ગુજરાત : ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ અને 'ઊંચનીચ' વિશે શું લખાયું, જેનો વિરોધ થઈ રહ્યો છે?

બૌદ્ધ ધર્મ, ગુજરાત, વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ધોરણ 12ના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ અંગે લખાયેલા લખાણને લઈને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં નારાજગી છે.

બૌદ્ધ ધર્મ પાળતા લોકોનું કહેવું છે કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરાયેલા આ પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી છે અને લખાણમાં ઘણી ભૂલો પણ છે.

બૌદ્ધોએ આ અંગે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ડિરેક્ટરને મળીને તેમનો વિરોધ નોંધાવ્યો છે. વિરોધ વ્યક્ત કરવાના ભાગરૂપે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આયાર્યને પણ આવેદનપત્ર મોકલવામાં આવ્યાં છે.

આ મામલે ખુદ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે પણ પોતાની ભૂલ સ્વીકારી છે. જોકે, નવાઈની વાત તો એ છે કે વર્ષ 2005થી આ પ્રકારની ભૂલો ધરાવતું લખાણ પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યું છે અને પહેલીવાર કોઈનું તેના પ્રત્યે ધ્યાન ગયું છે.

વિવાદ શો છે

બુદ્ધ, ગુજરાત સરકાર, બૌદ્ધ ધર્મ

ઇમેજ સ્રોત, MULCHAND RANA

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ધોરણ 12ના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે એક ફકરો લખવામાં આવ્યો છે જેને લઈને બૌદ્ધોમાં નારાજગી છે.

ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 12ના સમાજશાસ્ત્રના પુસ્તકમાં બીજા પ્રકરણમાં 16મા પાના પર બૌદ્ધ ધર્મ વિશેનું લખાણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, “બૌદ્ધ ધર્મમાં બે સ્તર છે. જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે જ્યારે નિમ્નસ્તરમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહો છે.”

બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ લખાણ સામે વાંધો ઉઠાવતા કહે છે કે બૌદ્ધ ધર્મ નાત-જાતથી પર છે જ્યારે આ લખાણમાં જાતિવાદ અંગેની ખોટી માહિતી આપવામાં આવી છે.

ગુજરાત બૌદ્ધિસ્ટ ઍકેડેમીના સચિવ રમેશ બૅન્કર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “બૌદ્ધ ધર્મ તો વર્ણવ્યવસ્થાથી પર છે. તેમાં કોઈ ઊંચનીચ છે જ નહીં! ભગવાન તથાગતે તો વર્ણવ્યવસ્થા પર કુઠારાઘાત કર્યો હતો. આ તમામ માહિતીઓ ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે.”

રમેશ બૅન્કર સવાલ ઉઠાવે છે, “ગુજરાતમાં ક્યાં આદિવાસીઓએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો?”

ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ઇન્ચાર્જ ચૅરમૅન મૂળચંદ રાણા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “બૌદ્ધ ધર્મ સામાજિક વાડાઓથી પર છે. પાઠ્યપુસ્તકમાં લખવામાં આવ્યું છે કે બૌદ્ધ ધર્મના ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે. જે સદંતર ખોટી માહિતી છે. ફક્ત તિબેટીયન વિસ્તારમાં જ બૌદ્ધ ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે. બીજી વિગત એવી છે કે બૌદ્ધ ધર્મસ્થાનમાં વિશ વિલ(Wish Wheel) હોય છે. આ તિબેટીયન પરંપરા છે તેને બૌદ્ધ ધર્મ સાથે શાસ્ત્રોક્ત સંબંધ નથી. બૌદ્ધ ધર્મસ્થાનને મંદિર તરીકે ઓળખાતા હોવાનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકમાં કરવામાં આવ્યો છે જ્યારે કે તે મંદિર નહીં વિહાર તરીકે ઓળખાય છે. આ પુસ્તકમાં વધુ એક ખોટી માહિતી છે કે બૌદ્ધ ધર્મ કર્મ અને પુનર્જન્મમાં માને છે. આ હળાહળ જુઠ્ઠાણું છે.”

મૂળચંદ રાણાએ પાઠ્યપુસ્તક મંડળ પર આરોપ લગાવતાં કહ્યું કે આ પ્રકારના વિવાદિત લેખનોથી બૌદ્ધ ધર્મ પ્રત્યેનો આદર કુંઠીત થાય છે તેથી આ લેખન પાઠ્યપુસ્તકમાંથી સત્વરે દૂર થવું જોઈએ.

શું કહે છે બૌદ્ધ ધર્મના જાણકારો?

બૌદ્ધ ધર્મ અને પાઠ્યપુસ્તકનો વિવાદ

ઇમેજ સ્રોત, RAMESH BANKER

ઇમેજ કૅપ્શન, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશેના વિગતદોષ વિશે રજૂઆત કરવા ગાંધીનગર ખાતે આવેલા પાઠ્યપુસ્તક મંડળની કચેરીએ પહોંચ્યા હતા.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના પ્રોફેસર અને બૌદ્ધ ધર્મના જાણકાર ડૉ. હરપાલ બૌદ્ધ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથ ત્રિપીટકમાં જે બુદ્ધવાણી સંગ્રહિત છે તેમાં સ્પષ્ટ છે કે બૌદ્ધ ધર્મમાં જાતિવાદ નથી.”

તેઓ જણાવે છે કે બુદ્ધ વિહાર કરતાં-કરતાં કોઈ ગામડે પહોંચતાં જે-તે ગામના અમુક ચોક્કસ સમુદાયો બૌદ્ધ ધર્મ અપનાવતા હતા અને તે બુદ્ધનાં પ્રેમ, મૈત્રિ અને કરુણાની પ્રભાવિત થઈને બૌદ્ધ બનતા હતા. જૂની વર્ણવ્યવસ્થાથી દૂર હઠીને કલ્યાણકારી વ્યવસ્થા તરફ વળતા હોવાની વિગતો બુદ્ધવાણીમાં મળે છે. એક વખત બૌદ્ધ ધર્મમાં આવ્યા બાદ સૌ કોઈ સમાન બની જાય છે.”

વળી, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના આ પુસ્તકમાં એવું પણલખાયું છે કે બૌદ્ધ ધર્મમાં ત્રણ સૈદ્ધાંતિક તફાવતો છે, હીનયાન, મહાયાન અને વ્રજયાન.

આ વિશે વિગતો આપતા ડૉ. હરપાલ બૌદ્ધ કહે છે, “હિનયાન અને મહાયાન આ બે જ બૌદ્ધ ધર્મના ફાંટા છે. પ્રાંત અને વિવિધ સમુદાય પ્રમાણે ધર્મમાં ફેરફારો થયા. છઠ્ઠી સદીમાં તિબેટ તરફ તંત્રમંત્રના જ્ઞાન સાથેનો બૌદ્ધ સંપ્રદાય શરૂ થયો. વ્રજયાન એ મૂળ બૌદ્ધ સાથે જોડાયેલો નથી, તેને એક સંપ્રદાય કહી શકાય.”

સમ્રાટ અશોકના સમયની માહિતી આપતાં ડૉ. હરપાલ બૌદ્ધ કહે છે, “બૌદ્ધ અનુશ્રુતિ મુજબ બુદ્ધનાં પરિનિર્વાણ બાદ ત્રીજી સંગીતિ મૌર્ય સમ્રાટ અશોકના સંરક્ષણમાં પાટલીપુત્રમાં મળી. તે વખતે બૌદ્ધ ધર્મમાં અલગ-અલગ 18 જેટલા સંપ્રદાયો હતા.”

રમેશ બૅન્કર કહે છે, “આ પુસ્તકમાં લખાયું છે કે બૌદ્ધ ધર્મીઓ પુનર્જનમમાં માને છે પરંતુ બૌદ્ધ અનુયાયીઓ પુનર્જનમમાં માનતા જ નથી. ચેતના એક શક્તિ છે. આત્મામાં નથી માનતા. બૌદ્ધ ધર્મ અનાત્મવાદી ધર્મ છે. આત્મા અને પુનર્જનમ એ હિન્દુ ધર્મની પરિકલ્પના છે બૌદ્ધ ધર્મની નહીં.”

તેઓ કહે છે કે આ પાઠ્યપુસ્તકમાં લખાયું છે કે બૌદ્ધ ધર્મના ધર્મગુરુ લામા હોય છે પરંતુ હકિકતમાં બૌદ્ધ ધર્મના ધર્મગુરુને ભિખ્ખુ કહેવામાં આવે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ એટલે કે BARISSના ચૅરમૅન બાલકૃષ્ણ આનંદ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “બૌદ્ધ ધર્મમાં જાતિઓ છે જ નહીં. ભગવાન બુદ્ધ પોતે ક્ષત્રિય હતા. શરૂઆતમાં તેમની સાથે ક્ષત્રિયો અને બ્રાહ્મણો જોડાયા પરંતુ જ્યારે તેઓ સૌ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા એટલે તેમની જાતિ મટી ગઈ.”

તેઓ કહે છે કે આ પ્રકારની ખોટી માહિતી બાળકોના માનસ પર ખોટી અસર છોડે છે.

બાલકૃષ્ણ આનંદ કહે છે, “પાઠ્યપુસ્તકમાં આ પ્રકારની ખોટી માહિતી ક્યાંથી લેવાઈ એનો રેફરન્સ પણ નથી.” રમેશ બૅન્કર કહે છે, “પાઠ્યપુસ્તક મંડળે આ વિગતો એક ખાનગી પ્રકાશનની પુસ્તિકામાંથી લીધી હતી. તેમણે હકીકત ચકાસવાનું કામ સુધ્ધાં ન કર્યું. કોઈ પણ પુસ્તિકામાં લખેલી વિગતોને સત્ય કેવી રીતે માની શકાય?”

સરકારનું શું કહેવું છે?

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ગુજરાત બૌદ્ધિષ્ટ ઍકેડેમીના સભ્યો ચર્ચા કરતા નજરે પડે છે.

ઇમેજ સ્રોત, RAMESH BANKER

ઇમેજ કૅપ્શન, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ગુજરાત બૌદ્ધિષ્ટ ઍકેડેમીના સભ્યો ચર્ચા કરતા નજરે પડે છે.

બીજી તરફ, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ડિરેક્ટર વી. આર. ગોસાઈએ પણ આ મામલે ભૂલ સ્વીકારી છે.

વી. આર. ગોસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “આ પાઠ્યપુસ્તક વર્ષ 2017માં પ્રકાશિત થયેલું હતું અને બૌદ્ધ ધર્મ વિશે તેમાં કેટલીક વિગતો સત્યથી વેગળી છે તેવી પ્રથમવાર અમને રજૂઆત મળી છે.”

પુસ્તકમાં આ પ્રકારની વિગતો ક્યાંથી આવી? આ પ્રશ્નનો ઉત્તર આપતા વી. આર. ગોસાઈ કહે છે, “વર્ષ 2005માં પ્રકાશિત ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે જે માહિતી સમાવિષ્ટ કરાઈ હતી તે જ માહિતીમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર આ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ કરાઈ છે.”

આ ભૂલને કેવી રીતે દૂર કરવામાં આવશે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, “જે કોઈ હકીકતદોષ રહેલ હોય તે આધાર-પુરાવાની ચકાસણી કરી જરૂરી સુધારા-વધારા કરી બૌદ્ધ સંપ્રદાયના મુદ્દાનું પુન:લેખન કરવા અંગે લેખક-પૅનલ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.”

જોકે, તેઓ ઉમેરે છે, “આ પાઠ્યપુસ્તકનો 20મી સપ્ટેમ્બર, 2016ના રોજ રિવ્યૂ કારાવાયો હતો. જેના રિપોર્ટમાં તજજ્ઞો દ્વારા પુસ્તકમાં અન્ય સૂચિત સુધારાઓની સાથે કોઈ ધર્મ કે સમુદાય માટે વાંધાજનક અધટિત બાબત જણાઈ આવી નથી તેવું જણાવાયું હતું. ત્યારબાદ સરકારની મંજૂરી મળ્યા બાદ આ પુસ્તક વર્ષ 2017માં પ્રકાશિત કરવામાં આવ્યું.”

તેમણે જણાવ્યું કે બુદ્ધિષ્ટ ઍકેડેમી દ્વાર બૌદ્ધ ધર્મ વિશેની વિગતદોષ અંગેનું લેખન મોકલી અપાય એટલે આધાર-પુરાવાની ચકાસણી કરીને જરૂરી સુધારા-વધારા સાથેનું પુન:લેખન વિદ્યાર્થીઓને મળે એવાં પગલાં ભરવામાં આવશે.