માઉન્ટ આબુ – ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન પર જવા માટે શું પ્રવાસીઓએ હવે મંજૂરી લેવી પડશે?

- લેેખક, પારસ જ્હા
- પદ, બીબીસી સંવાદદાતા, માઉન્ટ આબુથી પરત ફરીને
પ્રવાસના શોખીન ગુજરાતીઓને ઓછા સમયમાં મજા પડી જાય તેવા ફરવાના વિકલ્પો પૂછવામાં આવે તો માઉન્ટ આબુનું નામ બેશક ટોચનાં ત્રણ સ્થાનોમાં મળે.
ગુજરાતમાં સાપુતારા પણ હિલ સ્ટેશન છે, પરંતુ રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ ગુજરાતના પ્રવાસીઓમાં વિવિધ કારણોસર લોકપ્રિય છે.
શનિ-રવિની રજા હોય કે શિયાળુ-ઉનાળુ વેકેશન, ગુજરાતીઓ સૌરાષ્ટ્રના છેડેથી કે પછી દક્ષિણ ગુજરાતના સુરતથી સરળતાથી માઉન્ટ આબુ પહોંચી જાય છે.
વર્ષના કોઈપણ સપ્તાહના શનિ-રવિના દિવસોમાં માઉન્ટ આબુમાં હોટલના રૂમ મળવામાં મુશ્કેલી પડે તેટલી હદે માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓનું ‘વીકઍન્ડ ડૅસ્ટિનેશન’ બની ગયું છે.
માઉન્ટ આબુમાં વર્ષે લગભગ 20-25 લાખ પ્રવાસીઓ આવે છે, તેમાં સ્થાનિક રાજસ્થાનના કે વિદેશી પ્રવાસીઓની સંખ્યા માંડ બે ટકા છે. લગભગ 98 ટકા પ્રવાસીઓ ગુજરાતથી માઉન્ટ આબુ આવે છે.
ગુજરાતીઓ માઉન્ટ આબુ આવવાનાં કારણો છે?
માઉન્ટ આબુમાં આવેલાં અધર દેવી, અચલેશ્વર મહાદેવ, દેલવાડાનાં દેરાં અને બ્રહ્માકુમારી જેવાં ધાર્મિક, આધ્યાત્મિક, ઐતિહાસિક તથા સ્થાપત્યકળાનાં નમૂનારૂપ સ્થળો છે. આ સ્થળો માઉન્ટ આબુ આવનારા વિવિધ પ્રકારના પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો છે.
યુવાનો માટે અહીં નખી લેક, ગુરુ શિખર, સન-સેટ પોઇન્ટ, ટોડ રૉક, હનીમૂન પૉઇન્ટ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત પર્વતારોહણ તાલીમ સંસ્થા અને ફૉરેસ્ટ સફારી જેવી રોમાંચક પ્રવૃત્તિઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંજય કાપડી કચ્છના ધ્રાંગ ગામના વતની છે. બાળપણમાં અભ્યાસ માટે માઉન્ટ આબુ આવ્યા બાદ તેઓ હવે અહીં જ સ્થાયી થઈ ગયા છે. છેલ્લાં 30 વર્ષથી માઉન્ટ આબુમાં રહેતા સંજય હોટલ બિઝનેસમાં છે.
તેઓ કહે છે, "માઉન્ટ આબુમાં આવતા પ્રવાસીઓમાં 98 ટકા ગુજરાતીઓ હોય છે. ગુજરાતની સરહદથી આ સૌથી નજીકનું હિલ સ્ટેશન છે. અહીંનું તાપમાન પણ ગુજરાતના પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે."
"ઉનાળામાં અહીંનું સરેરાશ તાપમાન 32-34 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, સામાન્ય દિવસોમાં તાપમાન 28 ડિગ્રી સે.ની આસપાસ રહેતું હોય છે. શિયાળામાં તાપમાન -7 ડિગ્રી સુધી ઘટી જાય છે."
જોકે આ ઉપરાંત પણ ગુજરાતી પ્રવાસીઓને અહીં આવવા પાછળનું વધુ એક કારણ જણાવતા રાજકોટથી માઉન્ટ આબુ આવેલા પ્રવાસી અલ્પેશભાઈ કહે છે, "માઉન્ટ આબુમાં શુદ્ધ હવા મળે અને સૌરાષ્ટ્ર કરતાં અહીં ગરમી લગભગ 50 ટકા જેટલી ઓછી થઈ જાય છે. અહીં ગુજરાતીઓ ‘ઍન્જૉય’ અને ‘માઇન્ડ ફ્રેશ’ કરવા આવે છે."
"અહીં છૂટ છે, ગુજરાતમાં શરાબની બંધી છે, પણ યુવાનો દારૂ ઍન્જોય કરતા હોય છે, ડ્રિંક્સ લે છે, પરંતુ ત્યાં ગરમીનું વાતાવરણ હોય છે. અહીં વાતાવરણ ઠંડું હોય એટલે ડ્રિંક્સ લે તો કોઈ વાંધો ન આવે."
અહીંના સ્થાનિક પર્યાવરણ કર્મશીલ પત્રકાર ડૉ. અરુણ શર્મા કહે છે, "અહીં હું ઘણા ગુજરાતી પ્રવાસીઓ સાથે વાત કરું છું ત્યારે તેઓ મને નિખાલસતાથી કહે છે કે તેઓ અહીંના ઠંડા વાતાવરણમાં બેસીને દારૂની મજા લેવા આવે છે, પરંતુ તેઓ કાયદાનું પાલન કરનારા અને ધર્મભીરુ લોકો છે. એટલે અહીં કોઈને ખરાબ અનુભવ નથી થતો."
માઉન્ટ આબુ સ્થિત ડેપ્યુટી કલેક્ટર અને સબ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સિદ્ધાર્થ પાલાનીચામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે દર વર્ષે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે આ નાનકડા હિલ સ્ટેશન પર 'વધતા પ્રવાસીઓને જોતાં તમામ પ્રકારની સુવિધાઓ અંગે પણ વહીવટીતંત્ર વિચારણા કરી રહ્યું છે'.
પુરાણકાળથી બ્રિટિશ શાસન સુધીનો આબુનો ઇતિહાસ

આબુરોડ બ્રિટિશ શાસનકાળ દરમિયાન સિરોહી રાજ્યનો હિસ્સો હતું.
અબજો વર્ષ પુરાણી અરવલ્લીની ગિરિકંદરાઓમાં આવેલા આબુરોડનો પૌરાણિક ઇતિહાસ ઋષિ વશિષ્ઠની ભગવાન શિવને કરેલા આહ્વાનની કથાઓથી શરૂ કરીને ઇ.સ. 65માં ચંદ્રગુપ્તના દરબારમાં રહેલા ગ્રીક પ્રતિનિધિ મૅગેસ્થેનિસ અને ઈસવી 629થી 645 દરમિયાન ભારતભ્રમણ કરનારા ચીનના પ્રવાસી હ્યુ-એન-ત્સાંગના લખાણોમાં જોવા મળે છે.
13મી સદી સુધી આ સ્થળનો ઇતિહાસ રાજસ્થાનના પરમાર વંશના રાજાઓ અને ત્યારબાદ દેવરા ચૌહાણ શાસકો સુધી વિસ્તરે છે.
જોકે, આ વિસ્તારને ખરી ઓળખ બ્રિટિશ શાસનકાળ દરમિયાન મળી જ્યારે હિલસ્ટેશનની માઉન્ટ આબુની શોધ જૂન 1822માં કર્નલ જેમ્સ ટૉડ દ્વારા કરવામાં આવી હતી.
બ્રિટિશ શાસકોએ માઉન્ટ આબુને પોતાના અધિકારીઓ અને સૈનિકોની સારવાર અને રજાઓ ગાળવા માટે આ પર્વતીય વિસ્તારમાં હિલ સ્ટેશન તરીકે વિકસાવ્યું હતું.
લેખક એસ કે વર્માએ તેમના પુસ્તક ‘માઉન્ટ આબુ – ધ સિટી ઑફ સનસેટ’માં લખ્યું છે, "આ સ્થળનું મહત્ત્વ સમજીને સિરોહીના રાજા રાવ શિવસિંહ પાસેથી બ્રિટિશરોએ 1845માં એક સેનેટોરિયમ બનાવવા માટે માઉન્ટ આબુમાં જમીનનો ટુકડો લીધો હતો."
"આ સેનેટોરિયમને પછીથી રાજપૂતાના ક્ષેત્રના બ્રિટિશ સરકારના પ્રતિનિધિનું મુખ્યમથક બનાવી દેવામાં આવ્યું હતું."
"સમય જતાં બ્રિટિશ સરકારે 1917માં માઉન્ટ આબુને સિરોહીના મહારાવ કેશરીસિંહ પાસેથી વાર્ષિક 27 હજાર રૂપિયાના ભાડા પટ્ટે લીધું હતું."
"આ ભાડાકરારને ભારતને આઝાદી મળી તેના એક મહિના અગાઉ જુલાઈ 1947માં રદ કરી દેવામાં આવ્યો હતો."
બ્રિટિશ શાસનના કાળમાં ગુજરાત અને રાજસ્થાનનાં નાનાં-મોટાં રાજ્યોના રાજાઓએ ઉનાળામાં રહેવા માટે માઉન્ટ આબુમાં પોતાના ભવ્ય બંગલા અને મહેલ જેવી હવેલીઓનું પણ નિર્માણ કરાવ્યું હતું.

સ્થાનિક ઇતિહાસ વિશે વાત કરતા અહીં 1985થી સ્થાયી થઈ ચૂકેલા ડૉ. અરુણ શર્મા કહે છે, "માઉન્ટ આબુનો ઉલ્લેખ અર્બુદાંચલ, અથવા અર્બુદ પ્રદેશ તરીકે તમને પુરાણોમાં મળી રહેશે. અહીં રામ-લક્ષ્મણ-ભરત-શત્રુઘ્નને શિક્ષા પ્રાપ્ત થઈ હતી. અહીં ઋષિ વશિષ્ઠનો આશ્રમ હતો."
તેમણે વધુમાં કહ્યું, "પૌરાણિક કથાઓ ઉપરાંત અહીંનાં જંગલોમાં પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ કરોડો વર્ષો જૂની છે. આ અરવલ્લીની ગિરીમાળાનો એક ભાગ છે. અહીં ગ્રેનાઇટના ખડકો છે, જે 3.3 અબજ વર્ષ જૂના છે."
"જો કહીએ કે આ સ્થળ માત્ર પ્રવાસનની રીતે નહીં, પર્યાવરણની રીતે સમગ્ર વિશ્વ માટે એક ધરોહર સમાન છે."
"અહીંની ‘ગ્રીન મુનિયા’ નામની ચકલી એ માઉન્ટ આબુમાં જ જોવા મળે છે. એ અહીંની એક વિશિષ્ઠ ઓળખ છે."
આ ઉપરાંત 19મી સદીમાં આ વિસ્તારને આધ્યાત્મિક સાધના માટેનું એક મહત્ત્વનું સ્થળ ગણવામાં આવતું હતું. જૈનોના વિવિધ ધર્મગુરુઓ ઉપરાંત સ્વામી વિવેકાનંદે પણ ધ્યાન અને સાધના માટે આબુની મુલાકાત લીધી હતી.
એટલું જ નહીં, આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીને જ્યારે ઝેર આપવામાં આવ્યું ત્યારબાદ તેમની કથળતી તબિયતમાં આરામ મળે તે હેતુથી તેમને તેમના અંતિમ દિવસોમાં માઉન્ટ આબુ લાવવામાં આવ્યા હતા. માઉન્ટ આબુથી અજમેર ગયા બાદ તેમનું અવસાન થયું હતું.
ગુજરાતીઓનો સંબંધ માઉન્ટ આબુ સાથે અકબંધ

એક સમય હતો જ્યારે આર્થિક રીતે સમૃદ્ધ ગુજરાતી પરિવારો પોતાનાં સંતાનોને માઉન્ટ આબુમાં આવેલી કૉન્વેટ તરીકે ઓળખાતી ખ્રિસ્તી મિશનરી સ્કૂલોમાં અભ્યાસ માટે મૂકતાં હતાં. એને માટે ધસારો પણ ખૂબ રહેતો હતો.
આ જ બાબત જયેશભાઈ પટેલના પિતાને હોસ્ટેલ શરૂ કરવા તરફ દોરી ગઈ. ગુજરાતમાં સોજિત્રાના વતની જયેશભાઈ કહે છે, "મારા પિતા અહીંની હોટલોમાં ગુજરાતી રેસ્ટોરાં ચલાવતા હતા. એ સમયે અહીંની બે મિશનરી સ્કૂલો - સોફિયા હાઈસ્કૂલ અને સેન્ટ મેરી’સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાખવાની ક્ષમતા મર્યાદિત હતી."
"એટલે મારા પિતાને અહીંના પ્રિન્સિપાલે કહ્યું કે જો તે ખાનગી હોસ્ટેલ શરૂ કરે તો સ્કૂલને વધુ વિદ્યાર્થીઓ પણ મળશે અને વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા મળશે. એટલે એમણે 57 વર્ષ પહેલાં માઉન્ટ આબુમાં હોસ્ટેલ શરૂ કરી. હવે તેને હું ચલાવું છું."
તેમણે કહ્યું, "મારો જન્મ પણ અહીં જ થયો હતો અને મારું સમગ્ર જીવન મેં આબુમાં જ વીતાવ્યું છે. અહીં પહેલાં ઘણા ગુજરાતીઓ બિઝનેસ માટે રહેતા હતા, પણ હવે અહીં કોઈ ખાસ સંખ્યા નથી."
"જેઓ રહે છે, તે પોતાના નોકરી-ધંધા માટે રહે છે. છેલ્લાં 15 વર્ષથી અહીં ગુજરાતીઓ રહેવાને બદલે અહીંની હોટલ અને પેઇંગ ગેસ્ટની સુવિધાઓનું મૅનેજમૅન્ટ કરવાના વ્યવસાયમાં આવી રહ્યા છે."
જયેશભાઈ કહે છે, પહેલાં તેમની પાસે આફ્રિકામાં વસતા ગુજરાતી પરિવારોનાં સંતાનો અને ગુજરાતમાંથી પણ માતાપિતા પોતાનાં સંતાનોને માઉન્ટ આબુ અભ્યાસ માટે મોકલતા.
તેઓ કહે છે, "એ સમયે ભારતમાં સારા શિક્ષણ માટેની સારી બોર્ડિંગ સ્કૂલો અને સુવિધાયુક્ત હૉસ્ટેલો ઓછી હતી. પરંતુ હવે સમય બદલાયો છે અને મોટાભાગનાં શહેરોમાં શિક્ષણની સારી સુવિધાઓ ઊભી થઈ ગઈ છે."
"જેને કારણે હવે માતાપિતા પોતાનાં બાળકોને અહીં મોકલવાને બદલે પોતાના શહેરમાં પોતાની પાસે રાખીને જ ભણાવે છે."
"જેને કારણે અહીં એક સમયે લગભગ 100 જેટલી હૉસ્ટેલ ચાલતી હતી. તેમાંથી ઘટીને હવે 35-40 જેટલી જ હૉસ્ટેલ બચી છે."

તેમણે કહ્યું, "આબુમાં નવા બાંધકામ કે મકાનમાં સુધારાવધારા પર પણ કડક નિયંત્રણો છે. તેને કારણે નવી હોટલ કે હોસ્ટેલનું બાંધકામની મંજૂરી નથી મળી."
"એટલે અહીં અગાઉ સ્થાયી થયેલા પરિવારોનાં સંતાનો પણ પોતાની કારકિર્દી માટે આબુ છોડીને ગુજરાતનાં અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટાં શહેરોમાં જઈ રહ્યા છે."

જયેશભાઈના પુત્ર જય માઉન્ટ આબુમાં એસએસસી સુધીનો અભ્યાસ કરીને વડોદરા, મુંબઈ અને ત્યારબાદ લંડન જઈને બિઝનેસ મૅનેજમૅન્ટની ડિગ્રી મેળવી આવ્યા છે.
પરિવારના હૉસ્ટેલ વ્યવસાયમાં જોડાવા માટે માઉન્ટ આબુ પરત આવેલા જય હવે અહીં હોટલ બિઝનેસ વિકસાવવા માગે છે, પરંતુ અહીં રહેવા નથી ઇચ્છતા.
જય કહે છે, "અહીં કોઈ મૂવી થિએટર નથી, અહીંના સ્થાનિકોને ફરવા માટેના કોઈ ખાસ ‘હેંગઆઉટ પ્લેસ’ નથી. જ્યાં તમે મિત્રો સાથે જઈને બેસી શકો. માઉન્ટ આબુનું વાતાવરણ ખૂબ જ સરસ છે, પરંતુ અહીં આખું વર્ષ રહી શકાય તેવું કોઈ નવું આકર્ષણ નથી."
"અહીં ગુજરાતના કે બીજાં કોઈ મોટાં શહેરો જેવો વિકાસ નથી. ટેક કંપનીઓ કે એવું કોઈ કલ્ચર નથી. આવી સ્થિતિમાં મારી સાથે લગ્ન કરીને પરિવારથી દૂર અહીં સ્થાયી થવા માટે કોઈ પણ છોકરીને મુશ્કેલી પડે."
તેમણે વધુમાં કહ્યું, "હું વડોદરામાં કોઈ નવો બિઝનેસ માટે જવા માગું છું. અહીં હું હાલ નાની જગ્યામાં હોટલ તૈયાર કરી રહ્યો છું, પરંતુ હું અહીં રહેવા નથી ઇચ્છતો. અહીં કોઈ સોશિયલ લાઇફ નથી."
જોકે અહીં હજી પણ ધંધાની નાની-મોટી તકો શોધતા આવીને સફળ થયેલા ગુજરાતીઓ પણ છે.
માઉન્ટ આબુના મુખ્ય બજારમાં છેલ્લાં 15 વર્ષથી નાસ્તાનો વ્યવસાય કરનારાં મૂળ જૂનાગઢના મેંદરડા ગામનાં કાંતાબહેન પટોળીયા અહીં નાસ્તાવાળાં કાકી તરીકે ઓળખાય છે. તેઓ તેમના પતિ વલ્લભભાઈ સાથે અહીં થેપલાં, ગોટા, ભજીયાં, પૌંવા, ગાંઠિયા, ફાફડા જેવા ગુજરાતી નાસ્તા વેચવાનો વ્યવસાય કરે છે.

કાંતાબહેન કહે છે, "અમે પહેલાં અમારા ગામમાં ખેતી કરતાં હતાં. એક અકસ્માત પછી ખેતરમાં કામ કરવાની શારીરિક મર્યાદા આવી ગઈ એટલે અમે બીજો ધંધો કરવાનું વિચારતાં હતાં."
"પહેલાં અમે અંબાજીમાં નાસ્તાની દુકાન શરૂ કરવાનું વિચાર્યું, પરંતુ જ્યારે આબુ ફરવા આવ્યાં ત્યારે અમે અહીં જ ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું. અહીં ગુજરાતી ટુરિસ્ટ મોટા પ્રમાણમાં આવતા હોવાથી અમારો ધંધો સફળ રહ્યો."
"નાસ્તાની લારીથી અમે શરૂઆત કરી હતી, અત્યારે દુકાનમાંથી અમે નાસ્તા વેચીએ છીએ."
નોંધપાત્ર બાબત છે કે, અહીં બાંધકામ પરના નિયંત્રણોને કારણે જે ગુજરાતી પરિવારો અહીં પોતાના વ્યવસાય સાથે સ્થાયી થયા છે તેઓ પોતાનાં નવાં રોકાણો માઉન્ટ આબુને બદલે ગુજરાતમાં કરી રહ્યા છે.

પેટલાદમાં જન્મેલાં અને આણંદમાં અભ્યાસ પૂર્ણ કરીને લગ્ન બાદ હોટલ બિઝનેસમાં જોડાયેલાં ગીતા અગ્રવાલ માઉન્ટ આબુમાં અટકી પડેલા વિકાસથી ખુશ નથી.
તેઓ કહે છે, "મારા પરિવારની અહીં ત્રણ હૉટલ હતી. હાલમાં હું અમારી આ ફોર સ્ટાર હોટલનું મૅનેજમૅન્ટ કરું છું."
ગીતા અગ્રવાલ કહે છે, "એક સમય હતો જ્યારે આબુરોડ અને ગુજરાતનાં ઘણા શહેરોમાંથી માઉન્ટ આબુમાં લગ્ન કરવા માટે લોકો અહીં આવતાં. હવે સતત પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે, છતાં પરંતુ દાયકાઓ પછી હવે એવી સ્થિતિ છે કે, માઉન્ટ આબુના સ્થાનિક લોકો પણ પોતાના પરિવારનાં લગ્ન જેવા પ્રસંગો કરવા માટે નીચે તળેટીમાં આવેલા આબુરોડમાં બનેલા રિસોર્ટમાં જાય છે."
"અહીં કૉમ્યુનિટી હૉલ, બૅન્ક્વેટ હૉલ જેવી સુવિધાઓ નથી. અમારી પાસે અહીં બીજી સુવિધાઓ વિકસાવવા માટે જમીન છે, પરંતુ અમે અહીં ફૉરેસ્ટ વિભાગ અને ઇકો-સેન્સિટિવ ઝોનના નિયમોને કારણે બાંધકામ નથી કરી શકતાં."
ગીતા અગ્રવાલ અહીંનાં અગ્રણી મહિલા આગેવાન છે. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપરાંત, રાજસ્થાન અને ભારતના રાજકીય નેતાઓને અનેક રજૂઆતો કરી છે.
માઉન્ટ આબુમાં એક હોટલમાં કામ કરી રહેલા સ્થાનિક અજય કુમાર કહે છે, "હું અહીં જ જન્મ્યો છું, મારો પરિવાર પણ અહીં જ રહે છે. અહીં માત્ર હોટલની વાત નથી. મારા ઘરમાં અમે નવ લોકોનો પરિવાર રહીએ છીએ. અમે નવું બાંધકામ નથી કરી શકતા, તેને કારણે અમે લગ્નને લાયક અમારાં બાળકો માટે ઘરની ઉપર બીજો માળ નથી બનાવી શકતા."
તેમણે ઉમેર્યું, "આબુમાં હોટલો ધરાવતા ગ્રૂપનો અહીં ફાઇવ સ્ટાર હોટલ બનાવાનો પ્રોજેક્ટ હતો. જેમાં 100 કરોડ રૂપિયાના રોકાણનું આયોજન હતું, તે આ બધા નિયંત્રણોને કારણે માઉન્ટ આબુથી ખસેડીને અમદાવાદ લઈ જવામાં આવ્યો."
"આ વિસ્તારમાં એક પણ ફાઇવ સ્ટાર હોટલ નથી અને આ પ્રોજેક્ટ ગુજરાત જતો રહેવાને કારણે અહીં કરોડો રૂપિયાનું રોકાણ તો અટકી જ ગયું, અને અહીંના સ્થાનિકો માટે ઊભી થનારી ઓછામાં ઓછી 100 વ્યક્તિઓની નોકરીની તકો પણ જતી રહી.”
પ્રવાસી ગુજરાતીઓથી ચાલતું આબુનું અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images
માઉન્ટ આબુમાં દર વર્ષે લગભગ 20થી 25 લાખ પ્રવાસીઓ આવે છે. તેમાંથી લગભગ 98 ટકા પ્રવાસીઓ ગુજરાતથી જ આવે છે. અહીં ચા-નાસ્તાની દુકાનથી શરૂ કરીને દારૂની સરકારી દુકાનો સહિત તમામ સ્થળે તમને ગુજરાતીમાં લખેલાં બૉર્ડ્સ જોવાં મળશે અને અહીંના સ્થાનિક વેપારીઓ પણ સરળતાથી ગુજરાતી ભાષામાં વાત કરીને ગ્રાહકો સાથે સંવાદ કરે છે.
માઉન્ટ આબુમાં નવા બાંધકામની મંજૂરી ન મળવા પાછળ જ્યારે વન અને પર્યાવરણ વિભાગના સરકારી નિયમો અડચણરૂપ બનતા હોવાનું અહીંના રહીશો અને હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે.
તેની પાછળનું કારણ સમજાવતા ડૉ. અરુણ શર્મા કહે છે, "હું જ્યારે 1985માં આબુમાં સ્થાયી થયો ત્યાર પછીનાં વર્ષોમાં મેં જોયું કે અહીંના પહાડોને ડાયનેમાઇટ લગાવીને તોડવામાં આવી રહ્યા હતા. જેના કારણે અહીંના પર્યાવરણ અને પ્રાણી સૃષ્ટિને ભયંકર નુકસાન થઈ રહ્યું હતું."
"ત્યારે મેં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂકેલા રોહિંગ્ટન નરિમનની મદદથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મે – 2002માં માઉન્ટ આબુના પર્યાવરણને બચાવી લેવા પત્ર લખ્યો. જેની અસરરૂપે અહીં થઈ રહેલા પથ્થરોના આડેધડ ખનન પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી."

ડૉ. શર્માએ અહીં વ્યાવસાયીક હિતો ધરાવતા આર્થિક રીતે સમૃદ્ધ અને રાજકીય પ્રભાવ ધરાવતા લોકો અને અધિકારીઓની નારાજગી વહોરી લીધી હતી.
ડૉ. શર્મા જણાવે છે કે તેમને સામ-દામ-દંડ-ભેદ એમ તમામ પ્રકારે લોભ, લાલચ, ધમકી આપીને તેમણે સુપ્રીમ કોર્ટમાં કરેલા કેસ પાછા ખેંચાવવાના પ્રયાસો થયા, જે આખરે નિષ્ફળ નીવડ્યા. જોકે તેઓ તેના વિશે વિગતે વાત કરવા નથી ઇચ્છતા.
તેમણે ઘટનાનો અછડતો ઉલ્લેખ કરતા કહ્યું, "વર્ષ 2016માં મને જાણ થઈ કે રાજ્ય સરકારે જંગલની લગભગ 300 એકર જમીન ધનાઢ્ય ઉદ્યોગપતિઓને વેચવાની તૈયારી કરી લીધી છે."
"એટલે મેં કોર્ટમાં કેસ દાખલ કરીને કાયદાકીય લડત ચલાવી હતી કે જે જમીન એ પ્રભાવશાળી ધનાઢ્યોને આપવાની પેરવી થઈ રહી છે તે જંગલની જમીન છે અને તેને વેચી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) સુધી ચાલેલા એ કેસનો ચુકાદો 12 જાન્યુઆરી 2022ના દિવસે આવ્યો અને અમે એ 300 એકરની જમીનમાંથી 270-280 એકર જેટલી જંગલની જમીન બચાવી શક્યા."
પર્યાવરણના નામે પૉલિટિક્સ?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. શર્મા એ વાતને નકારી કાઢે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને વનવિભાગનાં નિયંત્રણોને કારણે માઉન્ટ આબુમાં નવું બાંધકામ કે જૂના બાંધકામનું સમારકામ નથી થઈ શકતું.
તેમણે કહ્યું, "એનજીટી કે સુપ્રીમ કોર્ટના કોઈપણ કેસના ચુકાદામાં એવું નથી લખ્યું કે, નવું બાંધકામ ન કરવું. આ ચુકાદાઓમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, અહીં થનારું કોઈપણ નવું બાંધકામ કે સમારકામ નિયંત્રિત હોવું જોઈએ, જેની દેખરેખ એક મૉનિટરિંગ સમિતિ દ્વારા કરવામાં આવશે."
"આ ઉપરાંત બાંધકામ કરવાની મનાઈ માઉન્ટ આબુના શહેરી કે રહેણાક વિસ્તારમાં છે જ નહીં. માઉન્ટ આબુમાં રહેણાક, કૉમર્શિયલ અને ઇકો સેન્સિટિવ ઝોન એમ સ્પષ્ટ ભાગ પાડવામાં આવ્યા છે. આથી રહેણાક અને કૉમર્શિયલ ઝોનમાં બાંધકામ થઈ જ શકે તેમ છે."
તેમણે કહ્યું, "પર્યાવરણ અને પર્યટન બન્ને બાબતો અહીં માઉન્ટ આબુમાં એકબીજાને પરસ્પર મદદરૂપ બને એ શક્ય છે. પરંતુ આ હિલ સ્ટેશનના વિકાસની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને કોઈ દરકાર નથી."
"સ્થાનિક પ્રશાસનમાં ભ્રષ્ટાચાર અને રાજકારણની હરીફાઈને કારણે જે બાંધકામ જેવાં કામો માટે જે મંજૂરીઓ અપાવી જોઈએ તે આપવામાં આવતી નથી."
તેમણે કહ્યું, "અહીં જ્યારે 98 ટકા જેટલા પ્રવાસીઓ ગુજરાતથી આવતા હોય ત્યારે ગુજરાતી પ્રવાસીઓ જ તેમના પ્રિય હિલ સ્ટેશનની સંભાળ લે."
શું કહે છે, સરકારીતંત્ર?
આબુમાં પર્યાવરણ અને પર્યટન વચ્ચેની આ મડાગાંઠને ઉકેલવા માટે સરકારના આયોજનો વિશે વાત કરતા માઉન્ટ આબુ સ્થિત ડેપ્યુટી કલેક્ટર અને સબ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સિદ્ધાર્થ પાલાનીચામી કહે છે, "માઉન્ટ આબુમાં દર વર્ષે 20-25 લાખ જેટલા પ્રવાસીઓ આવે છે અને દર વર્ષે તે ધીરે-ધીરે તેમાં વધારો થઈ રહ્યો છે."
"જોકે આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એટલે જેટલું પ્રવાસન અગત્યનું છે તેટલું જ કે તેનાથી વધારે અગત્યની પર્યાવરણની જાળવણી છે."
"ઇકો સેન્સિટિવ ઝોનના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર અમે માઉન્ટ આબુની કેરિંગ કેપેસિટિ (પ્રવાસીઓની સંખ્યાને જાળવી શકવાની ક્ષમતા) નિર્ધારિત કરવાનો અભ્યાસ હાથ ધરી રહ્યા છીએ. "
"આ પ્રકારનો અભ્યાસ નૈનિતાલ જેવાં સ્થળોએ પણ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં પ્રવાસીઓના રહેવાની સુવિધાઓ, તેમનાં વાહનોના પાર્કિંગ માટેની સુવિધાઓ, જમવાનાં સ્થળોની ક્ષમતા ચકાસવામાં આવશે. આ અભ્યાસના આધારે અમે માઉન્ટ આબુ આવતા પ્રવાસનીઓની સંખ્યાને નિયંત્રિત કરવાનું આયોજન કરી રહ્યા છીએ."
"કારણ કે માઉન્ટ આબુમાં નવાં બાંધકામનો કોઈ અવકાશ નથી. નવું બાંધકામ નહીં થાય ત્યાં સુધી પ્રવાસીઓની વધતી સંખ્યા માટેની સુવિધાઓ વધારી ન શકાય."
"પરંતુ હાલમાં ઉપલબ્ધ જગ્યાઓમાં પાર્કિંગની અને અન્ય સુવિધાઓ કેવી રીતે ઊભી કરી શકાય તેનું અમે આયોજન કરીશું."














