ગુજરાતમાં ભાજપને આ ત્રણ બેઠકો પર કૉંગ્રેસ - આપ હંફાવી દેશે?

ગુજરાત લોકસભાની ચૂંટણી ગેનીબહેન ઠાકોર ચૈતર વસાવા અનંત પટેલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/CHAITAR VASAVA/ANANT PATEL MLA@FB

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે રાજકીય પક્ષોના હાથમાં હવે લગભગ એક મહિનો બચ્યો છે. ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, તો બીજી તરફ કૉંગ્રેસને સાત બેઠકો પર ઉમેદવારની શોધ કરવાની બાકી છે.

ભાજપ સતત છેલ્લા કેટલાક સમયથી એવો દાવો કરી રહ્યું હતું કે તે પ્રત્યેક બેઠક પાંચ લાખની સરસાઈથી જીતશે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ, સાબરકાંઠા અને વડોદરા જેવી બેઠકો પર ભાજપના ઉમેદવારો બદલાવા, અન્ય કેટલીક બેઠકો પર ભાજપમાં આંતરિક ખેંચતાણના મામલા સામે આવવાને કારણે ભાજપના પ્રત્યેક બેઠક ‘પાંચ લાખની લીડથી જીતવાના દાવાઓ’ પર જાણે કે પ્રશ્નાર્થ સર્જાવા લાગ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ માત્રને માત્ર આ અસંતોષ અને વિરોધને ડામવાની કોશિશમાં જ અટવાયો હોય તેવું જણાય છે.

બીજી તરફ લોકસભાની કેટલીક બેઠકો પર વિપક્ષના ઉમેદવારોનો પ્રચાર પણ ઊડીને આંખે વળગે તેવો છે. ગુજરાતની બહુચર્ચિત બની ચૂકેલી ભરૂચ બેઠક પર મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે સતત વાક્યુદ્ધ ચાલતું રહે છે. બંને ઉમેદવારો સતત લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે.

તો ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠકનાં કૉંગ્રેસનાં ઉમેદવાર પણ સતત તેમનાં નિવેદનોથી ચર્ચામાં રહે છે. તેમણે આપેલાં ‘બનાસની બહેન ગેનીબહેન’નાં નારાને સોશિયલ મીડિયા પર વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ સિવાય તેઓ નામ લીધા વિના તેમનાં ભાષણોમાં ભાજપના સ્થાનિક નેતાને પણ નિશાન બનાવતાં કહે છે કે તેમના પ્રભાવમાંથી બનાસકાંઠાને મુક્ત કરવાનું છે.

વલસાડ બેઠક પર ભાજપે નવા ઉમેદવારની જાહેરાત કરી છે. પરંતુ કૉંગ્રેસે ‘લડાયક’ નેતા અનંત પટેલને ટિકિટ આપતા જ અહીં પણ મુકાબલો રોચક બન્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે આ બેઠકો પર જબરદસ્ત ટક્કર થવાના એંધાણ છે. સાથેસાથે તેઓ એવું પણ કહે છે કે આ બેઠકો પર ભાજપની જીતની આગાહી કરવી વહેલી ગણાશે. શું છે આ બેઠકોનું ગણિત? કઈ રીતે રાજકીય પક્ષો લડી રહ્યા છે તેમની આ લડાઈ?

ચૂંટણી જાહેર થાય તે પહેલાંથી ભરૂચ ચર્ચામાં

ગુજરાત લોકસભાની ચૂંટણી ગેનીબહેન ઠાકોર ચૈતર વસાવા અનંત પટેલ બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મનસુખ વસાવા અને ચૈતર વસાવા

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક હેઠળ વિસ્તારમાં ઝઘડિયા, ડેડિયાપાડા, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ વિધાનસભા બેઠકો આવેલી છે.

આ સાત બેઠકો પૈકી ડેડિયાપાડા બેઠક જ આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે બાકીની તમામ છ બેઠકો ભાજપ પાસે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભાની છેલ્લી દસ ટર્મથી ભરૂચ પર ભાજપનો દબદબો છે. બીબીસી સહયોગી સાજિદ પટેલના જણાવ્યા પ્રમાણે અહીં 30થી 32 ટકા આદિવાસી મતદારો છે અને 25થી 27 ટકા મુસ્લિમ મતદારો છે.

ગત ચૂંટણીમાં કૉંગ્રેસે અહીં મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપે આદિવાસી ઉમેદવાર ઉતાર્યા હોવાથી મામલો વધુ રોચક બન્યો છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ આવીને તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા, એ સમયે ચૈતર વસાવા જેલમાં હતા.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે કે, “ચૈતર વસાવાને ગત વિધાનસભામાં ખૂબ સારી જીત મળી હતી તથા છોટુભાઈ અને મહેશ વસાવાનું રાજકીય વર્ચસ્વ સમાપ્ત થયું. એ સિવાય ચૈતર વસાવા આદિવાસીઓના પ્રશ્નો સતત ઉઠાવતા રહ્યા છે. તેમની સામે કેસ થયો અને જેલમાં ગયા હોવાથી પણ તેમની પ્રત્યે લોકોને સહાનુભૂતિ પણ છે. આ બધાં કારણો તેમની તરફેણમાં કામ કરશે.”

તો સામે પક્ષે મનસુખ વસાવા પાસે સતત છ ટર્મથી અહીં જીતવાનો અનુભવ છે અને તેમની પાસે પણ કેટલાંક સકારાત્મક પાસાં છે.

નરેશ વરિયા કહે છે, “મનસુખ વસાવાને પક્ષે ભાજપનું મજબૂત સંગઠન તથા અધિકારીઓને ખખડાવવાને કારણે ઊભી થયેલી તેમની છાપ છે. તેઓ પણ આદિવાસીઓ માટે લડે છે તેવું લોકો માને છે.”

ગત લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો મનસુખ વસાવાએ કૉંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને 3.34 લાખ મતે હરાવ્યા હતા. પ્રથમ દૃષ્ટિએ આ લીડ મોટી દેખાય છે.

પરંતુ નરેશ વરિયા માને છે કે, “ભરૂચ બેઠક પર ભાજપને 2019માં મળેલી 3.34 લાખની લીડ પાછળનું કારણ કૉંગ્રેસના ઉમેદવાર હતા, જેમનું આદિવાસી વિસ્તારોમાં કોઈ વર્ચસ્વ ન હતું. જ્યારે ચૈતર વસાવાને પક્ષે આદિવાસી-મુસ્લિમ બંને સમુદાયોનું સમર્થન છે. અહીં કૉંગ્રેસ જમીની સ્તરે આપના ઉમેદવારને કેટલી મદદ કરશે એ પણ જોવાનું રહ્યું, પણ મુકાબલો બરાબરીનો છે એ સ્પષ્ટ વાત છે.”

તેઓ માને છે કે એક વર્ગમાં અરવિંદ કેજરીવાલની ચૂંટણીટાણે થયેલી ધરપકડની પણ અસર છે, જેનો ફાયદો ચૈતર વસાવાને મળી શકે છે.

ગુજરાત લોકસભાની ચૂંટણી ગેનીબહેન ઠાકોર ચૈતર વસાવા અનંત પટેલ બીબીસી ગુજરાતી

એ સિવાય પણ ભરૂચ બેઠક પર બીજા બે અગત્યના પરિબળો પરિણામમાં અસર પાડી શકે છે. છોટુ વસાવાએ પોતાના નવા પક્ષની જાહેરાત કરી છે તો બીજી તરફ અસદુદ્દીન ઔવૈસીના પક્ષ એઆઈએમઆઈએમે પણ અહીં પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે.

નરેશ વરિયા કહે છે કે, “છોટુભાઈ વસાવા ચૂંટણી લડે અથવા તો એઆઈએમઆઈએમ પણ ઉમેદવાર ઉતારે તો તેનાથી બહુ જાજો ફર્ક પડશે તેવું મને લાગતું નથી. છોટુભાઈને કારણે બંને તરફી મત કપાય જ્યારે એઆઈએમઆઈએમને કારણે મુસ્લિમ મતોને નુકસાન પહોંચે. પરંતુ લોકો એઆઈએમઆઈએમને પણ ઓળખી ગયા છે. પણ, એ જોવું જરૂરી છે કે તેમનો ઉમેદવાર કોણ છે?”

ભાજપ પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે, “ભરૂચમાં આદિવાસી મતદારો પહેલેથી જ ભાજપને પડખે છે જ્યારે મુસ્લિમ મતદારોનું પણ અમને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. અમે ભરૂચમાં કૉંગ્રેસ જેવા સબળ પક્ષ સામે જીતતા આવ્યા છીએ અને મનસુખભાઈ સતત છ ટર્મથી જીતતા આવ્યા છે. આ વખતે તો અહેમદ પટેલની પરંપરાગત બેઠક તેમણે એવા ઉમેદવારને આપી દીધી છે જે પક્ષના નેતાઓ જેલમાંથી સરકાર ચલાવે છે. જેના કારણે અમને જીતવામાં કોઈ તકલીફ નહીં પડે.”

આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉ. કરણ બારોટ કહે છે કે, “ભરૂચમાં અમે એક-દોઢ વર્ષ પહેલાથી જ ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી હતી. જેના કારણે જ ચૈતર વસાવાનો સમય બરબાદ કરવા માટે તેમના પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા.”

“ભરૂચમાં અમે સ્વાભિમાન યાત્રા કાઢી હતી જે ભરૂચ હેઠળ આવતી દરેક વિધાનસભાના મુખ્ય મથકમાંથી પસાર થઈ હતી. અત્યારે અમે તમારો દીકરો, તમારે દ્વારે અભિયાન ચલાવી રહ્યા છીએ. અમારા નેતાઓ ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા ગામેગામ ફરીને પ્રચાર કરી રહ્યા છે.”

તેઓ કહે છે, “ભરૂચમાં ભાજપ સરકાર તરફથી આવેલા માનવસર્જિત પૂરને કારણે પણ કરોડોનું નુકસાન થયું છે. એ સમયે પણ મનસુખ વસાવા સંસદસભ્ય હોવા છતાં પણ ત્યાં મદદ માટે ગયા ન હતા અને ચૈતર વસાવાએ લોકોની મદદ કરી હતી.”

“હાલમાં, પણ અમે એવા ખોટા આત્મવિશ્વાસમાં નથી કે અમે આ બેઠક જીતી ગયા છીએ. પણ અત્યારે ભરૂચ બેઠક પર બરાબરીનો મુકાબલો થવાનો છે અને અમે આ બેઠક પર વધુને વધુ મહેનત કરીને જીતીને બતાવીશું.”

કૉંગ્રેસ અને આપના ગઠબંધન વિશે તેઓ કહે છે, “જ્યારે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે કૉંગ્રેસના એક-બે નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ હાલમાં તેવું કશું જ નથી. ચૈતર વસાવાએ તાલુકા કક્ષાએ કૉંગ્રેસના નેતૃત્ત્વ સાથે બેઠકો કરીને સહકાર માંગ્યો છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ જાહેરમાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક થઈને લડવાનું છે. બંને પક્ષો સાથે મળીને લડી રહ્યા છે અને મનસુખ વસાવા પર તેની સ્પષ્ટ અસર દેખાય છે, તેઓ નિરાશ થઈને બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે.”

જોકે, નરેશ વરિયાના મતે આ બેઠક પર હાર કે જીત નક્કી કરનારું પરિબળ ધ્રુવીકરણ રહેશે. ઓછું ધ્રુવીકરણ થાય તો ચૈતર વસાવાને ફાયદો થશે બાકી મનસુખ વસાવાની જીત આસાન રહેશે.

બનાસકાંઠામાં ‘બનાસની બહેન ગેનીબહેન’ નું સૂત્ર કેટલું ચાલશે?

ગુજરાત લોકસભાની ચૂંટણી ગેનીબહેન ઠાકોર ચૈતર વસાવા અનંત પટેલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB

ઇમેજ કૅપ્શન, ગેનીબહેન ઠાકોર

2022માં બનાસકાંઠા લોકસભા હેઠળ આવતી બે બેઠકો વાવ અને દાંતામાં કૉંગ્રેસનો વિજય થયો હતો જ્યારે બાકીની પાંચ બેઠકોમાં ભાજપનો વિજય થયો હતો.

વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરને કૉંગ્રેસે ટિકિટ આપી છે તો સામે પક્ષે ભાજપે નવાં ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીને ટિકિટ આપી છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર સૌથી વધુ સંખ્યામાં મતદારો ચૌધરી (આંજણા પટેલ) અને ઠાકોર સમુદાયના છે. આથી વિશ્લેષકોના મતે બંને સમાજના મત એકતરફા પડે તો અન્ય સમુદાયો વિજેતા નક્કી કરી શકે છે. આથી, જ વારંવાર કૉંગ્રેસના ઉમેદવાર તેમની સભાઓમાં ‘સર્વ સમાજના મત તેમને મળશે’ એવો દાવો કરી રહ્યાં છે.

બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં ગેનીબહેને કહ્યું હતું કે, “મને પાર્ટીએ ટિકિટ આપી તેના એક મહિના પહેલાંથી જ અમે પ્રચાર ચાલુ કરી દીધો હતો. લોકોનું મને એટલું સમર્થન છે કે મારે હજી સુધી પ્રચાર માટે ગાડીનું પેટ્રોલ પણ પૂરાવવાની જરૂર નથી પડી.”

એ સિવાય છેલ્લા કેટલાક સમયથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર પોતાનાં નિવેદનોમાં ‘બનાસની બહેન ગેનીબહેન’ સૂત્રનો ઉપયોગ કરતાં દેખાય છે અને બનાસકાંઠાને એક વ્યક્તિની ગુલામીમાંથી મુક્ત કરવાની વાત કરી રહ્યાં છે.

તેમનાં વિધાનો પરથી એ સ્પષ્ટ છે કે ગેનીબહેન આ ચૂંટણીને બનાસકાંઠાની અસ્મિતાની લડાઈ બનાવી રહ્યાં છે. તેઓ ભાજપનાં ઉમેદવાર પર બહારનાં હોવાનો આરોપ મૂકે છે. ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરી તેમના આરોપોને નકારતાં રહ્યાં છે અને પોતે શિક્ષિત ઉમેદવાર હોવાની વાત લોકો સામે મૂકી રહ્યાં છે.

બંને ઉમેદવારોનો પ્રચાર જોતાં એ વાત સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે બનાસકાંઠામાં બે મહિલાઓ વચ્ચે બરાબરીનો મુકાબલો થશે.

ગુજરાત લોકસભાની ચૂંટણી ગેનીબહેન ઠાકોર ચૈતર વસાવા અનંત પટેલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dr Rekha Choudhary/FB

ઇમેજ કૅપ્શન, રેખાબહેન ચૌધરી

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ કહે છે કે, “શંકરભાઈ ચૌધરી એ ડેરીના ચૅરમૅન છે અને પ્રભાવી નેતા છે. ચૌધરી સમાજમાં પણ હાલમાં તેઓ સર્વેસર્વા મનાય છે, જેથી ચૂંટણી પર તેમની અસર પડી શકે છે.”

તેઓ કહે છે, “ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરીને ફાયદો કરાવી શકે તેવાં પરિબળો ‘આર્થિક સાધનો’ અને ‘ડેરીનું નેટવર્ક’ છે. આ બાબતો ભાજપના પક્ષે છે.”

તેમના મતે કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને તેમના ભાઈ ગેનીબહેનને કેવી અને કેટલી મદદ કરે છે એના પર પણ કૉંગ્રેસના પ્રદર્શનનો આધાર રહેશે.

ભાજપ પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે, “રેખાબહેન સામે ગેનીબહેન ખોટો પ્રચાર કરે છે અને રેખાબહેન બનાસકાંઠાનાં જ વતની છે. ગેનીબહેન માત્ર એક કોમને આધારે જ જીતવાની કોશિશ કરી રહ્યાં છે અને જ્ઞાતિવાદનું રાજકારણ રમી રહ્યાં છે. જ્યારે ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસને આધારે ચૂંટણી લડી રહ્યું છે. કૉંગ્રેસ ઠાકોર સમાજનું નામ લઈને માત્ર જ્ઞાતિવાદ ફેલાવે છે.”

કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી કહે છે, “બનાસકાંઠામાં કૉંગ્રેસનું સૌથી મોટું જમા પાસું અમારાં ઉમેદવાર ગેનીબહેન છે. તેઓ અતિશય લોકપ્રિય જનપ્રતિનિધિ છે. જે કાયમ ખડેપગે જનતાની સેવામાં રહે છે. સામેપક્ષે ભાજપના ઉમેદવાર પાસે કોઈ જનસમર્થન નથી.”

તેઓ ભાજપ પર આરોપ લગાવતા કહે છે કે, “બનાસકાંઠામાં સંપૂર્ણપણે ‘સરકારી’ અને ‘સહકારી’ મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે. પશુપાલકોને ક્યારેય ન્યાય મળતો નથી અને ભાજપે દરેક જગ્યાએ કબ્જો કરી લીધો છે.”

તેમના મત અનુસાર ગેનીબહેન પહેલેથી સર્વ સમાજની વાત કરી રહ્યાં છે અને તેમને સૌનું સમર્થન મળશે.

જોકે, અહીં પણ ભાજપને ગત ચૂંટણીમાં 3.68 લાખ કરતાં વધુ સરસાઈથી વિજય મળ્યો હતો. શું કૉંગ્રેસ ગેનીબહેનની લોકપ્રિયતાને સહારે આટલી સરસાઈને પાર કરી જીત મેળવી શકશે એ મોટો સવાલ છે.

વલસાડમાં કૉંગ્રેસને અનંત પટેલ તારી શકશે?

ગુજરાત લોકસભાની ચૂંટણી ગેનીબહેન ઠાકોર ચૈતર વસાવા અનંત પટેલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANANTPATEL1MLA/X

વલસાડ બેઠક હેઠળ આવતી ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ બેઠકમાંથી માત્ર વાંસદાની બેઠક ગત વિધાનસભામાં કૉંગ્રેસને ફાળે ગઈ હતી. અનંત પટેલ ત્યાંના ધારાસભ્ય છે, જેમને કૉંગ્રેસે ટિકિટ આપી છે. બાકીની તમામ બેઠકો પર ભાજપનો કબ્જો છે.

કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની છબી એક ‘લડાયક’ આદિવાસી નેતા તરીકેની રહી છે. જેના કારણે કૉંગ્રેસને ફાયદો થશે તેવું વિશ્લેષકો માને છે.

દમણગંગા ટાઇમ્સના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાય કહે છે, “અનંત પટેલનો પ્રભાવ માત્ર વાંસદા વિધાનસભા સુધી સીમિત નથી. વલસાડ લોકસભા બેઠક હેઠળ આવતી ચાર વિધાનસભાઓ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડામાં તેમની સારી પકડ અને પ્રભાવ છે.”

તો બીજી તરફ ભાજપે નવા ઉમેદવાર ધવલ પટેલને અહીંથી ટિકિટ આપીને સૌને ચોંકાવ્યા છે.

નરેશ વરિયા કહે છે, “વલસાડ બેઠક પરના ભાજપના ઉમેદવારની વાત કરીએ તો એ યુવા અને શિક્ષિત છે તથા વાંસદાના જ વતની છે. પરંતુ જમીન સ્તરે તેમની કોઈ વિશેષ પકડ કે કામ નથી. અહીં ભાજપને સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના નામ પર જ નિર્ભર રહેવાનું છે.”

તેઓ કહે છે, “સામે પક્ષે કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ લોકપ્રિય અને લડાયક છે. પરંતુ અહીં ભરૂચની જેમ તેમના ફાળે કોઈ સમુદાયોનું પ્રભાવી સમીકરણ ફિટ બેસતું નથી. બીજી તરફ વલસાડ, ઉમરગામ, વાપી અને પારડીના શહેરી વિસ્તારોમાં ભાજપની સારી એવી પકડ છે. જેથી મુકાબલો રોમાંચક જરૂર બનશે પણ પરિણામ પલટી નાખે એવી શક્યતા અહીં વલસાડમાં ઓછી દેખાય છે.”

અહીં ઉલ્લેખનીય છે કે વલસાડ લોકસભાની બેઠક પણ ભાજપે ગત ચૂંટણીમાં 3.53 લાખ મતોથી જીતી હતી.

ગુજરાત લોકસભાની ચૂંટણી ગેનીબહેન ઠાકોર ચૈતર વસાવા અનંત પટેલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANANT PATEL MLA/FB

ભાજપ પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે, “વલસાડ બેઠક પર તો ભાજપનો પાંચ લાખ મતે વિજય નિશ્ચિત છે અને અમારા ઉમેદવાર પણ ખૂબ શિક્ષિત છે. વલસાડમાં ઉમેદવારના પરિવર્તન પાછળ કોઈ ચોક્કસ કારણ નહોતું અને સ્ટ્રૅટેજી અનુસાર પાર્ટી ઉમેદવારો બદલતી હોય છે.”

તો કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કહે છે, “વલસાડમાં પણ ચારેકોર એક જ સૂત્ર ચાલી રહ્યું છે કે, ‘એક જ ચાલે, અનંત પટેલ ચાલે’. અનંત પટેલની લોકપ્રિયતા આ વિસ્તારમાં વધુ પ્રભાવક છે. આંગણવાડી બહેનોનો મુદ્દો હોય , પાર-તાપી પરિયોજનનાનો મુદ્દો હોય, મધ્યાહન ભોજનનો મુદ્દો હોય તેમણે દરેક વખતે લોકોના મુદ્દા ઉપાડ્યા છે.”

મનીષ દોશી કહે છે, “‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ બંને પક્ષો સાથે મળીને પ્રચાર કરી રહ્યા છે. આ માત્ર સત્તા પરિવર્તનની લડાઈ નથી પણ લોકશાહી અને બંધારણ બચાવવાની લડાઈ છે. 2014 અને 2019માં મુદ્દાઓ અલગ હતા, જ્યારે હાલમાં લોકોને ખ્યાલ આવી ગયો છે આ સરકારમાં મોંઘવારી અને બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે. તેનો પણ અમને ચોક્કસ ફાયદો થશે અને અમે જીતીશું.”