‘હા હું ઇસ્લામિક સ્ટેટમાં જોડાઈ હતી, ત્યાં મારાં ત્રણ બાળકો પણ હતાં’, 23 વર્ષીય શમીમાની કહાણી

- લેેખક, જૉશ બેકર અને જોસફ લી
- પદ, બીબીસી ન્યૂઝ

- શમીમા જ્યારે બ્રિટનની સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે વર્ષ 2015માં તેઓ અન્ય બે છોકરીઓ સાથે ઇસ્લામિક સ્ટેટમાં જોડાવા માટે નીકળી પડ્યાં હતાં
- આ બાબત સામે આવતાં બ્રિટનની સરકારે તેમની નાગરિકતા છીનવી લીધી હતી
- હવે બીબીસી સાથેની વાતચીતમાં તેમણે પોતાની કહાણી જણાવી છે અને કેટલાક ખુલાસા કર્યા છે, જાણો તેમની કહાણી

શમીમા બેગમે કહ્યું છે કે તેઓ માને છે બ્રિટનથી ભાગ્યા બાદ તેઓ એક ચરમપંથી સંગઠનમાં સામેલ થયાં હતાં. જ્યારે તેઓ બ્રિટનથી ભાગ્યાં, ત્યારે તેઓ સ્કૂલમાં ભણી રહ્યાં હતાં. તેમનો ઇરાદો ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)માં સામેલ થવાનો હતો.
શમીમા કહે છે કે તેમના પ્રત્યે લોકોના ગુસ્સાને તેઓ સમજે છે.
લગભગ એક વર્ષથી વધુ સમય બાદ ઇન્ટરવ્યૂમાં શમીમાએ કહ્યું કે તેમને આઈએસના સભ્યોએ વિસ્તૃત નિર્દેશો મળ્યા હતા. પણ 2015ની યાત્રા માટે તેમણે ખુદ યોજના બનાવી હતી.
બ્રિટનની સરકારે શમીમાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યાં હતાં અને તેમની નાગરિકતા છીનવી લીધી હતી.
સીરિયાની યાત્રા વિશે તેમણે બીબીસીના પૉડકાસ્ટ 'ધ શમીમા બેગમ સ્ટોરી'માં જાણકારી આપી છે. તેમણે કહ્યું કે તેઓ એ વાતથી ઘણી 'રાહત' અનુભવી રહ્યાં છે કે હવે તેઓ બ્રિટનની બહાર આવી ગયાં છે.
શમીમાએ કહ્યું કે તેઓ જાણે છે કે લોકો તેમને હવે ખતરા અને જોખમ તરીકે જુએ છે.
શમીમાએ બીબીસીના આ કાર્યક્રમમાં કહ્યું, "પણ હું એ નથી જે લોકો સમજી રહ્યા છે."
2019માં આઈએસની હાર બાદ સીરિયામાં તેના ડિટેન્શન કૅમ્પ અને જેલોમાંથી હજારો લોકો ભાગી છૂટ્યા હતા. આ લોકોને તેમના દેશ પાછા લેવા તૈયાર નથી. શમીમા એ હજારો લોકોમાંથી એક છે. પણ તેમની કહાણીની વધુ ચર્ચા થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શમીમા 23 વર્ષનાં છે,સીરિયામાં તેમનાં ત્રણ બાળકો હતાં, પરંતુ તમામનાં મૃત્યુ થઈ ગયાં. હાલ તેઓ બ્રિટિશ સરકાર સામે કાયદાકીય લડાઈ લડી રહ્યાં છે. તેઓ ઇચ્છે છે કે તેમનું બ્રિટિશ નાગરિકત્વ પાછું મળે. જેથી તેઓ પાછાં લંડન આવી શકે.

શમીમા માનવ તસ્કરીનો શિકાર બન્યાં હતાં?

ઇમેજ સ્રોત, METROPOLITAN POLICE
ટ્રિબ્યૂનલની સુનાવણી એ વાતની આસપાસ કેન્દ્રિત રહી કે શું શમીમા યૌન શોષણ માટે કરવામાં આવેલી યૌન તસ્કરીનો શિકાર હતાં કે પછી તેઓ એક પ્રતિબદ્ધ આઈએસ ઑપરેટિવ છે, જેનાથી બ્રિટનને ખતરો છે.
આઈએસ સમૂહ લોકોની હત્યા માટે કુખ્યાત છે. તેના અત્યાચારોની યાદી લાંબી છે. તેઓ લોકોનાં અપહરણથી લઈને તેમનાં માથાં કલમ કરીને હત્યા કરતા આવ્યા છે. આઈએસનું ટેરર સેલ 2015માં પેરિસ અને 2016માં બ્રસેલ્સ પર હુમલા માટે જવાબદાર હતું. તેમનો દાવો હતો કે બ્રિટનમાં થયેલા હુમલામાં પણ તેમની ભૂમિકા છે.
આઈએસે દાવો કર્યો હતો કે 2017માં મૅનચેસ્ટર અરૅના અને લંડન બ્રિજ પર થયેલા હુમલામાં તેમનો હાથ હતો.
શમીમા માને છે કે જો તેઓ બ્રિટન પાછાં ફરશે તો લોકો તેમને સંભવિત ખતરા તરીકે જોઈ શકે છે. તેઓ કહે છે, "હું ખરાબ વ્યક્તિ નથી. મારી આ છબિ મીડિયાએ બનાવી છે."
શું તેઓ લોકોના ગુસ્સાને સમજે છે? આ પ્રશ્નનાા જવાબમાં તેમણે કહ્યું, "હા, હું સમજુ છું."

'હા, હું આઈએસમાં જોડાઈ હતી'

ઇમેજ સ્રોત, JOSH BAKER
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું, "મારું માનવું છે કે આ ગુસ્સો મારા પ્રત્યે નથી. આ ગુસ્સો આઈએસઆઈએસ પ્રત્યે છે. જ્યારે તેઓ આઈએસઆઈએસ વિશે વિચારે છે તો તેમને મારી યાદ આવી જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે મારો મામલો મીડિયામાં ઘણો ચર્ચિત થયો."
આઈએસમાં જોડાવાને કારણે મીડિયામાં તેમની જે ચર્ચા થઈ. તેનાથી તેઓ નારાજ છે.
તેમણે કહ્યું, "તેમાં હોબાળો કરવાની શું જરૂર હતી? હું આઈએસઆઈએસમાં જોડાવા ગઈ હતી. હવે એ વાત પૂરી થઈ ગઈ છે. હવે તેમાં વધારે કહેવા જેવું બચ્યું શું છે?"
તેઓ કહે છે, "મીડિયા આ સ્ટોરી ચાલવા દેવા માગતું હીું કારણ કે તે એક સ્ટોરી હતી. મોટી સ્ટોરી."
શમીમાને જ્યારે એક વખત પૂછવામાં આવ્યું કે શું તેઓ સ્વીકારે છે કે તેઓ ચરમપંથી સંગઠનમાં સામેલ થયાં હતાં, તો તેમણે કહ્યું, "હા, થઈ હતી."
પૂર્વ બાળ કલ્યાણમંત્રી ટિમ લૉટને બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે શમીમા આઈએસમાં કેમ સામેલ થયાં હતાં અને તેમાં જોડાવા માટે તેમનું 'બ્રેઇનવૉશ' કોણે કર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે પહેલી વખત જ્યારે તેઓ ગુમ થયાં હતાં ત્યારે લોકોની સહાનુભૂતિ તેમની સાથે હતી, પણ હવે તેનું સ્થાન લોકોનો ગુસ્સો લઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે ઘણા લોકોને શંકા છે કે તેઓ પરદામાં રહેનારાં મુસ્લિમ મહિલામાંથી પશ્ચિમી પોશાક પહેરતી મહિલામાં પરિવર્તિત થવાનું નાટક કરી રહ્યાં છે. તેઓ એવું દેખાડી રહ્યાં છે કે તેઓ પૂર્વ લંડનમાં રહ્યાં છે અને તે સામાન્ય બ્રિટિશ મહિલા જેવાં જ છે.

કોના ઇશારે આઈએસમાં જોડાવા સીરિયા ગયાં?

ઇમેજ સ્રોત, Getty Images
શમીમા આઈએસમાં સામેલ થવાની ઘટનાનું વિવરણ કરે છે. તેઓ કહે છે કે બેથનલ ગ્રીનની અન્ય બે યુવતીઓ સાથે તેમની આઈએસમાં જોડાવાની યાત્રાની તૈયારી ખુદનું રિસર્ચ અને આઈએસ સભ્યોના નિર્દેશના આધારે થઈ હતી.
તેમની સાથેની બે યુવતીઓમાંથી એકનું અગાઉ મૃત્યુ થઈ ગયું છે. બીજી વિશે માનવામાં આવે છે કે સીરિયામાં તેની હત્યા કરી દેવાઈ છે.
શમીમાએ જણાવ્યું, "ઘણા લોકો અમને ઓનલાઇન કહી રહ્યા હતા કે શું કરવું જોઈએ અને શું નહીં. અમને નિર્દેશોની એક લાંબી સૂચિ આપવામાં આવી હતી. એમ પણ કહેવામાં આવ્યું હતું કે પકડાઈ જઈએ તો શું બહાનું આપવાનું છે."
શમીમાએ ઇન્ટરનેટ પર જે માહિતી એકઠી કરી હતી, તેમાં યાત્રાના ખર્ચ સાથે જોડાયેલી માહિતી અને થોડી ઘણી ટર્કિશ ભાષાની જાણકારી હતી. આઈએસના નિયંત્રણ હેઠળના સીરિયામાં પહોંચવા માટે જે ન્યૂનતમ માહિતી હતી. એ તેમણે એકઠી કરી હતી.
આઈએસમાં સામેલ થવા ગયેલી યુવતીઓના પરિવારનો કેસ લડી રહેલા વકીલ તસ્નીમ અકુંજીએ બીબીસીને જણાવ્યું કે ભાગ્યા બાદ તેમણે યુવતીઓના રૂમની તપાસ કરી હતી. તેમણે ઘણા પુરાવા તપાસ્યા હતા. તેમાં રસીદો, ફોન બિલ, ટેક્સ્ટ અને ઈ-મેલ સામેલ હતાં.
અકુંજીએ કહ્યું, "મેં આ યુવાન છોકરીઓની તરફથી એકઠી કરાયેલી કોઈ માહિતી જોઈ નથી. આ છોકરીઓ ખુદ એવી કોઈ પાકી માહિતી એકઠી નહોતી કરી શકી. જેના થકી તેઓ સીરિયા જઈ શકે."
"આ છોકરીઓને ચોક્કસ એ વ્યક્તિ પર ઘણો ભરોસો હશે, જેની સાથે તેઓ વાત કરી રહી હશે અને તેના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી રહી હશે."
અકુંજીએ કહ્યું કે, "શમીમાના ઘરમાં માત્ર કાગળનો એક ટુકડો મળ્યો હતો. જે ખરીદી માટેના સામાનની યાદી હતી. તેમાં માત્ર એ જ ઉલ્લેખ હતો કે આઈએસના કબજાવાળા વિસ્તારમાં પહોંચવા માટે તેમને કયા સામાનની જરૂર પડશે અને તેમાં કેટલો ખર્ચ થશે."
તેમાં લખ્યું હતું કે ફોન માટે 75 પાઉન્ડ, ટૅક્સી માટે 100 પાઉન્ડ. દરેક ખર્ચની સામે છોકરીઓનાં નામનો પ્રથમ અક્ષર લખ્યો હતો.

મીડિયાથી શા માટે નારાજ છે શમીમા?

ઇમેજ સ્રોત, ELISE BLANCHARD
શમીમાએ એ વાતથી ઇનકાર કર્યો કે એ તેમની યાદી છે. તેમનું કહેવું છે કે આ તેમની સાથેની બે યુવતીઓ પૈકીની એક અમીરાની છે. ભૂલથી એ યાદી તેમના રૂમમાં રહી ગઈ હતી.
શમીમાએ જણાવ્યું, "લોકો કહેતા રહેતા હતા કે સારાં કપડાં પૅક કરી લો જેથી તમે પોતાના પતિઓ સામે સુંદર બનીને રહી શકો. એમ હોઈ શકે છે પણ મને એ વિશે ખ્યાલ નથી."
એ યુવતીઓ પાસે અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ આઈએસના લડવૈયા સાથે લગ્ન કરશે.
શમીમાએ કહ્યું હતું કે તેમણે જતી વખતે ચૉકલેટો એકઠી કરી રાખી હતી કારણ કે તેમને ખબર હતી કે સીરિયામાં તે મળશે નહીં.
શમીમાનું કહેવું છે કે તેમના પરિવારનું માનવું હતું કે તેઓ એટલાં કમજોર અને નાનાં છે કે આ પ્રકારનું કોઈ કામ નહીં કરે. તેઓ આ વિશે સપનામાં પણ વિચારી નહીં શકે.
તેમણે બીબીસીને કહ્યું, "હું હંમેશાંથી અલગ રહેનારી યુવતી છું. મીડિયામાં મારા વિશે ઘણું બધું આવ્યું. તેણે મારું જીવન ફેરવી નાખ્યું કારણ કે હું એવી વ્યક્તિ નથી, જે ચર્ચામાં રહેવાનું પસંદ કરે."
(શમીમા બેગમની સંપૂર્ણ કહાણી બીબીસી સાઉન્ડ પર ઉપલબ્ધ છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બીબીસી આઈપ્લેયર પર તેમની એક ડૉક્યુમેન્ટરી પણ ઉપલબ્ધ થશે.)















