'ભાજપની સરકાર કેન્દ્રમાં હોવાને કારણે જ સુપ્રીમ કોર્ટે આ જજમૅન્ટ આપવું પડ્યું.' - ભરૂચના સાંસદ મનસુખ વસાવા

મનસુખ વસાવા

ઇમેજ સ્રોત, Mansukh vasava social media

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

ભાજપના ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવાએ ફરી એકવાર દિવાળીના સ્નેહમિલનમાં કાર્યકર્તાઓ આગળ ભાજપ સરકારને કારણે સુપ્રીમ કોર્ટે રામમંદિરનો ચુકાદો તરફેણમાં આપ્યો હોવાનું નિવેદન કરી નવો વિવાદ છેડ્યો છે .

ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે.

2017માં તેમણે લોકો ખોટું આદિવાસી પ્રમાણપત્ર મેળવી નોકરી મેળવી રહ્યાં હોવાનું નિવેદન આપ્યું હતું જેનો વિવાદ થયો હતો.

એ વિવાદ શાંત થયો એ પછી આદિવાસીઓને સ્ટૅચ્યૂ ઑફ યુનિટીથી ખસેડવાને મામલે વિવાદ ઊભો થયો હતો. જોકે, પછી તેઓ મોવડીમંડળનું દબાણ આવતા શાંત થઈ ગયા હતા.

હવે દિવાળી અને નવ વર્ષ નિમિત્તે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં રામમંદિરનો મુદ્દો ઊભો કરીને મનસુખ વસાવાએ વિવાદ છેડ્યો છે.

line

મનસુખ વસાવાએ શું કહ્યું?

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

મનસુખ વસાવાનો જે વીડિયો વાઇરલ થયો છે તેમાં તેઓ શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવી રીતે કાશ્મીરમાંથી કલમ 370 ને 35-એ હઠાવી તેની વાત કરે છે.

કાશ્મીરની વાતચીત અને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા પછી તેઓ રામમંદિરના મુદ્દા પર આવે છે.

તેમણે કહ્યું કે રામજન્મભૂમિ કેટલો જૂનો મુદ્દો હતો. દેશ આઝાદ પણ થયો નહોતો એ સમયથી રામજન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલાય લોકો શહીદ થયાં. કેટલાય આંદોલનો કર્યા છે. પણ એ મુદ્દો પણ આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાને કારણે જ સુપ્રીમ કોર્ટે આ જજમૅન્ટ આપવું પડ્યું.

મનસુખ વસાવાના આ નિવેદન પર રાજકીય વિવાદ ઊભો થયો છે.

નિવેદન બાબતે વિવાદ ઊભો થતા મનસુખ વસાવા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.

મનસુખ વસાવાએ એમના નિવેદનનો અલગ અર્થ હોવાનું કહ્યું.

એમણે કહ્યું કે મારા કહેવાનો અર્થ એ હતો કે નરેન્દ્ર મોદીની સરકારમાં આ ચુકાદો આવ્યો છે એના કારણે કોઈ અરાજકતા ફેલાઈ નથી અને આ એમની ક્ષમતા છે. જો કોઈ અન્ય વડા પ્રધાન હોત તો અરાજકતા ફેલાઈ હોત. આ સંદર્ભમાં કરેલું નિવેદન છે એમાં કોઈ કોમની લાગણી દુભવવાનો સવાલ નથી.

જોકે, તેમનો જે વીડિયો વાઇરલ થયો છે તેમાં તેઓ સ્પષ્ટપણે એવું કહેતા સંભળાય છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાને કારણે જ સુપ્રીમ કોર્ટે તરફેણમાં ચુકાદો આપવો પડ્યો.

line

શું મશીનરી મોદીને ઇશારે ચાલે છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

મનસુખ વસાવાના આ નિવેદન પર કૉંગ્રેસના પ્રવક્તા નિશ્ચિત વ્યાસે બીબીસી ગુજરાતીને કહ્યું કે મનસુખ વસાવા લાંબા સમયથી સાંસદ હોવા છતાં એમને સુપ્રીમ કોર્ટની ગરિમાનું ભાન નથી. એમણે આવી જાહેરાત કરી આડકતરી રીતે એવું કહ્યું છે કે સીબીઆઈ, ઇન્કમટૅક્સ, ઇ.ડી એવી તમામ સરકારી મશીનરીઓ સરકારને ઇશારે ચાલે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ પાસાંઓને ચકાસી ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ એમની સરકારના ઇશારે આવ્યો હોવાની વાત તેઓ કરી રહ્યા છે. હવે રામને નામે રાજકીય નાવડી ચલાવનારા આ લોકોથી ભગવાન રામ જ બચાવે.

એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ભાજપના કેટલાક નેતા સસ્તી પબ્લિસિટી લેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર વાત કરી એનું અપમાન કરે એ દુખદ છે. આવું નિવેદન સુપ્રીમ કોર્ટનું અપમાન છે .

હિંદુસ્તાન તહરીક એ ઇન્સાફના ગુજરાતના અધ્યક્ષ હમીદ ભટ્ટીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે અત્યારે ગુજરાતના સાંસદ મનસુખ વસાવા આવું નિવેદન કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાની કોશિશ કરી રહ્યા છે એ ખરેખર દૂખદ છે .

મનસુખ વસાવાના નિવેદન અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ જિતુ વાઘાણીનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

line

બાબરના વંશજે શું કહ્યું?

બાબર
ઇમેજ કૅપ્શન, બાબર

મુઘલ બાદશાહ બાબરની છઠ્ઠી પેઢીના પ્રિન્સ યાકૂબ તુસીએ મનસુખ વસાવાના નિવેદન બાબતે બીબીસી ગુજરાતીને કહ્યું કે કેટલાક રાજકારણીઓ સસ્તી પબ્લિસિટિ લેવા માટે આ ખેલ કરે છે અને આવા નિવેદનો કરે છે જે દુખદ છે.

એમણે કહ્યું કે દેશ આઝાદ થયો એ પહેલાં બ્રિટિશ સરકારના હાથમાં આ જમીન હતી અને અહીં નમાઝ પઢવામાં આવતી ન હતી.

અમારા પરદાદા બાબરે એમના સૈનિકોને નમાઝ પઢવા માટે ત્યાં મસ્જિદ બનાવી હતી.

બીજું કે સુપ્રીમ કોર્ટમાં જજની બેન્ચ હતી જેમાં મુસ્લિમ પણ હતા ત્યારે આવા નિવેદન કરી દેશનું સૌહાર્દ બગાડવાની કોશિશ થઈ રહી છે.

દેશમાં મુસલમાનોએ આ નિર્ણયને સ્વીકાર્યો છે ત્યારે બાબરના વંશજ તરીકે હું સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારું છું અને લોકોએ આવી બયાનબાજીથી દૂર રહેવું જોઈએ .

બાબરના વંશજે તો મનસુખ વસાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી પંરતુ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ મોવડી અને રામમંદિર નિર્માણ સાથે સંકળાયેલા ડૉ. પ્રવીણ તોગડિયાએ મનસુખ વસાવાના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો.

એમણે કહ્યું કે આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે ત્યારે સસ્તી પબ્લિસિટી લેનારા નેતા સામે કોઈ ટિપ્પણી કરી મારે અદાલતનું અપમાન નથી કરવું.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો