ગુજરાત બજેટમાં લઘુમતીઓના બજેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ હાલમાં જ રાજ્યનું ત્રણ લાખ કરોડથી વધુનું બજેટ રજૂ કર્યું હતું.
- 2023-24 માટે બજેટમાં લઘુમતી સમુદાયો માટે 7399.57 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- કેટલાકનું માનવું છે કે "કુલ બજેટનું માત્ર 0.024 ટકા રકમ લધુમતી સમુદાયો માટે ફાળવવામાં આવી છે. તેની સીધી અસર તેમના વિકાસ અને ખાસ તો શિક્ષણ પર પડશે."
- નાણા વિભાગના ઍડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી જે.પી.ગુપ્તા પ્રમાણે "લઘુમતીઓના વિકાસ માટે સરકાર યોગ્ય પગલાં નથી લેતી તે કહેવું ખોટું છે. કારણ કે સરકારની એવી ઘણી બીજી યોજનાઓ છે, જેમાં લઘુમતી સહિત અનેક સમુદાયોનો સર્વાંગી વિકાસ થાય છે.

ગુજરાત રાજ્યના વાર્ષિક બજેટમાં એક તરફ જ્યારે 23 ટકા જેટલો વધારો થયો છે, ત્યાં બીજી બાજુ ગુજરાતના લધુમતી સમુદાયોના વિકાસ, કલ્યાણ અને શિક્ષણ માટેની નાણાકીય જોગવાઈઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
2023-24 માટે રૂપિયા ત્રણ લાખ કરોડથી વધારેના બજેટમાં લઘુમતી સમુદાયો માટે 7399.57 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
એક તરફ જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના બજેટમાં કુલ 16.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યાં લઘુમતીઓ માટે ફાળવવામાં આવેલા બજેટમાં ગયા વર્ષે જે રૂપિયા 8058.67 લાખની જોગવાઈ હતી, તેને ઘટાડીને 7399.57 લાખ કરી દીધી છે.
2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લઘુમતીઓમાં આશરે 58 લાખ મુસ્લિમ, ત્રણ લાખ ખ્રિસ્તી, પાંચ લાખ જૈન, 30 હજાર જેટલા બૌદ્ધ અને શીખ સમુદાયના આશરે 58 હજાર જેટલા લોકો રહે છે. આમ લઘુમતીઓની લગભગ 70 લાખની વસ્તીમાં આશરે 85 ટકાથી વધારેની વસ્તી મુસ્લિમ સમુદાયની છે. લઘુમતીઓના વિકાસનાં કામો તેમજ શિક્ષણ જેવી મહત્ત્વની વ્યવસ્થાઓમાં વપરાતાં નાણાની રકમમાં થયેલા ઘટાડા પર ઘણા લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
જેમ કે માઇનૉરિટી કોઑર્ડિનેશન કમિટી (MCC)ના કન્વીનર મુજાહિદ નફીસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "રાજ્યના કુલ બજેટની સંખ્યામાં લધુમતીઓ માટે ખૂબ જ ઓછી રકમ દર વર્ષે ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે સાવ નજીવી રકમની ફાળવણી કરીને જાણે લઘુમતી સમાજ સાથે સરકારે મજાક કરી હોય તેવું લાગે છે. કુલ બજેટની માત્ર 0.024 ટકા રકમ લધુમતી સમુદાયો માટે ફાળવવામાં આવી છે. તેની સીધી અસર તેમના વિકાસ અને ખાસ તો શિક્ષણ પર પડશે. "
લઘુમતી સમુદાયો માટે હાલમાં ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમાં ધંધા રોજગાર માટે રૂ 10,000થી બે લાખ સુધીની ટર્મ લોન, રૂપિયા ચાર લાખથી 20 લાખ રૂપિયા સુધીની શૈક્ષણિક લોન, રૂપિયા 6 લાખથી 30 લાખ સુધીની વિદેશ અભ્યાસ કરવા માટેની લોન, 20 સભ્યોવાળી મંડળી માટે માઇક્રોફાઇનાન્સ સ્કીમ અંતર્ગત લોન, વ્યવસાયિક તાલીમ માટેની સ્કીમ તેમજ લઘુમતી સમુદાયોના હસ્તકલાના કારીગરો માટે બજારની વ્યવસ્થા કરી આપવા માટેની વિવિધ યોજનાઓ છે.

રિવાઇઝ્ડ બજેટમાં ઘટી જતી હોય છે રકમ?

ઇમેજ સ્રોત, GUJINFO
જોકે લઘુમતી સમુદાયના લોકોને ભય છે કે જે રકમ હાલમાં ફાળવવામાં આવી છે, તે રકમ પણ આવનારા સમયમાં રિવાઇઝ્ડ બજેટમાં ઘટી જશે.
આ પહેલાં છેલ્લાં પાંચ વર્ષના બજેટના આંકડા જોતા જાણવા મળે છે કે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે બજેટ એસ્ટિમેટનો આંકડો, રિવાઇઝ્ડ બજેટમાં ઘટી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાત સરકારના બજેટના આંકડા પ્રમાણે 2018-19માં લઘુમતીઓ માટે બજેટ એસ્ટિમેટ હતું 6383.16 લાખ જે રિવાઝ્ડ બજેટમાં 6160.16 લાખ થઈ ગયું હતું. એટલે કે 223 લાખ રૂપિયાનો ઘટાડો થયો. આવી જ રીતે 2019-20માં 6293.86 લાખની બજેટ એસ્ટિમેટ સમયની રકમને રિવાઇઝ્ડ બજેટ સમયે 78.61 લાખનો ઘટાડો કરીને 6215.25 લાખ કરી દેવાઈ હતી.
2020-21ની 10135 લાખની રકમને રૂ. 7605 લાખ કરી દેવામાં આવી હતી, જ્યારે 2021-22ની રકમને રૂ 7161.31 લાખથી ઘટાડીને રૂ. 4961.31 લાખ કરી દેવમાં આવી હતી, જેમાં રૂ. 2200 લાખ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઘટાડેલી રકમમાં અને ‘ન વપરાયેલી’ રકમ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત સરકારના આંકડા જોતા જાણવા મળે છે કે 2018-19માં આશરે રૂપિયા 1259.51 લાખની રકમ વપરાયા વગરની રહી ગઈ હતી. આ આંકડો 2019-20માં 1197.16 લાખનો હતો, 2020-21માં 1060.05 લાખનો હતો જ્યારે રિવાઇઝ્જ એસ્ટિમેટ બાદ ન વપરાયેલી રકમનો આંકડો 2021-22માં 437.07 લાખ રૂપિયાનો હતો.
આ ન વપારેલી રકમ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ રાજ્ય સરકારના નાણા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી જે.પી. ગુપ્તા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે "સામાન્ય રીતે જ્યારે કોઈ સ્કીમ માટે જ્યારે લાભાર્થી ન મળે ત્યારે રકમ વપરાયા વગર રહી જતી હોય છે."
અર્થશાસ્ત્રી હેમંત કુમાર પ્રમાણે જે રકમનો ખર્ચ ન થઈ શકે તે રકમ બીજા વર્ષમાં કૅરી ફૉર્વર્ડ ન થાય અને તે ફંડ ‘લૅપ્સ’ થઈ જાય છે.
જોકે આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત માઇનૉરિટી ફાઇનાન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના સભ્ય એન.એન.કુચેરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ વિશે બીબીસી ગુજરાતીએ કૉર્પોરેશનના અધ્યક્ષ સુનયના તોમર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે પણ આ વિષય પર વાત થઈ શકી ન હતી.
ઘણા લોકોનું માનવું છે કે સીધી રીતે લઘુમતીઓ માટેની નાણા ફાળવવાની અને તેને વાપરાવાની નીતિમાં ઉદાસીનતા દેખાય છે.
આ વિશે સરકાર સાથે લઘુમતીઓના બજેટ માટે વધુ ફાળવણી થાય અને તે રકમનો યોગ્ય ઉપયોગ થાય તેવી માગણીઓ કરતા મુજાહિદ નફીસ કહે છે કે, “અમે છેલ્લાં ઘણાં વર્ષોથી સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે લઘુમતીઓ માટેના ફંડમાં વધારો થવો જોઈએ."
"જોકે તેનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે, આ વખતે અમારી માગણીઓથી વિપરીત ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.” તેઓ કહે છે કે લઘુમતીઓના વિકાસ માટે સરકાર ચિંતિત દેખાતી હોય તેમ લાગતું નથી.

શું કહેવું છે સરકારનું અને ભાજપનું?

ઇમેજ સ્રોત, GUJ INFO
બીબીસી ગુજરાતીએ આ વિશે નાણા વિભાગના ઍડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી જે.પી.ગુપ્તા સાથે વાત કરી. તેમના પ્રમાણે "લઘુમતીઓના વિકાસ માટે સરકાર યોગ્ય પગલાં નથી લેતી તે કહેવું ખોટું છે. કારણ કે સરકારની એવી ઘણી બીજી યોજનાઓ છે, જેમાં લઘુમતી સહિત અનેક સમુદાયોનો સર્વાંગી વિકાસ થાય છે. જેમ કે ઉજ્જવલા યોજનાએ બધા માટે છે, તેનો ફાયદો લઘુમતીઓને પણ થતો હોય છે."
આવી જ રીતે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, “આ સવાલ અને વાત, વિરોધપક્ષે ફેલાવેલો એક પ્રોપેગન્ડા છે, કે સરકાર લધુમતીઓ માટે ચિંતિત નથી. ગુજરાત રાજ્યની તમામ સ્કીમમાં દરેક વર્ગનો માણસ તેનો ફાયદો લેતો હોય છે, જેમાં લધુમતીઓનો પણ વિકાસ થઈ રહ્યો છે.”
બીજી બાજુ બજેટ વિશ્લેષક અને નિષ્ણાત હેમંત કુમાર શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “લઘુમતીઓની વસતી પ્રમાણે બજેટનું વિભાજન થવું જોઈએ. રૂપિયા ત્રણ લાખ કરોડના બજેટમાં લઘુમતીઓની આશરે 10 ટકાની વસતી પ્રમાણે ઓછામાં ઓછા 15 હજાર કરોડની જોગવાઈ હોવી જોઈએ. લઘુમતીઓમાં મુસ્લિમ સમુદાય સૌથી વધુ (આશરે નવ ટકા)ની વસ્તી ધરાવતો હોય, તેના માટે ખાસ યોજનાઓ વગેરેની જોગવાઈ થવી જોઈએ, તેની જગ્યાએ સરકાર દર વર્ષે તેમના માટેની રકમમાં ઘટાડો કરી રહી છે.”
શું કહેવું છે મુસ્લિમ સમાજનું?

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતમાં રહેતા મુસ્લિમ સમુદાયના સામાન્ય પરિવારોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો.
ભુજમાં રહેતા મોહમ્મદ લાખા કહે છે કે, "એ વાત સાચી છે કે મુસ્લિમ સમુદાયના લોકોને બીજી વિવિધ યોજનાઓ જેમ કે વિધવા સહાય, સિનિયર સિટિઝન સહાય, તેમજ ગરીબ કલ્યાણ મેળા હેઠળ વિવિધ લાભો મળી રહ્યા છે."
"પરંતુ મુસ્લિમ સમાજની પાયાની સગવડો જેમ કે તેમના વિસ્તારોને રહેવા લાયક કરવા, તેમના વિસ્તારોમાં સારી શાળાઓ બનાવવી, ઉચ્ચ શિક્ષણ માટે તેમના વિસ્તારોમાં વ્યવસ્થા કરવી વગેરે જેવી સમસ્યા દિવસે ને દિવસે મોટી થતી જાય છે."
"હું માનું છું કે સરકારની વિવિધ સહાયથી મુસ્લિમ સમાજના ઘણા લોકોને ફાયદો થતો હશે, પરંતુ તેમનું જીવનધોરણ બદલે, ગરીબ મુસલમાનો મુખ્ય સમાજ સાથે આવી શકે તે માટેના સરકારના પ્રયાસો અમારા સુધી પહોંચતા નથી."
આવી જ રીતે મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટનાં સંચાલક અને મુસ્લિમ લેખિકા નાઝનીન શહેરવાલાનું માનવું છે કે, "લઘુમતીઓના ફંડમાં કપાત કરવાથી તેની સીધી અસર મુસ્લિમ સમુદાય પર પડે છે. મુસ્લિમ સમુદાયનો એક મોટો તબકો હજી સુધી ખૂબ પછાત છે, અને સરકારે તેમના પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે."
"ઘણાં મુસ્લિમ બાળકો નવમા ધોરણ પછી અભ્યાસ જ નથી કરી શકતાં. મને લાગે છે કે સરકાર ઇચ્છે જ છે કે મુસ્લિમ સમુદાય પછાત જ રહે અને તેમને સારું શિક્ષણ ન મળે, એટલા માટે તેમના શિક્ષણ પરનો ખર્ચ ઓછો થતો જાય છે."
આવી જ રીતે જમાત-એ-ઇસ્લામ-એ-હિન્દ સંસ્થાના સભ્ય ઇકરામ મિર્ઝાનું કહેવું છે કે, "સંવિધાન પ્રમાણે મુસ્લિમ સહિત તમામ લઘુમતીઓને તેમનો હક્ક મળવો જોઈએ, સરકારી સંસાધનો પર અમારો દેશના બીજા નાગરિકોની જેટલો જ છે, તેવામાં અમારા માટે કોઈ પણ પ્રકારની યોજના ન હોય તે તો ન ચાલે."
મુજાહિદ નફીસ છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારમાં માઇનૉરિટી માટે એક ખાસ કમિશન બનાવવાની માગણી કરી રહ્યા છે.
દર બજેટ પહેલાં તેઓ પોતાની માગણીઓ સરકાર સમક્ષ મૂકતા હોય છે, અને આ વર્ષના બજેટ પૂર્વે પણ તેમણે રહેઠાણ વિહોણા મુસ્લિમ સમુદાયના લોકોને રહેઠાણ આપવા ઉપરાંત બીજી અનેક માગણીઓ મૂકી હતી. જોકે તેમની માગણીઓનો સ્વીકાર થયો નથી.
જો રાજસ્થાન, મધ્ય પ્રદેશ કે કર્ણાટક જેવાં રાજ્યોની વાત કરવામાં આવે તો આ રાજ્યોમાં લઘુમતી સમુદાયો માટે અલગ ખાતું હોય છે. જેમ કે રાજસ્થાનમાં ડિપાર્ટમેન્ટ ઑફ માઇનૉરિટી અફેયર્સ નામથી એક અલગ ખાતું છે જેના મંત્રી કેબિનટ કક્ષાના મંત્રી છે. હાલમાં રાજસ્થાનમાં સલેહ મોહમ્મદ આ ખાતાના મંત્રી છે. આવી જ રીતે કર્ણાટકમાં ડિપાર્ટમેન્ટ ઑફ માઇનૉરિટી વેલફેર છે, જેની હેઠળ કર્ણાટક માઇનૉરિટી ડેવપલમેન્ટ કૉર્પોરેશન અને કર્ણાટક સ્ટેટ માઇનૉરિટી કમિશનની પણ રચના કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં બૅકવર્ડ ક્લાસિસ ઍન્ડ માઇનૉરિટીઝ વેલફેર ડિપાર્ટમૅન્ટની અલગથી રચના કરવામાં આવી છે.

શું કહેવું છે બૌદ્ધ લઘુમતી સમાજનું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં લઘુમતીઓમાં સૌથી વધુ સંખ્યા મુસ્લિમોની છે, પરંતુ તેની સાથે આ કૅટેગરીમાં શીખ, બૌદ્ધ, પારસી, જૈન, તેમજ અમુક યોજનાઓ માટે ભાષાકીય માઇનૉરિટી જેમ કે સિંધી વગેરેનો સમાવેશ થાય છે.
આ વિશે વાત કરતા બૌદ્ધ આગેવાન આનંદ સાક્યે બીબીસીને જણાવ્યું કે, "મોટા ભાગના બૌદ્ધ લોકો એ ખૂબ જ પછાત વર્ગથી આવતા હોય છે, તેમના વિકાસ માટે ખાસ યોજનાઓ, ખાસ લાભોની ખૂબ જરૂર છે."
"માત્ર દલિત જ નહીં પરંતુ દલિત સિવાય પણ બીજા સમાજના લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા હોય છે અને તેઓ માઇનૉરિટી હોવા ઉપરાંત સરકારની કોઈ યોજના ખાસ તેમના માટે ન હોવાથી તેઓ વિકાસથી વંચિત રહી જાય છે."














