ગુજરાત : પાણીપુરીની લારી ચલાવતા પિતાના પુત્રનું બારમામાં 92% છતાં MBBSમાં ઍડમિશન કેમ રદ કરી દેવાયું?

ઇમેજ સ્રોત, Navneet Sharma/Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“ગામમાં ખેતી નહોતી તેથી હું ગુજરાત આવીને પાણીપુરી વેચું છું. મને હતું કે મારો દીકરો ભણીગણીને ડૉક્ટર થશે, એટલે પૈસા બચાવવા મારી આંખનું ઑપરેશન ન કરાવ્યું. એ રીતે ભેગી કરેલી બચતમાંથી મેડિકલ કૉલેજની ફી ભરી. અચાનક મારા દીકરાને સામાજિક અને આર્થિક પછાતપણા માટેની અનામતનો લાભ નહીં મળે કહી એને કૉલેજમાંથી કાઢી મૂકાયો અને હવે અમારે કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો.”
અરવલ્લીના મેઘરજમાં નાગરિક બૅન્કની સામે પાણીપુરીની લારી ચાલવતા રામસિંઘ રાઠોડ પોતાના તેજસ્વી પુત્ર અલ્પેશ રાઠોડના મેડિકલ ઍડમિશન મામલે સર્જાયેલી સમસ્યા અંગે આ વાત કરે છે.
મૂળ ઉત્તરપ્રદેશના વતની રામસિંઘ જાતે આઠમા ધોરણ સુધી જ ભણ્યા છે. તેમના પુત્ર અલ્પેશ દસમા- બારમા ધોરણમાં તેમજ મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં ઝળહળતું પરિણામ તો મેળવ્યું, પરંતુ ઍડમિશન માટે અપાયેલા દસ્તાવેજોમાં કંઈક એવી તકલીફ સામે આવી કે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો, જ્યાં તેમનું ઍડમિશન રદબાતલ ઠેરવી દેવાયું. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન નોટિસ કાઢી હતી.
નોંધનીય છે કે મેડિકલ ઍડમિશન કમિટીએ ગત વર્ષે અલ્પેશના જાતિ પ્રમાણપત્રને ‘અમાન્ય’ ગણાવીને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી સાથે સંલગ્ન સરકારી મેડિકલ કૉલેજમાં એમબીબીએસ કૉર્સમાં આપેલું ઍડમિશન રદ ઠેરવ્યું હતું.
બાદમાં આ મામલો ગુજરાત હાઈકોર્ટની બે બેન્ચો સમક્ષ ગયો હતો.
આ સમગ્ર મામલો શું છે એ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
એ પહેલાં જાણી લઈએ અલ્પેશ મેડિકલનો અભ્યાસ કરી શકે એ માટે પુત્ર અને પિતા કેવો સંઘર્ષ કરવો પડ્યો.
પાણીપુરીવાળાના પુત્રને મળ્યું એમબીબીએસમાં ઍડમિશન, પરંતુ...

ઇમેજ સ્રોત, Navneet Sharmar
મેઘરજના દરજીવાસમાં મકાન ભાડે રાખીને રહેતા રામસિંઘનો દીકરો અલ્પેશ રાઠોડ ભણવામાં ખૂબ હોંશિયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દસમા ધોરણમાં અલ્પેશ 93 ટકા સાથે પાસ થતા પિતાએ દીકરાને ભણવામાં કોઈ તકલીફ ન પડે એ સુનિશ્ચિત કરવા પરિવારના ખર્ચ પર કાપ મૂકી બચત કરવાનું શરૂ કર્યું હતું.
પોતાની વાત કરતાં અલ્પેશ કહે છે કે, “મારું પરિણામ જોઈ મારા શિક્ષકો પણ મને ઍક્સ્ટ્રા ક્લાસ સહિતની મદદ કરતા. અમે એક પછાત વર્ગમાં સમાવિષ્ટ તેલી જ્ઞાતિમાંથી આવીએ છીએ. એક શિક્ષકના કહેવાથી મેં વર્ષ 2018માં સામાજિક અને આર્થિક રીતે પછાતપણાનું સર્ટિફિકેટ કઢાવ્યું હતું.”
અલ્પેશ કહે છે કે દસમા બાદ તેણે ભણવામાં વધુ મહેનત કરીને બારમામાં 92 ટકા લાવ્યા.
તેઓ પોતાની ડૉક્ટર થવાની મહેચ્છા વિશે કહેતા કહે છે, “આ જ દરમિયાન પિતાની જમણી આંખમાં તકલીફ થઈ. ડૉક્ટર અને દવાના ખર્ચા વિશે જાણી મને થયું કે મારે ડૉક્ટર થવું જોઈએ. આ ઇચ્છા સાથે મેં મેડિકલમાં પ્રવેશ માટે નૅશનલ ઍલિજિબિલિટી ઍન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) આપીને તેમાં પણ 720માંથી 613 માર્ક્સ મેળવ્યા.”
સારા પરિણામને કારણે તેમને વર્ષ 2022માં વડોદરાની મેડિકલ કૉલેજમાં ઍડમિશન મળી ગયું. અલ્પેશે પોતાના દસ્તાવેજો સાથે એ સમયે સામાજિક અને આર્થિક પછાત વર્ગનું પ્રમાણપત્ર (એસઈબીસી સર્ટિફિકેટ) સામેલ કર્યું હતું.
આ તમામ દસ્તાવેજોને આધારે તેમને એસઈબીસી કૅટગરીમાં ઍડમિશન મળી ગયું. જોકે, તેઓ જણાવે છે કે તેમને સામાન્ય કૅટેગરીમાં પણ પ્રવેશ મળી શક્યો હોત.
અલ્પેશના પિતા કહે છે કે તેમણે તેમના દીકરાને ડૉક્ટર બનાવવાનો ઉમંગ હતો, તેથી પોતાની બચતમાંથી આંખનું ઑપરેશન ન કરાવી 25 હજાર રૂપિયા ઍડમિશન ફી તરીકે ભરી દીધા.
પરંતુ અચાનક એક દિવસ અલ્પેશ અને તેમના પિતાને જાણ કરાઈ કે અલ્પેશનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હોઈ તેમજ વર્ષ 1978થી તેઓ ગુજરાતમાં ન રહેતા હોઈ તેમને અનામત કૅટગરીમાં ઍડમિશન મળવાપાત્ર નથી. આટલું કહી તેમનું ઍડમિશન ઑગસ્ટ 2023માં રદ કરી દેવાયું.
નોંધનીય છે કે સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટે વ્યક્તિ 1 એપ્રિલ 1978ના ગુજરાત સરકારના સમાજકલ્યાણ ઠરાવ અન્વયે બક્ષીપંચમાં સમાવિષ્ટ જ્ઞાતિ અને જ્ઞાતિવર્ગમાં સમાવિષ્ટ હોવી જોઈએ.
ઍડમિશન રદ થયા પછી શરૂ થયો કાનૂની જંગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/GUJARATHIGHCOURT.NIC.IN
આ સમગ્ર બનાવ બાદ અલ્પેશ અને તેમના પિતાએ સામાન્ય કૅટગરીમાં ઍડમિશનની દાદ માગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી.
ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશનો કેસ ઍડ્વોકેટ હિમાંશી બડોલી લડી રહ્યાં હતાં. આ કેસ અંગે જાણ થતાં સિનિયર ઍડ્વોકેટ યતીન ઓઝાએ આ કેસમાં માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.
યતીન ઓઝા કહે છે કે આમાં છોકરો તેજસ્વી અને નબળી આર્થિક સ્થિતિનો હોઈ આને ખાસ કિસ્સો ગણી માનવતાના ધોરણે ઍડમિશન રદ ન થવું જોઈએ એવી દલીલ કરાઈ હતી.
કોર્ટ સમક્ષ દલીલ કરાઈ હતી કે એસઈબીસી કૅટગરીમાં નહીં, પરંતુ આ વિદ્યાર્થીને જનરલ કૅટગરીમાં પણ ઍડમિશન મળવાપાત્ર હોઈ તેમનું ભવિષ્ય ન બગડે એનું ધ્યાન રાખી ઍડમિશન ચાલુ રાખવું જોઈએ.
આ દલીલોને આધારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કરીયેલે 29 જાન્યુઆરી 2024ના રોજ મૌખિક ઑર્ડર દ્વારા અલ્પેશનું મેડિકલ ઍડમિશન ચાલુ રાખવા કહ્યું હતું.
જોકે, મેડિકલ ઍડમિશન કમિટી અને એસઈબીસી કમિટીના ચૅરમૅન આર. જે. ખરાડીએ ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેન્ચ સમક્ષ આ ચુકાદા સામે રિવિઝન અરજી દાખલ કરી હતી.
ડિવિઝન બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “મેડિકલ કૉલેજની ઍડમિશન માટેની સ્ક્રૂટિની કમિટીએ તમામ દસ્તાવેજો ચકાસ્યા છે, જેમાં અલ્પેશના પિતા વર્ષ 2005માં ગુજરાતમાં આવ્યા હોવાનું જણાયું છે. તેમજ અલ્પેશનો જન્મ પણ ઉત્તરપ્રદેશના ઝાલોન જિલ્લાના કેથવા ગામમાં થયો છે. ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એનું અહીં કઢાવેલ એસઈબીસીનું સર્ટિફિકેટ માન્ય ન ગણાય.”
“અલબત્ત ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચે માનવતાના ધોરણે એને મેરિટના આધારે જનરલ કૅટગરીમાં ગણી ઍડમિશન ચાલુ રાખવાનું ભલે કહેવાયું છે, પણ ઍડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સંજોગોમાં એને જનરલ કૅટગરીમાં ઍડમિશન ન આપી શકાય. જો ઍડમિશન અપાય તો કૉલેજ અને ઍડમિશન કમિટી તથા સ્ક્રૂટિની કમિટીનાં નીતિનિયમો સામે સવાલો ઊભા થાય.”
હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું, “આવી સ્થિતિમાં એસઈબીસીમાં સમાવિષ્ટ થતી જ્ઞાતિ માટેના ગુજરાત સરકારના નિયમનો ભંગ થતો હોઈ સરકારી મેડિકલ કૉલેજમાં તેને ઍડમિશન મળવાપાત્ર ન હોઈ તેનું ઍડમિશન રદ થવું જોઈએ.”
જોકે, અલ્પેશ અને તેમના પિતાએ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં નોટિસ કાઢી છે.














