સ્વામીનારાયણ સંપ્રદાયનું મહત્વ ગુજરાતના રાજકારણમાં કેટલું?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતીમાં કહેવત છે કે 'સાધુ થવું તો સ્વામીનારાયણના.' આ કહેવતનો મર્મ સમજવાની ભૂલ કરશો તો તમે ગુજરાતના રાજકારણને પણ સમજી શકશો નહીં.
ગુજરાતનું રાજકારણ સ્વામીનારાયણ સંપ્રદાયની તાકાત અને મહિમાને ક્યારેય પડકારી શક્યું નથી.
સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામીનું 2016માં અવસાન થયું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીથી ગુજરાત ગયા હતા.
માત્ર વડા પ્રધાનની વાત નથી. ગુજરાતમાં સત્તા પર આવેલા તમામ રાજકીય પક્ષો સ્વામીનારાયણ સંપ્રદાય સાથે રહ્યા છે.
સ્વામીનારાયણ સંપ્રદાય હંમેશાં સત્તાની નજીક રહ્યો હોવાનું પણ કહેવાય છે.
સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવું તે શું છે કે તેના સાધુઓ સામે કોઈ આંગળી ચિંધી શકતું નથી કે સંપ્રદાયને કોઈ પડકારી શકતું નથી?

શરૂઆતથી આજ સુધી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
ઉત્તર પ્રદેશના છપૈયાના ઘનશ્યામ પાંડેએ એવો સ્વામીનારાયણ સંપ્રદાય રચ્યો કે વર્ષ 2000 સુધીમાં માત્ર અમેરિકામાં જ તેનાં 30 મંદિરોનું નિર્માણ થઈ ગયું હતું.
અમેરિકા ઉપરાંત દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા અને બ્રિટનમાં પણ સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદના ગાંધીવાદી અને સિનિયર રાજકીય વિશ્લેષક પ્રકાશ શાહ કટાક્ષ કરતાં કહે છે, ''1992ની 6 ડિસેમ્બર પહેલાં પણ ગુજરાતનું અયોધ્યા કનેક્શન હતું અને એ માટે અમારે ઘનશ્યામ પાંડેનો આભાર માનવો જોઈએ."
"ઘનશ્યામ પાંડે દ્વારકા આવ્યા હતા. દ્વારકામાં તેઓ સહજાનંદ સ્વામી બન્યા અને સમય જતાં સ્વામીનારાયણ બની ગયા હતા. તેમને શ્રીજી મહારાજ પણ કહેવામાં આવતા હતા.''
ઘનશ્યામ પાંડે યુવાન હતા ત્યારે છપૈયાથી સૌરાષ્ટ્રના દ્વારકામાં પહોંચ્યા હતા. દ્વારકા પછી તેઓ અમદાવાદ ગયા હતા.
લોકો કહે છે કે ઘનશ્યામ પાંડેજીના કરિશ્માસભર વ્યક્તિત્વએ એવો પ્રભાવ પાથર્યો હતો કે તેઓ ટૂંક સમયમાં સહજાનંદ સ્વામી બની ગયા હતા.
પ્રકાશ શાહના જણાવ્યા અનુસાર, ઘનશ્યામ પાંડેજીએ 200 વર્ષ પહેલાં સ્વામીનારાયણ સંપ્રદાયનો પાયો નાખ્યો તેમાં ઘણાં સારાં કામ થયાં.
તેમણે બિન-બ્રાહ્મણ અને બિન-વણિક જ્ઞાતિઓને મુખ્યધારામાં લાવવાના પ્રયાસ કર્યા હતા.
પ્રકાશ શાહ માને છે, ''દરેક સંગઠન ખુદને સ્થાપિત કરવા પહેલાં કંઈક એવું કરતું હોય છે જેથી વધુને વધુ લોકો તેની સાથે જોડાઈ શકે.
જોકે, સંગઠન થઈ જાય પછી અસલી ચહેરો બહાર આવતો હોય છે.''

ફાંટા કઈ રીતે પડ્યા?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
સમાજશાસ્ત્રી પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે કે સહજાનંદ સ્વામી જીવંત હતા ત્યારે જ તેમનું મંદિર બનાવવામાં આવ્યું હતું.
અમદાવાદના સેન્ટર ફૉર સોશિયલ નૉલેજ ઍન્ડ ઍક્શનના અચ્યુત યાજ્ઞિકે જણાવ્યું હતું કે સ્વામીનારાયણએ તેમના બે ભત્રીજાઓને 19મી સદીમાં જ ઉત્તર પ્રદેશથી બોલાવી લીધા હતા.
જે પૈકીના એકને કાલુપુર મંદિરની ગાદી અને બીજાને વડતાલ મંદિરની ગાદી સોંપી હતી. જોકે, બન્નેને ગાદી સોંપવામાં આવી એ લોકોને ગમ્યું ન હતું.
તેનો વિરોધ થયો હતો અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં બે ફાંટા પડ્યા હતા.
ઘનશ્યામ પાંડેજીના સમર્થકોએ વંશ પરંપરાનો સ્વીકાર કર્યો હતો, જ્યારે બીજા પક્ષે સાધુ પરંપરા અપનાવી હતી.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
સાધુ પરંપરાના શાસ્ત્રી મહારાજે વીસમી સદીમાં નવી ગાદીની સ્થાપના કરી હતી. તેને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય નામ આપવામાં આવ્યું હતું.
એ સંપ્રદાય અત્યારે બાપ્સ (BAPS) નામે વિખ્યાત છે. બાપ્સના સંતોને જ સાધુ પરંપરાવાળા કહેવામાં આવે છે.
સ્વામીનારાયણ સંપ્રદાય વૈષ્ણવ પરંપરાનો હિસ્સો છે. બ્રાહ્મણો અને જૈનોના પ્રભુત્વને પડકારતાં એ વિકસ્યો હોવાનું કહેવાય છે.
આ સંપ્રદાયે વલ્લભાચાર્ય પરંપરા સામે પણ પ્રશ્નાર્થ સર્જ્યો હતો.
અચ્યુત યાજ્ઞિકના જણાવ્યા અનુસાર, બાપ્સમાં પાટીદારોનું પ્રભુત્વ છે. અક્ષર પુરુષોત્તમ પાટીદાર હતા.
બાપ્સ પરંપરા સામે વંશ પરંપરાવાળા સ્વામીનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ઘટતો રહ્યો હતો.
અચ્યુત યાજ્ઞિકે કહ્યું હતું, ''19મી સદીના અંતમાં પાટીદારોની આર્થિક હાલત ઘણી મજબૂત બની હતી."
"પાટીદાર સમુદાયના વલ્લભભાઈ પટેલનો પ્રભાવ પણ એ સમય દરમિયાન જ વધ્યો હતો.''
ગુજરાતમાં 19મી અને વીસમી સદીમાં દુષ્કાળ પડ્યો હતો.
અચ્યુત યાજ્ઞિકે કહ્યું હતું, ''દુકાળમાંથી બચવા માટે પાટીદારો મોટી સંખ્યામાં પૂર્વ આફ્રિકા અને ઈંગ્લૅન્ડ ગયા હતા."
"એ ઉપરાંત વલ્લભભાઈ પટેલને કારણે મોટી સંખ્યામાં લોકો કૉંગ્રેસમાં જોડાયા હતા."
"પાટીદારોએ નાના અને મધ્યમ કદના ઉદ્યોગ-ધંધામાં પગપેસારો પણ શરૂ કરી દીધો હતો.''

યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
અક્ષર પુરુષોત્તમ પછી યોગી મહારાજને સંપ્રદાયની ગાદી મળી હતી અને એ પછી પ્રમુખ સ્વામી આવ્યા હતા.
પ્રમુખ સ્વામી પણ પાટીદાર હતા અને દિલ્હીના અક્ષરધામ મંદિરમાં પ્રમુખ સ્વામીની મૂર્તિ છે.
અચ્યુત યાજ્ઞિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં વૈષ્ણવ અને જૈન એમ બે પ્રકારના વણિકો હોય છે. એ બન્નેની તાકાતને પાટીદારોએ જ પડકારી છે.
પ્રોફેસર ગૌરાંગ જાનીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં પાટીદારોની માફક જ સ્વામીનારાયણ સંપ્રદાય ઊભર્યો છે.
ગુજરાતના વિખ્યાત ઈતિહાસકાર મકરંદ મહેતાએ સ્વામીનારાયણ વિરુદ્ધ 1987માં એક લેખ લખ્યો ત્યારે તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો. એ કેસ આજે પણ ચાલી રહ્યો છે.
સ્વામીનારાયણ સંપ્રદાયની તાકાતનો અંદાજ એ કિસ્સા પરથી મેળવી શકાય.
એ કેસ કરવામાં આવ્યો ત્યારે કૉંગ્રેસની સરકાર હતી અને અમરસિંહ ચૌધરી મુખ્ય પ્રધાન હતા.
અચ્યુત યાજ્ઞિકે જણાવ્યું હતું કે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલાચાર્યના મહિલાઓ સાથેનાં કૌભાંડોને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં કડક નિયમ બનાવવામાં આવ્યો હતો.
એ નિયમ મુજબ, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ મહિલાઓને નિહાળી પણ શકતા નથી.
એ નિયમનું પાલન આજે પણ ચુસ્તીપૂર્વક કરવામાં આવે છે. મકરંદ મહેતાના લેખમાં શું લખવામાં આવ્યું હતું?
પ્રકાશ શાહે જણાવ્યું હતું કે મકરંદ મહેતાએ જે લખ્યું હતું તેનો નક્કર આધાર હતો.
મકરંદ મહેતાના લેખમાં જણાવ્યા મુજબ, સહજાનંદ સ્વામીએ તેમના શિષ્યોને કહ્યું હતું કે તમે મારા એટલાં વખાણ કરો કે દરેક જગ્યાએ મારો મહિમા વધે.
તેમણે લોકોને ચમત્કારોની વાત જણાવવા પણ કહ્યું હતું.

સિદ્ધાંતવાદી સરદાર પટેલ

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
પ્રોફેસર ગૌરાંગ જાનીએ કહ્યું હતું, ''વલ્લભભાઈ પટેલના પિતા સ્વામીનારાયણ મંદિરમાં જ બેઠા રહેતા હતા."
રાજમોહન ગાંધીએ સરદાર પટેલ વિશેના તેમના પુસ્તકમાં એક દિલચસ્પ ઘટના આલેખી છે.
રાજમોહન ગાંધીએ લખ્યું છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના એક સાધુ સામે કેસ કરવામાં આવ્યો હતો. તેથી પિતાએ તેને બચાવવા સરદાર પટેલને જણાવ્યું હતું.
સરદાર પટેલે તેમના પિતાને કહ્યું હતું કે સાધુએ જે કર્યું છે તેની સજા પણ એ જ ભોગવશે.'
પ્રકાશ શાહે કહ્યું હતું, ''સ્વામીનારાયણ સંપ્રદાય અને અંગ્રેજો વચ્ચે સમજૂતી હતી. બન્ને એકમેકને મદદ કરતા હતા."
"સ્વામીનારાયણ સંપ્રદાય ધર્મના નામે પાગલપણાને વેગ આપતો હોવાનું ગાંધીજીને લાગતું હતું.''

રાજકારણ સાથે ગાઢ સંબંધ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
પ્રકાશ શાહના જણાવ્યા અનુસાર, સ્વામીનારાયણ સંપ્રદાયનો રાજકારણ સાથેનો સંબંધ છેલ્લા 25 વર્ષમાં ગાઢ થયો છે.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સાથે સ્વામીનારાયણ સંપ્રદાયને ઘણો સારો સંબંધ છે.
પ્રકાશ શાહે કહ્યું હતું, ''હિન્દુ ધર્મના અન્ય સંપ્રદાયો અને શક્તિ કેન્દ્રો સાથે બીજેપીને જે ગાઢ સંબંધ છે એવો જ ગાઢ સંબંધ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે છે."
" બાબા રામદેવ હોય કે શ્રી શ્રી રવિશંકર, બધાને ભાજપ સાથે સારો સંબંધ છે."
" ભાજપનો સ્વામીનારાયણ સંપ્રદાય સાથેનો સંબંધ બહુ મહત્ત્વનો છે. સ્વામીનારાયણ સંપ્રદાયનું એક સંગઠન છે અનુપમ મિશન."
" યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂંક અનુપમ મિશન કરે છે."

દલિતોના પ્રવેશ માટે સત્યાગ્રહ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
પ્રકાશ શાહના જણાવ્યા અનુસાર, સ્વામીનારાયણ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે કૉંગ્રેસે ગુજરાતમાં સત્યાગ્રહ કર્યો હતો. મંદિરોમાં પહેલાં દલિતોને પ્રવેશ મળતો ન હતો.
પ્રકાશ શાહના જણાવ્યા મુજબ, સ્વામીનારાયણ મંદિરમાં સાધુઓ વચ્ચે જ્ઞાતિગત ભેદભાવ હોય છે.
ઊંચી જ્ઞાતિના સાધુઓ ભગવા વસ્ત્રો પહેરે છે, જ્યારે નીચી જ્ઞાતિના સાધુઓ સફેદ વસ્ત્રો પહેરે છે.
પ્રોફેસર ગૌરાંગ જાનીએ કહ્યું હતું, ''ભાજપ માટે સ્વામીનારાયણ સંપ્રદાય ફળદ્રુપ જમીન સમાન છે.''
''ભાજપે મહાત્મા ગાંધીને પાછળ મૂકીને સ્વામીનારાયણને આત્મસાત કરી લીધા છે.''
અમદાવાદના સિનિયર પત્રકાર દર્શન દેસાઈના જણાવ્યા અનુસાર, રાજકીય પક્ષોને સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી ફાળો પણ આપવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












