ગુરપતવંતસિંહ પન્નુ કેસ: આરોપી નિખિલ ગુપ્તા અમેરિકાને સોંપાયા, શું ભારતની મુશ્કેલી વધશે?

ઇમેજ સ્રોત, UGC
શીખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુની અમેરિકી ધરતી પર હત્યા કરાવવાનું કથિત ષડયંત્ર રચવાના આરોપી નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યા છે.
52 વર્ષીય નિખિલ ગુપ્તાને લોઅર મેનહટ્ટન કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જો આરોપો સાબિત થાય તો તેમને 20 વર્ષની કેદ થઈ શકે છે.
‘વૉશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર ગત અઠવાડિયાને અંતે જ ગુપ્તાને અમેરિકા લાવવામાં આવ્યા હતા. ગત વર્ષે ચેક રિપબ્લિકથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકી અધિકારીઓ પ્રમાણે નિખિલ ગુપ્તા પર શીખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યા માટે સોપારી આપવાનો આરોપ છે.

અમેરિકી ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે ગુપ્તાને ગુરપતવંતસિંહની હત્યા કરવા માટે એક અનામી ભારતીય અધિકારી પાસેથી સૂચનાઓ મળી હતી.
જોકે, ભારતે આ આરોપને નકારી કાઢ્યો છે. ભારતનું કહેવું છે કે તેને આ કથિત ષડયંત્ર સાથે કોઈ લેવાદેવા નથી.
ગત મહિને જ ચેક રિપબ્લિકની બંધારણીય અદાલતે નિખિલ ગુપ્તાની અરજી ફગાવી દીધી હતી જેમાં તેણે તેના પ્રત્યાર્પણ સામે અપીલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેલના રેકૉર્ડ મુજબ, નિખિલ ગુપ્તાને હાલમાં બ્રુકલિનના ફેડરલ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
બીબીસીએ તેમના વકીલોનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
ગત વર્ષે નવેમ્બરમાં અમેરિકી ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે નિખિલ ગુપ્તાએ પન્નુ સહિત ચાર શીખ અલગતાવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આ ફરિયાદીઓનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા કરાવવા માટે એક લાખ અમેરિકી ડૉલર એટલે કે 83.50 લાખ રૂપિયા ભાડાના હત્યારાને આપ્યા હતા.
નિજ્જરના સહયોગી રહ્યા છે પન્નુ

ઇમેજ સ્રોત, Getty Images
પન્નુ પાસે અમેરિકા સાથે કૅનેડાની પણ નાગરિકતા છે. હાલમાં તેઓ ન્યૂયૉર્કમાં રહે છે.
તેઓ અલગતાવાદી ખાલિસ્તાની આંદોલનને સમર્થન આપનાર સંગઠન ‘સિખ ફૉર જસ્ટિસ’ના સંસ્થાપક અને વકીલ છે. ભારત સરકારે તેમને 2020માં આતંકવાદી જાહેર કર્યા છે.
તેઓ શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરના સહયોગી રહ્યા છે. નિજ્જરની ગત વર્ષે જ કૅનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
નિજ્જરની હત્યા બાદ ભારત અને કૅનેડાના સંબંધોમાં ખૂબ ખટાશ આવી ગઈ હતી. કૅનેડાના વડા પ્રધાન ટ્રુડોએ સાર્વજનિક રૂપે કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવાના અમારી પાસે વિશ્વસનીય પુરાવાઓ છે.
જોકે, ભારત સતત તેનો વિરોધ કરતું રહ્યું છે. ભારતનું કહેવું છે કે પોતાના આરોપોના સમર્થનમાં કૅનેડાએ હજુ સુધી કોઈ વિશ્વસનીય પુરાવો રજૂ કર્યો નથી.
અમેરિકાએ ભારત સામે ઉઠાવ્યો હતો પન્નુ મામલો

ઇમેજ સ્રોત, Getty Images
પન્નુની હત્યાના કથિત ષડયંત્રને લઈને ભારત અને અમેરિકા વચ્ચે અનેક નિવેદનબાજી થઈ ચૂકી છે.
ગત વર્ષે નવેમ્બરમાં વ્હાઇટ હાઉસે ભારત સરકારના સિનિયર અધિકારીઓની સામે આ મામલો ઉઠાવ્યો હતો. પરંતુ આ અધિકારીઓનું કહેવું હતું કે આ કથિત ષડયંત્ર સાથે ભારતનો દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી.
તેમનું કહેવું હતું કે આમ કરવું એ ભારત સરકારની નીતિઓ વિરુદ્ધ છે.
ભારત સરકારે કહ્યું હતું કે તેણે નિખિલ ગુપ્તા સામે લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે એક કમિટી પણ બનાવી છે.
આ વર્ષે જ ભારતની સુપ્રીમ કોર્ટે નિખિલ ગુપ્તાની એ અરજીને નકારી દીધી હતી કે જેમાં તેમણે પોતાના કેસમાં સારી રીતે સુનાવણી થાય એ સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.
આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે નિખિલ ગુપ્તાની અમેરિકામાં સ્વયંભૂ એજન્ટોએ જ ધરપકડ કરી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ સરકારનું કામ છે.
કોણ છે નિખિલ ગુપ્તા?

ઇમેજ સ્રોત, US DEPARTMENT OF JUSTICE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાની અદાલતમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, નિખિલ ગુપ્તાએ ભારત સરકાર માટે કામ કરનારા એક અધિકારીના કહેવા પર અમેરિકામાં એક હિટમૅન(ભાડાની વ્યક્તિ)નો સંપર્ક કર્યો હતો અને તેમને એક શીખ અલગતાવાદી નેતાની હત્યાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો.
આરોપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય અધિકારી સાથે વાતચીત દરમિયાન નિખિલ ગુપ્તાએ કહ્યું હતું કે તે માદક દ્રવ્યો અને હથિયારોની આંતરરાષ્ટ્રીય દાણચોરીમાં પણ સામેલ છે.
દસ્તાવેજ અનુસાર એ હિટમૅન કે જેનો નિખિલ ગુપ્તાએ સંપર્ક કર્યો હતો તે અમેરિકન ગુપ્તચર વિભાગનો અંડરકવર એજન્ટ હતો.
આ એજન્ટે નિખિલ ગુપ્તાની તમામ ગતિવિધિઓ અને વાતચીત રેકૉર્ડ કરી હતી. તેના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આરોપમાં અમેરિકન એજન્સીની તપાસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગુપ્તા અને ભારતીય અધિકારી વચ્ચે એક ઍન્ક્રિપ્ટેડ ઍપ દ્વારા સતત વાતચીત થતી હતી અને આ વાતચીત દરમિયાન ગુપ્તા દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારોમાં જ હતા.
આરોપમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નિખિલ ગુપ્તા પર ગુજરાતમાં ફોજદારી કેસ પણ દાખલ છે. એ કેસમાં મદદના બદલામાં તેણે ન્યૂયૉર્કમાં ભારતીય અધિકારીની હત્યા કરાવવા માટે તૈયારી બતાવી હતી.
આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે 12 મેના રોજ ગુપ્તાને ભારતીય અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે 'તેમની સામેના ફોજદારી કેસને સંભાળી લેવામાં' આવ્યો છે.'
તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમને હવે ગુજરાત પોલીસમાંથી કોઈ કૉલ નહીં કરે.
23મેના રોજ, ભારતીય અધિકારીએ ફરીથી ગુપ્તાને ખાતરી આપી હતી કે 'તેમણે તેના બોસ સાથે વાત કરી છે અને ગુજરાતમાં જે મામલો છે તે અંગે તેમને ફરીથી કોઈ બોલાવશે નહીં.'
આરોપ મુજબ, અમેરિકાની વિનંતીને આધારે તથા આ કેસના સંબંધમાં નિખિલ ગુપ્તાની 30 જૂન, 2023 ના રોજ ચૅક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે ગુરપતવંતસિંહ પન્નુ?

ઇમેજ સ્રોત, X/@NIA_INDIA
ગુરપતવંતસિંહ પન્નુ વ્યવસાયે વકીલ છે અને તેમના પારિવારિક વડવાઓ પંજાબના પટ્ટી(તરન તારન જિલ્લો)ના નાથુચક ગામમાં રહેતા હતા. બાદમાં તેઓ અમૃતસર નજીકના ખાનકોટ ગામે સ્થાયી થયા હતા.
પન્નુને એક ભાઈ અને એક બહેન છે. તેમણે લુધિયાણા અને ચંદીગઢમાં તમામ અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતમાં કાયદાનો અભ્યાસ પણ કર્યો હતો.
પન્નુના પિતા મહિન્દરસિંહ પંજાબ માર્કેટિંગ બૉર્ડમાં સેક્રેટરી હતા.
1990ના દાયકામાં ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેઓ વિદ્યાર્થી કાર્યકર બન્યા હતા અને વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા હતા.
પન્નુ સામે નેવુંના દાયકામાં અમૃતસર, લુધિયાણા, પટિયાલા અને ચંદીગઢમાં મનુષ્યવધ અને હત્યાના કેસ નોંધવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પન્નુ સામે ટાડા (ટેરરિસ્ટ ઍન્ડ ડિસ્રપ્ટિવ એક્ટિવિટિઝ ઍક્ટ) હેઠળ પણ ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા.
પોલીસે દાખલ કરેલા બધા કેસ ખોટા હોવાનો દાવો પન્નુ કરે છે. કેન્દ્રમાં નરસિંહરાવ સરકારના કાર્યકાળ દરમિયાન પન્નુના પરિવારના વગદાર સભ્યોએ તેમની સામેના અનેક કેસ પરત ખેંચાવ્યા હતા.
એ પછી 1991-92માં પન્નુને અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું અને યુનિવર્સિટી ઑફ કનેક્ટિકટમાં એડમિશન લીધું હતું. ત્યાંથી તેમણે ફાઇનાન્સમાં એમબીએની ડિગ્રી મેળવી હતી અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી 'માસ્ટર ઓફ લૉ'ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પન્નુને ન્યૂયૉર્કની વૉલસ્ટ્રીટમાં 2014 સુધી સિસ્ટમ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ અમેરિકામાં પણ રાજકીય રીતે સક્રિય રહ્યા હતા.
શું છે ‘સિખ ફૉર જસ્ટિસ’?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાંથી પંજાબની ‘મુક્તિ’ તથા ખાલિસ્તાનના નામે પંજાબીઓને આત્મનિર્ણયનો અધિકાર અપાવવા માટે 'સિખ્સ ફૉર જસ્ટિસ' સંગઠને રેફરેન્ડમ-2020 ઝુંબેશ શરૂ કરી હતી.
એ ઝુંબેશ હેઠળ પંજાબ અને સમગ્ર વિશ્વમાં રહેતા શીખોને ઑનલાઈન વોટિંગ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ એ માટેનું મતદાન શરૂ થાય તે પહેલાં ભારત સરકારે, 'સિખ ફૉર જસ્ટિસ'ને ખાલિસ્તાન તરફી સંગઠન ગણાવીને 40 વૅબસાઈટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
'સિખ ફૉર જસ્ટિસ' ખુદને માનવાધિકાર સંગઠન ગણાવે છે, પરંતુ ભારતમાં તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહે આ સંગઠનને ત્રાસવાદી તથા અલગતાવાદી ગણાવ્યું હતું અને તે ભારતની અખંડિતતા માટે જોખમી હોવાનું કહ્યું હતું.
પન્નુ એવો દાવો કરે છે કે તેઓ તમામ પ્રવૃત્તિ કાયદાની મર્યાદામાં રહીને કરે છે. પોતે હિંસામાં નહીં, પરંતુ સોકશાહીમાં માનતા હોવાનો દાવો પણ તેઓ કરે છે.
'સિખ ફૉર જસ્ટિસ'એ 2018ની 12 ઑગસ્ટે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં રેફરેન્ડમ-2020ની તરફેણમાં એક રેલીનું આયોજન કર્યું હતું. તેનો મુખ્ય હેતુ ભારતીય પંજાબની “મુક્તિ” હોવાનું કહેવાય છે.












