ઇસ્લામિક સ્ટેટના પૂર્વ નેતા અબુ બકર અલ-બગદાદીનાં પત્નીએ કહ્યું કે 'મારો પતિ ગુનેગાર હતો'

કથાકથિત ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ બકર અલ-બગદાદીની પહેલી પત્ની ઉમ્મ હુઝૈફા હાલમાં ઇરાકની એક જેલમાં બંધ છે
ઇમેજ કૅપ્શન, ઉમ્મ હુઝૈફા પોતાને ઇસ્લામિક સ્ટેટ નામના ચરમપંથી સંગઠનના પૂર્વ નેતા અબુ બકર અલ-બગદાદીનાં પ્રથમ પત્ની ગણાવે છે
    • લેેખક, ફિરાસ કીલાની
    • પદ, બીબીસી અરબી સેવા, બગદાદથી

ઉમ્મ હુઝૈફા પોતાને ઇસ્લામિક સ્ટેટ નામના ચરમપંથી સંગઠનના પૂર્વ નેતા અબુ બકર અલ-બગદાદીનાં પ્રથમ પત્ની ગણાવે છે.

આ સંગઠને જ્યારે સીરિયા અને ઇરાકના મોટા ભાગના વિસ્તારો પર કબજો કર્યો હતો ત્યારે અલ-બગદાદીએ તેમની સાથે નિકાહ કર્યા હતા.

ઉમ્મ હુઝૈફા હાલમાં ઇરાકની જેલમાં છે અને તેમના પર આતંકવાદમાં સામેલ થવાનો કેસ ચાલી રહ્યો છે.

બીબીસીએ જેલમાં ઉમ્મ હુઝૈફાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.

વર્ષ 2014ની ગરમીની ઋતુમાં હુઝૈફા તેમના પતિ અલ-બગદાદી સાથે સીરિયાના રક્કા શહેરમાં રહેતાં હતાં. આ શહેરને કથિત ઇસ્લામિક સ્ટેટનો ગઢ માનવામાં આવતું હતું. અબુ બકર અલ-બગદાદી એક ચરમપંથી સમૂહના મોસ્ટ વૉન્ટેડ નેતા હતા. આ કારણે પોતાની સુરક્ષા માટે તેમને પોતાનું રહેઠાણ વારંવાર બદલવું પડતું હતું.

આ દરમિયાન અલ-બગદાદીએ પોતાના બંને દીકરાને પોતાની પાસે લાવવા એક અંગરક્ષકને પોતાની ઘરે મોકલ્યો.

ઉમ્મ હુઝૈફાએ બીબીસીને જણાવ્યું કે તેમણે (અલ-બગદાદીએ) મને જણાવ્યું કે તે ફરવા જઈ રહ્યા છે અને બાળકોને ત્યાં તરતા શિખવાડશે.

ઉમ્મ હુઝૈફાના ઘરે એક ટીવી પણ હતું. તેઓ છુપાઈને ટીવી જોતાં હતાં. તેમણે કહ્યું કે જ્યારે બગદાદી ઘર પર ન રહેતા ત્યારે હું ટીવી ચાલુ કરતી હતી.

અલ-બગદાદીએ તેમને વાસ્તવિક દુનિયાથી એકદમ અલગ રાખ્યાં હતાં. હુઝૈફા તેમની હાજરીમાં ટીવી પણ જોઈ ન શકતાં. વર્ષ 2007 પછી તેમને મોબાઇલ સહિત કોઈ પણ ટેકનોલૉજીનો ઉપયોગ કરવાની પરવાનગી ન હતી.

અંગરક્ષક જ્યારે બાળકોને લઈને ગયો તેના થોડા દિવસો પછી ઉમ્મ હુઝૈફાએ ટીવી ચાલુ કર્યું તો ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું.

તેમણે પોતાના પતિને ઇરાકના શહેર મોસૂલમાં આવેલી નૂરી મસ્જિદમાં કથિત ઇસ્લામિક ખલિફાના પ્રમુખ તરીકે બોલતા જોયા હતા.

થોડાક દિવસો પહેલાં તેના ચરમપંથી સંગઠન સાથે જોડાયેલા લડવૈયાઓએ મોસૂલ પર કબજો કરી લીધો હતો.

યજીદી સમુદાય દ્વારા દાખલ કરાયેલા કોર્ટ કેસો

ઇરાકના શહેર મોસુલની અલ-નૂરી મસ્જિદમાં બોલતો અબુ બકર અલ-બગદાદી (જુલાઈ 2014)

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ઇરાકના શહેર મોસૂલની અલ-નૂરી મસ્જિદમાં અબુ બકર અલ-બગદાદી (જુલાઈ 2014)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઘણાં વર્ષો પછી દુનિયાએ આ વીડિયોમાં અબુ બકર અલ-બગદાદીની પહેલી ઝલક જોઈ હતી. તેમના ચહેરા પર લાંબી દાઢી હતી અને શરીર પર કાળો ડગલો હતો.

આ વીડિયોને વિશ્વભરના લોકોએ જોયો હતો. એ સમયે ઇસ્લામિક સ્ટેટે ઇરાક અને સીરિયાના મોટા ભાગો પર કબજો કર્યો હતો.

ઉમ્મ હુઝૈફાનું કહેવું છે કે હું એ વાત જાણીને હેરાન થઈ ગઈ કે મારો દીકરો ફરાત નદીમાં તરતા શીખવાને બદલે મોસૂલ પહોંચી ગયો હતો.

ઉમ્મ હુઝૈફાએ બીબીસી સાથે વાતચીત બગદાદની એક ભીડભાડવાળી જેલમાં કરી હતી.

આ જેલમાં ઇસ્લામિક સ્ટેટના ગુનાઓ અને તેમાં હુઝૈફાની ભૂમિકાની તપાસ ચાલી રહી હતી.

આ જેલમાં ઘણો અવાજ સંભળાય છે, જ્યાં ડ્રગ્સનું સેવન, વેશ્યાવૃત્તિ અને અન્ય ગુનાઓમાં સામેલ લોકો બંધ છે. આ કેદીઓ માટે ખાવા-પીવાનો સામાન બહારથી લાવવામાં આવે છે.

બીબીસીને જેલના પુસ્તકાલયમાં એક શાંત જગ્યા મળી અને અમે ઉમ્મ હુઝૈફા સાથે લગભગ બે કલાક વાતચીત કરી હતી.

અમારી વાતચીત દરમિયાન તેમણે પોતાને એક પીડિત મહિલા તરીકે રજૂ કર્યાં, જેમણે ઘણી વખત પોતાના પતિથી ભાગવાની કોશિશ કરી હતી.

તેમણે કથિત ઇસ્લામિક સ્ટેટની હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો હતો.

જોકે, તેમનું આ નિવેદન યજીદી સમુદાય દ્વારા ન્યાયાલયમાં દાખલ કરેલા મામલાઓને અનુરૂપ નથી.

યજીદી મહિલાઓનું કહેવું છે કે કથિત ઇસ્લામિક સ્ટેટના સભ્યોએ તેમનું અપહરણ કરીને તેમને યૌનગુલામ બનાવ્યાં હતાં. યજીદી મહિલાઓનો આરોપ છે કે ઉમ્મ હુઝૈફા છોકરીઓ અને મહિલાઓ યૌનગુલામીમાં સામેલ હતી.

હુઝૈફાએ ઇન્ટરવ્યૂ દરમિયાન એક પણ વખત માથું ઊંચું કર્યું ન હતું. તેઓ નકાબમાં હતાં અને તેમના ચહેરાનો માત્ર થોડોક જ હિસ્સો જોવા મળતો હતો.

ઉમ્મ હુઝૈફાનો જન્મ 1976માં ઇરાકમાં એક ગરીબ પરિવારમાં થયો હતો અને 1999માં તેમને ઇબ્રાહીમ અવદ અલ-બગદાદી (અબુ બકર અલ-બગદાદી) સાથે લગ્ન કર્યાં હતાં.

બીબીસી ગુજરાતી

કસ્ટડીમાં જાતીય સતામણીનો આરોપ

ઇબ્રાહિમ અવદ અલ-બગદાદીની (પછી અલ-બગદાદીના નામથી જાણીતા) વર્ષ 2003માં એક સીસીટીવી ફુટેજનો એક સ્ક્રીનશૉટ, ઇરાકી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા જાહેર કરવામા આવેલી આ તસવીર પહેલા જાહેર કરવામા આવી ન હતી

ઇમેજ સ્રોત, IRAQI INTELLIGENCE SERVICE

ઇમેજ કૅપ્શન, ઇબ્રાહીમ અવદ અલ-બગદાદી (પછી અલ-બગદાદીના નામથી જાણીતા)નો વર્ષ 2003માં એક સીસીટીવી ફૂટેજનો એક સ્ક્રીનશૉટ, ઇરાકી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી આ તસવીર પહેલાં જાહેર કરવામાં આવી ન હતી

હુઝૈફાનું કહેવું છે કે તે સમયે તેમના પતિએ બગદાદ યુનિવર્સિટીમાં શરિયા એટલે ઇસ્લામિક કાયદાઓનો અભ્યાસ કર્યો હતો.

ઉમ્મ હુઝૈફા જણાવે છે કે તે સમયે મારા પતિ નિશ્ચિતરૂપે ધાર્મિક હતા, પરંતુ ચરમપંથી ન હતા. તે સંકીર્ણ વિચારવાળા હતા.

વર્ષ 2004માં ઇરાક પર અમેરિકાના હુમલા પછી અમેરિકાની સેનાએ અબુ બકર અલ-બગદાદીની ધરપકડ કરી હતી. તેમને લગભગ એક વર્ષ માટે અમેરિકાની સેનાના અટકાયત કેન્દ્ર “કૅમ્પ બુકા”માં રાખવામાં આવ્યા હતા.

કૅમ્પ બુકામાં અન્ય કેટલાક લોકો હતા જે ઇસ્લામિક સ્ટેટ અને બીજા જેહાદી જૂથોમાં ઉચ્ચ પદો પર રહ્યા હતા.

ઉમ્મ હુઝૈફાએ દાવો કર્યો છે કે અટકાયત કેન્દ્રમાંથી મુક્તિ પછી મારો પતિ બદલાઈ ગયો હતો.

અબુ બકર અલ-બગદાદીને જાણનાર લોકો કહે છે કે કૅમ્પ બુકામાં કેદ થયા પહેલાં પણ અબુ બકર અલ-બગદાદી અલ-કાયદાનો હિસ્સો હતા. જોકે, તેમનાં પત્નીનો દાવો છે કે કૅમ્પ બુકા મારા પતિના જીવનનો મહત્ત્વપૂર્ણ સમય હતો અને ત્યાર પછી તે કટ્ટરપંથી બની ગયો.

ઉમ્મ હુઝૈફા જણાવે છે કે તેઓ મનોવૈજ્ઞાનિક તકલીફોનો સામનો કરી રહ્યા હતા.

ઉમ્મ હુઝૈફાએ જ્યારે બગદાદીને તેમની તકલીફોના કારણ વિશે પૂછ્યું ત્યારે બગદાદીએ કહ્યું હતું કે મારે કેટલીક એવી વસ્તુઓનો સામનો કરવા પડ્યો હતો જે તું સમજી નહીં શકે.

અબુ બકર અલ-બગદાદીએ આ વિશે ક્યારેય વાત કરી ન હતી. જોકે, હુઝૈફા માને છે કે ધરપકડ દરમિયાન તેમની સાથે યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું.

અમેરિકા દ્વારા સંચાલિત અન્ય અટકાયત કેન્દ્ર પરથી તે સમયે અબુ ગરીબની તસવીરો જાહેર કરી હતી. કેદીઓને યૌનક્રિયા કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને આ તસવીરોમાં તેમને અપમાનજનક પરિસ્થિતિઓમાં જોઈ શકાય છે.

અમે ઉમ્મ હુઝૈફાનો આરોપોને અમેરિકાના રક્ષા વિભાગ સામે પણ ઉઠાવ્યા હતા. જોકે, વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ઇરાકમાં સાંપ્રદાયિક યુદ્ધ

બગદાદના દક્ષિણ પૂર્વમાં 300 માઈલ દૂર અમેરિકા દ્વારા સંચાલિત કૅમ્પ બુકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બગદાદના દક્ષિણ પૂર્વમાં 300 માઈલ દૂર અમેરિકા દ્વારા સંચાલિત કૅમ્પ બુકા

ઉમ્મા હુઝૈફા કહે છે કે કૅમ્પ બુકાથી છૂટ્યા પછી મને લાગ્યું કે મારા પતિ કોઈ ઉગ્રવાદી સંગઠનના સભ્ય તો નથી બની ગયા ને.

અબુ બકર અલ-બગદાદીનાં પત્નીએ કહ્યું, “તે જ્યારે ઘરે આવતો, નાહતો કે સૂઈ જતો ત્યારે હું તેનાં કપડાંની તપાસ કરતી હતી. હું ચિંતિત હતી એટલે તેના શરીર પર પણ ઈજાનાં નિશાન શોધતી હતી. જોકે, મને કોઈ નિશાન ન મળ્યાં.”

તેમણે કહ્યું કે અલ-બગદાદી વારંવાર પોતાના રહેવાનું ઠેકાણું બદલી નાખતો અને ખોટી ઓળખ બનાવતો હતો. અને પછી તેણે બીજાં એક લગ્ન પણ કર્યાં.

હુઝૈફાએ આપેલી માહિતી પ્રમાણે તેમણે પતિ સામે તલાકની માગ પણ કરી હતી. જોકે, તેમને બાળકોને છોડવાની શરત મંજૂર ન હતી. આ કારણે તેમણે પતિ સાથે રહેવું પડ્યું.

ઇરાકમાં જ્યારે 2006 અને 2008 વચ્ચે સાંપ્રદાયિક યુદ્ધ ચરમસીમાએ હતું ત્યારે હુઝૈફાને ખબર પડી કે તેમના દીકરા સુન્ની જેહાદી જૂથનો ભાગ છે.

વર્ષ 2010માં અબુ બકર અલ-બગદાદી કથિત રૂપે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાકના નેતા બની ગયા, જે ઇરાકી જેહાદી સમૂહનું એક જૂથ હતું.

ઉમ્મ હુફૈઝાએ કહ્યું, “અમે જાન્યુઆરી 2012માં સીરિયાના ઇદબિલમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગયા હતા. એક વાત સ્પષ્ટ હતી કે મારા પતિ કોઈ મોટા સમૂહના અમીર બની ગયા હતા.”

કથિત ઇસ્લામિક સ્ટેટે જ્યારે ખિલાફતની ઘોષણા કરી હતી ત્યારે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક પણ તેનો ભાગ બની ગયો હતો.

ઉમ્મ હુફૈઝાનું કહેવું છે કે મારા પતિએ તે સમયે અફઘાની કપડાં પહેરવાનું શરૂ કરી દીધું, દાઢી વધારી લીધી અને પિસ્તોલ રાખવાની શરૂ કરી દીધી.

ઉત્તર-પશ્ચિમ સીરિયામાં ગૃહયુદ્ધ દરમિયાન જ્યારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ ત્યારે અબુ બકર અલ-બગદાદી રક્કા ગયા અને રક્કાને ખિલાફતની રાજધાની બનાવી હતી.

આ જ સમયે ઉમ્મ હુઝૈફાએ પોતાના પતિને પહેલી વખતે ટીવી પર જોયા હતા.

માનવતા વિરુદ્ધ ગુનાઓ

વિશ્વ ઇસ્લામિક સ્ટેટની સ્થાપના કરનાર સમૂહોના અત્યાચારો વિશે પહેલેથી જાણતું હતું. જોકે, વર્ષ 2014 અને 2015માં આ ક્રૂરતાએ એક ભયાનક રૂપ ધારણ કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રની તપાસ ટીમે આપેલી માહિતી પ્રમાણે, તેમની પાસે એવા પુરાવા છે જે સાબિત કરી શકે છે કથિત ઇસ્લામિક સ્ટેટ ન માત્ર ઇરાકના યજીદી લઘુમતીના નરસંહારમાં સામેલ હતું, પણ તેણે માનવતા વિરુદ્ધ પણ ગુનાઓ કર્યા છે. તેમાં હત્યા, ત્રાસ, અપહરણ અને લોકોને ગુલામ બનાવવા જેવા ગુના સામેલ છે.

કથિત ઇસ્લામિક સ્ટેટે પોતાના અત્યાચારોનું સોશિયલ મીડિયા પર પણ પ્રસારણ કર્યું હતું. ઇસ્લામિક સ્ટેટે જૉર્ડનના એક પાઇલટનું માથું કાપીને તેમના જીવતા સળગાવી દેવા જેવાં ભયાનકો દૃશ્યોનું પણ પ્રસારણ કર્યું હતું.

ઇસ્લામિક સ્ટેટના કબજા હેઠળ આવેલાં ક્ષેત્રોમાં સ્થળાંતર કરનારી મહિલાઓએ કહ્યું કે અમને કોઈ અંદાજ ન હતો કે અમે શું કરવા જઈ રહ્યાં છીએ.

આ જ કારણે બીબીસીએ ઉમ્મ હુઝૈફાએ પૂછ્યું કે આ વિશે તેમનો શું મત છે.

હુઝૈફાએ કહ્યું, “તે અત્યાચારો મારા માટે ન માત્ર ‘ઊંડો આઘાત’ હતો, પણ તે અમાનવીય પણ હતા. ગેરકાયદેસર રીતે લોહી વહાવું એ ભયંકર બાબત છે અને આ બાબતે કહેવાતા ઇસ્લામિક સ્ટેટે માનવતાની હદ વટાવી દીધી હતી.”

ઉમ્મ હુઝૈફા દાવો કરે છે કે તેમણે તેમના પતિને કહ્યું હતું કે તેમના હાથ “નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા હતા.”

તેમણે તેમના પતિને જણાવ્યું કે “આ પ્રકારની સજાઓ સિવાય ઇસ્લામિક કાયદાઓ પ્રમાણે ઘણું બધું કરી શકાય. દાખલા તરીકે લોકોને પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર કરી શકાતા હતા.”

ઉમ્મ હુઝૈફાએ જણાવ્યું કે મારા પતિ લૅપટૉપથી કથિત ઇસ્લામિક સ્ટેટના બીજા નેતાઓ સાથે વાતચીત કરતા હતા.

અલ-બગદાદી પોતાનું લૅપટૉપ બ્રીફકેસમાં રાખતા હતા. ઉમ્મ હુઝૈફાએ ઉમેર્યું, “મેં લૅપટૉપ ખોલવાની કોશિશ કરી હતી જેથી ખબર પડે કે શું થઈ રહ્યું છે. જોકે, હું ટેકનોલૉજી વિશે અભણ હોવાને કારણે કંઈ કરી ન શકી. આમ પણ લૅપટૉપ હંમેશાં પાસવર્ડથી સુરક્ષિત રહેતું હતું.”

મોસૂલ પર કબજો

રક્કા શહેરના રસ્તાઓ પર કથાકથિત ઇસ્લામિક સ્ટેટનો એક લડવૈયો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રક્કા શહેરના રસ્તાઓ પર કથિત ઇસ્લામિક સ્ટેટનો એક લડવૈયો

ઉમ્મ હુઝૈફાએ રક્કાથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એક ચેક પૉઇન્ટ પર હથિયારબંધ લોકોએ તેમને રોકી લીધાં અને ઘરે મોકલી દીધાં.

હુઝૈફાએ જણાવ્યું કે મારી જાણકારી પ્રમાણે અબુ-બકર અલ-બગદાદીએ ‘વ્યક્તિગત રૂપે કોઈ પણ લડાઈમાં ભાગ લીધો નથી.’

હુઝૈફાએ ઉમેર્યુ કે જ્યારે કથિત ઇસ્લામિક સ્ટેટે મોસૂલ પર કબજો કર્યો ત્યારે અલ-બગદાદી રક્કામાં હતો અને ત્યાંથી ભાષણ દેવા માટે મોસૂલ ગયો હતો.

આ ભાષણ પછી અબુ બકર અલ-બગદાદીએ પોતાની 12 વર્ષીય દીકરી ઉમીમાનાં લગ્ન પોતાના મિત્ર મંસૂર સાથે કરી દીધાં અને બધા જ પારિવારિક મામલા તેને સોંપી દીધા.

ઉમ્મ હુઝૈફાએ કહ્યું કે મેં લગ્ન રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા વિરોધની અવગણના કરાઈ હતી.

ઇરાકના એક સુરક્ષા સૂત્રે અમને જણાવ્યું કે ઉમીમાનાં પહેલા લગ્ન ઇસ્લામિક સ્ટેટના પ્રવક્તા સાથે માત્ર આઠ વર્ષની ઉંમરે થયાં હતાં.

જોકે, સુરક્ષા સૂત્રોએ અમને જણાવ્યું કે ઉમીમાનાં પહેલા લગ્ન એટલા માટે કરાયાં હતાં કે તેનો પતિ અબુ બકર અલ-બગદાદીની ગેરહાજરીમાં ઘરમાં પ્રવેશ કરી શકે.

ઑગસ્ટ 2014માં ઉમ્મ હુઝૈફાએ બીજી એક દીકરી નસીબાને જન્મ આપ્યો હતો, જે જન્મથી જ હૃદયરોગની પીડિત હતી. મંસૂર આ સમયે યજીદી છોકરીઓ અને મહિલાઓને ઘરે લાવ્યાં, જેમની ઉંમર 9થી 30 વર્ષની વચ્ચે હતી.

તે સમયે કથિત ઇસ્લામિક સ્ટેટે હજારો યજીદી મહિલાઓને ગુલામ બનાવી હતી. ઉમ્મ હુઝૈફાએ કહ્યું કે મને આ કૃત્યોને ઊંડો આઘાત લાગ્યો અને શરમ આવી હતી.

યજીદી મહિલાઓનું અપહરણ અને ગુલામ બનાવવાનો મામલો

હામિદની દીકરી અને ભત્રીજી એ યજીદી છોકરીઓમાં છે જેને ઉમ્મ હુઝૈફાની ઘરે લઈ જવામા આવી હતી
ઇમેજ કૅપ્શન, હામિદનાં દીકરી અને ભત્રીજી એ યજીદી છોકરીઓ સામેલમાં છે જેમને ઉમ્મ હુઝૈફાનાં ઘરે લઈ જવાયાં હતાં

મંસૂર જે છોકરીઓને ઘરે લાવ્યો તેમાં સમર અને ઝીના (બદલાવેલું નામ) સામેલ હતી. ઉમ્મ હુઝૈફનો દાવો કર્યો, “આ છોકરીઓ રક્કાસ્થિત મારા ઘરમાં થોડાક દિવસો માટે જ રહી હતી અને પછી તેમને બીજી જગ્યાએ મોકલી દેવાઈ હતી.”

હું સમરના પિતાને શોધવામાં સફળ રહ્યો અને તેમણે રોતાં-રોતાં જણાવ્યું કે કેવી રીતે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે તેમને બે પત્ની અને 26 બાળકો છે. તેમના બે ભાઈઓ અને પરિવારના બધા સભ્યોનું સિંજરના ખાનસૂર વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, તેઓ પોતે નજીકના પર્વતો પર ભાગવામાં સફળ રહ્યા.

સમર સહિત તેમનાં છ બાળકો હજુ પણ ગુમ છે. તેમનાં કેટલાંક બાળકો ખંડણી ચૂકવ્યા પછી ઘરે પાછાં ફર્યાં અને કેટલાંક કથિત ઇસ્લામિક સ્ટેટની હાર પછી ઘરે પાછાં ફર્યાં.

સમર સાથે બીજી છોકરી ઝૈના હામિદની ભત્રીજી છે અને માનવામાં આવે છે કે ઝૈના હજુ પણ ઉત્તર સીરિયામાં ફસાયેલી છે.

ઝૈનાની બહેન સઉદે કહ્યું કે હું પોતે ઉમ્મ હુઝૈફાને ક્યારેય મળી નથી. જોકે, સઉદે જણાવ્યું કે ઝૈનાને ગુલામ બનાવાઈ હતી, તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું અને સાત વખત વેચવામાં આવી હતી.

હામિદ અને સઉદે ઉમ્મ હુઝૈફા વિરુદ્ધ યજીદી મહિલાઓનાં અપહરણ અને ગુલામ બનાવવામાં સામેલ હોવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.

તેઓ એ વાત નથી માનતા કે ઉમ્મ હુઝૈફા એક લાચાર મહિલા હતી. તેમની માગ છે કે અબુ બકર અલ-બગદાદીની પહેલી પત્નીને મોતની સજા મળવી જોઈએ.

સઉદે કહ્યું, “તે દરેક વાત માટે જવાબદાર છે. તે બધી જ છોકરીઓમાંથી પસંદ કરતી કે કઈ છોકરી તેની સેવા કરશે અને કઈ છોકરી તેના પતિની પાસે જશે. મારી બહેન પણ તે છોકરીઓ પૈકી એક હતી.”

સઉદે ઉમેર્યું કે મારો આ મત કથિત ઇસ્લામિક સ્ટેટના જાળમાંથી આઝાદ થયેલા લોકોની જુબાની પર આધારિત છે.

સઉદે કહ્યું, “હુઝૈફા, ગુનેગાર અબુ બકર અલ-બગદાદીની પત્ની છે અને તે પોતે એક ગુનેગાર છે.”

તપાસનાં પરિણામોની રાહ

સઉદ ઉમ્મ હુઝૈફા સામે ચાલી રહેલા કેસની સુનાવણીની તારીખની રાહ જોઈ રહ્યા છે
ઇમેજ કૅપ્શન, સઉદ ઉમ્મ હુઝૈફા સામે ચાલી રહેલા કેસની સુનાવણીની તારીખની રાહ જોઈ રહ્યાં છે

અમે ઉમ્મ હુઝૈફાને બીબીસી સાથે સઉદનો ઇન્ટરવ્યૂ દેખાડ્યો હતો.

હુઝૈફાએ આ ઇન્ટરવ્યૂ જોયા બાદ કહ્યું કે હું એ વાતની મનાઈ નથી કરતી કે મારા પતિ ગુનેગાર છે અને યજીદી મહિલાઓ સાથે જે થયું એ વિશે મને દુખ છે.

જોકે, હુઝૈફાએ પોતાના પર લગાવેલા આરોપોનો ઇન્કાર કર્યો હતો.

ઉમ્મ હુઝૈફાએ કહ્યું કે તેમની જાન્યુઆરી 2015માં અપહરણ કરાયેલી અમેરિકન સહાય કાર્યકર કાયલા મુલર સાથે મુલાકાત થઈ હતી. કાયલા મુલરને કથિત ઇસ્લામિક સ્ટેટે લગભગ 18 મહિનાઓ સુધી કેદમાં રાખ્યાં અને આ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું.

કાયલાના મૃત્યુ વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. જોકે, કથિત ઇસ્લામિક સ્ટેટે એ સમયે દાવો કર્યો હતો કે કાયલા જૉર્ડનના હવાઈ હુમલામાં માર્યાં ગયાં હતાં.

જોકે, અમેરિકાએ આ દાવાનું ખંડન કર્યું હતું. ઇરાકના એક સુરક્ષા સૂત્રે પણ અમને જણાવ્યું કે મુલરને કથિત ઇસ્લામિક સ્ટેટે મારી નાખ્યાં હતાં.

વર્ષ 2019માં અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયાના એ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જ્યાં અબુ બકર અલ-બગદાદી પોતાના પરિવારના કેટલાક સભ્યો સાથે છુપાયેલા હતા.

આ ઑપરેશન દરમિયાન કથિત ઇસ્લામિક સ્ટેટના પ્રમુખે ધરપકડથી બચવા માટે પોતાનો જીવ લઈ લીધો હતો. આ વિસ્ફોટમાં તેમનાં બાળકો પણ માર્યાં ગયાં, જ્યારે ગોળીબારમાં તેમનાં ચાર પત્નીમાંથી બેનાં મોત થયાં હતાં.

ઉમ્મ હુઝૈફા તે સમયે ત્યાં ન હતાં. તેઓ તુર્કીની જેલમાં હતાં. હુઝૈફા ખોટી ઓળખનો ઉપયોગ કરીને તુર્કીમાં છુપાયેલાં હતાં. તેમની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને ઇરાક લાવવામાં આવ્યાં હતાં, જ્યાં ઇસ્લામિક સ્ટેટમાં તેમની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે.

ઉમ્મ હુઝૈફાની સૌથી મોટી દીકરી ઉમીમા પણ તેમની સાથે જેલમાં છે, જ્યારે 12 વર્ષની દીકરી ફાતિમા બાળકો માટે બનાવેલા ડિટેન્શન સેન્ટરમાં છે.

હુઝૈફાનો એક દીકરો અબુ બકર અલ-બગદાદી સાથે માર્યો ગયો, જ્યારે બીજો દીકરો સીરિયામાં રશિયાના હવાઈ હુમલામાં માર્યો ગયો. સૌથી નાનો દીકરો એક અનાથાલયમાં રહે છે.

અમારી વાતચીત જ્યારે પૂરી થઈ ત્યારે ઉમ્મ હુઝૈફાએ એક ક્ષણ માટે માથું ઊંચું કર્યું અને મેં તેમનો આખો ચહેરો જોયો.

ગુપ્તચર અધિકારીઓ હુઝૈફાને જ્યારે જેલમાં લઈ જવા આવ્યા ત્યારે તેમણે તેમનાં બાળકો વિશે માહિતી માગવાનું શરૂ કર્યું.

હુઝૈફા હાલ જેલના સળિયા પાછળ છે અને પોતાની વિરુદ્ધ ચાલી રહેલી તપાસનાં પરિણામોની રાહ જોઈ રહ્યાં છે.