તુર્કી ઇસ્લામિક સ્ટેટના જેહાદીઓ કાઢવા માંગે છે, પણ તે ક્યાં જશે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ઇસ્લામિક સ્ટેટના સભ્યો ભલે પરત પોતાના દેશમાં જવા માંગતાં નથી પરંતુ તુર્કીએ તેમને પોતાના દેશમાંથી પરત મોકલવાનું શરૂ કરી દીધું છે.
ઇસ્લામિક સ્ટેટના સભ્યો ભલે પરત પોતાના દેશમાં જવા માંગતાં નથી પરંતુ તુર્કીએ તેમને પોતાના દેશમાંથી પરત મોકલવાનું શરૂ કરી દીધું છે.
બીબીસીની રિયાલિટી ચેક ટીમે આ વાર્તા સામે હકીકતની તપાસ કરી અને જાણવા ઇચ્છ્યું કે જેમને પરત મોકલવામાં આવી રહ્યા છે તેમની સાથે શું થઈ શકે છે.
તુર્કીએ કથિત રીતે જે વિદેશી લોકોનો સંબંધ ઇસ્લામિક સ્ટેટના જૂથ સાથે જોડાયેલો હતો, તેમને તેમનાં દેશમાં પરત મોકલવામાં શરૂ કરી દીધા છે.
જોકે, કેટલાંક યુરોપિયન દેશોએ પોતાના નાગરિકોને પરત બોલાવવા અંગે અનિચ્છા દર્શાવી છે.
જર્મની, ડેનમાર્ક અને બ્રિટને જે તેમના દેશના નાગરિકો છે અને કથિત રીતે જેહાદી સમૂહ સાથે સંકળાયેલા છે તેમનું નાગરિકત્વ રદ કરી દીધું છે જેથી તેમને પરત ફરતાં રોકી શકાય.
જોકે, તુર્કી એમ કહી રહ્યું છે કે તે જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સ અને આયરલૅન્ડના 20થી વધારે નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયામાં છે.
તો એકવખત આ લોકો તુર્કીની બહાર નીકળી જાય તો આ લોકોની સાથે છેવટે થાય છે શું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તુર્કીનુ કહેવુ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને કહ્યુ કે હાલ મોટી સંખ્યામાં વિદેશી લડવૈયાઓ તુર્કીની જેલમાં બંધ છે.
આ મહિનાની શરૂઆતમાં સરકારે સંકેત આપ્યો હતો કે તેમનું નાગરિકત્વ રદ કરી દેવામાં આવ્યું હશે તો પણ તે આ લડવૈયાઓને પરત મોકલશે.
તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલૂ કહે છે, "દુનિયાના દેશોએ આજકાલ નાગરિકત્વ રદ્દ કરવાનો એક નવો રસ્તો અપનાવી રાખ્યો છે."
તેમણે કહ્યું, "તે કહે છે કે તેમને ત્યાં જ સજા મળવી જોઈએ જ્યાં તેમને પકડવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું એક નવું સ્વરૂપ છે, મને લાગે છે કે આને સ્વીકારવું સંભવ નથી."

તો વિદેશી નાગરિકોની સાથે વ્યવહારની પદ્ધતિ કઈ છે?

ઇમેજ સ્રોત, EPA
વિદેશમાં ધરપકડ કરાયેલાં લોકોને કૉન્સુલર મદદનો અધિકાર છે અને સામાન્ય રીતે આમાં વ્યક્તિનો સીધો સંપર્ક કરવામાં આવે છે.
આમાં ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી ધરપકડ કરાયેલ કે કસ્ટડીમાં રાખેલાં વ્યક્તિની ઓળખ કરીને દરેક સંભવ મદદ કરવાનો પ્રયાસ કરે છે.
સીરિયામાં જે કેમ્પમાં કથિત રીતે આઈએસના સભ્યો અને તેમનાં પરિવારને રાખવામાં આવ્યા છે ત્યાં તે લોકોનો સંપર્ક કરવો, સુરક્ષા કારણે તેમના અધિકારીઓ માટે ખતરનાક એવું કેટલીક સરકારોનું કહેવું છે.
એ પણ સ્પષ્ટ નથી કે તેમની તુર્કીમાં ધરપકડ કરવામાં આવી છે કે સીરિયાની સરહદની અંદરથી તેમની ધરપકડ કરાઈ છે.
કેટલાંક યુરોપિયન દેશોએ પોતાના એ નાગરિકોને પરત લાવવાની ચોખ્ખી ના પાડી દીધી છે જે કથિત રીતે આઈએસ સાથે જોડાયેલાં હતાં.
પરંતુ સંયુક્ત રાષ્ટ્ર આને લઈને બિલકુલ સ્પષ્ટ છે કે આ દેશોએ પોતાના નાગરિકોની જવાબદારી લેવી જોઈએ.
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુક્ત મિશેલ બેચકેટ કહે છે, "જો આંતરરાષ્ટ્રીય કાયદાના માપદંડો અનુસાર કેસ ચલાવી શકાતો નથી તો વિદેશી નાગરિકોને તેમના જે તે દેશમાં પરત મોકલી દેવા જોઈએ."
તેઓ કહે છે કે જો કોઈ વિદેશી નાગરિક "કોઈ અન્ય દેશમાં ગંભીર અપરાધ કરવાનો ગુનેગાર અથવા કોઈ અન્ય મામલામાં અટકાયત લેવામાં આવે છે" તો તેની જવાબદારી નાગરિકના પોતાના દેશની હશે.
આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિએ કોઈ બીજા દેશનું નાગરિકત્વ ન અપનાવ્યું હોય, તો તેને તેની નાગરિકત્વથી વંચિત રાખવો ગેરકાનૂની છે.

તુર્કીથી નીકાળેલાં લોકોની સાથે શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, JAMIE WISEMAN/DAILY MAIL
તુર્કીએ પોતાના અધિકારીઓને કહ્યું કે 12 નવેમ્બરે ઇસ્લામિક સ્ટેટના ત્રણ જેહાદી લડવૈયાને પોતાના દેશ જર્મની, ડેનમાર્ક અને અમેરિકા મોકલવામાં આવ્યા છે અને જલ્દી બીજા અનેક લોકોને તેમના દેશમાં પરત મોકલવાની તૈયારી ચાલી રહી છે.
જે અમેરિકાના નાગરિકને ગ્રીસ પાસેની સરહદ પરથી પકડવામાં આવ્યો હતો, તેને ડિપોર્ટ કર્યા પછી તે અમેરિકા જવાની જગ્યાએ ફરીથી ગ્રીસની સરહદ પાર કરવા ઇચ્છે છે.
જોકે, ગ્રીસે તેને પોતાના દેશમાં ઘૂસવાની મનાઈ ફરમાવી અને કહ્યું કે તે હવે ફરીથી તુર્કીની કસ્ટડીમાં છે.
એ જ રીતે ડેનમાર્કના નાગરિકની રાજધાની કોપેનહેગન પહોંચવાની સાથે જ ધરપકડ કરવામાં આવી હતી.
જર્મનીએ કહ્યું કે તુર્કીએ તેના બીજા પણ નાગરિકોને હાંકી કાઢવાની યોજના અંગે જાણ કરી હતી.
પહેલાં પણ જર્મનીએ ઇસ્લામિક સ્ટેટના સભ્યોને પરત લીધા હતા. આ લોકો પર કેસ ચલાવ્યો હતો અથવા તેમને પુનર્વસન કાર્યક્રમમાં રાખવામાં આવ્યા હતા.
ફ્રાંન્સે જોર આપીને કહ્યું કે સીરિયા અથવા ઇરાકમાં પકડવામાં આવેલાં તેમના નાગરિકોને સ્થાનિક સ્તરે કેસનો સામનો કરવો પડશે.
આ વર્ષની શરૂઆતમાં ફ્રાન્સના ચાર લોકોને એક ન્યાયિક પ્રક્રિયા હેઠળ ઇરાકમાં મોતની સજા સંભળાવવામાં આવી જેની ઘણી ટીકા થઈ હતી.
જોકે, એ પણ રિપોર્ટ કરવામાં આવ્યું કે ફ્રાન્સે 2014માં તુર્કી પાસેથી ચુપચાપ અનેક જેહાદીઓને પરત લીધા હતા અને પોતાના દેશમાં પરત ફરતા જ તેમની ધરપકડ કરવામાં આવી.
કેટલીક વિદેશી સરકારોએ નાગરિકત્વ જ રદ કરવાનું પગલું ભર્યું જેથી સંદિગ્ધ આઈએસના સભ્યોને પરત ફરવાથી રોકવામાં આવે- ઉદાહરણ માટે બ્રિટનમાંથી શમીમા બેગમનો કિસ્સો, જેમને સીરિયામાં એક કેમ્પમાં કેદમાં રાખવામાં આવ્યા હતા.
બ્રિટનનો નિર્ણય એ વિશ્વાસ પર આધારિત છે કે તે પોતાની માતા દ્વારા બાંગ્લાદેશના નાગરિકત્વનો દાવો કરી શકે છે. જોકે બાંગ્લાદેશે આ વાતનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે આ બ્રિટિશ સરકારની જવાબદારી છે.

કાયદાકીય અને વહીવટી અનિશ્ચિત્તા

ઇમેજ સ્રોત, Reuters
એ વાત તો સ્પષ્ટ છે કે કેટલાંક મુદ્દાઓમાં ત્રીજા પક્ષને સામેલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. જેમ કે આ મામલામાં તુર્કી તે વિદેશીઓને પોતાના દેશમાંથી હાંકી રહ્યું છે જેમનો પોતાનો દેશ તેમને લેવા માંગતો નથી અથવા તે ખુદ પોતાના દેશ પરત જવા માંગતા નથી.
જેહાદી લડવૈયાઓને પરત ન લેવા અંગે યુરોપિયન દેશોની ટીકા કરનાર અમેરિકા પોતે પોતાના નાગરિકોને પરત લેવા અંગે થોડુંઘણું પરેશાન છે.
સીરિયામાં પકડાયેલાં એક વ્યક્તિને એક વર્ષ સુધી ઇરાકમાં અમેરિકાની સૈન્ય વ્યવસ્થામાં રાખ્યા પછી તેને બહેરીનમાં જ્યાં તેનો પરિવાર રહેતો ત્યાં છોડી દેવી પડી.
એવું એ માટે કરવામાં આવ્યું કે અમેરિકાના અધિકારીઓએ તેને અમેરિકા પરત ફરતો રોકવા માટે તેમનો પાસપોર્ટ રદ કરી નાખ્યો હતો.
નિશ્ચિત છે કે આવાં અનેક મામલા સામે આવી શકે છે જ્યાં ઠીક આવી જ વ્યવસ્થા કરવામાં આવી હોય પરંતુ પ્રચાર ન કરાયો હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












