રાહુલે કહ્યું, 'મોદી મૅચ ફિક્સિંગ કરીને ચૂંટણી જીતવા માગે છે', ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં બીજા નેતાઓ શું બોલ્યા?

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી દળોના ગઠબંધન 'ઇન્ડિયા'ની રેલીનું આયોજન થયું છે. જેમાં દેશના તમામ મોટા વિપક્ષી નેતાઓ એકઠા થયા છે.

તમામ નેતાઓએ બંધારણ અને લોકશાહી બચાવવા માટે આહ્લાન કર્યું હતું.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન આજે રેલીમાં નથી પણ હું તેમને દિલથી યાદ કરું છું."

રેલીમાં કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલે લોકોને કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ કેજરીવાલને જેલમાં પૂરી દીધા છે. તેમણે લોકોને પૂછ્યું હતું કે શું તેમણે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ? તેમણે જેલમાંથી કેજરીવાલનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો.

કેજરીવાલે જેલમાંથી કહ્યું હતું કે, "ધરપકડને કારણે મારા ઇરાદાને વધારે બળ મળ્યું છે, મને વધારે તાકાત મળી છે. હું જલદી જેલમાંથી બહાર આવીને તમને મળીશ."

બીજી તરફ ઉત્તર પ્રદેશના મેરઠમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી સાથે રેલી યોજી.

મેરઠમાં ભાજપનાં સહયોગી દળોની બેઠકમાં હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની, અપના દલનાં વડાં અનુપ્રિયા પટેલ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓ.પી. રાજભર અને નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ પણ સામેલ થયાં.

રાહુલ ગાંધીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી મૅચ ફિક્સિંગ કરવા માંગે છે'

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તમે મૅચ ફિક્સિંગ શબ્દ સાંભળ્યો હશે. ક્રિકેટમાં બેઇમાનીને મૅચ ફિક્સિંગ કહેવાય છે. લોકસભા ચૂંટણીટાણે નરેન્દ્ર મોદીએ પણ એવું જ કર્યું છે. તેમણે અમ્પાયર ચૂંટ્યા છે. તેમણે મૅચ શરૂ થાય તે પહેલાં જ અમારા બે ખેલાડીઓને જેલમાં મોકલી દીધા છે. દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કૉંગ્રેસનાં બૅન્ક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. આ લોકો બેઇમાનીથી જીતવા માંગે છે. ચૂંટણીપંચમાં પણ તેમણે પોતાના માણસો બેસાડ્યા છે અને ન્યાયતંત્ર પર પણ દબાણ ઊભું કર્યું છે.”

“હું તમને કહેવા માગું છું કે તેઓ આ બધુ કર્યાં પછી પણ 180 પાર નહીં કરી શકે.”

તેમણે આરોપ મૂક્યો હતો કે, “આ મૅચ ફિક્સિંગ નરેન્દ્ર મોદી અને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓ મળીને કરી રહ્યા છે. આ મૅચ ફિક્સિંગ આખો દેશ જોઈ રહ્યો છે. ભાજપના લોકો પણ કહી રહ્યા છે કે કંઈક ગડબડ થવા જઈ રહી છે.”

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તમે મીડિયાને ડરાવી-ધમકાવી શકશો પણ દેશની જનતાના અવાજને નહીં દબાવી શકો. આ અવાજને દેશની કોઈ તાકાત દબાવી નહીં શકે.”

“એક વાત યાદ રાખજો કે જો તમે પૂરી તાકાતથી મતદાન નહીં કરો તો તેઓ મૅચ ફિક્સિંગમાં ફાવી જશે અને બંધારણ બદલાઈ જશે. આ ચૂંટણી મામૂલી ચૂંટણી નથી, આ બંધારણ બચાવવા માટેની ચૂંટણી છે.”

“હું કહેવા માંગું છું કે તેઓ મૅચ ફિક્સિંગમાં સફળ થશે તો તેઓ બંધારણ બદલી નાખશે અને સમગ્ર દેશમાં આગ લાગશે.”

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જ્યાં સુધી મોદી સરકારની વિચારધારાને નહીં હઠાવીએ ત્યાં સુધી દેશમાં સુખસમૃદ્ધિ નહીં આવે.

કેજરીવાલ અને સોરેનને તત્કાલ મુક્ત કરવામાં આવે : પ્રિયંકા ગાંધી

વીડિયો કૅપ્શન, INDIA Rally: Kejriwal સહિત વિપક્ષી નેતાઓની ધરપકડના વિરોધમાં 'savedemocracy' રેલી

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, “રામલીલા મેદાનમાં હું ઇન્દિરા ગાંધી સાથે રાવણના પૂતળાનું દહન જોવા આવતી હતી અને તેમણે મને રામાયણ સંભળાવી હતી. ભગવાન રામ જ્યારે સત્ય માટે લડ્યા ત્યારે તેમની પાસે સત્તા નહોતી. તમામ સંસાધનો, રથ, સેના બધું જ રાવણ પાસે હતું. ભગવાન રામ પાસે આશા, સાહસ, પ્રેમ, પરોપકાર અને સત્ય હતાં. હું સત્તામાં બેઠેલા લોકોને અને નરેન્દ્ર મોદીને રામાયણનો સંદેશ યાદ કરાવવા માગું છું કે સત્તા કાયમ માટે રહેતી નથી, અહંકાર ચૂર-ચૂર થઈ જાય છે.”

ત્યારબાદ તેમણે ‘ઇન્ડિયા’ ગઠબંધન તરફથી પાંચ માંગણીઓનું એલાન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનને તત્કાળ છોડી મૂકવામાં આવે.

પાંચ માંગણીઓ:

  • ભારતનું ચૂંટણીપંચ લોકસભા ચૂંટણીમાં સૌને સમાન અવસર સુનિશ્ચિત કરાવે
  • વિપક્ષી દળો સામે ઇડી-સીબીઆઈ દ્વારા કરવામાં આવતી બળપૂર્વક કાર્યવાહીને રોકવામાં આવે
  • હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલને તત્કાળ છોડી મુકાય
  • ચૂંટણી દરમિયાન વિપક્ષી દળોનું આર્થિક રીતે ગળું દબાવવાની કાર્યવાહી અટકાવાય
  • ઇલેક્ટોરલ બૉન્ડની તપાસ માટે સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં એક એસઆઈટી નીમવામાં આવે

જેલમાંથી કેજરીવાલે શું સંદેશ આપ્યો?

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

જેલમાંથી અરવિંદ કેજરીવાલે મોકલેલો સંદેશ તેમના પત્ની સુનીતા કેજરીવાલે વાંચી સંભળાવ્યો હતો.

કેજરીવાલે કહ્યું હતું કે, "આજે ભારતમાતા દુ:ખી છે. દેશની હાલત જોઈને ભારતમાતા દુ:ખી છે. "

"અમારા નામમાં માત્ર ઇન્ડિયા ગઠબંધન નથી. અમારા દિલમાં ભારત છે."

કેજરીવાલે જેલમાંથી ઇન્ડિયા ગઠબંધન તરફથી છ ગૅરંટીઓનું એલાન આપ્યું હતું અને કહ્યું હતું કે અમે આ વાયદા પાંચ વર્ષમાં જ પૂરા કરીશું.

  • સમગ્ર દેશમાં 24 કલાક વીજળી
  • સમગ્ર દેશમાં તમામ ગરીબોને ફ્રી વીજળી
  • દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનશે
  • દરેક ગામ અને મહોલ્લામાં મોહલ્લા ક્લિનિક, દરેક જિલ્લામાં શાનદાર સરકારી હૉસ્પિટલ બનાવવામાં આવશે
  • ખેડૂતોને સ્વામીનાથન કમિટી પ્રમાણે એમએસપી આપીશું
  • દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું

ઉદ્ધવ ઠાકરેએ શું નારો આપ્યો?

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “આપણી બે બહેનો (સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેન) લડી રહી છે ત્યારે તેમનું એક ભાઈ તરીકે સમર્થન કરવા માટે આવ્યો છું. ભાજપ દેશમાં જેટલા ભ્રષ્ટ લોકો છે તેને સાથે લઈને ચાલી રહ્યો છે. શું તેનાથી દેશનો વિકાસ થશે?”

તેમણે કહ્યું હતું કે, “એક જ નેતા અને એક જ પાર્ટી દેશ માટે ખતરો છે. અમે પ્રજાતંત્રની રક્ષા માટે અહીં આવ્યા છીએ.”

ઉદ્ધવ ઠાકરેએ રેલીમાં નારો આપતા કહ્યું હતું કે, “અબકી બાર, ભાજપા તડીપાર.”

મહેબૂબા મુફ્તીએ કહ્યું, 'આ કળયુગનો અમૃતકાળ'

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, “આ કળયુગનો અમૃતકાળ છે જેમાં કોઈને પૂછ્યા વિના, કોઈ વકીલાત વગર લોકોને જેલમાં નાખી દેવામાં આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં જમ્મુ કાશ્મીરે પણ એ જ જોયું છે. અમારા માટે આ નવી વાત નથી. જમ્મુ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓને દેશહિતનું કાર્ય ગણીને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા.”

“કેજરીવાલે ગરીબોનાં બાળકો માટે સારી શાળાઓ, હૉસ્પિટલો બનાવ્યાં, વીજળી આપી, તેમણે શું ગુનો કર્યો છે?”

“આ સરકાર સૌથી ભ્રષ્ટ સરકાર છે. આજે અમે અહીં બંધારણ બચાવવા માટે આવ્યા છીએ. જો આજે તમે ન જાગ્યા તો મોડું થઈ જશે. આજે અમારા ગઠબંધન પાસે કશું નથી. બધું તેમના કબ્જામાં છે. અમારું મીડિયા, અખબાર બધું તમે જ છો.”

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AAP

સીપીઆઈ નેતા દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, “ભારતના ઇતિહાસમાં પહેલીવાર આવી ચૂંટણી થઈ રહી છે. સત્તામાં રહેલો ભાજપ આજે ચૂંટણી નથી લડી રહ્યો, વિપક્ષ સામે યુદ્ધ લડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ અને ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન આજે જેલમાં છે.”

“આપણે હવે દેશમાં બંધારણ અને લોકશાહી બચાવવા માટે નિર્ણાયક લડાઈ લડવાની છે.”

સીપીએમ નેતા ડી.રાજાએ કહ્યું હતું કે, “અમારો સૌનો એક જ સંદેશ છે, અમે બંધારણ બચાવીશું અને લોકશાહીને બચાવીશું. ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. જો આપણે નહીં જાગીએ તો ભારતમાં લોકશાહી બચશે નહીં.”

હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેને શું કહ્યું?

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

કલ્પના સોરેને કહ્યું હતું, “આજે આ મંચ પર હું ભારતની 50 ટકા મહિલા વસ્તી અને નવ ટકા આદિવાસી સમુદાયની પ્રતિનિધિ તરીકે તમારી સમક્ષ ઊભી છું. આજે અહીં ઊમટેલા લોકોએ સાબિત કર્યું છે કે તાનાશાહી સરકારને ખતમ કરવા માટે તેમણે સંકલ્પ લીધો છે. ભારતની 140 કરોડ જનતાની તાકાત અને સમર્થન અમને મળી રહ્યું છે.”

“આજે બેરોજગારી, મોંઘવારી ચરમસીમાએ છે. દેશમાં નફરતની આગ ફેલાવવામાં આવી રહી છે. તેમણે યાદ રાખવું જોઈએ કે કોઈ પક્ષ જનતા કરતાં મોટો ન હોય.”

તેમણે નારો આપ્યો હતો કે, “ઝારખંડ ઝુકેગા નહીં, ઇન્ડિયા ઝુકેગા નહીં, ઇન્ડિયા રુકેગા નહીં.”

તેજસ્વી યાદવે કહ્યું, 'મોદી આંધી બનીને આવ્યા હતા, આંધી બનીને ઊડી જશે'

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “દિલ્હીની ભીડ દર્શાવે છે કે મોદીજી જે રીતે આંધી બનીને આવ્યા હતા એ જ રીતે આંધી બનીને ઊડી જશે.”

તેમણે કહ્યું હતું કે, “જનતા માલિક છે, તમે જ માલિક છો. હવે એ તમારા પર છે કે તમારે એમને સત્તા પરથી બહાર ઉખાડી ફેંકવાના છે જે લોકો 400 પારનો નારો આપે છે એ ભલે બોલ્યા કરે. તમે તમારી તાકાતને ઓળખો અને તેમને મત નહીં આપતા.”

“દેશનો સૌથી મોટો દુશ્મન આજે બેરોજગારી, ગરીબી, મોંઘવારી છે. મોદીજીએ એકપણ નોકરી આપી નથી. અમે બિહારમાં 17 મહિનામાં પાંચ લાખ નોકરી આપી છે.”

“મોદીજીની પાર્ટીમાં ઈડી, સીબીઆઈ સૌ કોઈ સામેલ છે. અરવિંદ કેજરીવાલની તેમણે ધરપકડ કરાવી છે. પણ તમને ખબર હશે કે પાંજરામાં સિંહને જ પૂરવામાં આવે છે. અમે તમારી ધમકીઓથી ડરીશું નહીં. અમે જેલમાં જવાથી ડરતા નથી. ”

તેજસ્વી યાદવે સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે, “મોદીજીની ગેરન્ટી ચાઇનીઝ માલ છે. જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી જ તેમની ગૅરંટી ચાલશે. બે કરોડ રોજગારનું શું થયું? આ સવાલનો તેઓ જવાબ આપતા નથી. તેમના જૂઠ્ઠાણાંઓ પર વિશ્વાસ કરશો નહીં.”

તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડૅરેક ઓ'બ્રાયને કહ્યું હતું કે, "પુલવામા હુમલા પછી સત્યપાલ મલિકે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્ય સાંભળવા પણ માંગતા ન હતા. અમે માંગણી કરીએ છીએ કે આ સત્ય બહાર આવે કે આપણા જવાનો સાથે શું થયું હતું."

તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાગરિકા ઘોષે કહ્યું હતું કે મમતા બેનરજીનું સંપૂર્ણ સમર્થન અરવિંદ કેજરીવાલ સાથે છે અને તેઓ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે.

ડીએમકે નેતા ત્રિચી સિવાએ મુખ્ય મંત્રી સ્ટાલિનનો સંદેશ સંભળાવતા કહ્યું હતું કે, “મોદીજીને લાગતું હતું કે અરવિંદ કેજરીવાલના ઇન્ડિયા ગઠબંધન માટેના પ્રચારથી તેમને ભારે નુકસાન થશે. તેમને લાગતું હોય કે કેજરીવાલની ધરપકડથી તેઓ અમારું મનોબળ તોડી શકશે તો એ ખોટું છે. દેશની જનતા બધું જ જોઈ રહી છે.”

અખિલેશ યાદવે કહ્યું, '400 બેઠકો આવવાની હતી તો શેનો ડર લાગ્યો?'

અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન દિલ્હી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું, “રામલીલા મેદાન ઐતિહાસિક છે. અહીંથી એલાન થઈ રહ્યું છે કે દિલ્હીમાં જે લોકો સત્તામાં બેઠા છે તેઓ હવે થોડા સમયના મહેમાન છે.”

“તેમણે 400 પારનો નારો આપ્યો છે. તમારી 400 બેઠકો આવવાની હતી તો આમ આદમી પાર્ટીના નેતાથી તમને શેનો ડર લાગ્યો? કેજરીવાલને કેમ જેલમાં મોકલ્યા?”

“ઉત્તર પ્રદેશના લોકોએ ભાજપનું સ્વાગત કર્યું હતું. એ વાત યાદ રાખજો કે ઉત્તર પ્રદેશના લોકો સ્વાગત પણ કરે છે અને ધૂમધામથી વિદાય પણ કરે છે.”

તેમણે કહ્યું હતું કે, “આજે આખી દુનિયામાં ભાજપે ભારતનું નામ બદનામ કર્યું છે, દુનિયાભરમાં થૂ-થૂ થઈ રહી છે. દેશના લોકો ભાજપની સાથે નથી. દેશ આજે જાણી ગયો છે કે ઈડી-સીબીઆઈથી ડરાવીને તેમણે કરોડો રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે.”

“હું અપીલ કરવા માંગું છું કે તેમને હરાવો. તમારા મતથી જ દેશ બચશે, લોકશાહી બચશે. માત્ર દિલ્હી જ નહીં દેશમાંથી જ ભાજપનો સફાયો થશે.”

એનસીપી નેતા શરદ પવારે પણ કહ્યું હતું કે, "બે-બે મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ છે. બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. આપણે સૌએ મળીને લડવું પડશે."