ફરિદા મીર, ઓસમાણ મીર: નવરાત્રિમાં રમઝટ બોલાવતાં મુસ્લિમ મીર કલાકારોની કહાણી

ફરિદા મીર, ઓસમાણ મીર

ઇમેજ સ્રોત, facebook

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં હિન્દુઓના લગ્નપ્રસંગો હોય, ડાયરા હોય કે માતાજીની પૂજા- તેમાં મીર કલાકારોની સંગીત પીરસવાની પરંપરા દાયકાઓ જૂની છે. મુસ્લિમ ધર્મ પાળતા મીર સમુદાયે ગુજરાતનાં નોરતાં દીપાવ્યાં છે. તેમણે સંગીતમાં જે નામદામ મેળવ્યાં છે તેમાં પણ નોરતાં નિમિત્ત ખરાં.

ઓસમાણ મીર, ફરિદા મીર, આરીફ મીર, અલવીરા મીર, સાહેદા મીર, હાજી કાસમ મીર ઉર્ફે હાજી રમકડું વગેરેએ ગુજરાતનાં નોરતાંની રાતોને રઢિયાળી કરી છે. ઈસ્માઈલ મીર અને અમીના મીરે તો કચ્છી બોલીમાં રાસડા (રાસ) ગાઈને ગરબામાં નોખી જ ભાત પાડી છે. આવા કેટલાય મુસ્લિમ કલાકારોની સંગીત કારકિર્દી કાં તો નોરતાંથી શરૂ થઈ છે કાં તો નોરતાંએ કારકિર્દી આગળ વધારી છે.

ગુજરાતમાં શરણાઈ અને ઢોલવાદકોમાં મીર સમુદાયના કલાકારો અગ્રેસર ગણાય છે. ઉત્તર ગુજરાતના ગાયક આરીફ મીર કહે છે કે, "રાજા અને નવાબોને ત્યાં મીર કલાકારો સંગીત અને નાટકો રજૂ કરતા હતા. રાજગાયક તરીકે માતાજીની સ્તુતિ પણ ગાતા હતા. રાજારજવાડાના વખતમાં મીર સંગીતજ્ઞો શાસ્ત્રીય સંગીત વધુ રજૂ કરતા હતા. એ પછીની મીરની પેઢી આવી તે આમ જનતા માટે પણ ગાતી."

"તેઓ ભજન-સંતવાણી વગેરે ગાવા માંડ્યા. મારી જેમ અન્ય મીર કલાકારો નવરાત્રીમાં નવ દિવસ ગરબા ગાય છે અને પછી લગ્નોમાં પણ ગરબા ગાય છે. એ સિવાય ડાયરા, ભજન સંતવાણી વગેરે કાર્યક્રમો પણ કરે છે.”

ગુજરાત ઉપરાંત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ મીર સમુદાય જોવા મળે છે. જૂનાગઢના ઇતિહાસકાર પ્રદ્યુમ્ન ખાચર કહે છે કે, "રાજારજવાડાના વખતમાં મીર સમુદાયના લોકો સંગીત પીરસતા તે કર્ણોપકર્ણ સાંભળવા મળે છે. મીર કલાકારો જ આના વિશે વધુ પ્રકાશ પાડી શકે. તેમની સંગીત પરંપરા વિશે દસ્તાવેજ કે પુસ્તકો હશે તો મારા ધ્યાનમાં આવ્યાં નથી."

ગ્રે લાઇન

મંચ પર ફરીદા મીરે ગાયું અને પપ્પાએ લાફો ચોડી દીધો

ફરિદા મીર

ઇમેજ સ્રોત, FARIDA MIR/FB

મીર ગાયિકાઓમાં ફરિદા મીરનું નામ ગુજરાતમાં જાણીતું છે. બીબીસી સાથે વાત કરતાં ફરિદા મીર કહે છે કે, "અમે રહ્યા મીર અને અમારા લોહીમાં સંગીત હોય છે. મારા પપ્પા શરણાઈ વગાડતા હતા. કલ્યાણજી આણંદજીને ત્યાં તેઓ વગાડવા જતા હતા. મારા બંને ભાઈઓ પણ સંગીત સાથે જોડાયેલા હતા."

"નાની હતી ત્યારે મારા પિતાજી સાથે લગ્નગીત વગેરે ગાવાં જતી હતી. જોકે, મારા પિતાજી એવું નહોતા ઇચ્છતા કે હું સ્ટેજ પર ગાઉં. હું ગાયિકા તરીકે સ્થાપિત થઈ એમાં નોરતાં નિમિત્ત બન્યાં હતાં. થયું એવું કે મેં કાલાવડના રણુજા મંદિરમાં એક ગીત ગાયું હતું. એ એક જ માતાજીનું ગીત ગાયું ને મારા પપ્પાએ ત્યાં આવીને મને લાફો માર્યો હતો. અમારા પરિવારમાંથી કોઈ મહિલા સ્ટેજ પર ન હોય, તેથી તેમને એમ થયું કે હું સ્ટેજ ઉપર કેમ છું? અમે લગ્નગીતો વગેરે પરિવાર પ્રસંગે ગાતાં પણ જાહેરમાં કોઈ નોરતાં કે ડાયરામાં નહીં."

પિતાજીને પસંદ નહોતું પણ ફરિદા મીર તો સંગીતમાં જ આગળ વધવા માગતાં હતાં. ઘરમાં વિવાદ ચાલતો હતો. એ જ વખતે રાજકોટના કરણપરા ચોકમાં તેમને નોરતાના પ્રૅક્ટિસ સેશનમાં બોલાવવામાં આવ્યાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ વખતે ફરિદા મીરની ઉંમર સત્તરેક વર્ષની હતી. સંચાલકોએ કહ્યું કે અવાજ તો સારો છે પણ છોકરી સ્ટેજ ઉપર દેખાય કે ન પણ દેખાય.

ફરિદા મીર કહે છે, "એ વખતે મને નોરતાની ગાયિકા તરીકે 2500 રૂપિયામાં મારું નામ બુક કરવામાં આવ્યું હતું, એ શરતે કે કોઈક અન્ય લેડી સિંગર મળી જાશે તો મને સાઈડમાં રાખશે. નોરતાના મંચ પર ગ્રૂપ પાસે લેડીસ કલાકાર પણ છે એ દર્શાવવા માટે મને મંચ પર ઊભી રાખવા માટે બુક કરી હતી."

"બન્યું એવું કે એ વર્ષે તો કોઈ લેડીસ સિંગર મળ્યાં જ નહીં, મેં જ ગાયું. નસીબ જુઓ કે એ પછીનાં આઠ વર્ષ સતત મેં જ ત્યાં ગરબામાં ગાયું હતું. ફરીદા મીર અને કરણપરા ચોક નોરતામાં એકબીજાનાં પર્યાય બની ગયાં હતાં. એ વખતે નોરતા સવારે ચાર ચાર વાગ્યા સુધી ચાલતા અને ચાર વાગ્યે મળસ્કે માતાજીના અઘોર નગારા થાય. જે રાજકોટમાં ખૂબ પ્રખ્યાત હતા. મને યાદ છે કે જે લોકો ખંભાળિયા અને દ્વારકાથી રાજકોટ ગરબા માટે આવ્યા હોય તે મને ટિકિટની પાછળ લખીને મોકલાવતા કે અઘોર નગારા ચાલુ કરાવો ને અમારે એ જોઈને જવું છે."

આમ ફરિદા મીરની કરિયરમાં નોરતાંએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એ પછી તો તેમના ગરબાના નૉનસ્ટૉપ આલબમો આવ્યાં અને ખૂબ ચાલ્યાં. ડાયરામાં પણ તેમણે ખૂબ ગાયું અને પિતાપુત્રીના સંબંધો પણ સુમેળભર્યા થઈ ગયા હતા.

ગ્રે લાઇન

મન મોર બની થનગનાટ કરે- ઓસમાણ મીર

ઓસમાણ મીર

ઇમેજ સ્રોત, OSMAN MIR/FACEBOOK

ગુજરાતમાં અને ખાસ કરીને સોરઠ અને કચ્છમાં જે શરણાઈ કે ઢોલકવાદકો છે તેમાંના ઘણા ખરા મીર સમુદાયના છે. લંઘા સમુદાયના પણ ખરા. મીર સમુદાય સંગીત સાથે કાળાંતરે વર્ષોથી સંકળાયેલો છે.

મીર ગાયકોમાં મોરપીચ્છનું મોટું છોગું એટલે ઓસમાણ મીર. સંગીતકાર અમિત ત્રિવેદી સાથે તેમણે ગાયેલો ગરબો ‘મોતી વેરાણા ચોકમાં’નો વીડિયો ત્રણ વર્ષમાં યૂટ્યૂબ પર સાઠ લાખથી વધુ વખત જોવાયો છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા – રામલીલા’માં ઓસમાણ મીરે ગાયેલી ઝવેરચંદ મેઘાણીની રચના ‘મન મોર બની થનગાટ કરે’ એટલી પૉપ્યુલર થઈ છે કે ઓસમાણ મીર પાસે નોરતામાં તો ખરી જ, દરેક કાર્યક્રમોમાં તેમની પાસે એની ફરમાઇશ થાય છે.

ઓસમાણભાઈએ નૉનસ્ટૉપ ગરબાનાં આલબમો પણ રજૂ કર્યાં છે. ‘રમઝટ’ નામે રાસગરબાની નૉનસ્ટૉપ ગરબાની સિરીઝ ભૂમિ ત્રિવેદી વગેરે કલાકારો સાથે રજૂ કરી છે. તેમના પુત્ર આમિર મીર સાથે ‘મીરને સંગ ઉછરંગ’ નામે રાસગરબા પણ રેકૉર્ડ કર્યા છે.

કચ્છના મીર પરિવારમાંથી આવતા ઓસમાણભાઈના પરિવારમાં જ સંગીત છે. તેમના પિતાજી અને દાદા તબલાં વગાડતા અને નિજાનંદ માટે ગાતા હતા. ઓસમાણ મીરની સંગીતની કરિયર પણ તબલાવાદક તરીકે શરૂ થઈ હતી.

નારાયણસ્વામી, લક્ષ્મણ બારોટ જેવા મોટા ભજનિકો સાથે તેમણે તબલાસંગત કરી છે. પછી તેઓ ગાયકી તરફ વળ્યા. તેમની સંગીત કરિયરમાં નોરતાં સીધાં નિમિત્ત નહોતાં બન્યાં પણ તેમની કરિયરનાં શિરમોર ગીતો નોરતાંમાં ગવાય છે.

ગ્રે લાઇન

દિવાળીબહેન ભીલ સાથે હાજી કાસમ મીર ઉર્ફે ‘હાજી રમકડું’ની સંગત

યુવતીઓની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

લોકસંગીતમાં રસ ધરાવતા લોકો તેમજ જેમણે ડાયરા જોયા હશે તેમના માટે હાજી રમકડુંનું નામ હૈયે વસેલું હશે. હાજી કાસમ મીર ‘હાજી રમકડું’ તરીકે છએક દાયકાથી કાર્યક્રમોમાં ઢોલક વગાડે છે. તેમને કાર્યક્રમો મળતા થયા અને નામ ગૂંજતું થયું એમાં પણ નોરતાંની ભૂમિકા ખરી.

ગીરસોમનાથ જિલ્લાના આદ્રી ગામના વતની હાજીબાપા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "જૂનાગઢમાં વણઝારી ચોકમાં ગાયિકા દિવાળીબહેન ભીલ નોરતાંમાં ગરબાં ગાતાં ત્યારે હું દોઢ રૂપિયા લેખે ત્યાં ઢોલક વગાડવા જતો હતો. દિવાળીબહેન સાથે મેં ત્યાં દશેક વર્ષ વગાડ્યું હતું. વણઝારીની નવરાત્રી પછી જ મને વિવિધ જગ્યાએ ડાયરામાં ઢોલક વગાડવાની ઑફર મળવા લાગી હતી. એ પછી જ હું લોકસંગીતના ઢોલકવાદક તરીકે વધારે ને વધારે પોંખાયો."

હાજી રમકડુંના પિતા કાસમભાઈ પણ ઢોલ, ઢોલક, મંજિરાં અને તબલાં વગાડતાં હતા. તેમના દાદા જમાલભાઈ જૂનાગઢના દરબારગઢમાં નોબત વગાડતા હતા. તેમની પાસે 24 ગામોનો ગરાસ હતો એ ગામોમાં પણ પ્રસંગ પડ્યે સંગીત પીરસતા હતા.

78 વર્ષે પણ હાજીબાપા ઢોલક પર થાપ આપે છે ત્યારે ઘટમાં ઘોડા થનગનવા માંડે છે. હાજીબાપા કહે છે કે, "હાલ છેલ્લાં 25 વર્ષથી સોમનાથ પાસેના સુપાસી ગામના ચોકમાં હું ગરબીમાં ઢોલક વગાડું છું. હવે મેં વગાડવાનું ઓછું કર્યું છે છતાં ત્યાં ગરબીમાં હાજરી અચૂક પૂરાવું છું."

ગ્રે લાઇન

અંબાજીના ચાચર ચોકથી આરિફ મીરની શરૂઆત

આરીફ મીર

ઇમેજ સ્રોત, ARIF MIR/FB

મીર એટલે સૌરાષ્ટ્રમાં ખાસ કરી સોરઠનાં નગરોમાં રહેતી શરણાઈ વગાડવાનો ધંધો કરનારી ચારણોમાંથી ઊતરી આવેલી એક મુસ્લિમ કોમ. આ વિગત ગુજરાતી ભાષાની સંદર્ભ વેબસાઇટ ગુજરાતી લેક્સિકનમાં રજૂ થઈ છે. મીર એટલે ઉમરાવ એવું પણ તેમાં કહેવાયું છે.

ગુજરાતી ભાષાના જ્ઞાનકોષ ભગવદ્ગોમંડળમાં એવું પણ કહેવાયું છે કે, લગ્ન કે ઉત્સવ પ્રસંગે શરણાઈ વગાડવાનું કામ કરે છે. દુહા, સોરઠા વગેરે ગાય છે અને વાર્તા પણ કરે છે.

આરિફ મીર ઉત્તર ગુજરાતના છે. ગરબા ઉપરાંત ડાયરા, લગ્નગીતો વગેરેમાં ગાય છે. ગુજરાતી સુગમ સંગીતના જાણીતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે તેમજ શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને ત્યાં તેમના પુત્ર મુર્તુઝા મુસ્તુફા ખાન પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "મારી 22 વર્ષની સંગીત કરિયરમાં મેં સૌથી વધારે નવરાત્રી અંબાજીના ચાચર ચોકમાં કરી છે. મારી કરિયરમાં અંબાજીનાં નોરતાંની પ્રમુખ ભૂમિકા છે. 1999માં ત્યાં યોજાતા ગરબામાં મુખ્ય ગાયક કોઈક કારણસર પહોંચી નહોતા શક્યા. હું તે સંગીત ગ્રૂપની સાથે જ ત્યાં હતો. મને સંચાલકે કહ્યું તું ગાઈશ? મેં હા પાડી. મને પાંચ છ ગરબા જ આવડતા હતા. જે મેં રિપીટ કરી કરીને દોઢેક કલાક ચલાવ્યા હતા. લોકો ઝૂમ્યા."

"એ કાર્યક્રમ પૂરો થયા પછી સંચાલકે મને 30 રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે તું મારા ગ્રૂપમાં નિયમિત આવવાનું રાખ. પછી હું કાર્યક્રમદીઠ 300 રૂપિયા લેખે તેમના જ ગ્રૂપમાં જોડાયો હતો. એ વખતે મેં બારમાની પરીક્ષા પણ નહોતી આપી. એ રીતે સંગીતમાં હું આગળ વધતો ગયો."

અલવીરા મીર અને આલમ મીર

અલ્વીરા મીર અને આલમ મીર

ઇમેજ સ્રોત, ALAM MIR

અન્ય એક મીર ગાયિકા અલવીરા મીરનું નામ પણ છેલ્લા કેટલાક વખતથી ગૂંજતું થયું છે. તેમનાં નૉનસ્ટૉપ ગરબાનાં આલબમો પણ વખણાયાં છે. કચ્છના રાપર તાલુકાનાં ગાયિકા અલવીરા મીરે પણ સૌપ્રથમ વખત જાહેરમાં 2010માં પોતાના ગામમાં નોરતાંમાં જ ગાયું હતું. અલવીરાના પિતા આલમભાઈ પણ ગાયક છે.

આલમભાઈ બીબીસીને કહે છે કે, "મીરનો દીકરો હોય કે દીકરી સંગીત તો તેનામાં હોવાનું જ. હું નોરતાંમાં ગાવા જતો અને અલવીરા પણ મારી સાથે આવતી. એ રીતે તેની ગાયકીની શરૂઆત થઈ હતી. 2012-13માં રાપરની પાસેના ગામમાં અલવીરાએ નોરતાં કર્યાં હતાં."

"2014-15થી તેણે વ્યાવસાયિક રીતે સાંતલપુરથી નોરતાંમાં ગાવાનું શરૂ કર્યું હતું. 2016માં ભચાઉ પાસે ખારોઈ ગામમાં નવરાત્રી કરી. 2017થી 2019 સુધી મુંબઈમાં નવરાત્રી કરી હતી. 2022માં જામનગરમાં આદ્યશક્તિ મંડળમાં નોરતાં કર્યાં હતાં અને આ વર્ષે પણ ત્યાં જ કરવાના છીએ."

આલમભાઈ કહે છે કે, "મારા દાદા અબ્દુલભાઈ પણ રાસ ગાતા હતા અને નાટકો કરતા હતા. સંગીતમાં આ અમારી ચોથી પેઢી છે."

રેડ લાઇન
રેડ લાઇન