ગુજરાતમાં હિંદુમાંથી બૌદ્ધ ધર્મ અપનાવવા માટે શું નિયમો છે, ધર્મપરિવર્તન માટેની પ્રક્રિયા શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યમાં ‘બૌદ્ધ, શીખ અને જૈન ધર્મ એ હિંદુ ધર્મથી સ્વતંત્ર હોવાનો અને તે અંગીકાર કરતા પહેલાં સરકારની પૂર્વમંજૂરી લેવાનું ફરજિયાત’ હોવાનું જણાવતો પરિપત્ર બહાર જાહેર કર્યો હતો.

આ બાબત ધ્યાને આવતાં જ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં આ મામલો સમાચારોમાં છવાઈ ગયો હતો.

ઘણાં મીડિયા સંસ્થાનોમાં આ સમગ્ર બાબત એવી રીતે રજૂ કરવામાં આવી રહી હતી કે ગુજરાત સરકારે તાજેતરમાં આ બાબતે નિયમ જાહેર કરીને હિંદુ ધર્મમાંથી બૌદ્ધ, શીખ અને જૈન ધર્મ અંગીકાર કરનાર માટે ‘સરકારની પૂર્વમંજૂરી લેવાની’ વાત કરી છે.

આ સમગ્ર મામલે બીબીસી ગુજરાતીએ સ્વતંત્રપણે તપાસ કરી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતમાં હિંદુ ધર્મમાંથી બૌદ્ધ, શીખ અને જૈન ધર્મ અંગીકાર કરવા માટેની પ્રક્રિયા શું છે?

એ પહેલાં જાણી લઈએ કે આખરે ગુજરાત સરકારે કેમ આ પરિપત્ર જાહેર કરવો પડ્યો?

આ પરિપત્રમાં શું હતું અને તેનો શો ઉદ્દેશ છે?

પરિપત્ર

ઇમેજ સ્રોત, Gujarat Government

નોંધનીય છે કે ગુજરાતમાં જે-તે વ્યક્તિએ પોતાનો ધર્મ ત્યાગીને નવો ધર્મ અંગીકાર કરવા માટે જે-તે જિલ્લા મૅજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ફરજિયાત છે.

પરવાનગી માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ના વર્ષ 2008માં જાહેર કરાયેલા નિયમોને અનુસરીને અરજી કરવાની હોય છે.

ગુજરાત સરકારના ગૃહવિભાગે તાજેતરમાં આ પરિપત્ર જાહેર કર્યો હતો. જેના પર વિભાગના નાયબ સચિવ વિજય બધેકાના હસ્તાક્ષર હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરિપત્રમાં જ પરિપત્ર જાહેર કરવા પાછળનું કારણ પણ જણાવાયું છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, "ગુજરાતમાં ધર્મપરિવર્તન સંબંધી પૂર્વ પરવાનગી અંગેના કાયદા અને નિયમોનું જિલ્લા મૅજિસ્ટ્રેટની કચેરીઓ દ્વારા મનઘડંત અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જે અનુસાર અરજદારોની હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અપનાવવાની અરજીઓ અંગે નિયમોનુસાર કાર્યવાહી ન કરાતી હોવાનું ધ્યાને આવ્યું છે."

પરિપત્રમાં જણાવાયું છે કે "માત્ર જિલ્લા મૅજિસ્ટ્રેટની કચેરીઓ દ્વારા જ નહીં, પરંતુ કેટલાક કિસ્સામાં અરજદારો અને સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા પણ હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પૂર્વમંજૂરીની જરૂરિયાત ન હોવાની રજૂઆત કરાય છે."

"જેમાં ભારતના બંધારણના અનુચ્છેદ 25(2) અંતર્ગત હિંદુ ધર્મમાં બૌદ્ધ, શીખ અને જૈન ધર્મનો સમાવેશ થતો હોઈ અરજદારે હિંદુ ધર્મમાંથી આ ધર્મ અંગીકાર કરવા માટે પૂર્વમંજૂરી લેવાની જરૂર ન હોવાનું જણાવી જે-તે કચેરીઓ દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે."

આ સિવાય અરજદારો તથા સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા પણ આવી જ દલીલ કરવામાં આવે છે.

પરિપત્રમાં જણાવાયું છે કે આ પ્રકારની કાર્યવાહીને કારણે ન્યાયિક પડકારો ઊભા થઈ શકવાનું જોખમ રહેલું છે.

પરિપત્રમાં જિલ્લા મૅજિસ્ટ્રેટોને સૂચના અપાઈ છે કે ધર્મપરિવર્તન માટે મંજૂરી આપવા માટેની અરજી અંગે અરજદારને પ્રત્યુત્તર પાઠવતા પહેલાં કાયદાકીય જોગવાઈઓ અને રાજ્ય સરકારની વખતોવખતની સૂચનાનો અભ્યાસ કરીને અરજદારની રજૂઆત અંગે યોગ્ય નિર્ણય કરાય એ સુનિશ્ચિત કરવું.

બંધારણના અનુચ્છેદ 25(2) (બી)ની વાત કરીએ તો તેમાં નોંધાયું છે એ પ્રમાણે – આ કલમની કોઈ બાબત સામાજિક કલ્યાણ અને હિંદુઓ માટે જાહેર હિંદુ ધાર્મિક સંસ્થાનો ખુલ્લાં મૂકવાથી સરકારને બાધિત નહીં કરી શકે અથવા આ સંદર્ભે સરકારના કોઈ વર્તમાન કાયદાને અસર નહીં કરે.

આ અનુચ્છેદની સ્પષ્ટતામાં લખાયું છે કે આ કલમ સંદર્ભે હિંદુમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો પણ સમાવેશ થશે અને હિંદુ ધાર્મિક સંસ્થાનોની વ્યાખ્યામાં પણ આ બાબત ધ્યાને લેવાની રહેશે.

ગુજરાતમાં ધર્મપરિવર્તનની પ્રક્રિયા શું છે?

પરિપત્ર

ઇમેજ સ્રોત, Gujarat Government

ગુજરાત સરકારે જાહેર કરેલા તાજેતરના પરિપત્રમાં જ હિંદુ ધર્મમાંથી બૌદ્ધ, શીખ કે જૈન ધર્મ અંગીકાર કરવા માટેની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરા ઈ છે.

નોંધનીય છે કે રાજ્યમાં ધર્મપરિવર્તનની બાબતોના નિયમન માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 અમલમાં મૂકવામાં આવ્યો છે.

પરિપત્રમાં પણ આ કાયદાની જોગવાઈને ટાંકતાં ઉપરોક્ત સંદર્ભમાં લખાયું છે કે, "ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ની કલમ 5 (1)ની જોગવાઈ અનુસાર હિંદુ ધર્મમાંથી બૌદ્ધ, શીખ અને જૈન ધર્મ અંગીકાર કરાવનારે જિલ્લા મૅજિસ્ટ્રેટને નિયત નમૂનામાં અરજી કરીને પૂર્વમંજૂરી મેળવવાની રહેશે તથા કલમ 5(2) અનુસાર ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિએ પણ નિયત નમૂનામાં જિલ્લા મૅજિસ્ટ્રેટને જાણ કરવાની રહેશે."

કાયદાની કલમ 5 (3)માં આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તેને એક વર્ષ સુધી સજા કે એક હજાર રૂપિયા સુધી દંડ અથવા બંને કરવાની જોગવાઈ કરાઈ છે.

આ અધિનિયમની અન્ય જોગવાઈઓની વાત કરીએ તો કલમ 6 અનુસાર આ કાયદા અંતર્ગત જિલ્લા મૅજિસ્ટ્રેટ અથવા સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટથી હોદ્દામાં નીચા ન હોય અથવા તેમના દ્વારા સત્તા અપાઈ હોય એવા અધિકારીની પૂર્વમંજૂરી વિના ખટલો ચલાવી શકાશે નહીં.

કાયદાની કલમ 7 અનુસાર આ સંદર્ભનો ગુનો કૉગ્નિઝેબલ એટલે કે વોરંટ વિના ધરપકડને પાત્ર ઠરાવવામાં આવ્યો છે.

ધર્મપરિવર્તનની પ્રક્રિયાને કાયદાકીય આંટીઘૂંટીને બૌદ્ધ ધર્મ દીક્ષા અંગીકાર અભિયાનના કન્વીનર, દીક્ષાદૂત આનંદ સરળ શબ્દોમાં સમજાવે છે.

તેઓ કહે છે કે, "ધર્મપરિવર્તન કરવા માટે વ્યક્તિએ જે તે જિલ્લા કચેરીમાંથી આ હેતુ માટેનું ફૉર્મ (ક) મેળવી, તેમાં જાહેર કરવાનું હોય છે કે તેઓ કોઈ પણ પ્રકારની બળજબરી કે લોભ-લાલચ વિના ધર્મપરિવર્તન કરવા ઇચ્છુક છે. આ વિગતો ભરીને ફૉર્મ જમા કરાવાય છે."

આનંદ કહે છે કે આ ફૉર્મ ધર્મપરિવર્તનના એક મહિના પહેલાં ભરવાનું હોય છે, જે બાદ કલેક્ટર અરજીને ધ્યાને લઈને યોગ્ય હુકમ આપે છે.

આનંદ આગળ વાત કરતા કહે છે કે, "ધર્મપરિવર્તન કર્યાના સાત દિવસ બાદ વ્યક્તિએ કચેરી પાસેથી આધિકારિક નકલ મેળવવા માટે ફૉર્મ (ગ) ભરીને આપવાનું હોય છે."

જો આ થાય તો જ જે તે વ્યક્તિ સફળતાપૂર્વક ધર્મપરિવર્તન કરી શકી છે એવું કહી શકાય.

જિલ્લા મૅજિસ્ટ્રેટની પૂર્વમંજૂરીની જરૂરિયાત અંગેનો તર્ક આપતાં શું કહે છે નિષ્ણાત?

પરિપત્ર

ઇમેજ સ્રોત, Gujarat Government

ગુજરાત હાઈકોર્ટના વકીલ અંબાલાલ ચૌહાણ ધર્મપરિવર્તન બાબતે જિલ્લા મૅજિસ્ટ્રેટ કે કલેક્ટરની પૂર્વમંજૂરી અંગેની જોગવાઈનો તર્ક આપે છે.

તેઓ કહે છે કે આ કાયદાનો હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના માનસિક, સામાજિક કે આર્થિક દબાણ હેઠળ ધર્મપરિવર્તન ન કરે.

ચૌહાણ કહે છે કે, "આ કાયદો દરેક ધર્મને સમાનપણે લાગુ પડે છે. આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે ગમે તે એક ધર્મને ત્યાગીને બીજો ધર્મ અંગીકાર કરવા માટે જિલ્લા મૅજિસ્ટ્રેટની પૂર્વમંજૂરી લેવાનું અનિવાર્ય છે."

તેઓ કહે છે કે જો ધર્મપરિવર્તન માટે કલેક્ટરની પૂર્વમંજૂરી ન મેળવવામાં આવે તો તેવા કિસ્સામાં ધર્મપરિવર્તન માન્ય ગણાશે નહીં. આવી વ્યક્તિ પોતાનાં પ્રમાણપત્રોમાં યોગ્ય સુધારા કરાવી શકશે નહીં.

ઍડ્વોકેટ ચૌહાણ કહે છે કે, "આ કાયદાનો મુખ્ય હેતુ બાહ્ય દબાણથી ધર્મ સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાનો છે. આ કાયદામાં ગેરકાયદેસર ધર્મપરિવર્તન સામે રક્ષણ આપવા અને આવા પ્રયાસો બદલ સજા કરવાની જોગવાઈ છે."

વિવાદમાં રહી હતી કાયદા આ કલમ

એપ્રિલ 2021માં ગુજરાત સરકારે વર્ષ 2003ના કાયદાની કલમ 3 સહિતની કેટલીક કલમોમાં સુધારો કર્યો હતો.

બિલ રજૂ કરીને પાસ કરાતા નવો કાયદો - ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 બન્યો.

એ વખતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે પત્રકારો સમક્ષ કહ્યું, "ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં નવા સુધારાના માધ્યમથી નવું બિલ તૈયાર કરી કાયદો લવાયો છે. લવજેહાદ સામેનો આ કાયદો (બિલ) છે."

તેમણે કહ્યું, "નાની, કુમળી માનસિકતા ધરાવતી દીકરીઓનું લવજેહાદના નામે ધર્માંતરણ કરાવીને, એની સાથે લગ્નગ્રંથીથી જોડાઈને એમનું જીવન નરક બનવારા જેહાદીઓ સામે કડક કાર્યવાહી માટે સરકારે આ પગલું ભર્યું છે."

જોકે તેની કલમ 3 સહિતની અમુક સુધારેલી કલમોને પડકારતી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે કહ્યું હતું કે આનો હેતુ બળજબરી કે દબાણ કે લોભ લાલચથી ધર્મપરિવર્તન પર કડક વલણ અપનાવવાનો છે. 2021માં કાયદાની કલમોમાં સુધારા કરવામાં આવ્યા હતા જેમાં ગુના માટે જવાબદાર વ્યક્તિને મહત્તમ દસ વર્ષની જેલ અને પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. આ મામલે પુરાવાની જવાબદારી આરોપી પર રહેશે અને ડીએસપી જેવા ઉચ્ચ રૅન્કના પોલીસ અધિકારીને તપાસ આપી શકાય, એવી પણ જોગવાઈ કરવામાં આવી હતી.

કાયદાની જે કલમ 3 સુધારવામાં આવી હતી તેમાં 'બળજબરીથી થતા ધર્માંતરણના નિષેધ'ને ફરીથી વ્યાખ્યાયિત કરાયું હતું.

19 ઑગસ્ટના રોજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ)ના કાયદા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. આ કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઈકોર્ટે તત્કાળ રોક લગાવી દીધી હતી.

ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાના અમલ પર હાઈકોર્ટે રોક લગાવી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની પીઠે આ મહત્ત્વનો વચગાળાનો ચુકાદો આપ્યો હતો.

ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાના અમલ પર હાઈકોર્ટે રોક લગાવી હતી.