ભારત-પાકિસ્તાન લુડો લવસ્ટોરી: મુલાયમ અને ઇકરાનાં પ્રેમ, લગ્ન અને અલગ થવાની કહાણી

ઇકરા અને મુલાયમ

ઇમેજ સ્રોત, BENGALURU POLICE

ઇમેજ કૅપ્શન, ઇકરા અને મુલાયમ
    • લેેખક, અનંત ઝણાણે અને ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી સંવાદદાતા અને બીબીસી સહયોગી
બીબીસી ગુજરાતી
  • 2020માં પાકિસ્તાનનાં 19 વર્ષીય ઇકરા પ્રયાગરાજના 21 વર્ષીય મુલાયમસિંહ યાદવ સાથે ઑનલાઈન લુડો રમતા પ્રેમમાં પડ્યાં
  • ઈકરા નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત પહોંચ્યાં હતાં
  • બંનેએ લગ્ન કરી લીધાં અને બેંગલુરુમાં રહેવાં લાગ્યાં
  • પોલીસને ઇકરાના પાકિસ્તાનમાં થતાં વૉટ્સએપ કોલ પર શંકા ગઈ
  • તપાસ બાદ તેમને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યાં અને મુલાયમની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે
  • મુલાયમસિંહ યાદવનો પરિવાર હવે સરકારને તેમની 'ઘરની વહુ' પરત કરવા અને તેમના પુત્રને મુક્ત કરવા વિનંતી કરી રહ્યો છે
બીબીસી ગુજરાતી

પાકિસ્તાનના હૈદરાબાદનાં 19 વર્ષીય ઇકરા જીવાની અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના 21 વર્ષીય મુલાયમસિંહ યાદવ ઑનલાઇન લુડો રમતા પ્રેમમાં પડ્યાં. વર્ષ હતું 2020નું.

ઇકરા નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત પહોંચ્યાં હતાં. બંનેએ લગ્ન કરી લીધાં અને બેંગલુરુમાં રહેવાં લાગ્યાં.

પરંતુ પોલીસને ઇકરાના પાકિસ્તાનમાં થતાં વૉટ્સઍપ કોલ પર શંકા ગઈ. તપાસ બાદ તેમને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યાં હતાં.

પોલીસે મુલાયમની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

મુલાયમસિંહ યાદવનો પરિવાર હવે સરકારને તેમની 'ઘરની વહુ' પરત કરવા અને તેમના પુત્રને મુક્ત કરવા વિનંતી કરી રહ્યો છે.

આવો અમે તમને ઇકરા અને મુલાયમના પ્રેમ, લગ્ન અને અલગ થવાની કહાણી જણાવીએ.

બીબીસી ગુજરાતી

'લુડો રમતા પ્રેમ'

ઇકરા અને મુલાયમ

ઇમેજ સ્રોત, JEETLAL YADAV

ઇમેજ કૅપ્શન, ઇકરા અને મુલાયમ

આ વર્ષે 19 ફેબ્રુઆરીએ ઇકરા જીવાનીને વાઘા બૉર્ડરેથી પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યાં હતાં.

તેમનો ગુનો ગેરકાયદેસર રીતે ભારતમાં આવવાનો હતો. તેમનાં લગ્ન પ્રયાગરાજના મુલાયમસિંહ યાદવ સાથે થયાં હતાં અને તેમની સાથે બૅંગ્લુરુમાં રહેતાં હતાં.

બૅંગ્લુરુ પોલીસના સૂત્રો અનુસાર, મુલાયમસિંહ યાદવે કોવિડ લૉકડાઉન બાદ 2020માં સમીર અંસારી બનીને ઑનલાઇન લુડો રમતા ઇકરા સાથે રમવાનું શરૂ કર્યું હતું.

ત્યારે તે માત્ર 19 વર્ષનાં હતાં. તે સમયે 21 વર્ષના મુલાયમ બૅંગ્લુરુમાં એક આઈટી કંપનીમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા.

બંને વચ્ચેના સંબંધો ગાઢ બન્યા. પછી લાંબા અંતરના સંબંધોની મુશ્કેલીઓ તો હતી જ પરિવાર તરફથી ઇકરા પર લગ્ન કરવાનું દબાણ પણ વધી રહ્યું હતું. આ કારણે મુલાયમની સલાહ પર ઇકરા પાકિસ્તાનથી દુબઈ થઈને નેપાળ પહોંચ્યાં હતાં.

પોલીસનું માનવું છે કે બંનેએ ત્યાંનાં મંદિરમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર 2022માં નેપાળથી પટના થઈને બૅંગ્લુરુ પહોંચ્યાં હતાં. જ્યાં તે બેલંદૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર મુલાયમ કામ કરતા હતા અને ઇકરા ઘરે રહેતાં હતાં. મુલાયમને ઇકરાનું રિયા યાદવના નામે બનાવેલું 'નકલી' આધાર કાર્ડ પણ મળી આવ્યું છે.

બીબીસી ગુજરાતી

વૉટ્સઍપ કૉલિંગથી વાત થતી હતી

પ્રયાગરાજમાં મુલાયમનું ગામ

ઇમેજ સ્રોત, MANVENDRA SINGH

ઇમેજ કૅપ્શન, પ્રયાગરાજમાં મુલાયમનું ગામ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોતાના પરિવારથી દૂર રહેતાં ઇકરાએ પાકિસ્તાનના હૈદરાબાદમાં તેમનાં માતા સાથે વૉટ્સઍપ કૉલિંગ પર વાત કરવાનું શરૂ કર્યું.

બૅંગ્લુરુ પોલીસનું ગુપ્તચર તંત્ર બૅંગ્લુરુમાં યોજાનારા જી-20 કાર્યક્રમ અને ઍર શોને ધ્યાનમાં રાખીને ઘણી સતર્ક હતી અને એ સર્વેલન્સ દરમિયાન ઇકરાના કૉલ પોલીસના રડાર પર આવી ગયા.

ત્યારબાદ બૅંગ્લુરુ પોલીસ ઇકરાને શોધવામાં લાગી ગઈ. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ તો સરહદ પારની લવસ્ટોરીનો મામલો છે.

પૂછપરછ બાદ ઇકરાને 20 જાન્યુઆરીએ ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ)ને સોંપવામાં આવ્યાં હતાં.

બૅંગ્લુરુમાં વ્હાઇટ ફીલ્ડના ડીસીપી એસ ગિરીશે બીબીસીને કહ્યું: "અત્યાર સુધી તેમની (ઇકરા) વિરુદ્ધ ગેરકાયદેસર રીતે દેશમાં આવવા સિવાય અન્ય કોઈ ગુનો નોંધાયો નથી. પરંતુ તપાસ ચાલુ છે."

અન્ય પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, "ગેરકાયદેસર પ્રવેશ અને બનાવટ ઉપરાંત, આ એક લવસ્ટોરી પણ લાગી રહી છે."

મુલાયમસિંહ યાદવની બનાવટ અને ફોરેનર્સ એક્ટ અને આઈપીસીની અન્ય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ બૅંગ્લુરુ સેન્ટ્રલ જેલમાં છે.

બીબીસી ગુજરાતી

સરકારને અપીલ

મુલાયમના માતા શાંતિ દેવી

ઇમેજ સ્રોત, MANVENDRA SINGH

ઇમેજ કૅપ્શન, મુલાયમના માતા શાંતિ દેવી

પ્રયાગરાજના મકસૂદના ગામમાં મુલાયમનાં માતા શાંતિ દેવીએ બીબીસી સંવાદદાતાને કહ્યું, "અમારી માગણી છે કે છોકરા-છોકરીને છોડી દેવામાં આવે, અમે તેમને પુત્રવધૂ બનાવીશું. અમે તેમને સારી રીતે રાખીશું."

"પછી ભલે તે પાકિસ્તાનની હોય કે મુસલમાન, અમે અમારી વહુને અપનાવી લઈશું. જાતિ ગમે તે હોય, બંનેની લગ્ન થઈ ગયાં છે. અમારા દીકરાને છોડી દો. સરકાર ઇચ્છે તો છોકરીને મોકલી દેશે."

મુલાયમનાં માતા પાકિસ્તાન સરકારને કહે છે, "લગ્ન તો થઈ ગયાં છે, બસ બંનેને તેમના ઘરે મોકલી દો."

મુલાયમના ભાઈ જીતલાલ યાદવે બીબીસીને જણાવ્યું કે તેમને મુલાયમ અને ઇકરા વિશે 19 જાન્યુઆરીએ પોલીસ કાર્યવાહી બાદ જ ખબર પડી હતી.

જીતલાલ જણાવે છે કે તેમને હતું કે મુલાયમ તેમના મિત્ર સાથે રહે છે.

બીબીસી ગુજરાતી

"તે અમારી વહુ છે તો તમારી વહુ પણ છે, ભારતની વહુ છે"

જીતલાલ યાદવ

ઇમેજ સ્રોત, JEETLAL YADAV

ઇમેજ કૅપ્શન, જીતલાલ યાદવ

જ્યારે જીતલાલ યાદવને મીડિયા રિપોર્ટ્સ પરથી ખબર પડી કે ઇકરાને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યાં છે ત્યારે તેઓ નિરાશ થઈ ગયાં.

જીતલાલ કહે છે, "મને કહો, અમારા ઘરની આબરૂ કેવી રીતે રહેશે? અમે તેને રાખવા માગીએ છીએ. અમે ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વિશે જાણીએ છીએ, પરંતુ તે લોકોનો ઇરાદો ખોટો થોડો હતો. એ લોકોએ તો પ્રેમ જ કર્યો હતો. જો ભાઈને ખબર પડે કે જેના કારણે હું જેલમાં છું તો તેમની હાલત શું થશે."

જીતલાલ યાદવે વકીલની મદદથી મુલાયમસિંહની જામીન અરજી કોર્ટમાં મૂકી છે.

જીતલાલ કહે છે, "તપાસ થઈ છે. જે પછી ઇકરાને પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે. તો એ તો કહો કે ભાઈને જેલમાં કેમ પૂરી રાખ્યો છે."

તેઓ કહે છે, "ગમે તેમ તોય એ અમારી વહુ છે, તો એ તમારી પણ વહુ છે ને સાહેબ. ઇન્ડિયાની પણ વહુ છે."

બીબીસીએ પાકિસ્તાનમાં ઇકરા અને તેમનાં પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ તકે તેમની સાથે સંપર્ક થઈ રહ્યો નથી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી