સૌમ્ય જોશી: 'ખલાસી' ગીત કઈ રીતે લખાયું અને ગીતની ફિલસૂફી શું છે?

સૌમ્ય જોશી

ઇમેજ સ્રોત, saumyajoshiofficial/Instagram

ઇમેજ કૅપ્શન, સૌમ્ય જોશી

'કૉક સ્ટુડિયો ઇન્ડિયા' માટે આદિત્ય ગઢવીએ ગાયેલું અને અંચિત ઠક્કરે કમ્પૉઝ કરેલું ગીત 'ખલાસી' ગુજરાતી ભાષાના સીમાડો વટાવીને બિનગુજરાતીઓના હોઠે ચઢી ચૂક્યું છે. પાકિસ્તાની ગીત 'પસૂરી' બાદ ગુજરાતી ગીત 'ખલાસી'એ રાતોરાત સુપરહિટ બનવાનો મુકામ હાંસલ કરી લીધો છે. ચોરે ને ચૌટે આ ગીતની ગુંજ સંભળાઈ રહી છે.

આ ગીતમાં આદિત્ય ગઢવીનો અવાજ અને અંચિત ઠક્કરનું સંગીત શ્રોતાને 'જલસો પાડે' જ છે પણ ખરો કામણ એના શબ્દોએ સર્જ્યો છે અને શબ્દોનું સર્જન સૌમ્ય જોશીની કલમે થયું છે.

ગીતમાં એક એવા ખારવાને, એવા એક ખલાસીને શોધવાની વાત કરાઈ છે, જે શાંત કિનારે બેસીને સંતોષ માનવાને બદલે દેશદેશાવર જવા, દરિયો ખેડવા તત્પર છે. જે કિનારેથી દરિયે અને દરિયેથી તળિયે ડૂબકી લગાવી 'અમૂલ મોતી' શોધવા સજ્જ છે.

ગુજરાતી પ્રજા અને ગુજરાતી સમાજની 'સ્ટિરિયોટાઇપ' છાપને ભૂંસવા લખાયેલું ગીત માત્ર માનવસાહસની જ વાત નથી કરતું, 'સ્વ'ને શોધવા માટે ખેડાતી સફરની ફિલસૂફી પણ ઉજાગર કરે છે.

સૌમ્ય જોશી ગુજરાતી ભાષાના જાણીતા નાટ્યકાર, કવિ, ગીતકાર, અભિનેતા અને દિગ્દર્શક છે. 'ગ્રીનરૂમમાં' એમનો કાવ્યસંગ્રહ છે. તો 'દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસતું હતું', 'આઠમા તારાનું આકાશ' 'વેલકમ જિંદગી' એમનાં જાણીતાં નાટકો છે. એમના નાટક '102 નોટ આઉટ' પરથી અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર અભિનીત, આ જ નામે ફિલ્મ પણ બની ચૂકી છે. તેમણે 'ફાડુ' વેબસિરીઝ પણ લખી હતી.

નેશનલ એવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'નાં ગીત અને ડાયલૉગ પણ સૌમ્ય જોશીએ લખ્યાં હતાં.

એવામાં 'ખલાસી' ગીતને લીધે ફરી એક વાર સૌમ્ય જોશીનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ ગીત ફિલસૂફીને સમજવા માટે બીબીસી ગુજરાતીએ ગીતકાર સૌમ્ય જોશી સાથે વાત કરી હતી. તેમણે સમજાવેલી આ ગીતની ફિલસૂફી અહીં તેમના જ શબ્દોમાં રજૂ કરાઈ રહી છે.

નથી જે મજામાં

ખાલી વાવટા ધજામાં

એવો હાડનો પ્રવાસી ગોતી લો

એવો ખારવો ખલાસી ગોતી લો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રવાસી હોવું એ માનવજાતને આગળ વધવાની અનિવાર્ય પૂર્વશરત છે. સાચા અર્થમાં આપણે જે બન્યા, એ પ્રવાસને લીધે બન્યા છીએ. પણ આ તો બહારના પ્રવાસની વાત થઈ. આ જ રીતે અંદરનો પણ એક પ્રવાસ હોય છે, જે માટા ભાગે આપણે નથી કરતા હોતા.

અંદરનો પ્રવાસ કરી શકનાર સાહસિક એ આ ખારવો છે, ખલાસી છે. એટલે આ ગીતમાં 'અંદરનો પ્રવાસ' કરી શકતા સાહસિકને ખારવા તરીકે, ખલાસી તરીકે સંબોધ્યો છે.

કાંઠેથી જા તું જા... દરિયે

દરિયેથી જા તું જા...તળિયે

આપણી પાસે ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે અને એને કાંઠે સાહસિક પ્રજાઓ વસે છે. એમ છતાં મુખ્ય પ્રવાહમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ બહુ 'સ્ટિરિયોટાઇપ' જોવા મળે છે.

એટલે આ ગીત લખતી વખતે એ સ્પષ્ટ હતું કે મારે ગુજરાતનું આવું 'સ્ટિરિયોટિપિકલ' પ્રતિનિધિત્વ બિલકુલ નથી કરવું. મારે એક નવા, સાચા અને અંદરના સાહસિક ગુજરાતીની વાત કરવી હતી.

ગોતી લો....

તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો

અચિંત ઠક્કરે મને સ્ક્રેચ મોકલ્યો ત્યારે એમાં 'ઢોલીડો....' ગાઈને મોકલ્યું હતું. એટલે મેં કહ્યું કે 'પહેલાં તો આ ઢોલીડોને બદલીએ.' એ પછી એ જ ત્રણ સિલબલની અંદર મેં 'ગોતી લો...' શબ્દ શોધ્યો અને જેવો એ શબ્દ જડ્યો એવું જ એના માધ્યમથી શોધની, સાહસની આખેઆખી કથા કહેવા માટે એક મેદાન ખુલ્લું થઈ ગયું.

તો ગીતની ફિલસૂફી એ છે કે લાંબા પ્રવાસ કરવા જોઈએ, બહાર પણ અને અંદર પણ.

વહેવા દો vs રહેવા દો

'સ્ટેટસ ક્વૉ'નો આ ભાવ સમાજમાં ખુબ જોવા મળે છે. એનો અર્થ એવો થાય કે માનવસમાજ એક એવી દોટમાં લાગેલો છે કે એને એવું લાગે છે કે એ દોડી રહ્યો છે, કંઈક મેળવી રહ્યો છે. પણ એ જે મેળવે તે 'જલા દો ઈસે, ફૂંક ડાલો યે દુનિયા, એ દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?' એ પ્રકારનું મેળવે છે.

90 ટકા માણસો આ 'સ્ટેટસ ક્વૉ'ની દોડમાં સામેલ છે. એ લોકો હંમેશાં એવું કહેતા હોય છે કે 'રહેવા દો આ બધું, અમે તો સલામત જગ્યાએ રહીશું,'

એટલે જ આ ગીતમાં બે અવાજો છે, એક અવાજ માનવજાતને સલામત રહેવા પ્રેરે છે અને બીજો અવાજ બહાર નીકળવા, નવી શોધ કરવા, દેશદેશાંતર પહોંચી જવા માટે પ્રેરે છે.

આ ગીતમાં કોરસ એ પહેલો અવાજ છે અને આદિત્ય જે ગાય છે એ બીજો અવાજ છે. એ કહે છે કે એવો ખારવો, ખલાસી આપણે શોધવો જોઈએ કે જે અદ્ભૂત પ્રવાસ કરે અને કોરસ પૂછે છે કે આવો ખારવો ખલાસી ક્યાં છે? એનાં ઠામને ઠેકાણાં મને કહો તો ખરા!

જડેલું ના શોધે

ગોતેલું ના ગોતે

એવો ખારવો ખલાસી ગોતી લો

મારું એવું માનવું છે કે ગીત તમને ખેંચી જવું જોઈએ. કવિ ગીત લખતો નથી, માત્ર ગીત લખવાની શરૂઆત કરે છે. એ પછી ગીત ખુદ એને પોતાની તરફ ખેંચી જાય છે. આ શબ્દોનો અર્થ પણ એવો જ છે કે એવો માણસ શોધી લો કે જે જડેલું ના શોધતો હોય. એ એવી વસ્તુની શોધમાં હોય જે હજુ સુધી શોધાઈ ના હોય.

તમારો 'સ્વ' આમાં પહેલા ક્રમે આવે. 'સ્વ'ને શોધવાની જે રીત છે, આ એની વાત છે.

કિનારા તો ખાલી પડે નાની નાની પગલી ને

નાનાં એવાં સપનાંની રેતવાળી ઢગલી ને

તોફાનો તરાપ મારે

હલેસાંઓ હાંફી જાય

તોય જેની હિંમત

અને હામ નહીં હાંફે

એવો ખારવો ખલાસી ગોતી લો

આદિત્ય ગઢવી અને ટીમ સાથે સૌમ્ય જોશી

ઇમેજ સ્રોત, Aditya Gadhavi/FB

ઇમેજ કૅપ્શન, આદિત્ય ગઢવી અને ટીમ સાથે સૌમ્ય જોશી

કિનારે બહુ બહુ તો શું થાય? નાનીનાની પગલી પડે. સપનાં હોય પણ એ સપનાંની રેત એટલી ઓછી હોય કે એ બહુ નાની ઢગલીઓ સર્જી શકે. અને એટલે જ, જે ખરાં કામ હોય એ બધાં દરિયે થવાનાં હોય.

દરિયે થનારાં કામ માટે દરિયાનો પ્રવાસ ખેડવો પડે. માનવજાતને વિકાસના પંથે લઈ જનારાં પરિબળો હંમેશાં કહે છે કે 'ગોતી લો... હાડનો પ્રવાસી ગોતી લો...' હાર્ડકોર ટ્રાવેલર - એની શોધ કરો.

એ હાર્ડકોર ટ્રાવેલર ક્યાં છે? તો એ તમારી અંદર જ છે, તમારે જ એને શોધવાનો છે અને એટલે જ ગીતમાં જવાબ આવે છે.

પોતાના જ દરિયામાં,

પોતાની જ ડૂબકીથી

જાતનું અમૂલ મોતી લો.

...અને 'ઢોલીડો'નું જ્યારે 'ગોતી લો' થયું

'ઢોલીડો'ની જગ્યાએ 'ગોતી લો' મળ્યું અને એ પછી ગીત મને શોધતું આવ્યું.

ગીત તમારી અંદરથી બધી વાતો શોધતું રહે છે. તમારી અંદર એક સર્જનાત્મકતા હોય છે, એક યાદ હોય છે. એ બધી વસ્તુઓ ગીત શોધે છે. અને સૌથી વધુ અગત્યની વસ્તુ છે નાદ!

આજે ગુજરાતી સિવાયની બીજી ભાષાઓમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે એનું કારણ આ નાદ છે. ભાષા એક વસ્તુ છે અને નાદ એક વસ્તુ છે. ગીતકાર જ્યારે ગીત લખતો હોય ત્યારે એની અંદર એક આગવો અવાજ ગુંજે એ આ નાદ! ઘણીવાર એવું બનતું હોય છે કે ગીતનો શબ્દશ: અર્થ ના સમજાય પણ એનો ગર્ભીત અર્થ લોકોના હૃદય સુધી પહોંચી જતો હોય છે. આ ગીતમાં પણ એવું બન્યું હોવાનું મને લાગે છે.

(બીબીસી સંવાદદાતા જય મકવાણાની સૌમ્ય જોશી સાથે થયેલી વાતચીતને આધારે...)

રેડ લાઇન
રેડ લાઇન