સાળંગપુર હનુમાન મંદિરનાં શિલ્પચિત્રોનો વિવાદ શું છે અને સ્વામીનારાયણ સંપ્રદાયે શું કહ્યું?

મોરારિ
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.

આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે.

એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.

હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ છે. આ સાધુ-સંતોએ શરૂ કરેલા વિરોધના સૂરમાં વિશ્વ હિંદુ પરિષદે પણ સૂર પૂરાવ્યો છે.

વિરોધ કરનારા સાધુ-સંતોએ આ શિલ્પચિત્રો દૂર કરવાની પણ માગ કરી છે.

કથાકાર મોરારિબાપુએ પણ આ શિલ્પચિત્રોમાં હનુમાનના ચિત્રાંકન મામલે નારાજગી પ્રગટ કરી છે. તેમણે કહ્યું, “આ હીન ધર્મ છે.”

કેટલાક સમાજ અને સમુદાયોના આગેવાનોએ પણ સ્વામીનારાયણ સંપ્રદાયને ચેતવણી આપી છે કે, ‘જો હનુમાનજીનું અપમાન કરતાં આ શિલ્પચિત્રો નહીં હઠાવાય તો તેઓ આંદોલન કરશે.’

જોકે વિરોધને જોતા મંદિરના સાધુ-સંતોએ તેમના વડતાલ ખાતેના મુખ્ય મંદિરના મુખ્ય કોઠારી સ્વામીનો સંપર્ક કરીને તેમની સલાહ માગી છે.

જોકે, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ શિલ્પચિત્રોમાં કશું ખોટું નથી.

તેમનું કહેવું હતું કે, 'આ શિલ્પચિત્રોનો વિરોધ કરનારાઓને શાસ્ત્રોનું જ્ઞાન નથી.'

તો બીજી તરફ ભાવનગરની સનાતન ધર્મસેવા સમિતિએ સિહોર પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરીને આ શિલ્પચિત્રો મૂકનારા સાળંગપુર મંદિરના વહીવટદારો સામે ગુનો દાખલ કરી પગલાં લેવાની માગ કરી છે.

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

હનુમાનનાં શિલ્પચિત્રોનો વિવાદ શું છે?

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, સાળંગપુરમાં હનુમાનને સ્વામીનારાયણના ચરણમાં બેઠેલા દેખાડાતા વિવાદ

મામલો એવો છે કે સાળંગપુરમાં બનેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફોર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યા છે.

સાળંગપુરનું આ હનુમાન મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ શાખા કરે છે.

મંદિરના વહીવટદારોનું કહેવું છે કે આ શિલ્પચિત્રો વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરે છે.

હવે, આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાન હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે.

આ મુદ્દે કેટલાક સાધુ-સંતો રોષે ભરાયા છે. તેમના મતે ‘આ પ્રકારનાં ચિત્રો સનાતન ધર્મનું અપમાન છે.’

લીંબડી ખાતેના સૌરાષ્ટ્ર નિબાર્ક પીઠના મોટા મંદિરના મહંત લલિતકિશોરશરણદાસે બીબીસીના સહયોગી સચીન પિઠવાને જણાવ્યું, “સનાતન ધર્મની ધારાને ખંડિત કરવાનો આ પ્રયાસ છે. હનુમાનજીને સ્વામીનારાયણની સામે ભીખ માગતા દેખાડાયા છે. તમે શુભ વિચારો ધરાવતા વડાને ભગવાન માનો એ બરાબર હોય શકે, પરંતુ જે આદિ-અનાદિકાળથી સત્ય છે, સનાતન છે તેવા ધર્મનું અપમાન ન કરી શકો.”

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, સાળંગપુર ખાતે આવેલી કિંગ ઑફ સાળંગપુરની હનુમાનની પ્રતિમાની નીચે મુકેલા શિલ્પચિત્રો વિવાદનું કેન્દ્ર બન્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વિવાદ મામલે વિશ્વ હિંદુ પરિષદે પણ ઝંપલાવ્યું છે. કેટલાક સાધુ-સંતોનો રોષ જોતા વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને કાર્યકર્તાઓ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા અને મંદિરના કોઠારી વિવેકસાગરને મળ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદે શિલ્પચિત્રો હઠાવી લેવા માગ કરી છે.

બોટાદ ખાતેના વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ સતુભાઈ ધાધલે બીબીસી ગુજરાતીને કહ્યું, “જો આ લોકો હનુમાનજીનું અપમાન કરતાં શિલ્પચિત્રો નહીં હઠાવે તો અમે મંદિર સામે રામધૂન કરીશું, હનુમાન ચાલિસાના પાઠ કરીશું, સુંદરકાંડનું વાંચન કરીશું.”

અમદાવાદ ખાતેના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પણ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, “આ ભૂલ છે. ખોટું છે. લાગે છે કે તેમના ધ્યાન બહાર જતું રહ્યું હોય. સંતો તો હમણાં થયા, પરંતુ હનુમાજી તો અનાદિકાળથી છે. તેમણે આ શિલ્પચિત્રો હઠાવી લેવાં જોઈએ.”

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ એક મીડિયા નિવેદનમાં જણાવ્યું છે કે, ‘આ પ્રકારની ઘટના વ્યભિચાર સમાન છે.’

કેટલાક સાધુઓએ સ્વામીનારાયણ સંપ્રદાય પર આરોપ લગાવતા કહ્યું કે, 'વિધર્મીઓની માફક બ્રેઇનવૉશિંગ કરીને સાંપ્રદાયિકરણનું કામ આ લોકો કરી રહ્યા છે."

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

મોરારિ બાપુએ પણ આ શિલ્પચિત્રોનો કર્યો વિરોધ

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

ઇમેજ સ્રોત, chitrakutdhamtalgajarda.org

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

કથાકાર મોરારિ બાપુએ પણ આ શિલ્પચિત્રો સામે પોતાનો રોષ પ્રગટ કર્યો છે.

મોરારિ બાપુ હાલ નેપાળ ખાતે રામકથા કરી રહ્યા છે. કથા દરમિયાન મોરારિ બાપુએ કહ્યું, “આ કપટ છે, ફરેબ છે. આ વિશાળ મૂર્તિની નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પગે લાગતા દેખાડે, હાથ જોડતા દેખાડે, સેવા કરતા દેખાડે, એ હીન ધર્મ છે.”

વધુમાં તેમણે કહ્યું કે સમાજે જાગૃત થવાની જરૂર છે. તેમણે કહ્યું, “જ્યારે હું બોલ્યો હતો ત્યારે મારી સાથે કોઈ બોલ્યું નહોતું. હવે તમે બોલો, હૃદયમાં રાખી ન મૂકો, બોલો.”

નોંધનીય છે કે અગાઉ પણ સ્વામીનારાયણ સંપ્રદાય અને મોરારિ બાપુ વચ્ચે વિવાદ થયો હતો. ફ્રાન્સમાં એક કથામાં મોરારિ બાપુએ સ્વામીનારાયણ પર નિવેદન આપતા કહ્યું હતું, “ઝેર ખાય તે નિલકંઠ, લાડુડી ખાય તે નિલકંઠ ક્યાંથી?”

ઉલ્લેખનીય છે કે નિલકંઠવર્ણીએ સ્વામીનારાયણનું બાળસ્વરૂપ હોવાનું માનવામાં આવે છે.

બાપુના આ નિવેદન બાદ સ્વામીનારાયણ સંપ્રદાય નારાજ થયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને ભક્તોએ બાપુને માફી માગવા કહ્યું હતું. તેની સામે મોરારિ બાપુના સમર્થક સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય પર ઉગ્ર પ્રહારો કર્યા હતા.

કેટલાક કલાકારો પણ મોરારિ બાપુના સમર્થનમાં આગળ આવ્યા હતા. આ કલાકારોને સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતે દારૂડિયા કહેતા વિવાદ વકર્યો હતો.

વાત ત્યાં સુધી પહોંચી હતી કે સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી આપવામાં આવતો રત્નાકર ઍવૉર્ડ 17 જેટલા કલાકારોએ પરત કરવાની જાહેરાત કરી હતી.

જોકે મોરારિ બાપુએ વિવાદ પર પૂર્ણવિરામ મૂકતા પોતાની કથામાં ‘મિચ્છામી દુક્કડમ્’ કહ્યું હતું.

અગાઉ પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પર લાગ્યા છે આરોપ

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, કુંડળધામ ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર કરતા દેખાડતા શિલ્પને કારણે ઉભો થયો વિવાદ

સાળંગપુર બાદ વધુ એક સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરમાં હનુમાનને સહજાનંદ સ્વામી એટલે કે સ્વામીનારાયણની સેવા કરતા દેખાડાતા વિવાદ થયો છે.

વડોદરાના કારેલીબાગ સંચાલિત કુંડળ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં હનુમાનને સ્વામિનારાયણના નિલકંઠવર્ણી સ્વરૂપને ફલાહાર અર્પણ કરતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

અગાઉ પણ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો પર સનાતન ધર્મને બદનામ કરવાના આરોપો લાગ્યા છે.

થોડા સમય પહેલાં સોખડા હરિધામ ખાતેના સંપત્તિ વિવાદ બાદ ટેકેદારો સાથે બાકરોલ સ્થિત યોગી ડિવાઇન સોસાયટી મંદિરમાં સ્થાયી થયેલા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરે અમેરિકાના ન્યૂ જર્સી ખાતે હિંદુઓના આરાધ્યદેવ શંકર પર વિવાદીત નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, “એક વાર શિવજી પ્રબોધ સ્વામીના રૂમની બહાર ઊભા હતા. પ્રબોધ સ્વામીના એક શિષ્ય નિશીથે શિવજીને કહ્યું કે તમે રૂમમાં આવો તો તમને પ્રબોધ સ્વામીના દર્શનનો લાભ મળે. તો શિવજીએ નિશીથને કહ્યું કે હજી મારે એટલાં પુણ્ય જાગૃત નથી થયાં કે હું પ્રબોધ સ્વામીના દર્શન કરી શકું.”

હિંદુ સંગઠનોએ આ નિવેદનનો જોરદાર વિરોધ કર્યો હતો. આ નિવેદનનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, “ફૅબ્રિકેટેડ સાધુઓને સાધુત્વ શું છે એ જ ખબર નથી. તેઓ આ પ્રકારે પોતાની લીટીને લાંબી કરવા માટે બીજાની લીટી ભૂંસી નાખવાનું ષડ્યંત્રકારી કાવતરૂં કરીને આયોજનબદ્ધ રીતે સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.”

આ મામલે અમદાવાદ ગ્રામ્ય સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને લેખીતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.

આ વિવાદ એટલો વકર્યો હતો કે આખરે આનંદ સાગરે માફી માગવી પડી હતી.

બરવાળા લક્ષ્મણ મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ બીબીસીના સહયોગી સચીન પિઠવાને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું, “આ લોકો વાંરવાર હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરે છે અને પછી માફી માગી લે છે. આ નિંદાને પાત્ર છે. સંત છો તો સંત તરીકે વ્યવહાર કરો. વિચારીને આચરણ કરો.”

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

શું કહેવું છે સાળંગપુર મંદિરના વહીવટદારોનું?

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, સાળંગપુરમાં હનુમાનને સ્વામીનારાયણ સમક્ષ પ્રણામ કરતા દેખાડતાં શિલ્પચિત્રો મૂકવામાં આવતા વિવાદ.

સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીએ બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે અમે કશું ખોટું કર્યું નથી.

વિવેકસાગર સ્વામીએ ખાસ વાતચીતમાં એ આરોપોને પણ ફગાવ્યા કે સ્વામીનારાયણ સંપ્રદાયે હનુમાનનું અપમાન કર્યું છે.

તેમણે આ પ્રકારના લાગી રહેલા આરોપો પર કહ્યું, “હનુમાનજી પ્રત્યે અમને પૂજ્યભાવ છે. તેઓ અમારા કુળદેવ છે. આ મંદિરમાં હનુમાનજીને જે પ્રકારે પૂજવામાં આવે છે, જે પ્રકારે લાડ લડાવવામાં આવે છે, તે વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતું. તો તમને શું લાગે છે કે અમે હનુમાનજીનું અપમાન કરીએ છીએ?”

સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું અપમાન કરે છે, તેવા આરોપોના જવાબમાં વિવેકસાગર સ્વામીએ કહ્યું, “હિંદુ અને સનાતનીઓએ એક થઈને રહેવાનું છે. આપણી લડાઈ વિધર્મીઓ દ્વારા થતા ધર્માંતરણ સામે છે. આપણે એક પરિવાર છીએ ત્યારે આપણે જો અંદર-અંદર ઝગડો કરીશું તો હિંદુ ધર્મનું કલ્યાણ કેવી રીતે થઈ શકશે?”

આ વિવાદ મામલે સ્વામીનારાયણ સંપ્રદાય પર હુમલો કરનારાઓ પર વળતો પ્રહાર કરતા તેમણે વધુમાં જણાવ્યું, “જેમને જ્ઞાન નથી તેઓ આ પ્રકારના આરોપો લગાવે છે. અમે કઈ સદ્ભાવના સાથે આ શિલ્પચિત્રો મૂક્યા છે, તેની તેમને જાણકારી નથી. અમારો આશય શુભ છે. જેટલી વ્યક્તિ તેટલા વિચારો. તેમને જે નજરે દેખાતું હોય તે નજરે જોવે છે.”

મંદિરના એક વહીવટદારે નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ શિલ્પચિત્રોમાં કશું ખોટું નથી.

આ મામલે વિરોધ કરી રહેલા લોકો પ્રત્યે તેમનું કહેવું હતું, “આ વિશ્વનું વિશાળ હનુમાનજીનું મંદિર છે. તમે અમને શિખવશો કે અમારે પૂજા કેવી રીતે કરવી જોઈએ.?”

“અમે આ વિરોધીઓ સામે પગલાં નથી લેતા એ જ અમારી કૃપા છે.”

જોકે તેમણે એટલું કહ્યું કે સ્વામીનારાયણની વડતાલ ગાદીના મુખ્ય વહીવટદારો જે નિર્ણય લેશે તેને અમે અનુસરીશું.

હવે આ મામલો સ્વામીનારાયણની વડતાલ ગાદીના મુખ્ય વહીવટદારો પાસે ગયો છે.

વિવેકસાગર સ્વામી કહે છે, “અમે આ મામલે જે વિવાદ થયો છે, તે અંગે વડતાલ ગાદીમાં જણાવ્યું છે. વડતાલ બૉર્ડની બેઠકમાં આ વિવાદ જેમ બને તેમ જલદી ઉકેલાશે તેવો વિશ્વાસ છે.”

કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ
કિંગ ઑફ સાળંગપુર, સ્વામીનારાયણ, હનુમાન અને વિવાદ