ગુજરાતનું મિલ્ક પૉલિટિક્સ: દૂધમંડળીઓ કેવી રીતે કામ કરે છે, કયા રાજકીય પક્ષને ફાયદો?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતનું નામ આવે ત્યારે તેના સહકારી ક્ષેત્રની વાત જરૂરથી થાય. કેન્દ્રમાં અમિત શાહ સહકારી મંત્રી બન્યા બાદ ગુજરાતના સહકારી ક્ષેત્રે ઘણા ફેરફારો આવ્યા છે. તે સહકારી મંડળીઓની ચૂંટણીમાં કૉંગ્રેસની હાર હોય કે પછી સહકારી ક્ષેત્રોના હોદ્દા પર ભાજપના નેતાઓની વરણી.
સહકારી બૅન્ક હોય, ખાતર મંડળીઓ હોય કે પછી દૂધમંડળીઓ હોય. ગુજરાતની ચૂંટણીઓમાં તેનું સહકારી ક્ષેત્રનું માળખું કઈ રીતે કૉંગ્રેસ કે ભાજપને મદદરૂપ થયું છે તે જાણવું રસપ્રદ રહેશે.
આ સહકારી મંડળીઓની લોકસભાની ચૂંટણીમાં પણ અસર થવાની છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
રાજ્યમાં આશરે 34 લાખ જેટલા સભાસદો છે, જે રાજ્યનાં 18000થી વધુ ગામોમાં છે, જેઓ દરરોજનું 2.50 કરોડ લિટર જેટલું દૂધ ઉત્પાદન કરે છે અને હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.
આ મંડળીઓમાં હાલમાં મોટા ભાગે તમામ હોદ્દા પર ભાજપના નેતાઓ છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમૂલ જેવી સંસ્થા જેમાં વર્ષોથી કૉંગ્રેસની બોલબાલા હતી, ત્યાં પણ ભાજપના હોદ્દેદારો ચૂંટણી જીતીને મુખ્ય હોદ્દા પર આવી ગયા છે.
જોકે ગુજરાતના સહકારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર વચ્ચે ગાઢ સંબંધ હોવાને કારણે આ ક્ષેત્રની ઘણી વખત ટીકા પણ થઈ છે, ઘણી વખત આ ક્ષેત્રને કારણે વિવિધ પક્ષો ચૂંટણીઓ જીત્યા પણ છે.

સહકારી મંડળીઓ કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સહકારી મંડળીઓના નિયમ પ્રમાણે તો કોઈ દૂધમંડળીઓ કે તેના સભાસદોનો કોઈ રાજકીય પક્ષ સાથે સીધો સંબંધ હોવો ન જોઈએ.
નિયમ પ્રમાણે સામાન્ય રીતે એક ગામમાં એક દૂધમંડળી હોય છે, જે આખા ગામના પશુ-ધનનું દૂધ ડેરીમાં સ્વીકારીને તેને 4 ડિગ્રી તાપમાન પર ઠંડું કરીને જે તે વિસ્તારની મુખ્ય ડેરીમાં ટેન્કર મારફતે મોકલે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ડેરીમાં પછી દૂધનો ઉપયોગ થેલી કે વિવિધ ડેરી આઇટમ બનાવવામાં કરવામાં આવે છે.
દૂધ આપનાર દરેક સભ્યમંડળીનો સભાસદ હોય છે. આ સભાસદ તે ગામનો વોટર પણ હોય છે. દૂધમંડળીના પ્રમુખ અને બીજા હોદ્દેદારો આ સભાસદો પર કોઈ રાજકીય પક્ષની પોતાની સમજણ પ્રમાણે અસર કરતા હોય છે.
દૂધમંડળીની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં ચરોતર વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોની વાત કરવી પડે.
આ વિસ્તારોમાં દૂધમંડળીઓએ વર્ષોથી ત્યાંના નગરપાલિકાના સભ્યથી સાંસદ સુધીની ચૂંટણીમાં પોતાની અસર છોડી છે. આ વિસ્તારોમાં આખેઆખાં ગામડાં માત્ર દૂધની આવકથી જ નભી રહ્યાં છે.

દૂધમંડળીના સભાસદો કયા પક્ષને વધુ પ્રાધાન્ય આપે છે?

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બનાસકાંઠાના સીમા વિસ્તારના થાબર ગામની દૂધમંડળી આ વિસ્તારની મુખ્ય મોટી મંડળીઓમાંની એક છે. આ મંડળીનું માસિક બિલ 8 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.
આ મંડળીના પ્રમુખ ઊમાભાઈ પટેલ કહે છે કે, "લોકો દૂધમંડળી થકી પગભર થઈ રહ્યા છે, કારણ કે ભાજપ સરકાર અને તેમાંય નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ થકી અમને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. આવા સમયે અમે તો તમામ દૂધમંડળીઓ વતી ભાજપને દરેક રીતે જીતવા માટે મદદ કરીએ છીએ."
બનાસકાંઠામાં ભાજપનાં ઉમેદવાર તરીકે રેખાબહેન ચૌધરી ચૂંટણી લડી રહ્યાં છે. આ સીટ 2013થી ભાજપ પાસે છે.
ઊમાભાઈ કહે છે, "રેખા ચૌધરીની રેલીઓમાં અમારી દૂધમંડળી તરફથી બે ગાડીઓ ભરીને લોકો અમારા ગામથી જાય છે."
તેઓ વધુમાં કહે છે કે, "નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાર બાદ અમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળતો થયો છે, જેમાં દૂધની ડેરી માટેની વિવિધ ગ્રાન્ટ સામેલ છે, જે પહેલાં નહોતું થતું. એટલા માટે અમે સતત લોકો સાથે વાત કરતા રહીએ છીએ કે ભાજપ કેવી રીતે અમને મદદ કરી રહ્યો છે અને હું માનું છું કે અમારા ગામના લગભગ 70 ટકા મત ભાજપ તરફ જ જશે."
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાજપ પ્રમુખ રહી ચૂકેલા હરજીભાઈ પટેલ હાલમાં માલોત્રા ગામની દૂધમંડળીના પ્રમુખ છે. હાલમાં તેઓ ભાજપના કોઈ હોદ્દો પર નથી, પરંતુ દૂધમંડળી થકી ગામના 900 જેટલા સભ્યોના સીધા સંપર્કમાં છે.

ઇમેજ સ્રોત, paresh padhiyar
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "દૂધમંડળીની અંદર તો અમે કોઈ પક્ષ કે નેતાની વાત કરતા નથી, પરંતુ અમારી મીટિંગ વગેરે થાય ત્યારે અમે સભ્યોનો વિનંતી કરીએ છીએ કે મોદીસાહેબનું જે કામ છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં મોખરે આવી રહ્યો છે, તેને જોઈને મતદાન કરવું જોઈએ."
તેમનો દાવો છે કે બનાસકાંઠાની બનાસ ડેરી થકી આખા જિલ્લામાં અનેક લોકોને રોજગીરી મળી રહી છે. આ ડેરી બનાવવામાં ગલબાભાઈ પટેલનું મોટું યોગદાન છે.
"ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરી ગલબાભાઈના પરિવારનાં છે, માટે અમારી તો ફરજ બને છે કે તેમને દરેક રીતે મદદ કરીએ, તેમના પરિવાર થકી જ તો અમારી દૂધમંડળીઓ ચાલી રહી છે."
થાબર ગામની જ બાજુના લીલાવા ગામની દૂધમંડળીના પ્રમુખ પીયૂષભાઈ ચૌધરી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "આમ તો લોકો પોતપોતાની રીતે કોઈ પણ પક્ષને પસંદ કરતા હોય છે, પરંતુ જે રીતે અમને સમયસર અને સારું પેમેન્ટ મળી રહ્યું છે તે રીતે અમને બનાસ ડેરીના હોદ્દેદારો પર પૂરો વિશ્વાસ છે."
ગુજરાતનો આણંદ જિલ્લો પણ ડેરીમાં જોડાયેલી મહિલાઓ થકી સમૃદ્ધ થયો છે.
આણંદ જિલ્લાના ચીપડી ગામની દૂધમંડળીના પ્રમુખ જયેન્દ્ર ઠાકોરનું કહેવું છે કે, "ચૂંટણી સમયના અનેક રાજકીય ક્રાર્યક્રમમાં મહિલાઓને ગાડીઓ ભરીને ભાજપના રાજકીય કાર્યક્રમમાં લઈ જવામાં આવે છે. લોકોને જવું પડે છે, કારણ કે તેઓ દૂધમંડળીના સભ્ય છે. આ પ્રકારના કાર્યક્રમ હોય ત્યારે દરેક મંડળીદીઠ 50 બહેનોએ ફરજિયાતપણે જવાનું હોય છે, જેથી રાજકીય કાર્યક્રમમાં બહેનોની સંખ્યા દેખાય."

શું કહેવું છે કૉંગ્રેસના હોદ્દેદારનું?
GCMMF હેઠળ 18 ડેરીઓ આવે છે. તેમાં સાબર ડેરીનો પણ સમાવેશ થાય છે.
આ ડેરીના ડિરેક્ટર્સમાં કૉંગ્રેસના જસુભાઈ પટેલનો સમાવેશ થાય છે. તેમની સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેઓ કહે છે કે, "એવું ચોક્કસ અવારનવાર બને છે કે સત્તા પક્ષ અને વિવિધ ડેરીના ડિરેક્ટર્સ દૂધમંડળીઓનો ઉપયોગ ચૂંટણીના પ્રચાર માટે કરવાનો પ્રયાસ કરે છે. તે આજની વાત નથી, અગાઉ પણ આ પ્રકારે થતું આવ્યું છે. ગામડાંમાં ચૂંટણીની સભાઓમાં લોકોની ભીડ દૂધમંડળીઓના ભરોસે ભેગી થતી હોય છે, તે વાત પણ ખોટી નથી. પરંતુ તેની સાથે-સાથે એ વાત પણ સાચી છે કે સભાસદો અને ખેડૂતો ખૂબ સમજદાર છે. આવી રીતે કોઈ ડિરેક્ટર તેમને લાલચ આપી દે અને તેઓ ગમે તેને વોટ આપી દે તેવું નથી બનતું. લોકો સમજદારીપૂર્વક મતદાન કરતા હોય છે."
તેમનું કહેવું છે કે, "ડેરીના ડિરેક્ટર્સ ગમે તે રીતે લોકોને લાલચ આપવાની વાત કરે, પરંતુ લોકો તો પોતાની સમસ્યા અને મુદ્દાને ધ્યાન પર લઈને જ મતદાન કરતા હોય છે."

શું કહેવું છે GCMMFના ચૅરમૅનનું?

ઇમેજ સ્રોત, ani
આ તમામ મુદ્દાઓ પર બીબીસી ગુજરાતીએ ખેડા ડિસ્ટ્રિક્ટ કોઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના ચૅરમૅન વિપુલ પટેલ સાથે વાત કરી.
તેઓ કહે છે કે દરેક પક્ષનો માણસ પોતાની રીતે પોતાની સહકારી મંડળીમાં પક્ષને ફાયદો થાય તેવું કામ કરે છે, તે આજથી નથી, તે વર્ષોથી ચાલતું આવ્યું છે. એ તો હવે જ્યારે મુખ્ય હોદ્દા પર ભાજપનું શાસન આવ્યું છે અને સહકારી મંત્રી પણ ભાજપના જ છે એટલે લોકોનું ધ્યાન આ તરફ ગયું છે.
તેઓ કહે છે કે, "આ પહેલાં કૉંગ્રેસે પણ આ જ કર્યું છે. તેણે પણ પોતાના સહકારી ક્ષેત્રના માળખાનો ચૂંટણીઓ જીતવા માટે ઉપયોગ કર્યો છે. હવે સત્તા અમારી પાસે છે અને અમે તેના થકી લોકો સુધી પહોંચીને લોકોને વધુમાં વધુ ફાયદો થાય તેવું કામ કરી રહ્યાં છીએ અને તે કામ લોકોને બતાવીને વોટની વાત કરી રહ્યા છીએ."
તેઓ માને છે કે આમાં કંઈ ખોટું નથી, કારણ કે સહકારી મંડળો થકી પર લોકોનું જ કામ કરવાનું હોય છે.
જોકે તેઓ એ પણ કહે છે કે સહકારી માળખામાં સામેલ સભાસદોને કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી, તેમને માત્ર તેમની કામગીરી વિશે વાત કરવામાં આવે છે અને પછી સભાસદ પોતાની બુદ્ધિથી વોટ કરતા હોય છે.
"લોકોને ખબર છે કે અમૂલમાં કૉંગ્રેસનું શાસન પૂરું થયું ત્યાર બાદ જ તેમને દૂધનો ભાવવધારો મળ્યો અને અમે વિવિધ નવી ટેકનૉલૉજી વગેરે લાવીને લોકોને આ ક્ષેત્રમાં મદદ કરી છે."
તેમનું એ પણ માનવું છે કે સહકારી મંત્રી અમિત શાહ હોવાથી ગુજરાતની સહકારી મંડળીનાં તમામ કામો ઝડપી થઈ જતાં હોય છે. પછી તે GST સંદર્ભનાં હોય, ટૅક્સ સંદર્ભનાં હોય કે પછી કોઈ પણ મુદ્દો હોય- લોકોનાં કામમાં ક્યારેય મોડું થતું નથી.
દૂધમંડળીના રાજકારણ અને લાભાલાભ અંગે રાજકીય નિષ્ણાતો શું માને છે?

ઇમેજ સ્રોત, paresh padhiyar
રાજકીય વિશ્લેષકો માને છે કે કેન્દ્રનું સહકારી મંત્રાલય જ્યારથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાસે આવ્યું છે ત્યારથી દૂધમંડળી સહિત તમામ સહકારી મંડળીઓનો ભાજપને ફાયદો થતો આવ્યો છે. જેમ કે બોરસદ વિધાનસભા 2022માં પહેલી વખત ભાજપ જીત્યો હતો. પેટલાદ અને સોજીત્રા જેવી સીટ પર કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળતો હતો, પરંતુ હવે આ સીટ પર ભાજપનો જ દબદબો છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષક અમિત ધોળકિયા સાથે વાત કરી.
તેઓ કહે છે કે, "ગુજરાતમાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં સહકારી મંડળીઓ અને રાજકીય પક્ષો સાથે ચાલ્યાં છે. સહકારી ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર પર મોટો પ્રભાવ મૂકે છે, કારણ કે સહકારી સંગઠનના હોદ્દેદારો ભાજપના છે અથવા તો તેમના પરિવારજનો કે પછી તેમના કાર્યકર્તાઓ છે, જેની સીધી અસર સભાસદોની મતદાન પૅટર્ન પર થતી હોય છે."
તેઓ વધુમાં કહે છે કે, "છેલ્લાં પાંચ વર્ષથી સહકારી મંત્રાલય અમિત શાહ પાસે આવ્યું ત્યાર બાદ દૂધમંડળીઓ સહિત તમામ સહકારી ક્ષેત્રમાં માત્ર ભાજપના જ હોદ્દેદારો છે, જેના થકી લાખોની સંખ્યામાં સભાસદો આર્થિક મદદની આશાએ મંડળીના હોદ્દેદારોને મદદ કરે છે, જેઓ સીધી રીતે ભાજપ સાથે છે."
તેઓ માને છે કે એટલા માટે 2024ની ચૂંટણીમાં ગુજરાતની એવી સીટ્સ જેના પર સહકારી મંડળીનો જોર વધારે છે તેવી સીટ્સ પર ભાજપને સરળ જીતની આશા છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ બનાસકાંઠા જિલ્લાના સિનિયર પત્રકાર સાથે વાત કરી.
વર્ષોથી બનાસકાંઠાની સહકારી મંડળીઓનું રિપોર્ટિંગ કરી રહેલા નીતિનભાઈ પટેલ કહે છે કે, "હાલમાં જ તમામ દૂધમંડળીઓને મૌખિક હુકમ આપવામાં આવ્યો હતો કે તેમણે તમામ રાજકીય રેલીઓમાં ઓછામાં ઓછા 15થી 20 લોકોની હાજરી આપવી. પોતાના ખર્ચે, પોતાની ગાડીમાં આવવું. હાલમાં બનાસકાંઠામાં આશરે 3000 દૂધમંડળી છે, તો કેટલા લોકો વગર ખર્ચે હાજર થઈ જાય તે જાણી શકાય છે."
તેઓ માને છે કે, આ પ્રકારે સહકારી મંડળીનો તમામ ઉપયોગ ભાજપ પોતે ચૂંટણી જીતવા માટે કરે છે. તેઓ માને છે કે માત્ર દૂધમંડળી જ નહીં, પરંતુ સહકારી બૅન્ક તેમજ સહકારી ખાતર મંડળીની પણ આવી જ પરિસ્થિતિ છે.
નીતિનભાઈનું કહેવું છે, "જો કોઈ મંડળી તેમની વાતનો અનાદર કરે તો હાલમાં તેમને કંઈ જ કહેવામાં ન આવે, પરંતુ પછી તેમને એક યા બીજી રીતે ઑડિટ વગેરેમાં પરેશાન કરીને તેમનાં પેમેન્ટ રોકી દેવામાં આવે તેવા બનાવો પણ ધ્યાને આવેલા છે."
ગુજરાતની મુખ્ય દૂધમંડળીઓ

રાજ્યમાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) હેઠળ 18 મુખ્ય દૂધમંડળી આવેલી છે, જેમાં 18600 જેટલી ગ્રામ્ય સ્તરની મંડળીઓ છે, જેમાં રાજ્યભરમાં આશરે 34 લાખ જેટલા સભાસદો છે, જે દરરોજનું 2.50 કરોડ લિટરથી વધારે દૂધ ડેરી ઉદ્યોગને આપે છે. GCMMFનું 2021-22નું ટર્નઓવર 55,000 કરોડ રૂપિયાનું હતું.
ગુજરાતનું મુખ્ય ડેરી યુનિયન
- મધ્ય ગુજરાત – આણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા
- ઉત્તર ગુજરાત – બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા
- સૌરાષ્ટ્ર – જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
- દક્ષિણ ગુજરાત – ભરૂચ, સુરત, વલસાડ, પંચમહાલ














