રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ છે? તેમના ચૂંટણી સોગંદનામામાં શું ખુલાસો થયો?

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ બીજી વખત કેરળની વાયનાડ બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું છે. તેમણે 2019માં ઉત્તર પ્રદેશની અમેઠી અને કેરળની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડી હતી.

અમેઠીમાં રાહુલને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને વાયનાડથી તેમને જીત મળી હતી. આ વખતે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે કે કેમ તે વિશે પાર્ટી ચૂપ છે.

રાહુલ ગાંધીએ ઉમેદવારીપત્રક ભરતા પહેલાં બહેન પ્રિયંકા ગાંધી સાથે વાયનાડમાં બે કિલોમીટર લાંબો રોડ શો કર્યો. તેમણે છેલ્લી ચૂંટણીમાં સીપીઆઈના પીપી સુનીરને અહીં ચાર લાખ મતોથી હરાવ્યા હતા.

આ બેઠક પર 26 ઍપ્રિલે મતદાન થશે. જિલ્લા કલેક્ટર ઑફિસમાં ઉમેદવારીપત્રક દાખલ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે પોસ્ટ કર્યો હતો.

રાહુલે લખ્યું, “વાયનાડ મારું ઘર છે અને અહીંના લોકો મારો પરિવાર છે. મેં છેલ્લાં પાંચ વર્ષોમાં તેમની પાસેથી ઘણું શીખ્યું છે અને તેમણે મને ખૂબ જ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. હું ખૂબ જ ગર્વ અને વિનમ્રતા સાથે આ સુંદર વિસ્તારમાંથી ફરી એકવાર લોકસભા 2024ની ચૂંટણી માટે મારું ફોર્મ ભરી રહ્યો છું.”

રાહુલ ગાંધીના ચૂંટણી સોગંદનામામાં કેટલીક વિગતો સામે આવી છે. તેમણે પોતાના એફિડેવિટમાં કહ્યું છે કે તેમના નામે કોઈ કાર નથી.

સંપત્તિમાં વધારો

રાહુલ ગાંધી કૉંગ્રેસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં જણાવ્યું કે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેમને છ કરોડ રૂપિયાની આવક થઈ છે.

સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20.39 કરોડ રૂપિયા દેખાડી છે. આ પહેલાં 2019માં તેમણે કુલ સંપત્તિ 15.88 કરોડ દર્શાવી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં પાંચ કરોડનો વધારો થયો છે.

સોગંદનામા પ્રમાણે રાહુલ ગાંધી પાસે 55 હજાર રૂપિયા રોકડા છે અને 26.25 લાખ રૂપિયા બે બૅન્ક ખાતાઓમાં જમા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની પાસે 'યંગ ઇન્ડિયન'ના 100 રૂપિયાની કિંમત ધરાવતા 1900 શેર છે, જેની કિંમત એક લાખ 90 હજાર રૂપિયા છે.

તેમણે જણાવ્યું કે તેમની પાસે 25 કંપનીઓના શેર છે, જેમાં તેમના 4.33 કરોડ રૂપિયા જમા છે.

આ સિવાય સાત મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડ રૂપિયા અને 15 લાખ રૂપિયાના ગોલ્ડ બૉન્ડ પણ છે.

સોગંદનામા પ્રમાણે રાહુલ ગાંધીએ વીમા રૂપે 61.52 લાખ રૂપિયા જમા કર્યા છે. તેમની પાસે 4.20 લાખ રૂપિયાના સોનાનાં તથા અન્ય આભૂષણો છે. આમ, રાહુલ ગાંધીની કુલ ચલ સંપત્તિ 9.24 કરોડ રૂપિયાની છે.

રાહુલ ગાંધી પાસે સ્થાવર મિલકત કેટલી છે ?

રાહુલ ગાંધી કૉંગ્રેસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

સોગંદનામા પ્રમાણે રાહુલ ગાંધી પાસે 11 કરોડ 15 લાખ રૂપિયાની અચલ સંપત્તિ છે.

રાહુલે જણાવ્યું છે કે તેમણે બહેન પ્રિયંકા ગાંધી સાથે દિલ્હીના મહરૌલી સ્થિત સુલ્તાનપુર ગામમાં ખેતીની બે જમીન ખરીદી છે, જેમાં તેઓ 50-50 ટકા ભાગીદાર છે.

સોગંદનામા પ્રમાણે આ જમીનની હાલની બજારકિંમત 2.10 કરોડ રૂપિયા છે.

આ સિવાય રાહુલ ગાંધીના નામે ગુરૂગ્રામમાં પાંચ હજાર 538 વર્ગ ફૂટની ઓફિસ સ્પેસ છે, જેની હાલની કિંમત નવ કરોડ રૂપિયા છે.

અભ્યાસ ક્યાંથી કર્યો?

સોગંદનામામાં રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે તેમણે 12મું ધોરણ 1989માં સીબીએસઈ બૉર્ડમાંથી પાસ કર્યું.

ત્યારપછી તેમણે વર્ષ 1994માં અમેરિકાસ્થિત ફ્લોરિડાની રોલિંસ કૉલેજમાંથી બૅચલર ઑફ આર્ટ્સ કર્યું.

તેમણે જણાવ્યું કે વર્ષ 1995માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાંથી ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમફિલનો અભ્યાસ પૂરો કર્યો.

વાયનાડની ચૂંટણી રાહુલ ગાંધી માટે કેટલી મુશ્કેલ?

રાહુલ ગાંધી કૉંગ્રેસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાયનાડની બેઠક પર ડાબેરી પક્ષે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. સીપીઆઈ(એમ) નેતા વૃંદા કરાતે ફેબ્રુઆરીમાં કહ્યું હતું, “વાયનાડ બેઠક પર સીપીઆઈએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. કૉમરેડ એની રાજા કે જેમણે મહિલા આંદોલનમાં જબરદસ્ત ભૂમિકા ભજવી હતી તેઓ એલડીએફનાં ઉમ્મેદવાર થશે.”

વૃંદાએ કહ્યું હતું, ”રાહુલ ગાંધી અને કૉંગ્રેસે વિચારવું જોઈએ. તેઓ કહે છે કે તેમની લડાઈ ભાજપની વિરુદ્ધ છે. કેરળમાં તમે ભાજપની વિરુદ્ધ નહીં પરંતુ ડાબેરીઓ વિરુદ્ધ લડશો તો તમે શું સંદેશ આપશો. આ કારણે તમારે તમારી બેઠક વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે.”

સીપીઆઈ(એમ) અને કૉંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. એટલે કે રાહુલ ગાંધીની સીટ પર બન્ને સહયોગી પક્ષ એકબીજા સામે લડશે. કેરળમાં 20 લોકસભા સીટો છે. સીપીઆઈ આ 20 સીટોમાંથી ચાર સીટ પર લડી રહી છે. સીપીઆઈના સ્ટેટ સેક્રેટરી બિનૉય વિશ્વમે સોમવારે આ બાબતે એલાન કર્યું હતું. કેરળની તિરૂઅનંતપુરમ સીટ પર શશિ થરૂર વર્ષ 2009થી સંસદસભ્ય છે. આ સીટ પર સીપીઆઈએ તેમના વરિષ્ઠ નેતા પનિયન રવીંદ્રનને મેદાનમાં ઉતાર્યા છે.

વૃંદા કરાતે જ્યારે ફેબ્રુઆરીમાં વાયનાડ પરથી પાર્ટીના ઉમેદવારનું જાહેર કર્યું હતું અને રાહુલ ગાંધીને વિચારવા માટે કહ્યું હતું ત્યારે શશિ થરૂરની પ્રતિક્રિયા આવી હતી.

શશિ થરૂરે કહ્યું હતું કે ડાબેરીઓ કેરળની એ બેઠકો પર કેમ લડે છે જ્યાં ભાજપ મજબૂત હતો.

શશિ થરૂરે કહ્યું હતું, “ઉદાહરણ રૂપે મારી બેઠકની જ વાત કરીએ. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર બીજા નંબર પર રહ્યો છે. ભાજપ વિરોધી મતોનો એક મોટો હિસ્સો ત્રીજા નંબરે રહેલા કમ્યુનિસ્ટ ઉમેદવારને મળ્યો. જો તિરૂવનંતપુરમમાં ડાબેરીઓ મારો વિરોધ કરી શકે તો રાહુલ ગાંધી વાયનાડમાં ડાબેરીઓ સામે શું કામ ન લડી શકે?”

બેઠકોની વહેંચણી વિશે થરૂરે કહ્યું, “કેરળમાં ડાબેરીઓ સહયોગ કરવાની ઇચ્છા નથી દેખાડી રહ્યા. પાડોશી રાજ્ય તામિલનાડુમાં સીપીઆઈ(એમ), સીપીઆઈ, મુસ્લિમ લીગ, કૉંગ્રેસ અને ડીએમકે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. અલગ-અલગ રાજ્યમાં પરિસ્થિતિ અલગ-અલગ દેખાઈ રહી છે.”

બીજી તરફ એની રાજાએ કહ્યું હતું, “એ કૉંગ્રેસે નક્કી કરવાનું છે કે તેઓ કઈ બેઠક પર કોને ઉમેદવાર બનાવવા માંગે છે. અમે એક સ્વતંત્ર પાર્ટી રૂપે નિર્ણય લઈ લીધો છે. આ પહેલી વખત નથી થયું જ્યારે રાહુલ ગાંધી કોઈ સીપીઆઈના ઉમેદવારનો સામનો કરશે. 2019માં પણ આવુ થયું હતું. જોકે, તેની અસર ઇન્ડિયાએ ભાજપ વિરુદ્ધ શરૂ કરેલા અભિયાન પર થશે અને તેની જવાબદારી અમારી નહીં, પરંતુ કૉંગ્રેસની છે.”

એની રાજા કોણ છે?

રાહુલ ગાંધી કૉંગ્રેસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

એની રાજા સીપીઆઈ(એમ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્ય છે. એની પાર્ટીના મહાસચિવ ડી. રાજાનાં પત્ની છે.

તેઓ નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વીમેનનાં મહાસચિવ પણ છે. તેઓ શાળાના દિવસોથી જ રાજકારણમાં સક્રિય છે.

એનીનો જન્મ એક રૂઢિવાદી ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.

તેમના પિતા થોમસ ખેડૂત અને સામ્યવાદી હતા. સીપીઆઈ નેતા અને પૂર્વ સીએમ વીકે વાસુદેવન નૈયરના કહેવાથી તેઓ રાજનીતિમાં સક્રિય થયાં અને પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ઉઠાવી.

એની કન્નુરમાં સીપીઆઈનાં મહિલા વિંગનાં જિલ્લા સચિવ બન્યાં. તેઓ 22 વર્ષની ઉંમરે સીપીઆઈ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીનાં સભ્ય બન્યાં.

એની અને ડી. રાજાએ વર્ષ 1990માં લગ્ન કર્યાં અને પછી બન્ને દિલ્હી આવી ગયાં.

ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે એનીએ દિલ્હીમાં અલગ-અલગ નોકરીઓ કરી છે. તેમણે શિક્ષક તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે બી.એડ.નો અભ્યાસ કર્યો છે.

ત્યારપછી એની મહિલાઓને લગતાં મુદ્દાઓ વિશે સક્રિય થયાં.

જુલાઈ 2023માં મણિપુર હિંસાને સ્ટેટ સ્પૉન્સર્ડ કહેવાને કારણે એનીની સામે ઇમ્ફાલમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.