નિવૃત્તિ પછી વધુ પેન્શન મેળવવા માટે નવા નિયમો પ્રમાણે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વારિકુટી રામકૃષ્ણ
- પદ, બીબીસી તેલુગુ
હવે લોકો પાસે એ સુવિધા છે કે તેઓ તેમને નિવૃત્તિ પછી મળતા પેન્શનની વધુ રકમ નક્કી કરી શકે છે.
ઍમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) એ સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર 2022 માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
વધુ પેન્શન મેળવવા માટે કોણ હકદાર છે? વધુ પેન્શન મેળવવાની સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? આવો શોધીએ સરકારની નવી યોજનામાંથી આવા સવાલોના જવાબ.
2022માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય અનુસાર વધારે પગાર ધરાવતા લોકો પણ પેન્શન ફંડમાં વધુ પૈસા જમા કરાવી શકે છે. પરંતુ આ માટે શરત એ છે કે આવા લોકો 1 સપ્ટેમ્બર, 2014 પહેલા ઍમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (ઈપીએસ)ના સભ્ય બનેલા હોવા જોઈએ.
આ બે પરિસ્થિતિઓની મદદથી કોર્ટના આ નિર્ણયને સમજીએ.
જો હું સપ્ટેમ્બર 2014 પહેલા નિવૃત્ત થઈ ગયો હોઉં તો શું?
જો તમે સપ્ટેમ્બર 2014 પહેલા નિવૃત્ત થઈ ગયા હો તો તમને આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે વધારે પેન્શન માટે અરજી કરી હશે અને તેને ઈપીએફઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હશે.
જો તમારી અરજીને ઈપીએફઓ દ્વારા નકારી કાઢવામાં આવે તો તમારે વધારે પેન્શન માટે ફરીથી અરજી કરવી પડશે.

ઇમેજ સ્રોત, Getty Images
જો હું સપ્ટેમ્બર 2014 પછી નિવૃત્ત થયો હોઉં તો?
સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી કે જેઓ 1 સપ્ટેમ્બર, 2014 અને 4 નવેમ્બર, 2022 વચ્ચે નિવૃત્ત થયા છે તેઓ વધારે પેન્શન માટે પાત્ર નથી. આ લોકો વધારે પેન્શન માટે અરજી કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો ઈપીએફઓ દ્વારા આવા લોકોની અરજી ફગાવી દેવામાં આવી હોય તો પણ તેઓ ફરીથી અરજી કરી શકે છે. આ માટેની છેલ્લી તારીખ 3 માર્ચ, 2023 છે.
વર્તમાનમાં નોકરી કરી રહેલા લોકોનું શું?
જેઓ સપ્ટેમ્બર 2014 પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ)ના સભ્ય બન્યા હોય અને હજુ પણ નોકરી કરી રહ્યા હોય તો જો તેમણે વધારે પેન્શન યોજનાની સુવિધાનો લાભ લીધો ન હોય તો તેઓ પણ 3 માર્ચ, 2023 સુધી અરજી કરી શકે છે.
જો ઈપીએફઓ દ્વારા પહેલાથી જ આવા લોકોની અરજી ફગાવી દેવામાં આવી હોય તો પણ તેઓ નવેસરથી અરજી કરી શકે છે.
જો પગાર 15,000 રૂપિયાથી ઓછો હોય તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
જેમનો પગાર 15 હજાર પ્રતિ માસથી ઓછો હોય તેવા કર્મચારીઓ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની કોઈ અસર નહીં થાય.
પરંતુ હવે સવાલ એ છે કે જેમનો પગાર 1 સપ્ટેમ્બર, 2014 પહેલા 15 હજારથી ઓછો હોય અને પછીથી વધી ગયો હોય તો શું તેઓ વધારે પેન્શનવાળી યોજનાનો લાભ લઈ શકું?
તો આ સવાલનો સીધો જવાબ છે, ના. સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફક્ત એ જ કર્મચારીઓને લાગુ પડશે, જેમનો પગાર 1 સપ્ટેમ્બર 2014ના રોજ 15 હજારથી વધુ હતો.
જે લોકો 1લી સપ્ટેમ્બર 2014ના રોજ અથવા તે પછી ઈપીએફઓમાં જોડાયા હોય એમનું શું?
જે લોકોનું ઈપીએફ ખાતું 1 સપ્ટેમ્બર, 2014ના રોજ અથવા તે પછી ખોલવામાં આવ્યું હોય અને તે સમયે તેમનો પગાર 15 હજાર કે તેથી વધુ હોય તો તેઓ ઈપીએસનો લાભ લઈ શકે છે.
એટલે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની આવા લોકો પર કોઈ અસર નહીં થાય.
પેન્શનની રકમ કેવી રીતે ગણવામાં આવે છે?
કોઈપણ કર્મચારીની પેન્શનની રકમ તેના માસિક પગારના 'પેન્શનપાત્ર હિસ્સા' પર આધાર રાખે છે.
તેની ગણતરી અનુસાર 'પેન્શનપાત્ર પગાર' સાથે 'નોકરીના વર્ષો'નો ગુણાકાર કરીને તેને 70 વડે ભાગવામાં આવે છે.
કોઈપણ સંગઠિત ક્ષેત્રની સંસ્થામાં નોકરીના કુલ વર્ષોને 'પેન્શનપાત્ર સર્વિસ' કહેવામાં આવે છે.
એ જ રીતે, 'પેન્શનપાત્ર પગાર' એ છેલ્લા 60 મહિનામાં મેળવેલ સરેરાશ પગાર છે.
જો કોઈ વધારે પેન્શનવાળી યોજના પસંદ કરે તો શું તેમના પગારમાંથી વધુ કપાત થશે?
પેન્શનની રકમ સિવાય, પગારમાં અન્ય કોઈ કપાત થશે નહીં.
શું આ સુવિધા બાદમાં દૂર કરી શકાશે?

ઇમેજ સ્રોત, Getty Images
એકવાર તમે પસંદગી કરી લો, પછી આ સુવિધા ફરીથી રદ કરી શકાતી નથી.
આ યોજના ક્યારે અમલમાં આવશે?
જો તમે વધારે પેન્શનવાળો વિકલ્પ પસંદ કર્યા બાદ તે તમે ઈપીએફઓમાં જોડાયા છો તે તારીખથી લાગુ થશે.
વધારે પેન્શનવાળી યોજના પસંદ કરવી જોઈએ કે નહીં?
જો કોઈ વ્યક્તિ વધારે પેન્શનવાળી યોજના પસંદ કરે તો તેના પીએફ ખાતામાંથી કેટલીક રકમ ઈપીએસ ખાતામાં ટ્રાન્સફર થશે. આમ તે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેમનું પેન્શન પહેલાં કરતાં વધુ હશે. પરંતુ તેના પીએફમાં જમા રકમ ઓછી હશે.
જો તમે વધુ પેન્શનની સુવિધા ન લો તો તમારા પીએફ ખાતામાં વધુ રકમ જમા થશે અને ઈપીએસ ખાતામાં ઓછી. આમ આવા કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેને પેન્શન ઓછું મળશે, પરંતુ પીએફની રકમ વધુ હશે.
અહીં એ જાણવું પણ જરૂરી છે કે પીએફ ખાતામાં જમા થયેલી કુલ રકમ પર વધુ વ્યાજ મળે છે. પરંતુ ઈપીએસ ખાતામાં જમા રકમ પર કોઈ વ્યાજ મળતું નથી. તેથી, કોઈપણ વિકલ્પ પસંદ કરતા પહેલા કર્મચારીઓએ આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ.
એ પણ નોંધનીય છે કે પાંચ વર્ષ પછી પીએફની રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી. પરંતુ તમારે માસિક પેન્શન પર ટૅક્સ ચૂકવવો પડશે.
તો મારે અરજી કરવી જોઈએ?
કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓએ 3 માર્ચ, 2023 સુધીમાં ઈપીએસ યોજના માટે સંયુક્ત રીતે અરજી કરવી જોઈએ. પરંતુ પીએફ વિભાગે હજુ સુધી આ પ્રક્રિયા અંગે સંપૂર્ણ વિગતો આપી નથી.
પેન્શનની સુવિધા ફરજિયાત છે?

ઇમેજ સ્રોત, Getty Images
ના, કોઈપણ કર્મચારી તેને પસંદ કરવા અથવા છોડવા માટે સ્વતંત્ર છે.
શું ખાનગી પીએફ ટ્રસ્ટ પણ ઈપીએસ પસંદ કરી શકે છે?
હા, આ વિકલ્પ ખાનગી પીએફ ટ્રસ્ટ માટે પણ ઉપલબ્ધ છે.
પેન્શન ક્યારે મળે છે?
નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પેન્શન મળે છે. પરંતુ આ માટે ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી પૂરી કરવી જરૂરી છે. જ્યારે કર્મચારીની ઉંમર 58 વર્ષથી વધુ હોય ત્યારે પેન્શનની રકમ મળવાનું શરૂ થાય છે.
જો કોઈ કર્મચારી 50 થી 57 વર્ષની વચ્ચે નોકરી છોડી દે તો પણ તેને પેન્શન મળશે.
પેન્શન ક્યા સુધી મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કર્મચારીને મૃત્યુ સુધી પેન્શન મળે છે.
ત્યારબાદ પેન્શનની રકમ તેમની પત્ની અથવા બાળકોને મળે છે. પરંતુ બાળકોની ઉંમર 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













