“મોદીસાહેબ એવું કહે છે કે ખેડૂતોને ડબલ ભાવ મળ્યા, તો આમાં...” ગુજરાતના ડુંગળી વાવનારા ખેડૂતોની ફરિયાદ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
- લેેખક, તેજલ પ્રજાપતિ
- પદ, બીબીસી ગુજરાતી

- ગુજરાતના ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટે 25 ફેબ્રુઆરીએ જાહેર કરેલા ડુંગળીના ભાવની કિંમત 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી
- જૂનાગઢ ઉપરાંત ભાવનગર, રાજકોટ, જામનગર અને અમરેલીના ખેડૂતોએ મોટાપાયે ડુંગળીનું વાવેતર કરે છે
- ભાવનગરને ડુંગળીનું હબ માનવામાં આવે છે

“ડુંગળીનો ભાવ ન મળવાના કારણે ઘેટાં-બકરાંને ખવડાવી દીધી. ડુંગળીના પાકમાં સારો ભાવ મળે તો જ નફો થાય, સારો ભાવ ન મળવાના કારણે ખેડૂતોની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે.”
આ શબ્દો છે રાજકોટના રાયડીના પ્રવીણભાઈ ભૂવાના.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં લસણ-ડુંગળીનું વાવેતર કરનારા અનેક ખેડૂતોની આવી જ સ્થિતિ છે.
ડુંગળીના જોઈએ તેટલા ભાવ ન મળવાના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીના પાક માટે તેમણે જેટલો ખર્ચ કર્યો છે, તેટલો ખર્ચ નીકળી શકે તેટલો ભાવ પણ તેમને મળી રહ્યો નથી.
મહારાષ્ટ્રના નાસિક નજીક લાસાલગામ કૃષિ ઉત્પાદન બજાર સમિતિને એશિયાનું ડુંગળીનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે. ત્યાં પણ ડુંગળીના ભાવ ઘટ્યા છે.

ગુજરાતના ખેડૂતો શું કહે છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાયડીના મોહનભાઈ સરતારાએ કહ્યું કે, “અમે આ વર્ષે ડુંગળીનું વાવેતર 10 વીઘામાં કર્યું અને 10 વીઘાના વાવેતરમાં 18 હજારનું બિયારણ લીધું હતું. એક વીઘાએ સવા કિલો જેટલું બિયારણ નાખ્યું હતું, પરંતુ ગરમીના કારણે ઊગ્યું નહીં.”
“તેથી બીજી વાર લઈને વાવ્યું હતું, એટલે કે ફરી વાર બિયારણ, દવા, મજૂરીનો ખર્ચ થયો, પાણી રાત્રે આવે એથી રાત્રે વાવેતર કર્યું.”
તેઓ કહે છે, “આ પરિસ્થિતિમાં ડુંગળીનું ઉત્પાદન કર્યું છતાં પૂરતા ભાવ નથી મળતા. એક મણના લણામણના જ 40 રૂપિયા આપીએ, બીજા ખર્ચા તો અલગ થાય છે, તેના ભાવ મળતા નથી તેથી અમારે ન છૂટકે ઘેટાં-બકરાંને ખાવા આપવી પડે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“મોદીસાહેબ એવું કહે છે કે ખેડૂતોને ડબલ ભાવ મળ્યા, તો આમાં ક્યાં ડબલ ભાવ મળ્યો કહેવાય.”
તેઓ એમ પણ કહે છે કે આજે ખેડૂત નહીં બચે તો આ દેશ નહીં બચે. ખેડૂતના બધા પાકની આ જ સ્થિતિ છે. સરકાર પાસે માગણી છે કે ખેડૂત બાજુ ધ્યાન આપો નહીં તો આવનારો સમય મુશ્કેલીનો હશે.

ડુંગળીના કેટલા રૂપિયા મળ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટે 25 ફેબ્રુઆરીએ જાહેર કરેલા ડુંગળીના ભાવની કિંમત 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે અને 20 કિગ્રાએ તેનો નીચો ભાવ 40 રૂપિયા અને ઊંચો ભાવ 150 રૂપિયા છે.
માજી કિસાન સંઘ પ્રમુખ અને ખેડૂત દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં છૂટુંછવાયું વાવેતર ડુંગળીનું થતું હોય છે. ડુંગળીનો પાક શિયાળા અને ચોમાસામાં પણ લેવામાં આવે છે.”
“ડુંગળીના શિયાળું પાકમાં વધુ વાવેતર થવા લાગ્યું છે, પરંતુ ખેડૂતો બજારની અનિયમિતતાના કારણે ભોગ બને છે. ઘણી વખત ડુંગળીના એક મણે 1000, 1200ના ભાવ મળતા હોય છે, ત્યારે ખેડૂતો લલચાઈને બીજા વર્ષે વિશેષ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરતા હોય છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “હાલની બજારની હાલત જોઈએ તો માત્ર 50થી 125 રૂપિયે મણ ડુંગળી વેચાય છે, ત્યારે એ ખેડૂતો માટે રડવાનો વારો કહેવાય. ડુંગળીનો સમગ્ર ખર્ચો જ મણે 70થી 100 રૂપિયા જેટલો થઈ જાય છે, ત્યારે તે 100 રૂપિયાના ભાવે વેચાય તો ખેડૂતોને એક પણ રૂપિયો તેમાં મળતો નથી.”
દિલીપ સખિયાએ કહ્યું હતું કે સરકારે ખેડૂતને સબસિડીમાં વધારે સહાય આપી દરેક ગામમાં ડુંગળી સાચવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેમને સારો ભાવ મળી શકે. હાલ બજાર ઘણું નીચું છે.
તેમના મતે, ખેડૂતોને ડુંગળીનું વાવેતર કરવા પાછળ તેનું બિયારણ, રોપણી, નિંદામણ, ખાતર, પાણી , લણણી, ટ્રાન્સપૉર્ટનો તમામ ખર્ચ 50થી 100 રૂપિયાનો મણનો ખર્ચ થઈ જતો હોય છે.
“એક વખતે રૂપાણી સરકાર સમયે ખેડૂતને કિલોએ એક કે બે રૂપિયાની સબસિડીની સહાય કરી હતી, તેવી હાલ પણ આર્થિક સબસિડીની સહાય કરવામાં આવે તો ખેડૂતને ઘણી મદદ મળી રહેશે.”

ડુંગળીના ભાવ અંગેનાં કારણો

ઇમેજ સ્રોત, EPA
ભાવનગર અને મહુવા ડુંગળીના વેચાણ માટેનું મુખ્ય મથક છે. અહીં રોજની 80થી 90 હજાર બોરી વેચાતી હોય છે. અહીંથી રાજસ્થાન, બિહાર, બંગાળ, પંજાબ, દિલ્હી અને એમપીમાં માલ જતો હોય છે.
ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહ માર્કેટ યાર્ડના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું હતું કે, “દર વર્ષે વિદેશમાં પણ ડુંગળીની વધુ માગ હોય છે, ત્યારે આ વર્ષે બહારના દેશમાંથી ઓછી માગ હોવાના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ઉત્પાદન માટેનો ખાતર, બિયારણ, મજૂરી અને યાર્ડ સુધી પહોંચાડવાનું ટ્રાન્સપૉર્ટેશન માટેનો અંદાજે ખર્ચ 225 રૂપિયે પડતર થતો હોય છે, એ માલ હાલ 50થી લઈને 80 રૂપિયા સુધીમાં 80-90 ટકા માલ વેચાય છે. તેથી તેમને નુકસાન જાય છે.”
આ વિષયને લઈને તેઓએ સરકારમાં માગણી કરી હતી કે, સરકાર ટેકાના ભાવે ખરીદી ન શકે, કારણ કે આ સ્ટોર થઈ શકે એવી વસ્તુ નથી. હાલ જે ખેડૂતોનો નીચા ભાવે માલ વેચાય છે, તેમના એપીએમસીના રેકર્ડ પર ખેડૂતોને સહાય કરવામાં આવે.
તેઓ કહે છે કે જે ખેડૂતોના માલ વેચાયા નથી, તેમની માટે સરકાર દ્વારા એક્સપૉર્ટને પ્રોત્સાહન મળે એવી નીતિ બનાવવામાં આવે, તેથી બચેલો માલ વેચી શકાય. ભાવ સારા ન મળતા હોવાથી ખેડૂતોએ માલ ખેડીને ખાતર બનાવવાનું ચાલુ કર્યું છે.

તંત્ર શું કહે છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
નરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું હતું કે, “ભાવનગર ડુંગળી માટે હબ ગણાય છે. ગોંડલ અને હળવદમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી નવો પાક શરૂ થયો છે. ડુંગળીનો પાક ત્રણ મહિનામાં પાકી જતો હોય છે, તેથી ઓછું પાણી હોય તો પણ ડુંગળી પકવી શકાય છે. અગાઉ ડુંગળીના સારા ભાવ મળ્યા હોવાથી ખેડૂતોને આશા હોય છે કે બીજા મોલની અંદર તેની આવકનું મૂલ્ય નિશ્ચિત હોય છે.”
તેઓ કહે છે કે ડુંગળી રોકડિયો પાક છે, તેથી ખેડૂતો ડુંગળીનું વાવેતર વધુ કરતા હોય છે. અગાઉ વધુમાં વધુ ડુંગળીનો ભાવ 1400થી 1500 રૂપિયે 20 કિલો વેચાઈ હતી, ત્યારથી ખેડૂતોને ડુંગળીનો મોહ વધ્યો હતો, તેથી દર વર્ષે આશા રાખીને ડુંગળીનું વાવેતર કરે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “ગયા વર્ષે ભાવ બરાબર ન મળવાના કારણે આ વર્ષે ખેડૂતોને ડુંગળીનું વાવેતર કરવાની ઇચ્છા ઓછી હતી, પણ આ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે ખેડૂતોને એમ હતું કે પાણી ઓછું છે તેથી ડુંગળીનું ઉત્પાદન ઓછું થશે, તેથી મોટા ભાગના ખેડૂતો ભાવ વધુ મળવાની આશાએ ડુંગળી વાવવા તરફ વળ્યા હતા.”
દર વર્ષે ડુંગળીની કળી જે બીજ વાવવા માટે ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે, આ કળી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં ભાવનગરથી જતી હોય છે, તે આ વર્ષે ઓછી ગઈ છે.
ખેડૂતોએ જે વેચવા માટેની કળી તૈયાર કરેલી હતી તે વેચાઈ નહીં, તેથી ખેડૂતે તેનો તેમના ખેતરમાં વાવેતર કર્યું હતું અથવા ઓછા ભાવે આપી દીધી હતી.
તો ગુજરાતની એક સ્થાનિક ચેનલ સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે કેન્દ્ર સરકાર વતી હું રાજ્ય સરકાર સાથે વાત કરીશ અને ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તેવો રસ્તો કાઢીશું.

તુર્કીથી કઝાકિસ્તાન સુધી ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે

ઇમેજ સ્રોત, AFP
નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર, સમગ્ર વિશ્વમાં ડુંગળીની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ઘણા દેશોમાં તેની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. એવી સ્થિતિ થઈ ગઈ છે કે ઘણા દેશોમાં લોકોને ડુંગળી વિના જીવવું પડે છે.
તેની શરૂઆત ફિલિપાઈન્સથી થઈ છે. ત્યાં ડુંગળી એટલી મોંઘી થઈ ગઈ છે કે લોકો તેની તુલના સોના સાથે કરવા લાગ્યા છે. હવે ઘણા દેશોમાં ડુંગળીના ભાવ આસમાને છે.
તુર્કીથી લઈને કઝાકિસ્તાન સુધી ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. એક રીતે, ડુંગળી વૈશ્વિક ખાદ્યસંકટનું પ્રતીક બની ગઈ છે. જાણકારોના મતે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.
શાકભાજીથી લઈને સલાડ અને કરી સુધી સમગ્ર વિશ્વમાં ડુંગળીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. પાકિસ્તાનમાં પૂર, મધ્ય એશિયામાં હિમપ્રકોપ અને યુક્રેનમાં યુદ્ધને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
બીજી તરફ ભારતમાં ખેડૂતોને ખર્ચને અનુરૂપ ભાવ મળી રહ્યા નથી. ખેડૂતોને એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવી પડે છે.
આ દરમિયાન ભારતમાં ડુંગળીની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને એક રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચવી પડી રહી છે.














