લક્ષ્મણ બારોટ : ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવીને ગાયક બનવા આંગળી ચીંધનારા ભજનિક

ઇમેજ સ્રોત, @pushprajsinho Twitter
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કાળા ચશ્મા પહેરેલા ભજનિક મંચ પરથી 'લ..લ....લા....લા....' કરે એટલે સાથી કલાકારો અને દર્શક 'વાહ-વાહ' પોકારી ઉઠે. હાર્મોનિયમ ઉપર અને આસપાસમાં 10-20-50-100-500ની નોટો પડી હોય, પરંતુ ગાયક તેનાથી બેપરવાહ. આસપાસના સાજિંદા તે પૈસાને હાર્મોનિયમ પરથી હઠાવે.
ભજનિક તરીકે લગભગ પાંચ દાયકાની કારકિર્દી ધરાવતા લક્ષ્મણ બાપુ બારોટ તેમના કાર્યક્રમમાં 'ઔર ઇસ દિલ મેં ક્યા રખા હૈ....' જેવું ફિલ્મી ગીત ગાય ભજનની વચ્ચે ગાઈને એ ગીતનું આધ્યાત્મિક અર્થઘટન આપે ત્યારે આવાં દૃશ્યો સર્જાવા સામાન્ય હતાં.
ભજનમાં રાગી પરંપરાના આરાધક લક્ષ્મણ બારોટ અને તેમના ગુરૂ નારાયણસ્વામી પાસે ભજન સાથે ફિલ્મી ગીતોને સાંકળવાની છટા હતી અને તેની પાછળ તર્ક પણ હતો.
ભજન-ભક્તિના કાર્યક્રમમાં લોકપ્રિય ફિલ્મી ગીતોને ભજનનો રંગ અને દૃષ્ટિકોણ રજૂ કરવાનો જે નવી તરાહ શરૂ કરી તે આજ સુધી જળવાઈ છે અને હાલના લોકપ્રિય કલાકારો પણ ડાયરા અને ભજનના કાર્યક્રમોમાં દર્શકો સમક્ષ આ રીતે પણ પોતાની પ્રસ્તુતિઓ રજૂ કરે છે.
આજની પેઢીમાં ડાયરાના લોકપ્રિય કલાકારો કીર્તિદાન ગઢવી અને ઓસમાણ મીરની કારકિર્દીમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયેલા લક્ષ્મણ બારોટે બાળપણમાં દૃષ્ટિ ગુમાવી હતી.
લક્ષ્મણ બારોટે તેમની ભજનિક તરીકે શરૂઆતના સંઘર્ષના અંધકારને પાંચ દાયકાના સફળ ગાયક તરીકેની સફળતાના ઝળહળાટથી દૂર કર્યો હતો.
તેમણે ગુજરાત સહિત દેશભરમાં કાર્યક્રમો આપ્યા. મૂળે મધ્ય ગુજરાતના લક્ષ્મણ બારોટનો જન્મ પશ્ચિમ ગુજરાતમાં થયો હતો અને છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમણે દક્ષિણ ગુજરાતમાં ધૂણી ધખાવી હતી.
લક્ષ્મણ બારોટે એક રાત માટે ભગવો ધારણ કર્યો, જે જીવનપર્યંત તેમની સાથે રહેવા પામ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઓસમાણ મીર લક્ષ્મણ બાપુના ભજન સાથે તાલ પૂરાવતા ત્યારે....

ઇમેજ સ્રોત, Osman mir/Facebook
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લક્ષ્મણ બારોટે માયાભાઈ આહીર, જિગ્નેશ કવિરાજ, શૈલેશ બાપુર, હરસુરગીરી જેવા સાંપ્રત કલાકારો સાથે કાર્યક્રમો કર્યા. તેઓ નવા કલાકારોને પ્રોત્સાહન આપતા સાથે જ કાર્યક્રમોના સ્વરૂપમાં આવતાં સકારાત્મક પરિવર્તનોને પણ આવકારતા. સંસ્કૃતિમેળાનું સ્વરૂપ બદલાઈને લોકમેળા જેવું થવા અંગે તેઓ વ્યથિત પણ થતા.
લક્ષ્મણ બારોટે કારકિર્દી દરમિયાન નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ, જગમલ્લ બારોટ ઉપરાંત વર્તમાન પેઢીના કીર્તિદાન ગઢવી અને બીરજુ બારોટ જેવા કલાકારો સાથે જુગલબંધી કરી.
ઓસમાણ મીર લગભગ 15 વર્ષ સુધી તેમની સાથે તબલાવાદક તરીકે રહ્યા હતા. તેમના વિશે લક્ષ્મણ બારોટ કહેતા, 'એ તબલા વગાડે એટલે હું ખીલી જતો.'
લગભગ પચ્ચીસેક વર્ષ પહેલાં મુંબઈના મુલુંડ ખાતેના એક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી અને જયદેવ ગઢવીની સાથે લક્ષ્મણ બારોટ પણ ગયા હતા. એ સમયે કીર્તિદાન માત્ર લોકસાહિત્યની વાતો કરતા અને લોકગીત ગાતા.
કીર્તિદાનનો અવાજ સાંભળીને લક્ષ્મણ બારોટે તેમને 'હે જગજનની, હે જગદંબા....' ભજન ગાવા માટે કહ્યું હતું. કીર્તિદાન ગઢવીએ ગાયેલું એ ભજન સાંભળીને બારોટે ટિપ્પણી કરી હતી કે, 'તમારો અવાજ ગાયકનો છે, તમારે ગાવું જોઈએ.' એ પછી કીર્તિદાન ગઢવીને ગાયકી વિશે સૂચન અને પ્રોત્સાહન આપતા.
આગળ જતાં બંનેએ જુગલબંધી પણ કરી. કોઈ કાર્યક્રમમાં કલાકારો ઉપર શ્રોતાઓ દ્વારા પૈસા ઉડાડવામાં આવે તે સામાન્ય બાબત છે. પરંતુ લક્ષ્મણ બારોટના 'ઔર ઇસ દિલ મેં ક્યા રખા હૈ....' ઉપર સ્ટેજ પરથી જ સાથી કલાકાર કીર્તિદાન બારોટને નોટો ઉડાડતા દર્શકોએ જોયા છે.
જે ભજને કીર્તિદાનને પ્રોત્સાહન આપ્યું, એજ ભજને દાયકાઓ પહેલાં લક્ષ્મણ બારોટના જીવનમાં પરિવર્તન આણ્યું હતું અને તેમને સંગીતના ગુરૂ સાથે ભેટો થયો હતો.

ભજનમાં ફિલ્મગીતો અને ઇશ્કેહકીકી

ઇમેજ સ્રોત, Getty Images
લક્ષ્મણ બારોટના કહેવા પ્રમાણે, ગણેશાનંદ તેમના આધ્યાત્મિક ગુરૂ હતા. જ્યારે રામભાઈ બારોટ તેમના સંગીતના ગુરૂ હતા, જેમની પાસેથી તેઓ ઘણું શીખ્યા અને આગળ જતા તેમના વેવાઈ પણ બન્યા. આ સિવાય તેઓ નારાયણ સ્વામી પાસેથી સંગીત શીખ્યા હતા.
નારાયણ સ્વામીના કાર્યક્રમોમાં ગાયનની વચ્ચે-વચ્ચે બૅન્જો ઉપર ફિલ્મી ટ્યૂન વાગતી. ભજનની કોઈ માર્મિક કડી પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવાની નારાયણ સ્વામિની એ આગવી છટા હતી. નારાયણ સ્વામી સાર્વજનિક રીતે કહેતા કે પ્રેમ બે પ્રકારના હોય છે. એક 'ઇશ્કેહકીકી' અને 'ઇશ્કેમિજાજી.'
'ઇશ્કેમિજાજી' સાંસારિક લોકોનો પ્રેમ છે, જ્યારે 'ઇશ્કેહકીકી'એ ઇશ્વર સાથેનો પ્રેમ છે. તેઓ પોતાની પ્રસ્તુતિમાં ઉર્દૂ શેર, ઇશ્કેહકીકી ધરાવતા ફિલ્મી ગીતો, કબીરની સાખી વગેરેનો છૂટથી ઉપયોગ કરતા. પાકિસ્તાની ગાયક અતાઉલ્લાહ ખાનનું 'ઇશ્ક મેં હમ તુમ્હેં ક્યા બતાયેં....' તેમનું ફૅવરિટ ઇશ્કેહકીકી ગીત હતું.
લક્ષ્મણ બારોટ જ્યારે પંદરેક વર્ષના હતા, ત્યારે જામનગરમાં પ્રથમ વખત તેમની અને નારાયણ સ્વામીની મુલાકાત થઈ હતી. દૂરદર્શન પરના એક કાર્યક્રમમાં લક્ષ્મણ બારોટે જણાવ્યું હતું કે નારાયણ સ્વામીએ તેમને હિંમત રાખવા, બીજાનું સન્માન જાળવવા અને પોતાના આત્મસન્માનની રક્ષા કરવાની સલાહ આપી હતી.
એક વખત એક સાર્વજનિક કાર્યક્રમમાં લક્ષ્મણ બારોટ 'હે જગજનની, હે જગદંબા' ભજન ગાઈ રહ્યા હતા, નારાયણ સ્વામી પણ ત્યાં હાજર હતા. નારાયણ સ્વામીએ માઇક્રૉફોન લઈ લીધું હતું અને તેમની સાથે ગાવા લાગ્યા હતા.
કહેવાય છે કે જ્યારે પણ લક્ષ્મણ બારોટ મંચ ઉપર હોય ત્યારે નારાયણ સ્વામી તેમને જ હાર્મોનિયમ સોંપી દેતા અને તેઓ માત્ર ગાતા. લક્ષ્મણ બારોટ તબલા વગાડવામાં પણ પારંગત હતા. ગુરૂ અને શિષ્યના જીવનમાં એકસરખા વળાંક આવ્યા હતા.

એક રાત માટે ભગવો પહેર્યો પણ...

ઇમેજ સ્રોત, @RAAJTHAKOR73
ભજનિક નારાયણ સ્વામીએ જીવનના એક તબક્કે સાંસારિક વસ્ત્રો ત્યજીને ભગવો ધારણ કરી લીધો હતો. લક્ષ્મણ બારોટને મન તેઓ પિતાતુલ્ય હતા. જોકે એ પહેલાં તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો.
પ્રજ્ઞાચક્ષુ લક્ષ્મણ બારોટે લગભગ 12 વર્ષની ઉંમરથી ભજન ગાવાની શરૂઆત કરી હતી. શરૂઆતનાં વર્ષોમાં સ્થાપિત કલાકારો કે ભજનિકો હાર્મોનિયમ વગાડવા ન આપતા. પરંતુ પોતાને તક મળે તે માટે આખી રાત જાગે ત્યારે સવારે બહુ થોડા પ્રેક્ષક હોય ત્યારે ગાવાની તક મળતી.
ધીમે-ધીમે ગાયક તરીકે નામ કાઢ્યું, તે પછી પણ તેમની મુશ્કેલીઓ ઓછી નહોતી થઈ. પ્રારંભિક વર્ષોમાં સાજિંદાઓ અને સામાન સાથે એસટી બસમાં રાત્રિની મુસાફરી કરવી પડતી. જેમાં ઘણીવખત બેસવા માટે બેઠક પણ ન મળે.
તેઓ જિલ્લાના મુખ્યાલયે જાય. જ્યાં સાંજે આયોજકો તેમને લેવા આવે અને ઘણીવખત ગાડામાં કાર્યક્રમસ્થળ સુધીનો પ્રવાસ થાય. આગળ જતાં તેઓ વ્યક્તિગત ગાડીમાં મુસાફરી કરતા અને તેને શ્રોતાઓ તથા સાધુ-સંતોના આશીર્વાદ માનતા.
પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે લક્ષ્મણ બારોટ વાંચી શકતા નહીં, એટલે તેઓ પ્રારંભિક વર્ષોમાં તેઓ ટૅપ-રેકોર્ડરમાં વારંવાર ભજન સાંભળતા અને તેને પાક્કું કરતા.
લક્ષ્મણ બારોટ નાની ઉંમરના હતા, ત્યારથી જ નજીકના લોકોમાં 'બાપુ' તરીકે ઓળખાતા. તેમના કહેવા પ્રમાણે, લોકો શા માટે તેમને 'બાપુ' કહેતા, એની તેમને પણ ખબર ન હતી.
લગભગ 50 વર્ષથી તેઓ જૂનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં જતા અને લગભગ છેલ્લા અઢી દાયકાથી તેમની પણ રાવટી નખાતી. જેમાં 'ભજન અને ભોજન'ની વ્યવસ્થા રહેતી.
વર્ષ 2003-'04માં તેમણે શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે ભગવો પહેર્યો હતો. જેને જોઈને તેમનાં દીકરીઓ રડવાં લાગ્યાં હતાં. ત્યારે લક્ષ્મણ બારોટે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ માત્ર એક રાત માટે જ ભગવો પહેરી રહ્યા છે. જોકે, બીજા દિવસે સવારે તેઓ ભગવો ઉતારી શક્યા નહોતા અને ભગવા વસ્ત્રો જીવનપર્યંત તેમના શરીર પર રહ્યાં. તેઓ માનતા કે ભગવોએ ભજનનું માધ્યમ છે.

લક્ષ્મણ બારોટના પરિવારે જાળવી છે ભજનિક પરંપરા
લક્ષ્મણ બારોટના પરિવારમાં પત્ની સોનલબહેન, દીકરા અરૂણભાઈ, ચાર દીકરીઓ, પુત્રવધુ તથા પૌત્રો છે. પોતાની પ્રગતિ માટે તેઓ પોતાના પરિવારજનોને મોટી તાકત માનતા.
લક્ષ્મણ બારોટ છેલ્લા પંદરેક દિવસથી જામનગરની ખાનગી હૉસ્પિટલમાં શ્વાસની બીમારીની સારવાર લઈ રહ્યા હતા. તેમના અંતિમસંસ્કાર ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં રાજપારડી ખાતે 'શ્રીશક્તિ ભજન પીઠ આશ્રમ' ખાતે કરવામાં આવશે.
2004 આસપાસ તેમણે આ આશ્રમની સ્થાપના કરી હતી. છેલ્લાં અઢારેક વર્ષથી તેઓ દર શ્રાવણ મહિનામાં અહીં શિવની આરાધના કરતા. આ ઉપરાંત ગુરૂપૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, શ્રાવણ મહિના, દત્ત જયંતી, શ્રાવણ મહિના નિમિતે વિશેષ કાર્યક્રમો આયોજિત કરતા.
બારોટ પરિવાર મૂળે પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના એક ગામડાનો વતની હતો. વર્ષ 1958માં લક્ષ્મણ બારોટનો જન્મ ભાવનગર ખાતે થયો હતો. તેઓ નાના હતા ત્યારે જ પરિવાર જામનગર આવી ગયો હતો.
પિતા ધનરાજભાઈ પણ ભજનિક હતા. ત્રણેક વર્ષના હતા, ત્યારે તેમને શીતળા થયા હતા, જેના કારણે તેમની આંખોની રોશની છીનવાઈ ગઈ હતી. પિતા ભજનિક હતા અને નાના લક્ષ્મણને આંગળી પકડીને તેમની સાથે લઈ જતા. આજે લક્ષ્મણ બારોટના અરુણના દીકરા કરણ ચોથી પેઢીએ ભજન-સંગીતનો પરિવારનો વારસો આગળ વધારી રહ્યા છે.
લક્ષ્મણ બારોટને હેમુ ગઢવી ઍવૉર્ડ, મોગલ ધામ તથા મોરારિ બાપુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, મોરારિબાપુએ તેમને 'રૂખડ' કહીને સંબોધ્યા હતા, જે તેમને મન મોટું ઇનામ હતું.
સૌરાષ્ટ્રમાં સાત્વિક મનોરંજન કે કોઈ સદ્હેતુસર ભંડોળ એકઠું કરવા માટે ડાયરાનું આયોજન કરવાની સામાજિક પરંપરા રહી છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ડાયરો, તેમાં હાજર રહેલાં મહેમાનો, લોકોની સંખ્યાને આયોજકની પ્રતિષ્ઠા સાથે જોડીને જોવામાં આવે છે.
લક્ષ્મણ બારોટ કૅસેટ અને યુટ્યુબના માધ્યમથી દેશ-વિદેશના દર્શકો સુધી પહોંચ્યા હતા. દેહ છોડી જનારા દરેક કલાકારો તેમની કળા થકી તેમના ચાહકોના મનમાં હંમેશાં જીવતા રહે છે, એજ રીતે લક્ષ્મણ બારોટ ચાહકોની વચ્ચે 'જપલે હરિ કા નામ', 'જીયો વણઝારા', 'ગંગાસતિ વાણી', 'સંતો ગોતી લેના મોતી', 'જેસલ તોરલના ભજન', 'હોસીલા વીર', 'રમતા જોગી' વગેરે આલ્બમો થકી જીવિત રહેશે.
(આ અહેવાલ માટે જામનગરથી દર્શન ઠક્કરના ઇનપુટ્સ પ્રાપ્ત થયેલા છે.)














