રૂપાલા સામે રાજપૂતો આકરા પાણીએ, લોકસભાની ચૂંટણી પર તેની અસર થશે?

ઇમેજ સ્રોત, Parshottam Rupala/FB
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.
જાણકારો કહે છે કે રૂપાલાની આ શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
રૂપાલાની આ ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ હવે રસ્તા પર ઊતરી આવ્યા છે. રાજકોટની સ્થાનિક કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો રૂપાલાના પૂતળાનું દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. આ સિવાય ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો અને જિલ્લા કચેરીમાં આવેદન આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રાજપૂત સમાજના આગેવાનો હવે ભાજપ સમક્ષ રૂપાલાને રાજકોટ ખાતેના ઉમેદવાર તરીકે હઠાવવાની માગ કરી રહ્યા છે.
બીજી તરફ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે પણ તેના નેતાઓ આ અંગે કશું બોલવા તૈયાર નથી.
રાજકોટમાં હાલ આ મામલો એટલો ગરમ છે કે શહેરમાં રૂપાલાના નિવાસસ્થાને કડક પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
ત્યારે આ સમગ્ર વિવાદની લોકસભાની ચૂંટણી પર તેની કેવી અસર થશે તે જાણવા બીબીસીએ પક્ષના કેટલાક નેતાઓ, રાજપૂત સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના રાજકારણ પર ચાંપતી નજર રાખતા રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી.
રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
પરશોત્તમ રૂપાલાનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેઓ વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં ભાષણ આપતા દેખાઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રુખી સમાજે ના તો ધર્મ બદલ્યો ના તો વ્યવહાર કર્યો.”
આ વીડિયો જ્યારે વાઇરલ થયો ત્યારે રાજપૂત સમાજે રૂપાલા પર ‘સમાજનું અપમાન’ કર્યાનો આરોપ લગાવ્યો.
જોકે, વિવાદ વકરતો જોતા રૂપાલાએ એક વીડિયો સ્ટેટમૅન્ટ જારી કરીને માફી પણ માગી લીધી હતી.
પણ, હવે આ મામલો પોલીસ સ્ટેશને અને કોર્ટની કચેરીએ પણ પહોંચી ગયો છે.
અગાઉ રાજકોટની ક્ષત્રિય ગિરાસદાર સેનાએ રાજકોટ પોલીસ કમિશનરને પત્ર લખીને રૂપાલાના નિવેદન મામલે કડક પગલાં લઈ એફઆઈઆર નોંધવાની રજૂઆત કરી હતી.
હવે ગરાસીયા રાજપૂત આગેવાન આદિત્યસિંહ ગોહિલે આઈપીસી કલમ 499, 500 મુજબ રાજકોટની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ પ્રમાણે, ‘તાજેતરમાં 24-03-24ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં વાણીવિલાસ કરીને જણાવેલ કે મહારાજાઓ નમ્યા અને રોટી-બેટીના વ્યવહારો કરેલા. તેવું જાહેરમાં કહીને સભામાં મત મેળવવાની લાલચે અને ક્ષત્રિય સમાજને નીચા બતાડેલ.’
આદિત્યસિંહ ગોહિલે રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી છે. કોર્ટે આદિત્યસિંહનું નિવેદન લીધું હતું અને તેમને 15 એપ્રિલે સાક્ષીઓ સાથે પેશ થવા જણાવ્યું છે.
આદિત્યસિંહ ગોહિલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો છે તેનાથી મારી અને મારા સમાજની લાગણી દુભાઈ છે. અમારી ભાજપ સમક્ષ પણ માગ છે કે રૂપાલાને રાજકોટના ઉમેદવાર તરીકે હઠાવીને અન્ય ઉમેદવાર મૂકવામાં આવે. જો ભાજપ આમ નહીં કરે તો અમે રૂપાલાને હરાવવાના તનતોડ પ્રયત્નો કરીશું.”
ગુજરાતભરમાં રાજપૂત સમાજનો વિરોધ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
ન માત્ર રાજકોટમાં પરંતુ તેની આસપાસના જિલ્લાઓમાં અને અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ આ વિવાદના પડઘા પડ્યા છે.
રાજકોટમાં ચૂંટણી પંચમાં રૂપાલાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ચૂંટણી પંચે આ મામલાની તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં આજે કરણી સેનાના આગેવાનો દ્વારા રૂપાલા વિરુદ્ધમાં પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં રૂપાલાના પૂતળાના દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જૂની હાઉસિંગ બોર્ડની કચેરી પાસે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ આ કાર્યક્રમ આપ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેનાના પ્રમુખ શિવરાજસિંહ રાણા બીબીસી ગુજરાતીને આ વિવાદ મામલે પોતાનું વલણ વ્યક્ત કરતા જણાવે છે, “અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે. આજે રૂપાલા બોલ્યા કાલે કોઈ અન્ય બોલશે તે કેવી રીતે ચાલે. માત્ર માફી વાજબી નથી અમારી માગ છે કે તેમને ભાજપના રાજકોટ ખાતેના ઉમેદવાર તરીકે હઠાવવામાં આવે.”
જો ભાજપ તેમને નહીં હઠાવે તો તમે શું કરશો? આ પ્રશ્નના જવાબમાં શિવરાજસિંહ રાણાએ જણાવ્યું, “અમે તેમને હરાવીશું. અમારા સમાજનો એક ક્ષત્રિય દસ વોટ બરાબર છે. ગુજરાતભરના અમારા સમાજના આગેવાનો રાજકોટ ઊતરી પડશે અને તેમને હરાવશે.”
જોકે સુરેન્દ્રનગર પોલીસે રૂપાલાના પૂતળાદહનનો કાર્યક્રમ આપનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને રાજપૂત સમાજના 10 જેટલા આગેવાનોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.
મહેસાણાના ઉંઝામાં પણ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પોલીસને અરજી આપવામાં આવી. તેમાં તેમણે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ સામાજિક દરજ્જાને લાંછન લગાવતી અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી.
ગાંધીનગર અને અમદાવાદમાં પણ વિરોધકાર્યક્રમો આપવામાં આવ્યા છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજાએ રાજકોટ ભાજપ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા આ નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો છે.
રાજકોટમાં પણ રાજપૂત સમાજમાં ભયંકર આક્રોશને ધ્યાનમાં રાખીને પોલીસે પરશોત્તમ રૂપાલાના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
વિવાદની ભાજપને કેટલી થશે અસર?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
જાણકારો કહે છે કે રાજકોટ ભાજપનો ગઢ માનવામાં આવે છે એટલે રૂપાલાને જીતવામાં બહુ ઝાઝી તકલીફ નહીં પડે પરંતુ તેની અસર જરૂર વર્તાશે.
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “તેમણે જાહેરમાં કશું પણ બોલતા વિવેક જાળવવાની જરૂર હતી. ભલે તેમનો ઇરાદો એવો નહોતો છતાં આજે સોશિયલ મીડિયાના જમાનામાં વાતનું વતેસર થતા વાર નથી લાગતી. રૂપાલા ભાજપનો ચહેરો છે. ભાજપ તેમની ઉમેદવારી તો રદ નહીં કરે પણ આ મામલે થોડું નુકસાન જરૂર જશે.”
કૉંગ્રેસ આ વિવાદનો ફાયદો ઉઠાવી શકશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ આપતા કૌશિક મહેતા કહે છે, “કૉંગ્રેસે તો હજુ રાજકોટમાં ઉમેદવાર પણ જાહેર નથી કર્યો. ભાજપને ક્ષત્રિય વોટનું થોડું નુકસાન જશે એટલે લીડમાં થોડો ફરક પડશે કારણકે રાજકોટ ભાજપની પરંપરાગત બેઠક છે.”
જોકે, કેટલાક રાજકીય વિશ્લેષકો તેને ભાજપના જૂથવાદ સાથે પણ જોડી રહ્યા છે.
રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા કહે છે, “પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા, પ્રદીપસિંહ વાઘેલા, આઈ. કે. જાડેજા જેવા ક્ષત્રિય આગેવાનો એક જમાનામાં ભાજપમાં અગ્રીમ હરોળમાં હતા. આજે આ તમામ નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. રૂપાલાના વિવાદ મામલે આ ક્ષત્રિય નેતાઓ પૈકી કેમ કોઈ ડેમેજ કંટ્રોલ કરવા સામે નથી આવ્યું? જેને કારણે શંકા જાય છે કે આ રાજપૂત સમાજની અસ્મિતાનો મુદ્દો નથી પણ ભાજપના જૂથવાદનો પણ છે.”
તેઓ કહે છે કે આ વિવાદની અસર રાજકોટ પર ઝાઝી નહીં પડે પણ આસપાસની અન્ય લોકસભાની બેઠકો પર પડી શકે છે.
જગદીશ મહેતા આ વિશે વધુ પ્રકાશ પાડતા કહે છે, “રાજકોટ લોકસભા મતવિસ્તારમાં 20.90 લાખ મતદાતા છે. પાટીદારના સાત લાખ, કોળીના દોઢ લાખ, દલિતના દોઢ લાખ, મુસ્લિમના દોઢ લાખ, વણિક-બ્રાહ્મણ-રઘુવંશી અને સોનીના ત્રણ લાખ મતો છે. જેની સામે ક્ષત્રિય સમાજના વોટ નગણ્ય છે. રૂપાલા પાટીદારનો ચહેરો છે. તેથી રાજકોટમાં બહુ અસર નહીં પડે પણ તેની આસપાસ જ્યાં રાજપૂતોની સંખ્યા વધારે છે તેવા જામનગર, અમરેલી, ભાવનગર, અને સુરેન્દ્રનગરમાં તેની અસર પડી શકે.”
અગાઉ રાજકોટ ભાજપમાં પત્રિકાયુદ્ધથી રાજકીય ગરમાવો પેદા થયો હતો. જે પ્રકારે કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં આવતા હતા અને તેમને ક્યાંક ટિકિટ અથવા તો પદ મળતું હતું તેની સામે ‘ગાભામારુ’ના નામથી અનામી પત્રિકા વાઇરલ થઈ હતી. અગાઉ પણ રૂપાણી જૂથ અને પાટિલ જૂથ સામસામે હોવાના અહેવાલો હતા.
આ બધા મામલે જાણકારો કહે છે કે રાજકોટ ભાજપમાં જૂથવાદ છે એ વાત ચોક્કસ છે પણ પક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનું પ્રભુત્વ એટલું છે કે ચૂંટણી ટાણે સમાધાન થઈ જાય છે અને સૌ એક થઈ કામ કરે છે.
કૌશિક મહેતા જૂથવાદ વિશે કહે છે, “શહેર ભાજપમાં જૂથો છે પણ તેની મતદાન પર કે પરિણામ પર અસર દેખાતી નથી.”
જગદીશ મહેતા કહે છે,”આજે રાજકોટના ભાજપ સંગઠનમાં ચોક્કસ નેતાઓ જ દેખાય છે. કેટલાક નેતાઓ માત્ર ફંકશનમાં ફોટો પડાવવા જ આવે છે. ઉમળકો દેખાતો નથી. બની શકે કે આ નારાજ જૂથના નેતાઓને દોડવું હતું અને ઢાળ મળી ગયો એવું આ વિવાદ પરથી લાગે કારણકે રૂપાલાના વિવાદથી ડખો મોટો થયો છે.”
જાણકારો એમ પણ કહે છે કે રાજકોટમાં આ પહેલા આયાતી ઉમેદવારનો મામલો ગરમ હતો પણ હવે ભાજપમાં તેનો ગણગણાટ નથી કારણકે રાજકોટ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વીકારી લીધું છે કે હવે તેમના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા જ છે તેથી આ વિવાદની ઝાઝી અસર નહીં પડે.
વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ કહે છે, “સૌરાષ્ટ્રના મોટાભાગના રાજવી પરિવારના સભ્યો ભાજપમાં છે. એટલે હવે આ મોભીઓ સમાધાન કરાવી લેશે. હાલ રૂપાણી જૂથ સક્રિય નથી, આ જૂથને હવે બહુ સત્તાની લાલસા પણ નથી તેથી તેઓ આ વિવાદનો કોઈ ફાયદો ઉઠાવે તેવું હું માનતો નથી.”
ભાજપ સમાધાનની કોશિશમાં

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
બીબીસી ગુજરાતીએ ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેનો સંપર્ક કરીને આ વિવાદ પર પૂછ્યું પણ તેમણે આ મામલે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો. અમે રાજકોટ ભાજપના નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાને સંપર્ક કરીને પૂછ્યું તો તેમણે પણ હાલ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.
જોકે નામ ન આપવાની શરતે ભાજપના એક નેતાએ અમને જણાવ્યું કે ભાજપ સમાધાનની ભરપૂર કોશિશ કરી રહ્યો છે.
તેમણે કહ્યું, “ગોંડલનાં ધારાસભ્ય ગીતાબહેન જાડેજાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય ધારાસભ્યો અને સમાજના અગ્રણીઓનું એક સંમેલન બોલાવ્યું છે. જેમાં આ વિવાદનું કોઈ સમાધાન નીકળે તેવી સંભાવના છે.”
બીબીસી ગુજરાતીએ પરશોત્તમ રૂપાલા સાથે આ મામલે ફોન પર વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.
અગાઉ જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટ આવ્યા હતા ત્યારે તેમણે પત્રકારો સાથે ભોજન લીધું હતું. તેમાં કેટલાક પત્રકારોએ તેમને આ વિવાદ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે એક-બે દિવસમાં આ વિવાદનું સમાધાન થઈ જશે.
અગાઉ જ્યારે રૂપાલાએ માફી માગી હતી તેમા તેમણે કહ્યું હતું કે , “વાઇરલ વીડિયો અંગે ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોએ મને પ્રતિક્રિયા આપી છે, ઘણાએ રોષ વ્યક્ત કરીને સલાહ આપી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ અને રાજકોટના માંધાતાસિંહ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ અંગે મારી વાતચીત થઈ.”
“ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે આ લોકોએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે.”
તેઓ પોતાના નિવેદનના બચાવમાં વાત કરતા આગળ કહે છે કે, “એ દરમિયાન હું જે વાત કરી રહ્યો હતો, તેમાં મારો આશય વિધર્મીઓ દ્વારા આપણા દેશ પર કરાયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય નહોતો. આવું મારા મનમાં ક્યારેય ન હોઈ શકે.”
રૂપાલા પોતાના નિવેદન અંગે માફી માગતા કહે છે કે, “છતાં જો મારા આ ઉલ્લેખને કારણે કોઈ પણ વ્યક્તિની લાગણી જો દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. દિલથી માફી માગું છું. મારો ઇરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો એ અંગે હું સ્પષ્ટતા કરું છું અને સૌને આ વિષય અહીં જ પૂરો કરવાની વિનંતી કરું છું.”
કૉંગ્રેસ અને આપનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
આ વિવાદમાં કૉંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની આ પ્રકારની અભદ્ર ટિપ્પણી સ્વીકાર્ય નથી.
રાજકોટ કૉંગ્રેસના નેતા અને રાજપૂત સમાજના આગેવાન રાજદીપસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વિવાદ મામલે પોતાની પ્રતિક્રિયા આપી.
તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે “પોતાના ફાયદા માટે ભાજપ મતોનું વિભાજન કરવામાં માહેર છે. ચૂંટણી ટાણે પોતાના સ્વાર્થ માટે રૂપાલાએ જે આ કામ કર્યું છે તે સ્વીકાર્ય નથી. કૉંગ્રેસ ક્ષત્રિય સમાજની સાથે છે. અમે રૂપાલા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આંદોલનને ટેકો આપીએ છીએ.”
તો આમ આદમી પાર્ટીએ પણ રૂપાલાના આ વિવાદમાં ઝંપલાવ્યું છે.
રાજકોટ ખાતેના આપના નેતા સંજયસિંહ વાઘેલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ગુજરાતમાં રાજપૂત સમાજની વિવિધ 70 સંસ્થાઓ છે તે તમામ રૂપાલાના નિવેદનનો વિરોધ કરે છે. અમારો વિરોધ રાજકીય નથી. તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા તેની સામે અમારો વિરોધ છે.”












