મુક્તદા અલ-સદ્ર : ઇરાકની રાજધાનીમાં હિંસક અથડામણમાં 15થી વધુનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મૅટ મર્ફી
- પદ, બીબીસી ન્યૂઝ

- ઇરાકના શક્તિશાળી શિયા ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રની રાજનીતિમાંથી સન્યાસ લેવાની જાહેરાત
- સન્યાસની જાહેરાત બાદ સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા, રાષ્ટ્રપતિભવન પર હલ્લાબોલ કર્યો
- હલ્લાબોલ બાદ સશસ્ત્રબળો સાથેની અથડામણમાં અલ-સદ્રના 15 સમર્થકોની ગોળી મારીને હત્યા
- બે દિવસમાં 350થી વધુ સમર્થકો ઈજાગ્રસ્ત, ઇરાકમાં રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો
ઇરાકી સુરક્ષાબળો અને રાજધાની બગદાદમાં એક શક્તિશાળી શિયા ધર્મગુરુના સમર્થકો વચ્ચે થયેલી અઠડામણમાં 15થી વધુ લોકો માર્યા ગયા છે.
સત્તાધીશોનું કહેવું છે કે ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રના સમર્થકોએ વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિભવન પર હલ્લાબોલ કર્યો હતો. જેમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
મુક્તદા અલ-સદ્ર દ્વારા રાજનીતિમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરાયા બાદ આ હિંસા શરૂ થઈ હતી.
તેમના જૂથે ગયા ઑક્ટોબરમાં સંસદમાં અધિકાંશ બેઠકો મેળવી હોવા છતાં તેમણે સરકાર બનાવવા માટે ઈરાન સમર્થિત શિયા જૂથો સાથે વાટાઘાટ કરવાની ના પાડી દીધી હતી.
તેના પરિણામસ્વરૂપે સર્જાયેલી રાજનૈતિક અસ્થિરતાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે.
હાલનાં વર્ષોમાં ઇરાકી રાજધાનીમાં થયેલી આ સૌથી ભીષણ હિંસામાં રાત્રિ દરમિયાન સૈન્યબળો અને અલ-સદ્રના સમર્થકો સામસામે આવી ગયા હતા અને તેમના વચ્ચે ગોળીબારની ઘટનાઓ પણ સામે આવી હતી.
મોટાભાગની અથડામણો બગદાદના ગ્રીન ઝોનની આસપાસ કેન્દ્રિત છે. આ ઝોન એક એવો વિસ્તાર છે જેમાં સરકારી ઇમારતો અને વિદેશી દૂતાવાસો આવેલા છે. આ અથડામણના કારણે ડચ દૂતાવાસના કર્મચારીઓને જર્મન મિશનમાં જવા મજબૂર થવું પડ્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters
સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે આ અથડામણો પીસ બ્રિગેડ, અલ-સદ્રના સમર્થકો અને ઇરાકી સેના વચ્ચે થઈ હતી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા કેટલાક વીડિયોમાં કેટલાક લડાકુઓ રૉકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (આરપીજી) સહિત ભારે હથિયારોનો ઉપયોગ કરતા જોવા મળતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લડાઈ વચ્ચે ઈરાને ઇરાક સાથેની પોતાની તમામ સીમાઓ બંધ કરી દીધી છે અને કુવૈતે પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાનો આગ્રહ કર્યો છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, તબીબોનું કહેવું છે કે અલ-સદ્રના 15 સમર્થકોની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે અને લગભગ 350 પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ચિંતિત છે અને તેમણે પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક ધોરણે પગલાં ભરવા હાકલ કરી છે.
ઇરાકના કાર્યવાહક વડા પ્રધાન મુસ્તફા અલ-કદીમીએ હિંસાને પગલે રાષ્ટ્રવ્યાપી કરફ્યૂની જાહેરાત કરી છે.
તેમણે કૅબિનેટની બેઠકોને પણ સ્થગિત કરી દીધી છે અને પ્રભાવશાળી મૌલવીને હસ્તક્ષેપ કરવા અને હિંસા રોકવા માટે અનુરોધ કર્યો છે.
હાલમાં અલ-સદ્રએ તમામ પક્ષો દ્વારા હિંસા અને હથિયારોનો ઉપયોગ બંધ થાય ત્યાં સુધી ભૂખ હડતાળની જાહેરાત કરી છે.

કોણ છે મુક્તદા અલ-સદ્ર

ઇમેજ સ્રોત, Reuters
મુક્તદા અલ-સદ્ર પોતાની કાળી પાઘડી, કાળી આંખો અને ભારે સેટ સાથે ઇરાકમાં સૌથી વધુ પ્રચલિત લોકોમાંના એક છે.
તેમણે ઘણી ઝડપથી ઉચ્ચ બેરોજગારી, સતત વીજકાપ અને નીચું જીવનધોરણ ધરાવતા ઇરાકીઓનું મન મોહી લીધું હતું.
તેઓ એવા લોકોમાંના એક હતા જે ગણતરીના કલાકોમાં રસ્તા પર હજારો લોકોને એકઠા કરી દે અને તેમના કહેવા પર એ લોકો પાછા પણ જતા રહે.
હાલમાં કટ્ટર ઈરાનવિરોધી અલ-સદ્ર એક સમયે ઈરાનના સહયોગી હતા પરંતુ ઇરાકના આંતરિક મામલાઓમાં ઈરાન અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની દરમિયાનગીરી દૂર કરવા માટે તેમણે ઈરાન સાથે પણ છેડો ફાડી નાખ્યો હતો અને પોતે રાષ્ટ્રવાદી અગ્રણી તરીકે સામે આવ્યા હતા.
મુક્તદા અલ-સદ્રએ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું, "મેં રાજનીતિમાં હસ્તક્ષેપ ન કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે પોતાની અંતિમ સેવાનિવૃત્તિ અને તમામ સંસ્થાનો બંધ કરવાની જાહેરાત કરું છું." જોકે, તેમના આંદોલન સાથે જોડાયેલા કેટલાક ધાર્મિકસ્થળો ખુલ્લાં રહેશે.
48 વર્ષીય વર્ષિય મુક્તદા અલ-સદ્ર છેલ્લા બે દાયકાથી ઇરાકનાં સાર્વજનિક અને રાજનૈતિક જીવનમાં એક પ્રમુખ વ્યક્તિ રહ્યા હતા. તેમની 'મેહદી સેના' સૌથી શક્તિશાળી લડાકુઓ તરીકે ઊભરી આવી, જેણે પૂર્વ શાસક સદ્દામ હુસૈનને ધ્વસ્ત કરવાના આક્રમણ બાદ અમેરિકા અને સહયોગી ઇરાકી સરકારી બળો સામે જંગ છેડ્યો હતો.
બાદમાં તેમણે તેનું પીસ બ્રિગેડ તરીકે ફરીથી બ્રાન્ડિંગ કર્યું હતું. આ પીસ બ્રિગેડ ઇરાકી સશસ્ત્રબળોનો એક મોટો ભાગ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













