'જેને અડે તે સોનું થઈ જાય' - ખરેખર આવો કોઈ રાજા હતો? ઇતિહાસ શું કહે છે?

મિદાસ, સોનું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બેલા ફ્લિક
    • પદ, બીબીસી ટ્રાવેલ

ઈસુ પૂર્વેની આઠમી સદીમાં હાલના તુર્કીના પૂર્વ ભાગમાં મિડાસ નામનો એક બાદશાહ રાજ કરતો હતો. આ બાદશાહની એક અતિશય પ્રચલિત વાર્તા છે.

એવું કહેવામાં આવે છે કે મિડાસે પ્રાચીન યુનાની દેવતા ડાયોનિસસ માટે એક કામ કર્યું હતું અને તેના બદલામાં તેને એ દેવતાએ કોઈ પણ મહેચ્છા જાહેર કરવા માટે કહ્યું હતું જે પૂરી કરી દેવામાં આવશે.

ત્યારે બાદશાહે ઇચ્છા વ્યક્ત કરી હતી કે હું જે વસ્તુને સ્પર્શ કરું તે સોનાની બની જાય.

બાદશાહને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. મિડાસે જે ઘડીએ પોતાની દીકરીને ગળે લગાડી કે તરત જ એ પણ સોનાની બની ગઈ.

આ વાર્તામાં એક હેતુ છુપાયેલો છે. અને તે એ કે કોઈપણ ઇચ્છા જાહેર કરતાં પહેલાં વિચાર કરી લેવો જોઈએ કે એ ઇચ્છા તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત ન થાય.

આ વાર્તામાં કેટલી હકીકત છે તેની ચર્ચા તો પછી કરીશું, પરંતુ પહેલાં એ જાણી લઈએ કે બાદશાહ મિડાસ કોણ હતા અને તેનું સામ્રાજ્ય ક્યાં હતું.

બાદશાહ મિડાસનું સામ્રાજ્ય કેવું હતું?

મિદાસ, સોનું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તુર્કી જનારા પ્રવાસીઓ હમેશાં ત્યાંનાં સુંદર અને ઐતિહાસિક સ્થળોના સૌંદર્યમાં ખોવાઈ જાય છે. આવાં પ્રાચીન શહેરોમાં ગૉર્ડિયન પણ સામેલ છે જેને યુનેસ્કોએ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ કર્યું છે.

આ શહેર લગભગ સાડા ચાર હજાર વર્ષ જૂનું છે અને તે ફ્રિજિયા સામ્રાજ્યનું પાટનગર હતું. ગૉર્ડિયન શહેર હાલના તુર્કીના પાટનગરથી લગભગ 90 કિમી દૂર વસેલું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ શહેરને જોઈને લાગે છે કે અહીં જરૂર કોઈ જ્વાળામુખી ફાટ્યો હશે. કોઈ કલ્પના પણ કરી ન શકે કે એક સમયે આ શહેર એક અત્યંત શક્તિશાળી સામ્રાજ્યની રાજધાની હશે. અહીં આજે પણ એક કિલ્લાના અવશેષો જોવા મળે છે. આ અવશેષો એક લાખ 35 હજાર ચોરસમીટરમાં પથરાયેલા છે. આના પરથી એક વાત સમજી શકાય છે કે આ શહેર ખરેખર શક્તિશાળી પાટનગર હતું.

કિલ્લાની દીવાલો લગભગ દસ મીટર લાંબી છે જેના પરથી એ જાણવા મળે છે કે એક સમયે અહીં કોઈ શક્તિશાળી સામ્રાજ્ય હતું.

યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાના પુરાતત્ત્વવિભાગના પ્રોફેસર બ્રાયન રોઝ કહે છે કે, "અનેક લોકોએ કદાચ ફ્રિજિયાનું નામ પણ નહીં સાંભળ્યું હોય પણ હકીકત એ છે કે નવથી સાત ઇસુ પૂર્વ પહેલાં એશિયાના એક મોટાભાગમાં એટલે કે હાલના તુર્કીમાં એક અત્યંત શક્તિશાળી રાષ્ટ્ર હતું."

બ્રાયન રોઝે વર્ષ 2007માં ગૉર્ડિયન શહેરમાં ઉત્ખનન કામગીરીમાં ભાગ લીધો હતો.

તેઓ કહે છે કે, "ગૉર્ડિયન શહેર પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચે વેપારી કેન્દ્ર હતું જેના પૂર્વમાં અસીરિયા અને બૅબિલોન જેવાં સામ્રાજયો હતાં જ્યારે પશ્ચિમમાં યુનાન અને લિડિયા જેવાં શહેરો હતાં. ફ્રિજિયનો પોતાની ભૌગોલિક સ્થિતિનો લાભ લઈને સમૃદ્ધ અને શક્તિશાળી બની ગયા હતા. "

મિડાસ કોણ હતા અને તેમની કહાણી કેટલી સાચી છે?

મિદાસ, સોનું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

જો તમે ફ્રિજિયા વિશે નહીં સાંભળ્યું હોય તો તમે મિડાસ વિશે પણ નહીં સાંભળ્યું હોય.

પુરાતત્ત્વ વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ત્યાં મિડાસનું રાજ્ય હતું જેના વિશે એમ કહેવામાં આવે છે કે જેને પણ તેઓ અડતા તે સોનું બની જતું.

આ કથાના સંદર્ભમાં કૅલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર લીન રોલર કહે છે કે, "આ કહાણી સાચી નથી."

1979થી ગૉર્ડિયન પર સંશોધન કરી રહેલાં લિન રોલર કહે છે કે, "આવી અનેક વાતો ઇતિહાસનો હિસ્સો બની જાય છે. આવી વાતોને અનેક વખતે દોહરાવવામાં આવે છે જે ત્યાર બાદની સદીઓમાં વાસ્તવિક બની જાય છે."

પરંતુ મિડાસ કોણ હતા અને તમની સાથે જોડાયેલી વાતો ક્યાંથી ઉદ્ભવી તેને જાણવા માટે પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ જણાવવું પડશે કે ખરેખર આ નામનો કોઈ બાદશાહ હતો કે પછી કોઈ વાર્તાનું પાત્ર હતો.

આ સવાલનો જવાબ શોધવા માટે આપણે જૂના પત્રવ્યવહારનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો પડશે.

પ્રોફેસર લીન રોઝ કહે છે કે, "ફ્રિજિયાના બાદશાહના નામનો ઉલ્લેખ અનેક પ્રાચીન સૂત્રોમાં જોવા મળે છે જેમાં અસીરિયન બાદશાહ સારગન દ્વિતીયની ડાયરીનો પણ સમાવેશ થાય છે." અસીરિયન સામ્રાજયમાં મિડાસને એક અત્યંત શક્તિશાળી રાજા માનવામાં આવતા હતા જે ઈસા પૂર્વે આઠમાં પોતાના રાજ્યની સરહદોનો વિસ્તાર વધારવા ઇચ્છતા હતા.

મિડાસના અસ્તિત્વના પુરાવા ગૉર્ડિયનથી બે કલાકની મુસાફરી કર્યા પછી મળે છે. આ સ્થળને ઇઝલેકિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ શહેરને સ્થાનિક ભાષામાં 'મિડાસનું શહેર' પણ કહેવામાં આવે છે. આ અત્યંત રળિયામણું શહેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે જે એક પહાડની ટોચ પર વસેલું છે.

અહીં જૂની ગુફાઓ, કબરો અને મકબરાઓ આવેલા છે. ઉપરાંત ત્રણ હજાર વર્ષ જૂની સીડીઓ પણ છે જે તમને હાથથી બનાવવામાં આવેલી સુરંગો સુધી લઈ જાય છે.

અહીં એક મંદિર જેવું સ્થળ પણ છે જ્યાં પ્રાચીન ફ્રિજિયન ભાષામાં કંઈક લખવામાં આવ્યું છે કે "આ બધું સૈન્ય કમાન્ડર અને શાસક મિદાસના નામે છે."

આના પરથી જાણવા મળે છે કે મિદાસ ખરેખર એક બાદશાહ હતા અને તેમના વિસ્તારમાં રહેતી કોઈ પ્રતિભાશાળી વ્યક્તિએ બાદશાહ માટે મંદિર બનાવ્યું હશે.

મિડાસની કબર પરથી શું જાણવા મળ્યું?

મિદાસ, સોનું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન કામ દરમિયાન ગૉર્ડિયનના ખોદકામ કરતી વખતે તેમને મળેલા 40 હજાર કલાકૃતિઓમાં સોનાની માત્રા વધારે જોવા મળી ન હતી.

પ્રોફેસર બ્રાયન રોઝ કહે છે કે, "મિડાસ એક શક્તિશાળી બાદશાહ હતો અને શક્યતા એ પણ છે કે એને ગૉર્ડિયનમાં જ દફનાવવામાં આવ્યો હશે. એ મકબરાની શોધ અમારા માટે ખરેખર એક મોટી સફળતા હશે. અને તેની શોધ માટે આ જ યોગ્ય સ્થળ છે."

ગૉર્ડિયનમાં લગભગ 125થી વધારે ટેકરીઓ છે જેને જોયા પછી ચોક્કસ રીતે કહી શકાય કે આ ટેકરીઓ મહત્ત્વની વ્યક્તિઓના મકબરાની રક્ષા માટે જ ઊભી કરવામાં આવી હશે.

અહીં 53 મીટર લાંબો એક ટેકરો પણ છે જેની ઉપર ઘાસ ઊગ્યું છે. આ ટેકરાને બનાવવા માટે લગભગ એક હજાર લોકોએ બે વર્ષ સુધી કામ કર્યું હશે.

પ્રોફેસર બ્રાયન રોઝના જણાવ્યા અનુસાર કેટલાક પુરાતત્ત્વવિદોએ આને મિડાસનો ટેકરો નામ આપ્યું હતું. તેમણે વિચાર્યું હશે કે મિદાસને અહીં જ દફનાવવામાં આવ્યા હશે. જોકે, તેમને આ વાત પર પૂરો ભરોસો નથી.

આ વિસ્તારમાં ખનન કરતી વખતે તેમને ખૂબ જ ચોકસાઈથી કામ કરવું પડ્યું કારણ કે ખોદકામ કરતી વખતે આ ટેકરો તેમના માથે પણ પડી શક્યો હોત.

1957માં તુર્કીના કેટલાક નિષ્ણાતો અને ખનનકર્તાઓએ આ ટેકરામાં પ્રવેશવા માટે એક સુરંગ બનાવી હતી જ્યાં તેમને લગભગ 3000 વર્ષ જૂની એક કબરનાં ચિહ્નો મળ્યાં હતાં. આજે તો પર્યટકો અને પ્રવાસીઓ આ સુરંગમાં થઈને દફન કરવાની જગ્યા જોવા જાય છે.

લાકડાંની બનેલી આવી જગ્યા વિશ્વની એકમાત્ર જગ્યા છે જે આજે પણ અસ્તિત્વમાં છે.

આ કબરમાં દફનાવવામાં આવેલી વ્યક્તિની વય કદાચ તેના 60 વર્ષના દાયકામાં હશે અને તેની કબરની ચારે તરફ લાકડાનું ફર્નિચર, કાંસાનાં વાસણો અને કપડાંના ટુકડા હતાં જેના પરથી એ અંદાજ આવે છે કે કદાચ અહીં કોઈ રાજાને દફનાવવામાં આવ્યા હશે.

પણ શું આ બાદશાહ મિડાસ જ હતા? પ્રોફેસર બ્રાયન રોઝના જણાવ્યા અનુસાર ઉત્ખનન દરમિયાન પુરાતત્ત્વ વિભાગના નિષ્ણાતોને જાણવા મળ્યું હતું કે દફન કરવાની આ જગ્યાના તૈયાર કરવામાં જે લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઈ.સ. પૂર્વે 740 વર્ષ જૂની હતી. જ્યારે અસીરિયન સૂત્રો અનુસાર બાદશાહ મિડાસ ઇ.સ. પૂર્વે 709 માં પણ જીવતા હતા.

આ મકબરો મિદાસનો હોઈ ન શકે.

પ્રોફેસર રોઝ કહે છે કે, "દફનાવવામાં આવેલી વ્યક્તિ કદાચ એ જ વર્ષે મરી હશે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ વ્યક્તિ મિડાસના પિતા ગૉર્ડિયાસ હતા. મકબરામાં દોરડાની એક ગાંઠ પણ જોવા મળી હતી."

વાર્તાઓમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ ગાંઠને ખોલશે તે એશિયાખંડમાં રાજ કરશે. અનેક લોકોએ આ ગાંઠને ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમામ નિષ્ફળ રહ્યા હતા.

પ્રોફેસર રોઝ કહે છે કે, “પ્રાચીન યુનાની ઇતિહાસના નિષ્ણાતો કહે છે કે સિકંદર 333 ઇસુ પૂર્વે ફારસ વિરુદ્ધની લડાઈમાં અહીં આવ્યો હતો અને તેણે પણ આ ગાંઠને ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની તલવારથી એને કાપી નાંખી હતી. તો આપણને એવું લાગે છે કે અહીં જરૂર કોઈ દોરડાની ગાંઠ હશે જેના કારણે સિકંદરે આઝમે એશિયા ખંડના મોટા ભાગ પર રાજ કર્યું હતું. અર્થાત એ ભવિષ્યવાણી સાચી પડી.”

વસ્તુઓને સોનામાં રુપાંતરિત કરવાની વાત ક્યાંથી આવી?

આ તમામ વાતોમાં મિદાસ અને કોઈ પણ વસ્તુને સોનામાં બદલી દેવાની તેમની આવડતની વાત તો પાછળ છૂટી ગઈ. આશ્ચર્યજનક વાત એ છે કે પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન કામ દરમિયાન ગૉર્ડિયનના ખોદકામ કરતી વખતે તેમને મળેલા 40 હજાર કલાકૃતિઓમાં સોનાની માત્રા વધારે જોવા મળી ન હતી.

તેમને સોનાના કેટલાક સિક્કા અને કેટલાક દાગીના જ મળ્યા હતા. જો અહીંયા કોઈ સોનાનું શહેર વસેલું હશે તો કદાચ ડાકુઓએ તેને લૂટી લીધું હશે અથવા તો સોનું હાલમાં પણ એ 85 ટેકરાઓમાં હોવું જોઈએ જ્યાં આજ સુધી ખોદકામ કરાયું નથી.

જોકે, પુરાતત્ત્વ ક્ષેત્રના નિષ્ણાતો એક અન્ય થીયરી માટે પણ ચર્ચા કરે છે.

પ્રોફેસર રોઝ કહે છે કે, "મારું માનવું છે કે આ વાત માત્ર એક શીખ આપવા માટે જ ઘડી કાઢવામાં આવી હશે."

તેઓ કહે છે, “મિદાસના યુગમાં ગૉર્ડિયન એક સમૃદ્ધ અને શક્તિશાળી ક્ષેત્ર હતું અને ત્યાંની સમૃદ્ધિને દર્શાવવા માટે આખી વાર્તા ઘડી કાઢવામાં આવી હશે. આજે પણ આપણે કોઈ પૈસાદાર વ્યક્તિને જોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે આ વ્યક્તિ જે વસ્તુને અડે છે તે સોનું બની જાય છે. કદાચ બાદશાહ મિડાસ પણ એવા જ માણસ હશે.”