'ગરમી આવતાં જ દૂધ ઓછું થઈ ગયું', હિટ વેવને કારણે ગુજરાતમાં દૂધઉત્પાદન કેવી રીતે ઘટી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ વર્ષે 2024માં, એપ્રિલ મહિનાથી જ ભારતમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે કરોડો લોકો અને ખાસ કરીને ખેતીને અસર થાય તેવી સંભાવના છે. તાજેતરમાં જ વર્ષ 2024નો માર્ચ મહિનો સમગ્ર વિશ્વમાં સૌથી ગરમ સાબિત થયો હતો.
ભારતીય હવામાન વિભાગના એક અંદાજ મુજબ ભારતના પૂર્વ, ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં અમુક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ભારતમાં એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન સામાન્ય કરતાં પણ વધુ મહત્તમ તાપમાનનો અનુભવ થઈ શકે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં એપ્રિલ-મે-જૂનમાં સૌથી વધુ ગરમ દિવસો જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
આપણા જીવનમાં હિટ વેવની સીધી અને આડકતરી રીતે ઘણી અસરો થાય છે. હિટ વેવને કારણે ડેરી ઉદ્યોગ પર પણ ઘણી અસર પડે છે.
હિટ વેવને કારણે દૂધાળાં પશુઓને પણ ખૂબ અસર થાય છે અને તેમના દૂધ ઉત્પાદનમાં સામાન્ય રીતે ઘટાડો થતો હોય છે.
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) અને સૅન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રાયલૅન્ડ ઍગ્રિકલ્ચરે ‘હિટ વેવ 2022’ના શીર્ષકથી એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પશુઓ હિટ વેવના કારણે ખોરાકનું સેવન ઓછું કરે છે અને તેમના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ સમયગાળા દરમિયાન તેમનું વજન પણ ઘટે છે અને પ્રજનનની ક્ષમતા પણ ઘટે છે. ગરમીને કારણે પશુઓમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પણ ઘટે છે.
અતિશય ગરમી દરમિયાન મનુષ્યની જેમ પ્રાણીઓનાં શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે અને ડિહાઇડ્રેશન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2022માં પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં હિટ વેવના કારણે રાજ્યનું દૂધઉત્પાદન 15 ટકા જેટલું ઘટી ગયું હતું. અહીં વાછરડાંનાં મૃત્યુનો દર પણ વધી ગયો હતો અને પશુઓને પણ ચામડીના રોગો થયા હતા.
ઉત્તર પ્રદેશમાં હિટ વેવના કારણે લીલો ઘાસચારો સુકાઈ ગયો હતો અને પશુઓ માટે ચારો મળવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી.
લાન્સેટ જર્નલના એક અભ્યાસનો અંદાજ છે કે તાપમાનમાં વધારો થવાથી ભારતના શુષ્ક પ્રદેશોમાં 2085 સુધીમાં દૂધના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો થઈ શકે છે.
હિટ વેવની પશુઓ પર કેવી અને કેટલા પ્રમાણમાં અસર થાય છે? હિટ વેવ દરમિયાન પશુને કઈ રીતે સાચવવાં? દૂધ ઉત્પાદન ન ઘટે અને પશુઓ ઓછાં પ્રભાવિત થાય તેના માટે કેવાં પગલાં ભરવાં? બીબીસીએ આ સંદર્ભે ડેરી ક્ષેત્રના વિશેષજ્ઞો સાથે વાત કરીને આ પ્રશ્નોનું સમાધાન જાણવાનો પ્રયાસ કર્યો હતો.
‘એવું લાગે છે મારે પશુઓ માટે AC મુકાવવું પડશે’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બનાસકાંઠાના રહેવાસી ભીખાભાઈ ધોરિયા પશુપાલન સાથે સંકળાયેલા છે, તેની પાસે 12થી ગાયો અને ભેંસો છે. તેઓ કહે છે કે અતિશય ગરમીને કારણે તેમનું દૂધનું ઉત્પાદન ઘટી જાય છે.
તેઓ કહે છે, “મારાં પશુઓમાં દૂધનું ઉત્પાદન લગભગ અડધું થઈ જાય છે. મારું ઘર તો દૂધના વેચાણથી જ ચાલે છે. ગરમી આવતાં જ દૂધ ઓછું થઈ જાય અને તેની અસર આવક પર થાય છે.”
નરેશ ચૌધરી બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામના છે અને તેમની પાસે 90 જેટલી ગાયો અને ભેંસો છે. તેમનું પણ કહેવું છે કે જેમ જેમ ગરમી વધે તેમ પશુઓની દૂધ આપવાની ક્ષમતા ઘટી જાય છે.
તેઓ કહે છે, “ગરમી વધતાં 30 ટકા જેટલું ઓછું દૂધ મળે છે. જે રીતે ગરમી વધી રહી છે તે જોતાં એવું લાગે છે કે મારે પશુઓને જ્યાં રાખવામાં આવે છે ત્યાં આવતા વર્ષે એસી મુકાવવું પડશે. તેના કારણે મારે 10 લાખનો ખર્ચ થશે.”
તેમનું કહેવું છે કે વધુ ગરમીમાં ગાયોના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને ઘણીવાર પશુઓનાં મોત પણ થઈ જાય છે.
દર વર્ષે વધતા તાપમાનને કારણે ખેડૂતોને નફો મેળવવો મુશ્કેલ થાય છે અને આ બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે દર વર્ષે જંગી રોકાણ કરવું પડે છે.
નરેશભાઈ પણ કહે છે કે તેમને દૂધનું ઉત્પાદન જાળવવા માટે દર વર્ષે નવાં પશુ ખરીદવાં પડે છે જેથી કરીને તેમને નફો થાય.
હિટ વેવને કારણે દૂધની ગુણવત્તામાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર એચ. એસ. પંચાસરા દાંતીવાડા યુનિવર્સિટીમાં પશુ વિજ્ઞાનકેન્દ્રમાં રિસર્ચ સાયન્ટિસ્ટ છે. તેઓ સમજાવે છે, "ભેંસો, સંકર ગાયો વગેરે જેવાં પશુઓ 35 ડિગ્રીથી વધારે તાપમાન સહન કરી શકતાં નથી. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ આવાં પશુઓની ખોરાક લેવાની ક્ષમતા ઘટતી જાય છે."
આઈસીએઆર અનુસાર હિટ વેવમાં પશુઓનાં શરીરનું તાપમાન 0.5થી 3 ડિગ્રી સેલ્શિયસ સુધી વધે છે.
ડૉ. પંચાસરા વધુમાં કહે છે કે, "જયારે તાપમાન 40 ડિગ્રીએ પહોંચે ત્યારે આ પશુઓની ખોરાક લેવાની ક્ષમતા અડધી થઈ જાય છે. ખોરાક લેવાની ક્ષમતામાં ઘટાડો થવાથી અંતે આ પશુઓ દ્વારા ઉત્પાદિત દૂધની ગુણવત્તા પણ ઘટે છે."
નવસારી કામધેનુ યુનિવર્સિટીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતાં ડૉ. વિપુલ પટેલે પશુઓ અને તેમનાં પોષણ ઉપર કામ કર્યું છે.
તેઓ જણાવે છે કે, "હિટ વેવ દરમિયાન પશુઓનાં શરીરમાં પણ ગરમી વધી જાય છે અને પશુઓ આ ગરમીને શરીરની બહાર કાઢી શકતાં નથી. તેના કારણે તેમની ચયાપચયની પ્રક્રિયા ઘટી જાય છે. આથી તેઓ નવો ખોરાક લઈ શકતા નથી. સરવાળે તેમનું પોષણ પણ ઘટી જાય છે."
તેઓ કહે છે, "જેમ જેમ દૂધની ગુણવત્તામાં ઘટાડો થાય છે તેમ તેમ દૂધમાં રહેલી ચરબીનું પ્રમાણ પણ ઘટે છે. દૂધમાં સામાન્ય રીતે છ ટકા ચરબી હોય છે. હિટ વેવના કારણે પશુઓનો ખોરાક ઘટે છે અને દૂધમાં ચરબીની માત્રા પાંચ ટકા જેટલી થઈ જાય છે. આમ, દૂધના જથ્થા અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થાય છે.”
‘હિટ વેવથી પ્રાણીઓની પ્રજનનશક્તિ નબળી પડે’

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. વિપુલ પટેલ મુજબ હિટ વેવની પ્રાણીઓ પર ખૂબ ગંભીર અસરો થાય છે. તેઓ કહે છે "હિટ વેવમાં પશુઓની શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે અને તેમના હૃદયના ધબકારા પણ વધી જાય છે. પશુઓના હૉર્મોન્સ પણ અસ્થિર થઈ જાય છે. ભેંસોના દૂધમાં તો 20 ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.”
આઈસીએઆરના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ભેંસોની કાળી ત્વચા અને અને પાતળા વાળને કારણે તે વધારે સૂર્યપ્રકાશ શોષે છે. જેથી તેમનાં શરીરનું તાપમાન વધે છે અને તેના કારણે ભેંસની પ્રજનન શક્તિ નબળી પડે છે."
આ રિપોર્ટમાં કહેવાયું છે કે, "હિટ વેવ દરમિયાન પશુઓમાં પ્રૉજેસ્ટેરોનના અભાવના કારણે સમગ્ર ઉનાળા દરમિયાન ભેંસની જાતીય પ્રવૃત્તિ અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. સ્તનપાન કરાવતાં પશુઓમાં પણ હિટ વેવના કારણે ખોરાક લેવાની ક્ષમતા ઘટી જાય છે અને આંતરડાની ક્રિયા ધીમી પડી જાય છે. તેથી તેમનું દૂધ પણ ઘટી જાય છે."
ડૉ. પંચાસરા કહે છે કે, “કાંકરેજની ગાય એકમાત્ર એવી ગાય છે જે 40થી 42 ડિગ્રી જેટલી ગરમી સહન કરી શકે. 42 ડિગ્રી તાપમાન સુધી તેની ખોરાક લેવાની ક્ષમતા ઓછી થતી નથી અને આથી તેમના દૂધની ગુણવત્તા પણ ઓછી નથી થતી.”
અહીં ઉલ્લેખનીય છે કે કાંકરેજ ગાય એ ગુજરાતની દેશી ગાય છે. ઘણી સંકર ગાયોને વિદેશથી લાવવામાં આવે છે.
હિટ વેવની વધુ માત્રા ઘાસચારાની ઉત્પાદકતામાં પણ ઘટાડો કરે છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર ડૉ. વિમલ પટેલ કહે છે કે, "શિયાળામાં અને ચોમાસામાં ભેજવાળું અને ઠંડુ વાતાવરણ હોય છે. તેથી ઘાસચારો સારો થાય છે. પરંતુ ઉનાળામાં પાણીની અછત હોય છે, તેથી તમામ જરૂરી ગુણોવાળો સંપૂર્ણ પોષણ આપે તેવો ઘાસચારો આસાનીથી મળતો નથી. આવી પરિસ્થિતિમાં ઊગેલા ચારામાં ઓછી ગુણવત્તા હોય છે. આથી જ્યારે પશુઓ આ ઘાસચારો લે છે ત્યારે તેમને જરૂરી માત્રામાં પોષકતત્ત્વો મળતાં નથી."
હિટ વેવ દરમિયાન પશુઓને કેવી રીતે સાચવવાં?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાણીઓને અતિશય ગરમીથી બચાવવા લોકો અનેક યુક્તિઓ અજમાવે છે. પશુઓને હિટવેવથી બચાવવા માટે ડૉ. પંચાસરા કેટલાક વિકલ્પો સૂચવે છે.
- દૂધાળાં પશુઓને દિવસમાં બે વાર નવડાવવાં જેથી તેમના શરીરમાં ઠંડક થાય
- જો આ પશુઓએ દિવસે ખોરાક લેવાનો ઓછો કરી દીધો હોય તો તેમને ઠંડા પહોરમાં રાત્રે અને વહેલી સવારે થોડું થોડું કરીને ખવડાવવું જોઈએ
- પશુઓ માટે શેડ બનાવવા, કૂલર મૂકાવવાં
- પશુને બાંધી ન રાખવા અને સમયાંતરે પાણી આપતાં રહેવું, માત્ર એક જ વાર પાણી ન આપવું
ડૉ. વિમલ પટેલ પણ કેટલાક ઉપાયો સૂચવે છે.
- પશુઓને ઝાડ-પાનની આજુબાજુ રાખવાં જેથી તેમને ઠંડો પવન મળતો રહે
- ફોગર દ્વારા પાણીનો છંટકાવ કરવાથી પશુને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થા કરવી
- પશુઓને સૂકા ઘાસચારા કરતાં લીલું ઘાસ વધારે ખવડાવવું જોઈએ અને જો લીલું ઘાસ ઉપલબ્ધ ન હોય તો તેનું સાઇલેજ બનાવી રાખવું જોઈએ. સાઇલેજ એ વધુ ભેજવાળો ચારો છે ખાસ કરીને ગરમીની ઋતુમાં તેનો ઉપયોગ થાય છે. ઘાસ, મકાઈ અને અન્ય ચીજોથી સાઇલેજ બને છે.
ઉનાળામાં દૂધના ભાવવધારા પાછળ કયાં કારણો ભાગ ભજવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગરમીની સીધી અસર સ્થાનિક દૂધ ઉત્પાદકો પર પણ પડતી હોય છે. ઘણા દૂધ ઉત્પાદકો પોતાના નફાને જાળવી રાખવા માટે દૂધના ભાવ વધારતા હોય છે. નાના અને સ્વતંત્ર રીતે કામ કરતા પશુપાલકોને ઉનાળામાં દૂધ ઉત્પાદન ઘટી જાય તો ખૂબ મુશ્કેલી પડે છે.
ડૉક્ટર આર.એસ.સોઢી ઇન્ડિયન ડેરી ઍસોસિયેશનના પ્રમુખ અને અમૂલના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ પણ એ વાત સ્વીકારે છે કે ઉનાળામાં ગરમીના કારણે 20થી 25 ટકા દૂધનું ઉત્પાદન ઘટી જાય છે.
તેઓ કહે છે કે, “ઉનાળાના મહિનાઓમાં અમે શિયાળામાં સંગ્રહિત કરેલા દૂધથી કામ ચલાવીએ છીએ.”
‘રાજકોટ ડેરી’ના પ્રમુખ ગોરધનભાઈ ધામેલિયા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "હવે જેમ જેમ ગરમી વધશે તેમ તેમ ડેરીમાં દૂધ આવવાનું ઓછું થશે. આવનારા 10 દિવસમાં જ ડેરીમાં દૂધ આવવાનું ઘટી જશે. તેથી આવતા મહિનેથી અમે દૂધના ભાવ 0.5 થી 1 રૂપિયા જેટલા વધવાની શક્યતા છે."
"અમે રાજકોટમાં એક દિવસમાં ચાર લાખ લિટર દૂધ પહોંચાડીએ છીએ. પરંતુ જો ક્યારેક અમારી પાસે દૂધ ચાર લાખ લિટરથી ઓછું આવે તો અમે ગાંધીનગર ડેરીથી મંગાવીએ છીએ અને રાજકોટની જરૂરિયાત પૂરી કરીએ છીએ. તેથી આવા સંજોગોમાં અમારે દૂધના ભાવ વધારવા પડે છે."
ગરમીને કારણે આ વર્ષે પણ દૂધના ભાવ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2023માં પણ દૂધના ભાવ વધતારહ્યા હતા. દેશભરમાં ગત વર્ષે દૂધના ભાવ સરેરાશ 12 ટકા વધ્યા હતા. તેનું મુખ્ય કારણ ઘાસચારાના ભાવમાં વધારો અને લમ્પીને કારણે પશુઓનાં મૃત્યુ હતાં. આ સિવાય કમોસમી વરસાદ અને હિટ વેવના કારણે પણ ખેડૂતોને ઘાસચારો પર્યાપ્ત માત્રામાં મળ્યો નહોતો.
તેના વિશે વાત કરતાં ડૉ. સોઢી કહે છે કે, "સદ્નસીબે, આ વર્ષે ડેરીઓએ ગત વર્ષના આ સમયની સરખામણીમાં 7થી 8 ટકા વધુ દૂધ મેળવ્યું છે. ગત વર્ષની સરખામણીએ સહકારી મંડળીઓને 30થી 40 ટકા વધુ દૂધ મળ્યું છે. આમ, ડેરીઓ પાસે દૂધનો ઘણો સ્ટોક છે. ખાનગી દૂધ ઉત્પાદકોએ પણ વધુ દૂધ ખરીદ્યું ન હતું તેથી ડેરીઓ પાસે સ્ટોક વધ્યો છે.”
આમ, ડૉ. સોઢી અનુસાર, પૂરતો સ્ટોક હોવાને કારણે આ વર્ષે ભાવ સ્થિર રહેવાની શક્યતા છે.
પરંતુ ગોરધનભાઈના મતે રાજકોટ જિલ્લામાં 10 દિવસ બાદ દૂધ ડેરીમાં આવવાનું ઓછું થશે જેથી તેમને ભાવ વધારવા પડી શકે છે. આમ, સ્થાનિક સ્તરે કામ કરતા નાના ડેરી ઉદ્યોગોમાં હિટ વેવથી થતી અસરોને કારણે દૂધના ભાવ વધી પણ શકે છે.
ભારતમાં કરોડો લોકો ડેરી ઉદ્યોગ પર નિર્ભર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ડેરી ક્ષેત્રમાં થયેલી ક્રાંતિ ‘ઑપરેશન ફ્લડ’ને કારણે આજે ભારત વિશ્વભરમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. ભારતે વર્ષ 2021-22માં વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24.64% ફાળો આપ્યો હતો.
ભારતના ટોચના 5 દૂધ ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. આ પાંચ રાજ્યો દેશના કુલ દૂધ ઉત્પાદનમાં 53.11% ફાળો આપે છે.
ગુજરાતમાં જિલ્લા કક્ષાએ 19,288 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, 126 સંગ્રહ કેન્દ્રો અને 19 ડેરી પ્રૉસેસિંગ એકમો કાર્યરત છે.
દેશભરના અંદાજે બે કરોડ ખેડૂતો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેમાંથી ઓછામાં ઓછા છ લાખ દૂધ ઉત્પાદકો આજીવિકા માટે માત્ર ડેરીઉદ્યોગ પર જ આધાર રાખે છે. નેશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડના આંકડાઓ અનુસાર તેમાં મોટાભાગની મહિલાઓ જ છે.












