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને મજબૂત ઉમેદવારો છે

બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક ઉપર 4 લાખ મુસ્લિમ મતદારો છે. જેમાં ગત લોકસભા 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસે શેરખાન નામના મુસ્લિમ ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા. જે વર્તમાન સંસદસભ્ય મનસુખ વસાવા સામે હારી ગયા હતા.

મનસુખ વસાવા ભરૂચ બેઠક ઉપર સતત છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ સાતમી વખત મેદાનમાં છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર છેલ્લે કૉંગ્રેસના અહેમદ પટેલ 1984માં ચૂંટણી જીત્યા હતા.

‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૈતર વસાવાને મેદાનમાં ઉતારાયા છે. તેઓ ડેડિયાપાડા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવાનું શાબ્દિક યુદ્ધ સતત ચાલતું રહે છે.

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષી માને છે કે, “ગુજરાતમાં સંગઠનનું મજબૂત માળખું પણ ન ધરાવતો આ પક્ષ ચૂંટણીમાં મતોનું વિભાજન જ કરે છે. આ પક્ષ હૈદરાબાદ સિવાય દેશમાં ક્યાંય પણ બેઝ ધરાવતો નથી. અહીં (ગુજરાતમાં) એમનું કોઈ સંગઠન પણ નથી. ભરૂચમાં તે આપ પાર્ટીના મત અને ગાંધીનગરમાં કૉંગ્રેસના મતોના વિભાજનનું કામ કરશે.”

અજય ઉમટ કહે છે કે, “બંધારણ તેમને ચૂંટણી લડવાનો અધિકાર આપે છે, એટલે તેઓ લડી શકે છે. પણ ભરૂચ અને ગાંધીનગરમાં તેમના જીતવાની શક્યતાઓ નહીંવત છે. ભરૂચમાં ચૈતર વસાવા મજબૂત ઉમેદવાર છે. તેઓ યુવા નેતા છે અને તેમના વિસ્તારમાં લોકપ્રિય છે. જો એઆઈએમઆઈએમ તેમનો ઉમેદવાર ઊભો રાખશે તો મતો તૂટશે અને દેખીતી રીતે ભાજપને જ ફાયદો થશે."

હરિ દેસાઈ કહે છે, “આ વખતે મનસુખ વસાવાએ ટિકિટ કપાવવાની વાત હતી, પરંતુ ચૈતર વસાવાની લોકપ્રિયતા જોતાં ભાજપે મનસુખ વસાવાને ફરીથી ટિકિટ આપી. આમ, ભરૂચમાં પહેલેથી જ બંને મજબૂત ઉમેદવાર છે."

તેઓ કહે છે, “ભરૂચમાં અહમદ પટેલના પરિવારનાં બે સંતાનો જે વાત કરી રહ્યાં છે તેનો પણ થોડો ઘણો ફાયદો ભાજપને થશે. ભરૂચમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા મજબૂત છે તો તેમને હરાવવા માટે આ લોકો એઆઈએમઆઈએમ ઉપરાંત હમણાં મહેશ વસાવાને પણ ભાજપમાં લઈ આવ્યા. આમ, ભાજપ ત્યાં ઘણા પ્રયત્નો કરી રહ્યો છે.”

ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું શું કહેવું છે?

અસદુદ્દીન ઔવૈસી ભરૂચ ગાંધીનગર ગુજરાત બીબીસી ગુજરાતી

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે,"એઆઈએમઆઈએમ કે અન્ય કોઈ પણ પાર્ટી ચૂંટણી લડતી હોય, પરંતુ ભાજપ પોતાના વિકાસનાં કામોને આધારે પોઝિટિવ મત મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેના માટે ભાજપના કાર્યકર્તાઓ મહેનત કરે છે. 1995થી અનેક પાર્ટીઓ ચૂંટણી લડવા માટે ગુજરાતમાં આવી છે, પરંતુ ગુજરાતની જનતા સમજે છે કે તેમના માટે સારો વિકલ્પ કયો છે. જેથી કોઈ પણ પાર્ટી લડે, પરંતુ અમારે આ અંગે ચિંતા કરવાની નથી."

તેઓ વધુમાં કહે છે, "ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે જે વિકાસનાં કામો કર્યાં છે, તેના કારણે અમે કૉન્ફિડન્ટ છીએ. અમે દરેક બેઠક ઉપર 5 લાખ કરતાં વધારે સરસાઈથી જીત માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ."

જોકે, કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી એઆઈએમઆઈએમ પર લઘુમતી મતોનું વિભાજન કરાવીને ભાજપને મદદ કરવાનો આરોપ મૂકે છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, " તેના નેતા ઓવૈસી ઘૃણાસ્પદ ભાષણ કરે તો પણ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. એ જ દર્શાવે છે કે તેઓ ભાજપપ્રેરિત છે અને ભાજપને જ્યારે પણ મતોના વિભાજન માટે જરૂર પડે ત્યારે તે મદદ કરે છે.”

દોશીએ વધુમાં કહ્યું, “ગત ચૂંટણીમાં લોકો તેમની વાતમાં આવી ગયા હતા. પરંતુ હવે લોકો તેમને ઓળખી ગયા છે કે તેઓ માત્ર ભાજપને જ મદદ કરવા જ ઊભા રહે છે. લોકો બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો વગેરેને ધ્યાનમાં રાખીને ભાજપને હરાવવા માટે મતદાન કરશે તેનો અમને ભરોસો છે."

આપના પ્રવકતા ડૉ. કરણ બારોટ પણ એઆઈએમઆઈએમને ભાજપની જ ‘બી ટીમ’ ગણાવે છે.

તેમણે કહ્યું, "ભાજપ દ્વારા બંધારણ અને લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી તેની સામે લડી રહી છે અને જીતી રહી છે એટલે ભાજપ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને અમને રોકી રહ્યો છે. ભાજપને જ્યારે એવું લાગે કે તે જીતી શકે એમ નથી ત્યારે આ રીતે ‘બી ટીમ’ તરીકે મત તોડવા માટે બીજા પક્ષને ચૂંટણીમાં ઉતારે છે.”

તેમણે કહ્યું, “અમે એઆઈએમઆઈએમ તેમજ છોટુભાઈ વસાવા સાથે પણ ચર્ચા કરીશું. બન્ને પાર્ટી સાથે ચર્ચા કરીને બંધારણ અને લોકશાહી બચાવવા માટે અમારા ઉમેદવારને સહયોગ આપવા માટે વાત કરીશું."

ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો ઉપર 7 મેના રોજ મતદાન થશે. આગામી 12 એપ્રિલના દિવસે ગુજરાતની લોકસભા બેઠકો માટેનું જાહેરનામું બહાર પડશે.

ગાંધીનગર લોકસભા બેઠકના મતક્ષેત્રમાં આવતા મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તાર જુહાપુરાના રહેવાસી અદનાન શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં લોકોએ એઆઈએમઆઈએમના ઉમેદવારોને મત આપીને જીતાડ્યા હતા પણ પછી કોઈ વિકાસનાં કામ જોવા મળ્યાં નથી. મક્તમપુરા વૉર્ડમાં મુસ્લિમ મતદારોએ ધાર્મિક ઝુકાવને કારણે આ પક્ષને મત આપ્યો હતો."

"અમારા વિસ્તારમાં ગુજરાતી મુસ્લિમ મતદારોની સંખ્યા ઓછી છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના મુસ્લિમો વધારે છે. આ મતદારોનો ઝુકાવ એઆઈએમઆઈએમ તરફ વધુ છે. આ સિવાય અહીં વર્ષોથી નારોલથી સરખેજ બ્રિજ બનાવવાની માંગ હતી. તાજેતરમાં જ તે બ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હોવાની વાત છે, જેના કારણે અહીં ભાજપને પણ ફાયદો થઈ શકે છે.”