કોરિયાની આ ‘હૅપીનેસ ફૅક્ટરી’માં માતા-પિતા ખુદને કેમ ગોંધી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, KOREA YOUTH FOUNDATION
- લેેખક, હ્યોજિંગ કિમ
- પદ, બીબીસી કોરિયન સર્વિસ
કોરિયાની ‘હૅપીનેસ ફૅક્ટરી’માંના નાના ઓરડાઓને બહારની દુનિયા સાથે કોઈ ચીજ જોડે છે તો તે છે તેના દરવાજા પરનું નાનકડું બાકોરું. તેનો ઉપયોગ ઓરડામાં રહેતા લોકોને ભોજન આપવા માટે કરવામાં આવે છે. તેને 'ફીડિંગ હોલ' કહેવામાં આવે છે.
આ નાનકડા ઓરડાઓમાં રહેતા લોકોને ફોન કે લૅપટૉપ સાથે રાખવાની છૂટ હોતી નથી.
આ ઓરડાઓ સ્ટોર જેટલાં મોટા છે અને તેમાં રહેતા લોકોનો સાથ આપે છે ઓરડાની દિવાલો.
આ ઓરડામાં રહેતા લોકો જેલમાં રહેતા લોકો જેવો વાદળી યુનિફૉર્મ પહેરે છે, પરંતુ તેઓ કેદી નથી.
આ એવા લોકો છે, જેઓ દુનિયાથી દૂર “એકાંતમાં સમય પસાર કરવાનો અનુભવ” લેવા માટે આ પ્રકારના ઓરડાઓમાં રહે છે.
એ પૈકીના મોટાભાગના લોકો એવા માતાપિતા છે, જેમનાં સંતાનો સમાજથી સંપૂર્ણપણે અળગાં થઈ ગયાં છે.
એકાંતમાં રહેવાથી કેવી અનુભૂતિ થાય છે એ જાણવા માટે આ માતાપિતાઓ અહીં બંધ ઓરડાઓમાં રહે છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ઓરડો અને એકાંતવાસ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દુનિયા અને સમાજથી અલગ રહેતા લોકોને ‘હિકિકોમોરી’ કહેવામાં આવે છે. હિકિકોમોરી શબ્દ જાપાનમાં 1990ના દાયકામાં ઉદ્ભવ્યો હતો. તેનો ઉપયોગ જાપાનમાં યુવાઓ અને બાળકો વચ્ચેના ગંભીર સામાજિક અલગાવને દર્શાવવા માટે કરવામાં આવતો હતો.
દક્ષિણ કોરિયાના આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયે ગત વર્ષે 15,000 લોકો પર એક સર્વેક્ષણ કર્યું હતું. 19થી 34 વર્ષના યુવાઓને આવરી લેતા એ સર્વેમાં જાણવા મળ્યું હતું કે તેમાં ભાગ લેનારા પાંચ ટકા લોકોને એકાંતવાસમાં રહેવાનું પસંદ હતું.
આ આંકડાને દક્ષિણ કોરિયાની કુલ વસ્તીના સંદર્ભમાં જોઈએ તો તેનો અર્થ એ થાય કે 5,40,000 લોકો દુનિયા અને સમાજથી અલગ થઈને જીવવાની ઇચ્છા ધરાવે છે.
દક્ષિણ કોરિયાના આ પ્રકારના યુવાઓનાં માતાપિતા આ વર્ષના એપ્રિલથી 13 સપ્તાહના પેરન્ટલ એજ્યુકેશન પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે.
આ કાર્યક્રમ કોરિયા યૂથ ફાઉન્ડેશન અને બ્લૂ વહેલ રિકવરી સેન્ટર નામની બે બિન-સરકારી સંસ્થાઓને મદદથી ચલાવવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમનો હેતુ માતાપિતાને એ જણાવવાનો છે કે તેઓ એકાંતવાસમાં રહેતાં તેમનાં સંતાનો સાથે કઈ રીતે સારો સંવાદ કરી શકે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ ગેંગવોન પ્રાંતના હોંગચિયોન-ગનમાં ચલાવવામાં આવતી હૅપીનેસ ફૅક્ટરીના એક ઓરડામાં ત્રણ દિવસ સુધી એકલા બંધ રહેવાનું હોય છે.
આ કાર્યક્રમના આયોજકો માને છે કે એકાંતમાં થોડો સમય પસાર કર્યા પછી માતાપિતાને તેમનાં સંતાનોને સમજવામાં મદદ મળશે.
નોંધઃ માનસિક બીમારીઓની સારવાર શક્ય છે. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો યોગ્ય મનોચિકિત્સકનો સંપર્ક કરો. તમે તમારા પરિવારજનો અને દોસ્તો સાથે પણ વાત કરી શકો છો.
મેન્ટલ હેલ્થ હેલ્પલાઈન
- સ્વાસ્થ્ય મંત્રાલય – 080 4611 0007
- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય – 1800 599 0019
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ અલાઈડ સાયન્સીસ –9868 39 6824, 9868 39 6841, 011 2257 4820
- વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ અલાઈડ સાયન્સીસ – 011 2980 2980
કેટલાક એવા સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ પણ છે, જેઓ જરૂરતમંદો પાસે બહુ ઓછી ફી લઈને કે તદ્દન મફતમાં સેવા આપે છે. આવા ડૉક્ટરોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
‘ઇમોશનલ કેદ’

ઇમેજ સ્રોત, Getty Images
જિન યંગ-હેઈ (નામ બદલ્યું છે)નો દીકરો છેલ્લા ત્રણ વર્ષથી તેના ઓરડામાંથી બહાર નીકળ્યો નથી. તેને એકલું રહેવું ગમે છે.
બંધ ઓરડામાં એકલા કેટલાક દિવસો પસાર કર્યા પછી જિનને હવે લાગે છે કે તેઓ તેમના 24 વર્ષના દીકરાની ‘ઇમોશનલ કેદ’ને સારી રીતે સમજી શકે છે.
50 વર્ષનાં જિન યંગ-હેઈ કહે છે, “હું વિચારતી હતી કે મેં શું ખોટું કર્યું છે...આ બધું વિચારવું બહુ પીડાદાયક હતું, પરંતુ અહીં રહી એ દરમિયાન મેં બધી વાતોનો ફરી વિચાર કર્યો અને મને થોડી સ્પષ્ટતા મળી.”
જિનના કહેવા મુજબ, તેમનો દીકરો પહેલેથી જ પ્રતિભાશાળી હતો અને તેમને તથા તેમના પતિને દીકરા પાસેથી બહુ આશા હતી.
તે મોટેભાગે બીમાર રહેતો હતો અને બીજા લોકો સાથે દોસ્તી કરવામાં તેને મુશ્કેલી પડતી હતી. સમય જતાં તેને ખાવામાં તકલીફ થવા લાગી હતી. એ કારણે તેણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું.
તેઓ જણાવે છે કે તેમનો દીકરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા પહોંચ્યો ત્યારે પહેલા સેમેસ્ટર સુધી બધું ઠીક હતું, પરંત એક દિવસ તેણે પોતાની જાતને સમાજથી અલગ પાડી દીધી હતી.
જિન કહે છે, “તે એક ઓરડામાં પુરાઈ રહેતો હતો. તેને પોતાની અંગત સાફસફાઈનો કે ખાવાપીવાનો ખ્યાલ રહેતો ન હતો.”
આ જોઈને તેમનું દિલ તૂટી ગયું હતું.
વાત કરતાં ખચકાટ

ઇમેજ સ્રોત, Getty Images
જિન યંગ-હેઈના કહેવા મુજબ, તેમનો દીકરો તણાવ અને પરિવારજનો તથા દોસ્તો સાથે સંબંધ બાંધવામાં મુશ્કેલી અનુભવે છે. એ ઉપરાંત ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળવાને કારણે તે ડિપ્રેશનનો સામનો કરતો હતો, પરંતુ એ બાબતે અમારી સાથે વાત કરતાં ખચકાતો હતો.
જિન જણાવે છે, હૅપીનેસ ફૅક્ટરીમાં આવ્યા પછી તેમણે એકાંતમાં રહેતા યુવાઓની નોટ્સ વાંચી હતી.
તેઓ કહે છે, “એ નોટ્સ વાંચ્યા પછી મને અહેસાસ થયો હતો કે તેઓ વાસ્તવમાં ખુદને પ્રોટેક્ટ કરી રહ્યા છે, કારણ કે તેમને એવું લાગે છે કે તેમને કોઈ સમજતું નથી.”
જિનની માફક પાર્ક હાન-સિલ (નામ બદલ્યું છે) પણ અહીં આવ્યાં છે. તેઓ તેમના 26 વર્ષના દીકરા માટે અહીં આવ્યાં છે. એ દીકરાએ સાત વર્ષ પહેલાંથી દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખ્યો છે.
તેમના દીકરાએ ઘરેથી ભાગવાના અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે તે પોતાના રૂમની બહાર નીકળતો નથી.
પાર્ક તેમનાં દીકરીને ડોક્ટર્સ અને કાઉન્સેલર્સ પાસે લઈ ગયાં હતાં, પરંતુ ડોક્ટરોએ આપેલી માનસિક સ્વાસ્થ્યની દવાઓ લેવાનો તેમના દીકરાએ ઈનકાર કર્યો હતો. તેમના દીકરાને વીડિયો ગેમ રમવાની લત લાગી હતી.
પારસ્પરિક સંબંધ

ઇમેજ સ્રોત, KOREA YOUTH FOUNDATION
પાર્ક હાન-સિલ જણાવે છે કે તેમના દીકરા સાથે વાત કરવાનું અત્યારે પણ મુશ્કેલ બની રહ્યું છે.
જોકે, હૅપીનેસ ફૅક્ટરીમાં આવ્યાં પછી પોતે પોતાના દીકરાની લાગણીને વધુ સારી રીતે સમજી રહ્યાં હોવાનું તેઓ જણાવે છે.
તેઓ કહે છે, “મને હવે સમજાયું છે કે દીકરાને બળજબરીથી કોઈ ઢાંચામાં ઢાળવાને બદલે તેની જિંદગી જેવી છે એવી જ સ્વીકારી લેવાની જરૂર છે.”
દક્ષિણ કોરિયાના આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે યુવાઓ ખુદને દુનિયાથી અલગ કરી તેનાં ઘણાં કારણો હોઈ શકે છે.
દક્ષિણ કોરિયાનો સમાવેશ દુનિયાના એવા કેટલાક દેશોમાં થાય છે, જ્યાં આત્મહત્યાનો દર સૌથી વધારે છે. દક્ષિણ કોરિયા સરકારે આ સમસ્યાના નિવારણ માટે ગયા વર્ષે પાંચ વર્ષની એક યોજના રજૂ કરી હતી.
સરકારે જાહેરાત કરી હતી કે દર બે વર્ષે એક વખત 20થી 34 વર્ષના યુવાનોના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ સરકાર કરશે.
1990ના દાયકામાં જાપાનમાં પહેલો દૌર આવ્યો હતો, જ્યારે યુવાઓએ ખુદને સમાજથી અલગ કરવાનું શરૂ કર્યું હતું. તેનું પરિણામ એ આવ્યું કે ત્યાંની વસ્તીમાં ફેરફાર થવા લાગ્યો હતો. આધેડ વયના લોકો તેમનાં વૃદ્ધ માતાપિતા પર નિર્ભર થવા લાગ્યા હતા.
માત્ર પૅન્શનને સહારે જીવતા વયોવૃદ્ધો માટે પોતાનાં વયસ્ક બાળકોની મદદ કરવાનું આસાન ન હતું. તેથી વયોવૃદ્ધો વધારે ગરીબ થવા લાગ્યા હતા અને ઘણા અવસાદનો શિકાર થયા હતા.
ક્યુંગ હી યુનિવર્સિટીમાં સોશિયોલૉજી વિભાગના પ્રોફેસર જિયોંગ ગૂ-વોન જણાવે છે કે જીવનનાં કેટલાંક મોટાં લક્ષ્યો એક ચોક્કસ વયે જ હાંસલ કરી લેવાં જોઈએ, એવું કોરિયન સમાજમાં માનવામાં આવે છે. આ કારણે કોરિયન યુવાનોમાં તણાવ વધે છે. ખાસ કરીને આવકમાં વધારો ન થવાનું અને રોજગાર ન મળવાનું અત્યારે સામાન્ય બાબત છે ત્યારે આવું વધારે થાય છે.
સંતાનની સિદ્ધિ માતાપિતાની સફળતા છે એ દૃષ્ટિકોણ સમગ્ર પરિવારને અલગ પડી જવાના કળણમાં ધકેલી દે છે.
જેમનાં સંતાનોને નોકરી મેળવવામાં કે આર્થિક સ્થિરતા મેળવવામાં મુશ્કેલી થતી હોય તેવા માતાપિતા એ માટે પોતાને તથા પોતે કરેલાં સંતાનના ઉછેરને દોષી ઠેરવે છે તેમજ પસ્તાય છે.
પ્રોફેસર જિયોંગ ગૂ-વોન કહે છે, “કોરિયામાં માતાપિતા પોતાનો પ્રેમ કે લાગણી વાતોમાં પ્રદર્શિત કરતા નથી, પરંતુ વ્યવહારિક કામ અને ભૂમિકા ભજવીને તે દર્શાવે છે.”
“માતાપિતા આકરી મહેનત કરીને બાળકોના ભણતર માટે પૈસા એકઠા કરે છે. તે કન્ફ્યુશિયસ સંસ્કૃતિનું એક સામાન્ય ઉદાહરણ છે, પરંતુ તેને બહુ મોટી જવાબદારી ગણવામાં આવે છે.”
“અહીંની સંસ્કૃતિમાં આકરી મહેનત પર ભાર મૂકવાને દક્ષિણ કોરિયામાં ઝડપથી થયેલા વિકાસ સાથે સાંકળીને પણ જોઈ શકાય.”
એકવીસમી સદીના બીજા હિસ્સામાં અહીં ઝડપભેર આર્થિક વિકાસ થયો અને કોરિયા વિશ્વના મોટાં અર્થતંત્રો પૈકીનું એક બની ગયું.
જોકે, વર્લ્ડ ઇનઇક્વાલિટી ડેટાબેઝ મુજબ, છેલ્લા ત્રણ દાયકામાં દેશમાં આર્થિક અસમાનતામાં મોટો વધારો થયો છે.
બ્લૂ વહેલ રિકવરી સેન્ટરનાં ડિરેક્ટર કિન ઓક-રૈનના કહેવા મુજબ, એકાંતમાં રહેવાનું પસંદ કરતા યુવાઓ એક “પારિવારિક સમસ્યા” છે. તેનું પરિણામ એ પણ હોઈ શકે કે અનેક માતાપિતા તેમનાં સંતાનો સાથેના સંબંધ કાપી નાખે.
કેટલાક યુવાઓને ડર હોય છે કે તેમના વિશે ધારણા બનાવી લેવામાં આવશે. તેથી તેઓ પોતાની સ્થિતિ વિશે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરતા ખચકાવા લાગે છે.
કિમ કહે છે, “આ યુવાઓ પોતાની સમસ્યા મોકળાશથી શેર કરી શકતા નથી. તેથી તેમના વાલીઓ માટે પણ એક રીતે અલગ પડી જવાનું જોખમ હોય છે. આ લોકો સામાન્ય રીતે રજાઓમાં પરિવારના કાર્યક્રમોમાં સામેલ થતા નથી.”
‘ચિંતા કરશો નહીં’
હૅપીનેસ ફૅક્ટરીમાં આવીને એકાંતમાં રહેવાના કાર્યક્રમમાં સામેલ થતા લોકોને હજુ પણ એ સમયની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમનાં સંતાનો તેમની સાથે મોકળાશથી વાત કરશે અને સામાન્ય જીવનમાં પાછા ફરશે.
અમે જિન યંગ-હેઈને સવાલ કર્યો હતો કે તમારો દીકરો એકાંતમાં રહેવાનું છોડી દેશે તો તમે તેને શું કહેશો. આ સવાલ સાંભળીને તેમની આંખોમાં આંસુ છલકાયાં હતાં, ગળું રૂંધાઈ ગયું હતું.
તેમણે કહ્યું, “તેં બહુ સહન કર્યું છે. એ બહુ મુશ્કેલ હતું. ખરુંને? ચિંતા કરીશ નહીં. હું તારા પર નજર રાખીશ.”












