બીયરમાં નાહવું, ડૂબી જવું અને દુનિયાને ભૂલી જવું, બીયર ટબનો અનુભવ

બીયર બાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીયર સ્નાન એ આધુનિક સુખાકારી વલણ છે જે 1980ના દાયકામાં ચેક રિપબ્લિકમાં શરૂ થયું હતું
    • લેેખક, નોર્મન મિલર
    • પદ, બીબીસી ટ્રાવેલ

હું 1,000 લિટર પાણી ભરેલા ઓક ટબમાં કૂદવાની તૈયારી કરતો હતો ત્યારે ઇતિહાસના સૌથી મહાન વિજ્ઞાનીઓ પૈકીના એક, 16મી સદીના ડેનિશ ખગોળશાસ્ત્રી ટાઈકો બ્રાહેની રંગીન કાચની છબીની નજર મારા પર હતી. નિકોલા સ્કાઈપાલોવા મારી સહાય કરી રહ્યા હતા. તેમના હાથમાં પાણીમાં નાખવાની મુખ્ય સામગ્રી ભરેલી લાકડાની મોટી કડછી હતી.

તેમણે સામગ્રી ટબમાં નાખતાં કહ્યું, “આ હોપ્સ (બીયર, દારૂ વગેરેને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાતા શંકુ આકારના કડવા સ્વાદવાળા ફળ) છે. તે તમારા શરીરના તણાવને દૂર કરે છે અને તમારાં છિદ્રોને પણ ખોલે છે. આ બ્રૂઅર યીસ્ટ છે. તેમાં બહુ બધું વિટામિન બી હોય છે. એ તમને યુવાન દેખાડે છે.”

તેમાં માલ્ટની સાથે વધુ એક સ્વાસ્થ્યવર્ધક બૂસ્ટર પણ નાખવામાં આવ્યું હતું.

હું શેટો સ્પા બીયરલૅન્ડમાં હતો. એ ચેક રિપબ્લિકમાંના સૌથી ભવ્ય બીયર સ્પા પૈકીનું એક છે.

આ વિલક્ષણ આધુનિક સ્વાસ્થ્ય પ્રવૃત્તિની શરૂઆત ચેક રિપબ્લિકમાં 1980ના દાયકામાં થઈ હતી. પ્રાગમાં યૂ જ્લાટે હ્રુસ્કી નામની એક સુંદર ઝુંમરવાળી રાષ્ટ્રીય વારસાની ઇમારતમાં તે આવેલું છે.

આ એ જગ્યા છે, જ્યાં ટાઈકો બ્રાહે 1599થી રહેતા હતા અને કામ કરતા હતા. આજે આ બીયર સ્પાના ઓરડાઓમાં રંગીન કાચની બારીઓથી માંડીને ખગોળીય ભીંતચિત્રો સુધીની આકર્ષક સજાવટ જોવા મળે છે.

સ્પા બીયરલેન્ડ

ઇમેજ સ્રોત, Norman Miller

ઇમેજ કૅપ્શન, સ્પા બીયરલૅન્ડમાં હોપી હૉટ ટબ મુખ્ય તત્ત્વ છે, પ્રીમિયમ બીયર પણ નળમાં છે

ટબની બાજુમાં પરાળનો એક વિશાળ પલંગ હતો, જે હોપી હૉટ ટબ અનુભવ માટેનું એક પરંપરાગત પૂરક છે. સ્નાન પછી કાંટાવાળી પરાળના પલંગનું ખરબચડાપણું ત્વચાને વધારે ઉત્તેજિત કરે છે.

નોર્ડિગ સૌનાના શોખીનો પોતાની ત્વચા પર નાની ડાળખીઓ ફટકારે છે તેવું જ કામ એ કરે છે. કદાચ કોઈ પ્રાકૃતિક ચીજની નજીક હોવાનો અહેસાસ પણ આપે છે.

સ્કાઈપાલોવાએ બીયરની અનેક કડછી સાથે મને બીયર બાથ આપ્યો હતો. એ કોઈ જૂની બીયર નહીં, પરંતુ અનફિલ્ટર્ડ પ્રીમિયમ ચેક બીયર હતી, કારણ કે તેમાં યીસ્ટ જેવા મુખ્ય તત્ત્વો પૂર્ણ પ્રમાણમાં હોય છે.

તે વધારે ‘જીવંત’ સ્વરૂપ છે, જેમાં વિટામિનના ઉચ્ચ સ્તર જેવા ગુણ યથાવત્ હોય છે. ચેક લોકો પોતાના બીયરને બરાબર જાણે છે. આ એક એવો દેશ છે, જે વિશ્વના સૌથી વધુ બીયર-પ્રી દેશ ઑસ્ટ્રિયાની સરખામણીએ માથાદીઠ બીયરનો બમણો ઉપભોગ કરે છે.

તમને એવું લાગતું હોય કે બાથટબમાં પ્રીમિયમ બીયર નાખવાનું બેકાર છે, તો ટબની બાજુમાં બીયરનો પુરવઠો સતત પૂરો પાડતા આસાન નળ આકર્ષિત કરે છે.

હું અંદર ગયો અને બાથટબમાં બબલ સર્જવા માટે જાકુઝીનું બટન દબાવ્યું. હવામાં બીયરની સુગંધ ફેલાઈ એટલે મેં સ્વાદિષ્ટ ડાર્ક ક્રુશોવિસ (1581માં સ્થપાયેલી ચેક હેરિટેજ શરાબ ઉત્પાદક કંપની)નો ગ્લાસ ભર્યો, બીયર બ્રૅડનો ટુકડો ઉઠાવ્યો. બ્રૅડના લોટમાં ભેળવાયેલી બીયરને લીધે તેનો રંગ બ્રાઉન હોય છે. એ પછી બીયર સ્નાનના અનોખા અનુભવનો વિચાર કરતાં બેસી ગયો.

બીબીસી ગુજરાતી

વૈશ્વિક સ્તરનો એક વેલનેસ ટ્રેન્ડ

બીયર સ્પા, બ્રુગ્સમાં બાથ એન્ડ બાર્લી

ઇમેજ સ્રોત, WeWantMore/Bath&Barley

ઇમેજ કૅપ્શન, બેલ્જિયમનું પ્રથમ બીયર સ્પા, બ્રુગ્સમાં બાથ એન્ડ બાર્લી એ બીયર બાથિંગ માટે વૈભવી અને સ્ટાઇલિશ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીયર બાથના સમર્થકો માને છે કે સ્નાનના પાણીમાંનાં તત્ત્વો ત્વચા માટે સારાં હોય છે. માંસપેશીઓનો તણાવ દૂર કરે છે અને રક્તસંચારને બહેતર બનાવે છે. એ દરમિયાન હોપી સુગંધ આરામ આપવા તથા મૂડને બહેતર બનાવવા માટે જાણીતી છે. આ વેલનેસ ટ્રેન્ડના નાવીન્યને કારણે હવે દુનિયાભરમાં બીયર સ્પા ખૂલી રહ્યા છે.

આઇસલૅન્ડ અને સ્પેનમાં તાજેતરમાં જ આવા બીયર સ્પાની શરૂઆત થઈ છે. 2023ના અંતમાં બાલ્ટીમોર પાસે અને 2021માં ડેનવરના ઑકવેલમાં બીયર બારની શરૂઆત થઈ હતી. ઇંગ્લૅન્ડના પૂર્વમાં નોરફોક મીડ ખાતે આ વર્ષે બ્રિટનનો પહેલો બીયર સ્પા શરૂ થશે.

આ કૉન્સેપ્ટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાના બે મુખ્ય કારણ સ્પા વિશ્રામ અને બીયર છે. એ ઉપરાંત બૉનસમાં શાનદાર યુરોપીયન શ્રેષ્ઠતા હોય છે.

બીયર સ્પાની વધતી વૈશ્વિક ઉપસ્થિતિનું વધુ એક કારણ જણાવતાં નોરફોક મીડના સ્પા મૅનેજર એલિઝા ઓકડેન કહે છે, “સ્પા મહિલાઓને વધારે પસંદ હોય છે. તેથી અમે વિચાર્યું હતું કે તે પુરુષો અને યુગલો બન્નેને આકર્ષિત કરશે.”

બેલ્જિયમના પહેલાં બીયર સ્પા બાથ ઍન્ડ બાર્લીનું ઉદઘાટન નહેરોથી ઘેરાયેલા શહેર બ્રુગેસમાં 2023માં કરવામાં આવ્યું હતું. બાથ ઍન્ડ બાર્લીમાં મહેમાનોને પોતાની મરજી અનુસાર, કોઈ પણ બીયરપ્રેમી અલગ-અલગ પ્રકારની શરાબ બનાવવાની શૈલીથી આકર્ષિત થતો હોય તેવી રીતે અનુભવ કરવાની તક મળે છે.

સ્પાના સહ-સંસ્થાપક લુઈસ રેસોવ કહે છે, “બેલ્જિયમના ખેડૂતો દ્વારા લણવામાં આવેલા અલગ-અલગ હોપ્સમાંથી પસંદગી કરીને તમે તમારું પોતાનું બાથ બ્રૂ બનાવી શકો છો. આ હોપ્સમાં અલગ-અલગ એસેન્સ હોય છે, પરંતુ તેની લાભકારી અસર એકસમાન હોય છે.”

“અમે એવું પણ માનીએ છીએ કે ઇન્ટીરિયર ડિઝાઇન, અમે વાપરીએ છીએ તે પ્રોડક્ટ્સ અને અમે જે કથા કહીએ છીએ તેના સંદર્ભમાં ચેક સ્પાની સરખામણીએ અમે વધારે શાનદાર અનુભવ આપીએ છીએ. તેમાં બેલ્જિયમ બીયરની સાથે સ્વાદિષ્ટ ભોજનના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. અમે ટબમાં હોપ સ્ક્રબની બાબતમાં પણ અદ્વિતીય છીએ.”

સ્ટ્રાસબર્ગમાંનું તાકા બીયર સ્પા 2022માં તેની શરૂઆતથી જ ફ્રાંસમાં બીયર સ્પાના અનુભવનું પથદર્શક બની રહ્યું છે.

તેના સ્થાપક નાઓમી ક્રોશો કહે છે, “આ કૉન્સેપ્ટે સ્થાનિક લોકોમાં બહુ ઉત્સુકતા સર્જી છે. તેને કારણે લોકો મોટી સંખ્યામાં સ્પાનો અનુભવ લેવા આવી રહ્યા છે. આ ક્ષેત્રના બીયર કલ્ચરના અનુભવની એક નવી રીત તરીકે આ કૉન્સેપ્ટને જે રીતે અપનાવવામાં આવ્યો છે તે રસપ્રદ છે.”

ચેક રિપબ્લિકની રાજધાનીમાં લગભગ અડધો ડઝનથી વધારે બીયર સ્પા આવેલા છે. એ પૈકીના કેટલાક પ્રાગના બીયર સ્પાની માફક યાદગાર ઐતિહાસિક પરિવેશમાં હોય છે.

એક અન્ય રાષ્ટ્રીય સ્મારકમાં આવેલું ફર્સ્ટ બીયર સ્પા પિલસેન એક એવા શહેરના વારસાને દર્શાવે છે, જેને તેરમી સદીમાં કિંગ વેન્સલાસ પાસેથી દારૂ બનાવવાનો અધિકાર મળ્યો હતો.

સતરમી સદીના ખરબચડા પથ્થરના ભોંયરામાં આવેલો ફર્સ્ટ બીયર સ્પા પચરંગી શહેર મારિઆન્સ્કે લાન્ઝેમાં દારૂ બનાવવાનો એક નવો દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે.

અહીં વિખ્યાત પરંપરાગત ખનિજ ઝરણાવાળા સ્પા 18મી સદીથી જ કાર્યરત્ છે. કિપલિંગ અને ગોએથે જેવા લેખકોથી માંડીને જર્મન કેસર તથા બ્રિટનના એડવર્ડ સપ્તમ જેવા શાસકોએ પણ તેની મુલાકાત લીધી હતી.

સ્વાસ્થ્ય ખરેખર સુધરે છે?

શું બીયર સ્નાનથી સ્વાસ્થય સુધરે છે

ઇમેજ સ્રોત, Norman Miller

ઇમેજ કૅપ્શન, ચેક રિપબ્લિક બ્યુટી ચેઇન મેન્યુફેક્ટુરા પાસે હવે બિઅર આધારિત સૌંદર્ય પ્રસાધનોની વિસ્તરણ શ્રેણી છે.

બીયર સ્નાન હજારો વર્ષ પુરાણું હોવાની વાતો લગભગ દરેક બીયર સ્પા કરતું રહે છે. જોકે, તેમાં સ્પા અને બીયરના સહ-અસ્તિત્વની ભેળસેળ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં બંને એક સાથે હતા એ વાતના કોઈ પુરાવા નથી.

ચેક રિપબ્લિકનું એક બીયર સ્પા વેન્સેસ્લાસ વંશના રાજાઓનો હવાલો કાયમ આપતાં જણાવતું રહે છે કે એ રાજાઓ નિયમિત રીતે બીયર સ્નાન કરતા હતા.

દુખની વાત એ છે કે આ વાત બીયર સ્પા ટબની બાજુમાંના નળમાંથી કોઈ વ્યક્તિ બહુ બીયર પીતી હોય તેના જેવી છે.

બ્રનો ખાતેની માસારિક યુનિવર્સિટીમાં યુરોપિયન બ્રુઈંગ ઇતિહાસના નિષ્ણાત લિબોર ઝાજિક કહે છે, “આ વાત તદ્દન ખોટી છે.” વેન્સેસ્લાસ રાજાઓ પૈકીના એક દારૂ બનાવતી ચેક કંપનીઓ માટે 14મી સદીમાં સંરક્ષક બન્યા હતા, એમ જણાવતાં તેઓ ઉમેરે છે, “આ બીયર સ્પા ચલાવતી કંપનીઓની માર્કેટિંગ ટ્રીક છે. આ આધુનિક ધંધો છે. મધ્ય યુગમાં અન્ય પદાર્થોની સાથે બીયરને પણ સ્નાન-સામગ્રીમાં ઉમેરવામાં આવતો હશે, પરંતુ તેનો હેતુ નિશ્ચિત રીતે ગંભીર ન હતો.”

જોકે, સ્વાસ્થ્યના સંદર્ભમાં આ એક મજબૂત બાબત હોઈ શકે છે. કોલોરાડો એરોમેટિક્સના બાયોકેમિસ્ટ ડૉ. સિન્ડી જોન્સ કહે છે, “બીયરમાં મોલ્ટેડ અનાજ, યીસ્ટ અને હોપ્સ એમ ત્રણ એવાં તત્ત્વો હોય છે, જે ત્વચા માટે લાભકારી હોય છે. મોલ્ટેડ અનાજ અને યીસ્ટમાં વિટામિન બી હોય છે. તેનાથી ત્વચાના હાઇડ્રેશન તથા લવચિકતા વધે છે અને હાયપરપિગ્મેન્ટેશન ઘટે છે.”

બીયર સ્પા

ઇમેજ સ્રોત, Bier Bath

ઇમેજ કૅપ્શન, બીયર બાથિંગના સમર્થકો માને છે કે તે તમારી ત્વચા માટે સારું છે, સ્નાયુ તણાવ દૂર કરે છે અને પરિભ્રમણ સુધારે છે

ખાસ કરીને હોપ્સમાં વિપુલ પ્રમાણમાં ઝેન્થોહુમુલ અને હ્યુમુલોન હોય છે. ઝેન્થોહુમુલ એક શક્તિશાળી ઍન્ટિ-ક્સિડન્ટ છે. તેમાં કૅન્સર વિરોધી અને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જ્યારે હ્યુમુલોન જીવાણુવિરોધી છે. તેમાં ત્વચાની ખામીને સુધારતા ગુણો હોય છે.

અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે હોપનો અર્ક ચિંતા, માઇલ્ડ ડિપ્રેશન અને તણાવને ઘટાડી શકે છે. સારી ઊંઘ માટેની દવા તરીકે હોપ્સનો લાંબો ઇતિહાસ છે, જેને વિજ્ઞાન દ્વારા સમર્થન પ્રાપ્ત થયું છે.

ડૉ. સિન્ડી જોન્સ ઉમેરે છે, “ત્વચાની સારસંભાળ માટે હોપ્સ તરફ હાલ વધુ વૈજ્ઞાનિક આકર્ષણ સર્જાયું છે. તે ત્વચા પરની કરચલીઓ ઓછી કરવાની સાથે-સાથે ત્વચાનો સોજો ઘટાડવા માટે કોલોજનના ઉત્પાદનને વધારી પણ શકે છે.”

દારૂનું ઉત્પાદન કરતી વિશ્વની એક વિરાટ કંપની કાર્લ્સબર્ગે બીયર કૉસ્મેટિક ટ્રેન્ડનો લાભ લેવા માટે 2015માં બીયર બ્યૂટી લાઇન લૉન્ચ કરી હતી. તેનો રમૂજી પ્રમોશનલ વીડિયો પણ બનાવ્યો હતો. ચેક રિપબ્લિકની સૌંદર્ય કંપની મેનુફેક્ટુરા સમગ્ર દેશમાં દુકાનોની વિશાળ શૃંખલા છે, જેમાં હોપ્સ તથા જવના અર્કયુક્ત બાથ સોલ્ટ સહિતની વિવિધ પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે.

જોકે, ઘરે સ્નાનમાં તેનો ઉપયોગ કરવાથી અમર્યાદિત પ્રમાણમાં પ્રીમિયમ બીયર અથવા સ્વાદિષ્ટ બીયર બ્રેડનો સ્વાદ માણવાનો કે પરાળના ગાદલા પર સૂવાનો લાભ મળતો નથી.

પ્રીમિયમ બીયર, બીયર બ્રૅડ અને પરાળનું ગાદલું એવી ચીજો છે, જે બીયર સ્પાને વાસ્તવમાં એક અનોખો અનુભવ બનાવે છે.