બિહાર: આઝાદીનાં 70 વર્ષ બાદ વીજળી આવી અને જતી રહી, હવે ટૉર્ચના પ્રકાશથી રાંધવાની મજબૂરી- ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, SEETU TIWARI
- લેેખક, સીટુ તિવારી
- પદ, બીબીસી હિન્દી માટે,રોહતાસથી
સરિતાના લીંપણવાળા ઘરના આંગણામાં બે થાંભલા અને તેના પર સોલર પ્લેટ લાગી છે. આ સોલર પ્લેટથી કેટલાક તાર પણ લટકી રહ્યા છે. આ તાર દર્શાવે છે કે એક સમયે અહીં વીજળી પણ હતી.
પરંતુ ક્યારેય સ્કૂલે ન ગયેલાં સરિતા કહે છે, "2018માં આ લાગ્યું હતું. બે બલ્બ અને પંખો પણ સરકારે આપ્યા હતા. કેટલાક દિવસ ચાલ્યું, પછી ટમટમ્યા અને હંમેશાં માટે બંધ થઈ ગયા. બાદમાં મુખિયાજી બલ્બ પણ લઈ ગયા."
પાંચ ભાઈ-બહેનોમાંની એક અને પિતા વિનાની આ બાળકીને હું પૂછું છું. પછી તેઓ રાતે શું કરે છે? થોડું રોકાઈને તેમણે કહ્યું, "કંઈ નહીં, જનાવરની જેમ અંધારામાં રહીએ છીએ. જેમની પાસે થોડા પૈસા છે, તેમણે વ્યવસ્થા કરી લીધી છે. મારી મમ્મી તો ગાય ચરાવીને ઘર ચલાવે છે અને મારા ભાઈ ફરતા રહે છે."
સરિતાના ઘરની પાસે જ સોની દેવી ટૉર્ચના સહારે પોતાનાં ત્રણ બાળકો સાથે રહે છે. તેઓ ટૉર્ચને વારેવાર લાઇટ કહે છે. મારા કહેવા પર તેઓ પોતાની લાઇટ દેખાડે છે, જે ખરેખર ટૉર્ચ છે.
સોનીના ઘરની સોલર પ્લેટ ધૂળ ખાઈ રહી છે. તેઓ ગુસ્સામાં કહે છે, "સોલર પ્લાન્ટ સરકારે આપ્યો પણ પ્રકાશ ન આવ્યો. સારું તો એ રહે કે સરકાર બધાને નીચે જમીન આપીને ત્યાં જ રાખે. રોહતાસમાં બધી જગ્યાએ બલ્બ-બત્તી જ છે."
'આઝાદીના અમૃતકાળમાં કાયમ અંધારું'

ઇમેજ સ્રોત, SEETU TIWARI
સરિતા અને સોની બંને રોહતાસ જિલ્લાના રોહતાસ પ્રખંડ (એકમ)ના રોહતાસગઢ પંચાયતના લુકાપહરુ ગામનાં છે.
લુકાપહરુ કૈમુર પહાડી પરનું એક ગામ છે. આદિવાસી બહુલ આ દુર્ગમ વિસ્તારમાં વસેલા લુકાપહરુ જેવાં સેંકડો ગામના લોકો આવી જ રીતે અંધારામાં જીવન વિતાવવા મજબૂર છે.
વીજળી, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત આ વિસ્તારમાં આઝાદીનાં 70 વર્ષ બાદ સૌરઊર્જાથી વીજળી આવી હતી. પરંતુ આ ખુશી થોડા સમય માટે જ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૈમુર પહાડી લગભગ 483 કિલોમીટર લાંબા વિંધ્ય પર્વતોનો એક પૂર્વ ભાગ છે, જે મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં કટંગીથી બિહારના સાસારામ સુધી ફેલાયેલો છે.
આ પર્વતો પર રોહતાસ અને કૈમુર જિલ્લાનાં ગામો આવેલાં છે. રોહતાસ જિલ્લાના રોહતાસ અને નૌહટ્ટા પ્રખંડ અને કૈમુર જિલ્લાની વાત કરીએ તો અહીં અધૌરા અને ચૈનપુર પ્રખંડનાં ગામ છે.
રોહતાસ પ્રખંડની રોહતાસગઢ પંચાયતના મુખિયા નાગેન્દ્ર યાદવ કહે છે, "મારી પંચાયતમાં 27 ગામ છે, જેમાંથી 20 ગામ પહાડીઓ પર છે. આ 20 ગામોમાં 23 હજારની વસ્તી છે. અહીં સરકારે વર્ષ 2017માં એલ ઍન્ડ ટી કંપનીની સોલર પૅનલ લગાવી હતી. તેનાથી દોઢ વર્ષ સુધી વીજળી આવી, પરંતુ બાદમાં બૅટરી ખરાબ થઈ ગઈ. અમે લોકોએ જિલ્લા અધિકારીને ફરિયાદ લખીને આપી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. પંચાયતના બધા લોકો અમને દોષ આપે છે."
આ ગામોમાં સરકારે બે રીતની સોલર પૅનલ લગાવી છે. ગામની સામૂહિક સોલર પૅનલ અને ગામના બહારના વિસ્તારમાં વસેલી વસાહતમાં તેમનાં ઘરોની અંદર.
દીનદયાળ ગ્રામજ્યોતિ યોજના હેઠળ વીજળી આવી

ઇમેજ સ્રોત, SEETU TIWARI
કૈમુર પહાડીનો આ વિસ્તાર દુર્ગમ અને ઊંચાઈએ આવેલો હોવાની સાથે વનવિભાગનું ક્ષેત્ર પણ છે.
એક સમયે આ વિસ્તાર નક્સલી પ્રભાવિત પણ હતો, જેનાં નિશાન આજે પણ રોહતાસ કિલ્લાના ખંડેરોમાં જોઈ શકાય છે.
ડિસેમ્બર, 2014માં કેન્દ્ર સરકારે દીનદયાળ ગ્રામજ્યોતિ યોજના (ડીડીયુજીજેવાય) શરૂ કરી હતી.
6 ફેબ્રુઆરી 2024માં રાજ્યસભામાં આપેલા એક જવાબ અનુસાર, આ યોજના હેઠળ 18,374 ગામનું વીજળીકરણ કરવામાં આવ્યું, જેમાંથી 2763 ગામનું વીજળીકરણ અક્ષય ઊર્જા (સૌરઊર્જા)થી કરવામાં આવ્યું. બિહારને ડીડીયુજીજેવાય અને સૌભાગ્ય હેઠળ વર્ષ 2020-23 સુધી 2152 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ડીડીયુજીજેવાય યોજના હેઠળ ત્યારે બિહારના કૈમુર પહાડી વિસ્તારોમાં વર્ષ 2016માં સર્વે કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વર્ષ 2017થી અહીં સોલર પૅનલ લગાવવાની શરૂઆત થઈ હતી. વર્ષ 2018માં તત્કાલીન મુખ્ય મંત્રી નીતીશકુમાર જ્યારે આ વિસ્તારમાં આવ્યા ત્યારે ત્યાં સુધી મોટાં ભાગનાં ગામ સૌરઊર્જાથી પ્રકાશિત થઈ ગયાં હતાં.
પછી 'સૂરજ ડૂબી ગયો, અમે સૂઈ ગયા'

ઇમેજ સ્રોત, SEETU TIWARI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ એક વર્ષ વીતતા આ ગામોમાં લાગેલી બધી સૉલર પૅનલ પણ ખરાબ થવાની શરૂ થઈ ગઈ.
પીપરડીહ પંચાયતના હસડી ગામના રામનરેશ કહે છે, "2018થી વીજળી ક્યારેક બને છે, ક્યારેક બગડે છે. આખા પહાડમાં સૉલર સિસ્ટમ ખરાબ પડેલી છે. બધો ચાઇનાવાળો સામાન લગાવી દીધો હોય તો શું થાય? તમે સમજો કે એવી હાલત છે કે સૂરજ ડૂબી ગયો અને અમે સૂઈ ગયા."
રોહતાસગઢ પંચાયતના રાનાડીહ ગામના વૉર્ડ નંબર ચારના કૉર્પોરેટર શ્યામનારાયણ ઉરાંવ છે.
તેઓ કહે છે, "અમારા ગામમાં વર્ષ આખું વીજળી આવી, પછી ન આવી. મુખિયાજીને ફરિયાદ કરી તો વાયરમૅન આવે છે. તે થોડું થોડું કરીને ચાલ્યા જાય છે. સરકારે જે પૅનલ લગાવી છે તેનાથી એકબે ઘર નહીં આખા વૉર્ડમાં ક્યાંય વીજળી આવી નથી."
વીજળીની આ સ્થિતિને પહોંચી વળવા માટે લોકોએ ખાનગી રીતે પોતાના ઘરમાં સોલર પૅનલ લગાવી દીધી છે.
રાજેન્દ્ર ઉરાંવ અને રજન્તી દેવીના ઘરમાં લાગેલી સોલર પૅનલ નકામી પડી છે.
રાજેન્દ્ર ઉરાંવ કહે છે, "અમે સોલર પ્લેટ ખરીદી લીધી છે, જે 1800 રૂપિયામાં પડી છે. બૅટરી 1200માં મળી અને 25 રૂપિયાના ત્રણ બલ્બ લીધા છે, જે થોડા દિવસે બદલવા પડે છે. આ ત્રણ બલ્બ જ રાતે ભોજન બનાવતી વખતે અને જમતી વખતે ચાલુ કરીએ છીએ."
ટૉર્ચના સહારે ગુજરતી જિંદગી

ઇમેજ સ્રોત, SEETU TIWARI
રાજેન્દ્ર ઉરાંવે જ્યારે દિવસના પ્રકાશમાં આ બલ્બ ચાલુ કરીને દેખાડ્યા તો ઝીરો વૉલ્ટ બલ્બ જેવા હતા. એટલે એ એટલો જ પ્રકાશ આપતા હતા જ્યાં કાયમ વીજળી ઉપલબ્ધ હોય ત્યાં લોકો રાતે સૂતી વખતે આ પ્રકારના બલ્બ ચાલુ કરે છે.
પરંતુ જે લોકો આર્થિક રીતે સધ્ધર નથી તેમનું શું થયું?
હકીકતમાં સૌરઊર્જા આવ્યા બાદ જે સૌથી પહેલું કામ થયું એ એ થયું કે જનવિતરણ પ્રણાલીથી કેરોસીન મળવાનું બંધ થઈ ગયું, જેનાથી દીવો કે ફાનસ સળગાવીને કામ ચાલતું હતું.
રોહતાસગઢ પંચાયતનાં સુનીતા ઉરાંવને હું મળી તો તેમણે મને ટૉર્ચ દેખાડી.
તેઓ કહે છે, "આને ચાલુ (સળગાવી) કરીને ખાવાનું બને છે. કેરોસીન હવે બંધ થઈ ગયું છે તો દીવો કેવી રીતે થશે? રોહતાસ (જમીની વિસ્તાર)થી જ્યારે કોઈ આવે ત્યારે બૅટરી લઈને આવે છે."
સુનીતાની જેમ પીપરડીહ પંચાયતના નયાડીહ ગામના વીજેન્દ્ર કહે છે, "વીજળી આવી તો તેલ મળવાનું બંધ થઈ ગયું. પહેલાં અડધો લિટર કેરોસીન મળતું હતું. હવે અંધારું થાય તો એમાં પડ્યા રહીએ છીએ. અમે વાયરમૅન તો નથી કે બૅટરી ઠીક કરી લઈએ."
રેહલ: બિહારનું પહેલું કાર્બન નૅગેટિવ વિલેજ હોવાનો દાવો

ઇમેજ સ્રોત, SEETU TIWARI
કૈમુર પહાડી પર આવેલી પીપરડીહ પંચાયતના રેહલ ગામમાં મુખ્ય મંત્રી નીતીશકુમાર 6 એપ્રિલ, 2018માં આવ્યા હતા.
તેઓ અહીં રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી સાત નિશ્ચય અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ ચાલતી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.
રોહતાસ જિલ્લાની વેબસાઇટ અનુસાર, આ કાર્બન નૅગેટિવ વિલેજ છે, એટલે કે એવું ગામ જ્યાં સૌરઊર્જાથી વીજળી મળી રહી છે.
વેબસાઇટ પર ગામની પાકી ગટરો, ગલીઓ અને નળથી મળતા પાણી અને મશરૂમ શેડની તસવીરો છે.
આ ગામમાં ચાર જગ્યાએ સોલર પૅનલ લાગેલી છે, જેનાથી આખા ગામને વીજળી મળવાની હતી.

ઇમેજ સ્રોત, SEETU TIWARI
ગામના ધનંજય યાદવ કહે છે, "માત્ર એક પૅનલથી થોડી થોડી વીજળી કેટલાંક ઘરમાં મળી રહી છે, બાકીની પૅનલ શોભા સમાન છે. અહીં પીવા માટે ન પાણી છે, ન જીવવા માટે વીજળી."
રેહલ ગામમાં નાઈની દુકાન ચલાવતા મુમતાઝ કહે છે, "અમારા બાપદાદા મશાલ સળગાવીને જીવી લેતા હતા. એટલું લાકડું મળતું હતું. પણ હવે વનવિભાગ લાકડાં પણ લેવા નથી દેતો. ડીએમસાહેબને ફરિયાદ કરીએ તો પણ કોઈ સાંભળતું નથી. સંબંધીઓ આવે તો જલદી ભાગી જાય છે."
ગામની રાજકીય પ્રાથમિક વિદ્યાલયમાં લાગેલા સૌર ચૂલાની આખી સિસ્ટમ તૂટી પડી છે. આ ચૂલા પર એક સમયે બાળકોનું મિડ ડે મિલ તૈયાર થતું હતું અને તેને જોઈને મુખ્ય મંત્રીએ કહ્યું હતું, "અમે રેહલ ગામને ક્યારેય નહીં ભૂલીએ, જ્યાં અમે પહેલી વાર સૌર ઊર્જાથી સંચાલિત ચૂલા જોઈ રહ્યા છીએ."
આ સ્કૂલમાં 2003થી કાર્યરત્ શિક્ષક સુરેન્દ્રસિંહ કહે છે, "જ્યારે મુખ્ય મંત્રી આવ્યા હતા ત્યારે આ ચૂલો લાગ્યો હતો. કેટલાક દિવસ ખાવાનું પણ બન્યું હતું, પણ પછી ખરાબ થઈ ગયો. અમે તેની જાણકારી પ્રખંડ (વહીવટી એકમ) શિક્ષણ પદાધિકારી (બીડીઓ)ને અનેક વાર આપી ચૂક્યા છીએ."
બિ-પા-સ-ની સાથે શિક્ષણનું પણ સપનું

ઇમેજ સ્રોત, SEETU TIWARI
કૈમુર પહાડી પર જાણીતો રોહતાસગઢનો કિલ્લો છે, જે સાગરતટથી 1500 ફૂટની ઊંચાઈએ છે. અંદાજે આ ઊંચાઈ પર રોહતાસ અને કૈમુરનાં આ ગામો છે.
આ બધાં ગામ બિપાસા એટલે કે બીજલી (વીજળી), પાણી, સડકની સાથે શિક્ષણથી પણ વંચિત છે. પહાડ પર ચઢવા માટે મુખ્ય રસ્તો પણ અહીં નથી. જોકે એ નિર્માણાધીન છે.
આ આખા વિસ્તારમાં અનેક જગ્યાએ સરકારે 'નલ સે જલ' યોજના હેઠળ ઘરોમાં નળ લગાવ્યા છે.
પરંતુ ઠેર ઠેર છોકરીઓ અને મહિલાઓ માથે ઍલ્યુમિનિયમના ઘડામાં પાણી લઈને આવતી જોવાં મળી જશે.
મનવતી દેવી પણ મને તેમના માથે ઘડા સાથે મળ્યાં. તેઓ કહે છે, "નળ તો આપ્યો છે, પણ દુખ તો રહી ગયું છે. તેમાં પાણી જ નથી આવતું. માથે બેડાં લઈને પાણી લાવીએ છીએ. રોજ તેના માટે લડાઈ-ઝઘડા થાય છે."
માત્ર પાણી જ નહીં, પણ શિક્ષણ પણ મોટો મુદ્દો છે. રાનાડીહ ગામના નીતીશકુમારને છઠ્ઠા ધોરણ બાદ પોતાનો અભ્યાસ છોડવો પડ્યો.
તેઓ કહે છે,"મને મમ્મી હૉસ્ટેલમાં રખાવીને ભણાવતી હતી, પરંતુ પૈસા ન હોવાથી ભણતર છોડવું પડ્યું."
રાનાડીહ ગામનાં રજન્તી દેવી પોતાની નવ વર્ષની છોકરીને હૉસ્ટેલમાં રાખીને ભણાવી રહ્યાં છે.
તેઓ કહે છે, "આખો જંગલ વિસ્તાર છે. ગામમાં સ્કૂલ નથી. સાંજે વીજળી હોતી નથી, બાળકી ભણી નથી શકતી. વરસાદ આવશે તો પૂર પણ આવી જશે. છોકરીને ક્યાં ભણવા મૂકવી?"
'સરકાર વીજળી તો આપવા માગે છે, લોકો સહયોગ નથી આપતા'

ઇમેજ સ્રોત, SEETU TIWARI
રોહતાસ જિલ્લાના આ ગામની જેમ જ કૈમુર જિલ્લાના પહાડી પર આવેલાં ગામો અંધારામાં ડૂબેલાં છે.
કૈમુરમાં દૈનિક પ્રભાત ખબરના બ્યૂરો ચીફ વિકાસકુમાર કહે છે, "અધૌરાનાં 108 અને ચૈનપુરનાં 18 ગામમાં બ્લૅક આઉટ છે. અહીં વીજળીની સુવિધા સોલર પૅનલથી આવી અને જતી રહી. આથી અહીંના લોકોને કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો ફૉર્મ ભરવા માટે તેમને શહેર જવું પડે છે."
કૈમુર પહાડી પર બિહાર સરકારના ઍગ્રિમેન્ટ હેઠળ આ બધું કામ લાર્સન ઍન્ડ ટુબ્રોએ કર્યું હતું.

ઇમેજ સ્રોત, SEETU TIWARI
બિહારના 12 જિલ્લામાં કંપનીનું કામ સંભાળી રહેલા રોહિત શર્મા બીબીસીને કહે છે, "અમારા પર સોલર પૅનલ લગાડવાની અને તેના મેન્ટનન્સની જવાબદારી છે. પરંતુ મુશ્કેલી એ છે કે લોકોનો સહયોગ નથી મળતો. બૅટરી ચોરી, ઇન્વર્ટરમાં તોડફોડની ઘટનાઓ પહાડી વિસ્તારોમાં થતી રહે છે. રેહલની વાત કરીએ તો ત્યાં છ બૅટરી ચોરી થઈ ગઈ છે. લોકોને રોજની આ વીજળી માટે પ્રતિદિન એક રૂપિયો આપવાનો હોય છે, તે પણ લોકો આપતા નથી."
તેઓ એમ પણ કહે છે, "આ આખા વિસ્તારમાં છથી આઠ કલાક વીજળીનો પુરવઠો આપવાનો છે. પરંતુ લોકો પ્લાન્ટમાં લાગેલા ટાઇમર સાથે પણ ચેડાં કરે છે. તેના કારણે બૅટરી પર લોડ વધે છે અને તે બળી જાય છે."
આ મામલે રોહતાસના જિલાધિકારી નવીનકુમાર બીબીસીને કહે છે, "વીજળીની સમસ્યા અમારા ધ્યાનમાં છે. ત્યાં બૅટરી ખરાબ થઈ ગઈ છે. અમે ઊર્જા વિભાગને લખ્યું છે, જલદી તેને ઠીક કરી દેવાશે."














