ગુજરાતમાં ખરેખર પાંચ લાખ લોકોનાં 'લાઇટબિલ શૂન્ય' થઈ ગયાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
“અમારું લાઇટબિલ શૂન્ય થઈ ગયું છે. સોલર પૅનલ લગાવવાને કારણે અમારે લાઇટબિલ ભરવું નથી પડતું. અગાઉ અમારે 500 રૂપિયાની આસપાસ લાઇટબિલ આવતું હતું. વીજળીના પણ ધાંધિયા હતા. હવે દિવસે વીજળીની તકલીફ લગભગ નથી પડતી.”
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીખલદા ગામના સુનીલ કુટકુટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સોલર પૅનલ લગાવવાને કારણે ફાયદો ગણાવ્યો.
આ ગામમાં 289 લોકોની વસ્તી છે. તમામ લોકો આદિવાસી છે. જંગલ અને ડુંગરાળ પ્રદેશોથી ઘેરાયેલા આ ગામમાં પહેલા વીજળીની તકલીફ હતી.
આ ગામમાં આવેલાં તમામ 70 જેટલાં ઘરોમાં આજે સોલર પૅનલ લાગી ગઈ છે અને તમામ ગામવાસીઓનાં લાઇટબિલ શૂન્ય થઈ ગયાં છે. ગામવાસીઓ કહે છે કે ન માત્ર તેમના લાઇટબિલ શૂન્ય થઈ ગયા, પરંતુ સાથે તેમને 200થી 500 રૂપિયાની આવક પણ થાય છે.
સુનીલ કુટકુટિયા આ વિશે વધુમાં જાણકારી આપતા કહે છે, “સોલારથી જે વીજળી પેદા થાય છે તે બધી વીજળીનો ઉપયોગ અમે કરતા નથી. બચેલી વીજળી સરકાર અમારી પાસેથી વેચાતી લે છે અને તેમાંથી મળેલા રૂપિયા અમે જે રાત્રે વીજળીનો ઉપયોગ કરીએ છીએ તેમાં બાદ મળે છે. જો વધારે વીજળી પેદા થઈ હોય અને વપરાશ ઓછો હોય તો સરકાર અમને લાઇટબિલમાં જમા દેખાડે છે.”
ડાંગ જિલ્લાના ચીખલદા ગામની માફક અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલું દુધાળા ગામ પણ સંપૂર્ણ સોલર પૅનલ ધરાવતું થઈ ગયું છે. અહીં પણ ગામના અંદાજે 230 ઘરોમાં સોલર પૅનલ લાગી ગઈ છે. ગામવાસીઓનું કહેવું છે કે તેમનું લાઇટબિલ શૂન્ય થઈ ગયું છે.
દુધાળા ગામના આગેવાન રાજુભાઈ બારાડ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “અમારે માટે તો જાણે કે સોનાનો સૂરજ ઊગી નીકળ્યો. સોલર પૅનલ ઘરેઘરે લાગવાને કારણે વીજળી તો સાવ નિ:શુલ્ક થઈ ગઈ.”
સોલર પૅનલ લાગવાના ફાયદા ગણાવતા રાજુભાઈ કહે છે, “મારે પહેલા લાઇટબિલ 700થી 900 રૂપિયા આવતું હતું. હવે જ્યારે મેં 1 KWની સોલર પૅનલ લગાવી ત્યારથી મારે આવક થાય છે. મારા બિલમાં અત્યારે 1400 રૂપિયા જમા બોલે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ઘણાં ગામોમાં કે શહેરોમાં જ્યાં સોલર પૅનલો લાગી છે ત્યાં વીજળીનાં બિલ શૂન્ય થઈ ગયાં હોવાનું કહેવાય છે.
ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યનાં પાંચ લાખ ઘરોમાં સોલર રૂફટૉપ લગાવાયા છે, જેને કારણે જેમણે સોલર રૂફટૉપ લગાવ્યા છે તે પૈકીના ઘણા બધા લોકોનાં વીજળીનાં બિલો શૂન્ય થઈ ગયાં છે.
નાના-નાના દુકાનદારોએ પણ સોલર પૅનલ લગાવી

ઇમેજ સ્રોત, BHAGYESH PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માત્ર ઘરોમાં જ નહીં પરંતુ બિઝનેસ કરતા યુનિટો કે પછી નાના-નાના દુકાનદારોએ પણ સોલર પૅનલ લગાવી છે.
ઘણા લોકો તો સોલર પૅનલ લગાવીને આવક પણ રળી રહ્યા છે.
સુરતના ઉધના વિસ્તારમાં 45 વર્ષથી ચાની દુકાન ચલાવતા નટુભાઈ વસાવાને વીજ કનેક્શન મળ્યું નહોતું તેથી તેમણે ફાનસ સળગાવીને કામ ચલાવવું પડતું હતું. પરંતુ હવે તેમણે સોલર પૅનલ ઇન્સ્ટોલ કરાવી છે, જેને કારણે તેમની વીજળીની સમસ્યા લગભગ હલ થઈ ગઈ છે.
નટુભાઈ વસાવા બીબીસી ગુજરાતીના સહયોગી રૂપેશ સોનવણે સાથે વાતચીતમાં પોતાને થયેલા ફાયદાની વાત કરતા કહે છે, “વીજળી પણ મળી સાથે મને દર મહિને 1500 રૂપિયાની બચત પણ થાય છે.”
તેઓ કહે છે કે, “મેં જોયું કે ઝૂંપડાંમાં રહેનારા લોકો અને લારી ચલાવનારા લોકો પણ સોલરનો ઉપયોગ કરી રહ્યા છે તેથી મેં પણ સોલર પૅનલ ઇન્સ્ટૉલ કરાવી. દસ વર્ષ પહેલાં મેં સોલર પૅનલ લગાવી હતી ત્યારે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થયો હતો.”
આ જ પ્રકારે સુરતમાં રહેતા દીપક પટેલ વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેમણે પણ પોતાના ઘરે સોલર પૅનલ લગાવી છે.
દીપક પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે, “મારે ઘરે ત્રણ એસી, ફ્રીઝ, ટીવી, ગિઝર અને વૉશિંગ મશીન હોવાને કારણે ઘણી વાર લાઇટબિલ 10થી 15 હજાર આવતું હતું, જે હવે સોલર પૅનલ લખાવ્યા બાદ ઝીરો થઈ ગયું છે.”
‘ગુજરાત સોલર રૂફટૉપ ઇન્સ્ટૉલેશન ક્ષેત્રે દેશભરમાં નંબર વન’

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
જાણકારો કહે છે કે ગુજરાતમાં સૂર્યપ્રકાશની સારી ઉપલબ્ધતા હોવાને કારણે તથા સરકારના વલણને રાજ્યમાં સોલર પૅનલ તથા સોલર રૂફટૉપ ઇન્સ્ટૉલ કરવા પ્રત્યે લોકોનો ધસારો વધ્યો છે.
ગુજરાત સરકારની રિન્યુએબલ ઍનર્જી પૉલિસી-2023માં લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં 50% વીજળી રિન્યુએબલ ઍનર્જી સ્રોત મારફતે મેળવવામાં આવશે.
આ માટે રિન્યુએબલ ઍનર્જી ક્ષેત્રે ગુજરાતમાં પાંચ લાખ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સરકારની પૉલિસીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સૌરઊર્જામાં 36 GW અને પવનઊર્જામાં 143 GWની ક્ષમતા છે.
ગુજરાતના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે દેશભરમાં જે રહેણાક રૂફટૉપ સોલર ઇન્સ્ટૉલેશન લાગેલા છે તે પૈકી 82% ઇન્સ્ટૉલેશન ગુજરાતમાં છે. ગુજરાત રહેણાક રૂફટૉપ સોલર ઇન્સ્ટૉલેશનમાં નંબર વન છે.
ભલે ગુજરાત રૂફટૉપ સોલર ઇન્સ્ટૉલેશન મામલે નંબર વન હોવાનો દાવો કરતું હોય પરંતુ સોલર સ્થાપિત ક્ષમતાની બાબતમાં તે દેશમાં બીજા ક્રમે છે. પ્રથમ ક્રમાંકે રાજસ્થાન છે. કર્ણાટક પણ ગુજરાતને ટક્કર આપી રહ્યું છે.
ગુજરાત ઍનર્જી ડેવલપમૅન્ટ એજન્સીના અધિકારી દિલીપ તિવારી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે,"ગુજરાત પવનઊર્જા ક્ષેત્રે નંબર વન છે અને સોલરક્ષેત્રે નંબર ટુ. ગુજરાતમાં સોલર ઊર્જાક્ષેત્રે આ સફળતા એટલા માટે મળી છે કે અહીં સોલર રેડિયેશન સૌથી સારું મળે છે."

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
કનુભાઈ વધુમાં જણાવે છે, “ગુજરાતમાં 5,73,751 ઘરોમાં સોલર રૂફટૉપ ઇન્સ્ટૉલેશન લાગી ગયા છે. તેને કારણે આ લોકોની 2000 કરોડ રૂપિયાની બચત થઈ છે. એટલું જ નહીં આ લોકો દ્વારા વધારાની વીજળી જે સરકાર 2.25 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે ખરીદે છે તેને કારણે 200 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે.”
તેઓ કહે છે કે જે લોકો એક KVથી 10 KV સુધીના સોલર રૂફટૉપ ઇન્સ્ટૉલ કરાવે છે તેને સરકાર સબસિડી પણ આપે છે.
તેમનો દાવો છે કે, “ગુજરાત સૌરઊર્જા ક્ષેત્રે અગ્રેસર છે. ગુજરાતમાં તમામ વીજસંસ્થાનો શિસ્તબદ્ધ રીતે કામ કરી રહ્યાં છે. જ્યારે સમગ્ર દેશમાં લોડ શેડિંગ હતું ત્યારે ગુજરાતમાં વીજસપ્લાય નિયમિત હતો.”
કનુભાઈ દેસાઈએ બીબીસી ગુજરાતીને એમ પણ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કરોડ ઘરોમાં રૂફટૉપ સોલર લગાવવાનો લક્ષ્યાંક આપ્યો છે. ગુજરાતે આ પૈકી 6% લક્ષ્યાંક અત્યારથી જ પૂર્ણ કરી દીધો છે.
તેમણે આવનારા દિવસોમાં ગુજરાતમાં 15થી 20 લાખ ઘરોમાં રૂફટૉપ સોલર ઇન્સ્ટૉલેશન કરવાનું સરકારનો લક્ષ્યાંક હોવાની પણ વાત કરી.
કનુભાઈ દેસાઈએ હાલમાં ગુજરાત સરકારનું ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે 993 કરોડ રૂપિયા સોલર રૂફટૉપ યોજના માટે ફાળવ્યા હતા.
પોતાના બજેટ ભાષણમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું, “સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. અમુક વિસ્તારોને સંપૂર્ણપણે સૌરઊર્જા અંતર્ગત આવરી લેવાશે. ઉપરાંત સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ અને સરકારી રહેણાકો માટે સૌરઊર્જાની 40 MW ઉત્પાદનક્ષમતા ધરાવતા પ્રોજેક્ટની સ્થાપના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.”
સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને સોલર પંપ આપવાની યોજનાનો અમલ 2014-15થી શરૂ થયો. આ દાવા પ્રમાણે આજ સુધી લગભગ ગુજરાતમાં 35 હજારથી વધુ સોલર પંપો આપવામાં આવ્યા છે.
ખાસ કરીને ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં તથા અંતરિયાળ ગામોમાં જ્યાં વીજળીની સુવિધા નથી મળી શકતી ત્યાં ખેડૂતોને સોલર પંપ વધુ ઉપયોગી સાબિત થાય છે.
ગુજરાતમાં 100 ગીગાવોટના સોલર પ્રોજેક્ટો આવી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ડેટા પ્રમાણે સૌરઊર્જામાં ગુજરાતમાં સ્થાપિત ક્ષમતા વર્ષ 2021-22માં 5459.79 મેગાવોટ હતી જે વર્ષ 2022-23માં વધીને 7009.79 મેગાવોટ થઈ ગઈ છે.
ઉત્પાદનની વાત કરીએ તો સૌરઊર્જા થકી રાજ્યમાં 2021-22માં 5674.07 મિલિયન યુનિટ્સ વીજઉત્પાદન થયું હતું, જ્યારે 2022-23માં તે 46% વધીને 8077.33 મિલિયન યુનિટ વીજઉત્પાદન હતું.
ગુજરાત ઍનર્જી ડેવલપમૅન્ટ એજન્સીના અધિકારી દિલીપ તિવારીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું કે હાલ ગુજરાતમાં સોલર ક્ષેત્રે 10 ગીગાવોટની વીજઉત્પાદન થઈ શકે તેટલી સ્થાપિત ક્ષમતા છે.
તેઓ વધુમાં ઉમેરે છે, “ગુજરાતમાં હાલ વાર્ષિક એક મેગાવોટ થકી 17 લાખ યુનિટ વીજળી જનરેટ થાય છે. તેમાં 10 ગીગાવોટ એટલે કે 10000 મેગાવોટ વડે ગુણો એટલી વીજળી ગુજરાતમાં અંદાજે સોલરની મદદથી પેદા થાય છે.”
ગુજરાત પાવર કૉર્પોરેશન લિમિટેડ એટલે કે જીપીસીએલ એ ગુજરાતમાં સોલર પાર્કના વિકાસ માટેની કેન્દ્રવર્તી સંસ્થા છે. તેણે 590 મેગાવોટ ક્ષમતાનો સોલર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે બનાવ્યો આવ્યો છે જે 5384 એકર જમીન પર ફેલાયેલો છે. જ્યાં વિવિધ 20 ડેવલપર્સ દ્વારા 224 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતી સોલર પરિયોજના શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠાના રાધાનેસડા ગામમાં 700 મેગાવોટ ક્ષમતા ધરાવતું સોલર પાવર સ્ટેશન કમિશન થયું છે. જે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડને વીજળી પૂરી પાડશે.
ટાટા અને અદાણી ગ્રૂપ પણ આ મામલે મોટું રોકાણ કરી રહ્યાં છે.
દિલીપ તિવારી જણાવે છે, “ગુજરાતમાં મોઢેરા સોલર વિલેજ બન્યું છે. ચારણકા, ધોલેરા, રાધાનેસડા અને ખાવડા ખાતે સોલર પાર્ક કમિશન થઈ ગયા છે, ક્યાં થઈ રહ્યા છે. ચારણકા ખાતે 850 મેગાવોટ, રાધાનેસડા ખાતે 700 મેગાવોટ, ધોલેરા ખાતે 300 મેગાવોટ અને ખાવડા ખાતે 30 ગીગાવોટ વીજઉત્પાદન કરવાનું આયોજન થઈ રહ્યું છે. ખાવડા ખાતે સોલર અને પવનઊર્જા બંને પ્રકારે વીજઉત્પાદન કરાશે તેવું આયોજન છે. ખાવડા ખાતે મોટી મોટી કંપનીઓ જેવી કે સુઝલોન, જીઆઈપીસીએલ, ટાટા, અદાણી, જીએસઈસીએલ રોકાણ કરી રહી છે.”
NHPC 200 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ ખાવડા ખાતેના રિન્યુએબલ ઍનર્જી પાર્કમાં શરૂ કરી રહી છે.
જાણકારોના મત પ્રમાણે ગુજરાતમાં સોલર ક્ષેત્રમાં ઘણું કામ થઈ રહ્યું છે.
સહજ સોલર કંપનીના એમડી પ્રમિત બ્રહ્મભટ્ટ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “નવા 100 ગીગાવોટના સોલર પ્રોજેક્ટો આવી રહ્યા છે. ઘણું બધું રોકાણ થઈ રહ્યું છે જેને કારણે ગુજરાત આ ક્ષેત્રે અગ્રેસર છે.”
તેઓ કહે છે કે સોલરથી પેદા થનારી વીજળીના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. “2014 પહેલાં સૌરઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવતો હતો આજે તે વધારીને 100 ગીગાવોટ કરવામાં આવ્યો છે.”
“વીજળીના વિતરણમાં ટ્રાન્સમિશન લોસ 40 ટકા જેટલો થાય છે જો સૌરઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો તેમાં ઘણી બચત થઈ શકે તેમ છે અને સરવાળે ફાયદો ગ્રાહકોને છે.”
ગોલ્ડી સોલર કંપનીના એમડી ઇશ્વર ધોળકિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “સોલર ક્ષેત્રે ગુજરાત આજે ડ્રાઇવિંગ સીટ પર બેઠું છે. મોઢેરા, દુધાળા અને ચીખલદા ગામો સંપૂર્ણ સોલર બની ગયાં છે. જેમાં દુધાળા અને ચીખલદા ગામોને સંપૂર્ણ સોલર બનાવવામાં અમારી કંપનીએ સહાય કરી છે. ગુજરાતમાં સોલર પાર્ક આવી રહ્યા છે સાથે સોલર સિટી બની રહ્યા છે. નહેરોની જગ્યા પર સોલર પૅનલો ઇન્સ્ટૉલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સોલર થકી 36 ગીગાવોટ વીજળીના ઉત્પાદનનું કામ થવા જઈ રહ્યું છે.”
તેઓ કહે છે કે વડા પ્રધાન સૂર્યોદય યોજના જેવી સરકારી પહેલને કારણે સૌરઊર્જા ક્ષેત્રમાં લોકોનો રસ વધ્યો છે.
વધુમાં તેઓ જણાવે છે, “જે 34 કંપની કેન્દ્ર સરકારમાં લિસ્ટેડ છે તે પૈકી 60% કંપની ગુજરાતની છે. આ કંપનીઓ વિદેશમાં તેનાં ઉત્પાદનો નિકાસ પણ કરે છે. અમારી કંપની જ 20થી વધુ દેશોમાં નિકાસ કરે છે. એટલે ગુજરાત હવે સોલર ક્ષેત્રનું હબ બની રહ્યું છે.”
ગુજરાત ઍનર્જી ડેવલપમૅન્ટ એજન્સીના સિનિયર પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ જતીન દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં તેનું કારણ આપતા કહે છે, “ગુજરાતની ભૌગોલિક ક્ષમતા સૌરઊર્જાને અનુકૂળ છે. આપણે ત્યાં સારો એવો સૂરજનો તડકો ઉપલબ્ધ છે. વળી સરકાર લોકોને ફાયદો થાય તેવી યોજના બહાર પાડે છે. જે સતત સમય, સંજોગ અને લોકોની માગને આધારે બદલાતી રહે છે, જેને કારણે ગુજરાત સૌરઊર્જા ક્ષેત્રે આટલી પ્રગતિ કરી શક્યું છે.”
સોલર પૅનલની સમસ્યા પણ છે

ઇમેજ સ્રોત, BHAGYESH PATEL
જોકે, જાણકારો કહે છે કે સોલર પૅનલ દ્વારા 24 કલાક વીજળી ઉત્પન્ન કરી શકાતી નથી. તેથી એવું નથી કે એક વાર સોલર પૅનલ નંખાવી દીધી એટલે વીજ કનેક્શનની જરૂર નહીં પડે.
પ્રમિત બ્રહ્મભટ્ટ કહે છે, “રાત્રે તો સૂરજ હોતો નથી. વળી જે સૌરઊર્જાનું ઉત્પાદન કર્યું છે તેનો સંગ્રહ કરવાની બૅટરી મોંઘી છે. તેથી રાત્રે તો સરકારી વીજ કંપનીનું કનેક્શન જોઈશે જ. વધારે પાવર જનરેટ થાય તો સ્ટોરેજ સસ્તું પડે પણ રહેણાક ક્ષેત્રે વીજ કંપનીનું કનેક્શન જોઈશે જ, કારણ કે ઘણી વાર ચોમાસામાં સૂરજ નથી દેખાતો તેવા સંજોગોમાં વીજળીની ઉપયોગિતા માટે સોલર પૅનલ પર જ નિર્ભર નહીં રહી શકાય.”
જોકે, હવે પ્રયત્નો એવા થઈ રહ્યા છે કે દિવસે સોલર મારફતે પેદા થયેલી વીજળીને બૅટરીમાં સંગ્રહિત કરીને રાત્રે અથવા જ્યારે જરૂર હોય ત્યારે વાપરી શકાય.
ગુજરાત સરકારે આ માટે મોઢેરા અને કચ્છમાં આ અંગેનો એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા દિલીપ તિવારી કહે છે, “કેએલટીપીએસ એટલે કે કચ્છ થર્મલ પાવર સ્ટેશન ખાતે 35 મેગાવોટની કેપેસિટી ધરાવતી બૅટરી ઍનર્જી સ્ટોરેજ સિસ્ટમ લગાવવામાં આવી છે. જે સોલર દ્વારા પેદા થયેલી વીજળીને સંગ્રહિત કરીને જરૂર હોય ત્યારે તેનું વિતરણ કરી શકે. આવો જ પ્રોજેક્ટ મોઢેરા ખાતે શરૂ થયો છે તેમાં સંગ્રહ ક્ષમતા 19 મેગાવોટની છે.”
સામાન્ય રીતે સોલર પૅનલની લાઇફ 25થી 30 વર્ષ છે. જોકે, જાણકારો કહે છે કે તેની સાચવણી અને જાળવણી પર બધો આધાર છે કે તેનું આયુષ્ય કેટલું હશે.
ઇશ્વર ધોળકિયા કહે છે, “ઘણી વાર તે અકસ્માતે તૂટી જાય તે તેની જાળવણી યોગ્ય રીતે ન થાય તો તેની વીજઉત્પાદન પર અસર પડે છે. તમે જાળવણી કરો તો લાંબા સમય સુધી વીજઉત્પાદન કરે છે. યુરોપમાં ઘણી જગ્યાએ 30 વર્ષ થયા છતાં સોલર પૅનલો કામ કરે છે.”
હવે જો રાત્રે વીજળી સરકારી કંપનીની વપરાતી હોય તો વીજળીનું બિલ ઝીરો કઈ રીતે આવે?
સરળ રીતે સમજીએ તો, સરકાર સૌરઊર્જા થકી પેદા થયેલી વીજળી 2.25 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે ખરીદે છે. વીજકંપનીની જે વીજળી જેટલા યુનિટ વપરાય છે તેના પૈસા આ ખરીદેલી સૌરઊર્જામાંથી બાદ મળે છે અને વધઘટ જે થતી હોય તે તમારા લાઇટબિલમાં દર્શાવાય છે. મોટા ભાગે લોકો જરૂરત કરતા વધારે સૌરઊર્જા ઉત્પાદન કરે છે તેથી તેમનું લાઇટબિલ ઝીરો આવે છે. સરકાર જમા થયેલા રૂપિયા બિલમાં દર્શાવે છે જે ગમે ત્યારે જરૂર પડે ત્યારે લાઇટબિલમાં સરભર કરી શકાય છે.
મોઢેરામાં સૌરગ્રામનો વિરોધ થયો હતો

ગુજરાતનું મોઢેરા ગામ 24 કલાક સૌરઊર્જા આધારિત વીજ પુરવઠાને કારણે સમગ્ર ભારતનું પ્રથમ સૌરગ્રામ બન્યું હતું. પરંતુ સૌરગ્રામ મોઢેરામાં વધારાની વીજળી માટે જ્યાં સોલર પ્લાન્ટ લગાવાયો છે તે સુજાણપુરાના લોકોએ સોલર પ્લાન્ટ હઠાવી દેવાની માગ કરી હતી.
નોંધનીય છે કે વડા પ્રધાને જે સોલર પ્લાન્ટનું અનાવરણ કર્યું હતું તેનાથી ઉત્પન્ન થતી વીજળી બૅટરી ઍનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ) દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
મોઢેરા ગામમાં રાતના સમયે અહીંથી વીજળી પહોંચાડવામાં આવે છે.
પ્લાન્ટના અનાવરણના બે વર્ષ પહેલાં સુજાણપુરા ગામની ગોચર જમીન મહેસાણા જિલ્લા કલેક્ટરે રાજ્યના ઍનર્જી ઍન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગને આપી હતી.
રાજ્યના મહેસૂલ વિભાગ અનુસાર, ગામની કુલ 41 હેક્ટર જમીનમાંથી 12 હેક્ટર જમીન મોઢેરા સોલર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાઈ હતી.
વર્ષ 2019માં જમીનનો હેતુફેર કર્યા બાદ 2021માં અહીં તારબંધી કરી દેવાઈ હતી.
મહેસૂલ વિભાગ પ્રમાણે, જે ગોચરની જમીન લેવામાં આવી હતી, તેની સામે મહેસાણા કલેક્ટરે નવ હેક્ટર જમીન સુજાણપુરાથી પાંચ કિલોમીટર દૂર મોઢેરા ગામની સીમમાં ગોચર તરીકે ફાળવી છે.
આ ઉપરાંત સુજાણપુરા ગામમાં અને તેની પાસેના છટાસણા ગામમાં પણ એક-એક પ્લૉટ ફાળવવામાં આવ્યા છે.
પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે સોલર પ્લાન્ટ માટે ગોચરની જમીનનો હેતુફેર કરવાની આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રામસભાની મંજૂરી લેવાઈ નથી તેમજ આ અંગે ગ્રામજનોને વિશ્વાસમાં પણ લેવામાં આવ્યા નથી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગોચર માટે ફાળવાયેલી વૈકલ્પિક જમીન દૂર હોવાને કારણે કેટલાક ગ્રામજનોએ પોતાનાં ઢોર પણ ઓછાં કરી દીધાં છે.
ગ્રામજનોએ સૌરગ્રામને ગામલોકોની હાલાકીનું કારણ ગણાવ્યું હતું.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પાણીની કમીને કારણે કેટલાક ખેડૂતોએ પોતાનાં ખેતરો સોલર પાર્ક માટે ભાડે આપી દીધાં છે. જાણકારો કહે છે કે આ પ્રકારે વીજળી ભલે મળતી હોય પરંતુ ખેતીને નુકસાન થાય છે.
સોલર પૅનલ ભવિષ્યમાં પર્યાવરણ માટે નવો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
કાર્બન ઉત્સર્જન ઘટાડવાની લડાઈમાં સોલર પૅનલને દુનિયાભરમાં અત્યંત મહત્ત્વના હથિયાર તરીકે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, પરંતુ તેનું આયુષ્ય માત્ર 25 વર્ષનું છે.
જાણકારોનું કહેવું છે કે અબજો સોલર પૅનલને આખરે બદલવાની અને તેને કારણે સર્જાનારા ઇલેક્ટ્રૉનિક કચરાના નિકાલની જરૂરિયાત ટૂંક સમયમાં મોટી સમસ્યા બની શકે છે.
ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સોલર પૅનલ રિસાયકલિંગ સંબંધિત બાબતોના નિષ્ણાત ડૉ. રોગ ડેંગનું કહેવું છે કે "આખી દુનિયામાં અત્યાર સુધીમાં એક ટેરાવોટની ક્ષમતાની સોલર પૅનલ લગાવવામાં આવી છે."
તેમના કહેવા મુજબ, "સામાન્ય સોલર પૅનલની ક્ષમતા 400 વૉટની હોય છે. છત તથા સોલર ફાર્મમાં લગાવવામાં આવેલી સોલર પૅનલનો તેમાં ઉમેરો કરીએ તો તેની સંખ્યા વધીને અઢી અબજ થાય."
બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ, બ્રિટનમાં લાખો સોલર પૅનલ લગાવવામાં આવી છે, પરંતુ તેને હટાવવાની કે રિસાઇકલ કરવાની કોઈ સુનિશ્ચિત વ્યવસ્થા નથી.
આ બાબતે કોઈ નક્કર નીતિ ઘડવાની વિનંતી વિશ્વના અનેક નિષ્ણાતો સરકારોને કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંબંધી મોટા આપદા બનવાનું જોખમ તોળાઈ રહ્યું છે.












