યુક્રેન અને ગાઝા મામલે જી-7 શું કરવા માગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના સૌથી સમુદ્ધ સાત દેશના નેતાઓ ઇટાલીમાં ભેગા થઈને ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ માટે આગળની રણનીતિ નક્કી કરવાના છે.
જી-7 સમિટમાં આફ્રિકા અને ઇન્ડો પેસેફિક વિસ્તારના નેતાઓ પણ સામેલ થવાના છે. સમિટમાં વિકાસશીલ દેશો સાથે આર્થિક સહયોગના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
જી-7 શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
જી-7 એ 'ગ્રુપ ઑફ સેવન' તરીકે પણ ઓળખાય છે અને તે વિશ્વનાં સૌથી વિકસિત સાત અર્થતંત્રોનો એક સમૂહ છે. જી-7 વૈશ્વિક વ્યાપાર અને આંતરાષ્ટ્રીય નાણાકિય સિસ્ટમ પર પ્રભુત્વ ધરાવે છે. જી-7 ગ્રુપમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકા સામેલ છે.
1998માં રશિયા સામેલ થતાં આ સમૂહ જી-8 ગ્રુપ બની ગયો હતો પરંતુ 2014માં રશિયાએ ક્રાઇમિયા પર હુમલો કરતાં સમૂહમાંથી તેની બાદબાકી કરવામાં આવી હતી. વિશ્વની એક મોટી આર્થિક મહાસત્તા અને વિશ્વની બીજી સૌથી વધુ વસતી ધરાવતો દેશ હોવા છતાં ચીન ક્યારેય પણ આ સમૂહનો ભાગ રહ્યું નથી.
પ્રતિ વ્યક્તિદીઠ આવક ઓછી હોવાના કારણે ચીનને જી-7 સભ્ય દેશોની જેમ વિકસિત અર્થતંત્ર તરીકે ગણવામાં આવતું નથી.
રશિયા અને ચીન જી-20 ગ્રુપના સભ્યો છે. આ સમૂહમાં વિકસતા અને વિકસિત દેશો છે. યુરોપીયન યુનિયન જી-7નું સભ્ય નથી પરંતુ તે વાર્ષિક અધિવેશનમાં ભાગ લેતું હોય છે.
સમગ્ર વર્ષ દરમિયાન જી-7ના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો યોજે છે, કરાર પર સહીઓ કરે છે અને વૈશ્વિક ઘટનાઓ પર સંયુક્ત રીતે નિવેદન બહાર પાડે છે.
જી-7નું વર્ષ 2024નું પ્રમુખપદ ઇટાલી પાસે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2024 સમીટમાં ઈટાલીનો ઍજેન્ડા શું છે?
આ વર્ષે જી-7 બેઠક ઇટાલીના ઍપુલિયા શહેરમાં 13થી 15 જૂન વચ્ચે યોજવામાં આવી રહી છે.
ઑક્ટોબર 2022માં ઇટાલીનાં વડાં પ્રધાન બન્યા બાદ આ પ્રથમ વખત છે જ્યારે જ્યોર્જિયા મેલોની કોઈ આંતરરાષ્ટ્રિય ફોરમની મેજબાની કરશે.
ઇટાલીની સરકાર કહે છે કે તેમની ઇચ્છા છે કે આ બેઠકમાં ગાઝા અને યુક્રેન યુદ્ધ, આફ્રિકા અને માઇગ્રેશન, આર્થિક સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ ઉપરના આંતરરાષ્ટ્રીય સહયોગ પર વધુ પ્રધાન્ય આપવામાં આવે.
યુક્રેન અને ગાઝા યુદ્ધ પર જી7ના નેતાઓ કેવી ભૂમિકા ભજવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જી-7 દેશોએ અંદરોઅંદર રશિયા પર અત્યાર સુધીના સૌથી મોટા પ્રતિબંધો મૂક્યા છે. આ પહેલીવાર છે કે કોઈ મોટા અર્થતંત્ર પર આ પ્રકારના આકરા પ્રતિબંધો મૂકવામાં આવ્યો હોય.
રશિયાને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય અને વૈશ્વિક નાણાકીય સિસ્ટમથી બ્લૉક કરી દેવામાં આવ્યું છે. જી-7 દેશોએ પોતાના દેશમાં સ્થિત રશિયાની 300 અબજની કિંમતની મિલકતો પણ ફ્રીઝ કરી દીધી છે. આમાં રશિયાની સૅન્ટ્રલ બૅન્કની ફોરન કરન્સી રિઝર્વ પણ સામેલ છે.
હાલમાં જી-7 દેશો એક એવી યોજના પર કામ કરી રહ્યા છે, જેમાં રશિયાની ફ્રીઝ કરવામાં આવેલ મિલકતોથી જે વ્યાજ મળી રહ્યું છે તેને ઋણ સ્વરૂપે યુક્રેનને આપી શકાય. એક અંદાજ પ્રમાણે આ વ્યાજની રકમ 50 અબજ ડૉલર સુધી જઈ શકે છે.
ત્રીજી જૂનના રોજ જી-7ના દેશોએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ગાઝામાં યુદ્ધ બંધ કરવા માટેની જે યોજનાને ટેકો આપ્યો છે.
જો બાઇડને ઇઝરાયલ અને હમાસને તત્કાલ સંઘર્ષવિરામ કરવાની, બધા બધંકોને મુક્ત કરવાની અને ગાઝાની સહાયતામાં વધારો કરવા માટે સૂચન કર્યાં છે. આ ઉપરાંત તેમણે એક એવા શાંતિસમજૂતી માટેનું સૂચન પણ કર્યું છે જે ઇઝરાયલની સુરક્ષા અને ગાઝામાં રહેતા લોકોની સલામતિની ખાતરી આપે.
જી-7 દેશો કઈ રીતે કામ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇટાલીની સરકાર કહે છે કે આ વખતની જી-7 સમિટના કેન્દ્રસ્થાને વિકાસશીલ દેશો અને વિકસી રહેલાં અર્થતંત્ર વચ્ચેના સંબંધો મજબૂત કરવાનું હશે. સમિટમાં પરસ્પર લાભ થાય તે માટે વિશેષ મૉડેલ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે.
ઇટાલીએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના 12 વિકાસશીલ દેશના નેતાઓને સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
ઇટાલીએ એક વિશેષ યોજના પણ બનાવી છે, જેના દ્વારા તે કેટલાક આફ્રિકન દેશોને તેમની અર્થવ્યવસ્થાના વિકાસ માટે સાડા પાંચ અબજ યુરોની લોન આપશે.
આ યોજના દ્વારા ઇટાલી એક ઊર્જા હબ તરીકે વધુ મજબૂત થશે. યોજના અંતગર્ત તે આફ્રિકા અને યુરોપ વચ્ચે ગૅસ અને હાઇડ્રોજન પાઇપલાઇનનું નિર્માણ કરાશે.
જોકે, કેટલાકને લાગે છે કે આ યોજનાનો ઉપયોગ ઇટાલી આફ્રિકાથી થતાં સ્થળાંતરને અટકાવવા માટે કરશે. ઇટાલી બીજા દેશોને વિનંતી કરી છે કે તેઓ આ યોજનામાં આર્થિક મદદ કરે.
જી-7 આર્થિક સુરક્ષા અને એઆઈ જોખમને કઈ રીતે સામનો કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
2023માં જી-7નું પ્રમુખપદ જાપાન પાસે હતું. સમૂહના પ્રમુખ તરીકે જાપાને આંતરરાષ્ટ્રીય આર્થિક સુરક્ષા માટે એક યોજના બનાવવા દબાણ કર્યું હતું.
જી-7એ બળ વડે શાસનવિરોધી સંધિ અપનાવી હતી. આ સંધિ ચીન અને રશિયા જેવા દેશોને આર્થિક શક્તિનો ઉપયોગ કરીને પોતાની મરજી અન્ય પર લાદતા રોકવા માટે બનાવવામાં આવી છે.
ડિસેમ્બર 2023માં ઇટાલીની સરકારે ચીનના 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ' (બીઆરઆઈ) પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ યોજનામાં બંદર અને ટ્રાન્સપોર્ટ માર્ગોને વધુ ફેલાવવાની યોજના છે જેથી વૈશ્વિક વ્યાપારને વેગ મળે.
ઇટાલીનાં વડા પ્રધાને કહ્યું હતું કે પ્રોજેક્ટમાં સામેલ થવું એક મોટી ભૂલ હતી. અમેરિકાએ આ યોજનાને ચીનની દેવાના જાળમાં નાખનારી ડિપ્લોમસી ગણાવી હતી.
એવું મનાય છે કે ઇટાલીમાં જે બેઠક યોજાઇ રહી છે, તેમાં જી-7ના નેતાઓ આર્થિક સુરક્ષા માટે વધુ પગલાં લે તેવી અમેરિકાની ઇચ્છા છે.
સાલ 2023માં જાપાનમાં જે સમિટ યોજાઈ હતી, તેમાં એઆઈમાં સુરક્ષા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાના કારણે હિરોશીમાં એઆઈ પ્રોસેસ તૈયાર થઈ હતી, જે સુરક્ષિત અને ભરોસાપાત્ર વૈશ્વિક એઆઈને પ્રોમોટ કરે છે.
જી-7 પાસે કોઈ સત્તા છે?
જી-7 કોઈ કાયદો પસાર નહીં કરી શકે. જોકે, ભૂતકાળમાં તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની વૈશ્વિક અસર થઈ હતી.
દાખલા તરીકે વર્ષ 2002માં મેલેરિયા અને એઇડસ્ સામેની લડાઇમાં વૈશ્વિક ભંડોળ ઊભું કરવામાં જી-7એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સાલ 2021માં યુકેમાં યોજાયલા જી-7 બેઠકમાં, સાતેય દેશના નાણામંત્રીઓએ મલ્ટીનૅશનલ કંપનીઓ પર વધુ ટૅક્સ લાદવા માટે એકમત થયા હતા.
વિકાસશીલ દેશોને આર્થિક મદદ કરવામાં અને જળવાયુ પરિવર્તનની અસરને ખાળવા માટે પણ જી-7 મહત્ત્વની ભૂમિકા ભજવે છે.












