તમારા મગજને કેવી રીતે ધારદાર બનાવી શકાય?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઝડપથી બદલાતી જતી દુનિયા, સતત આગળ વધતી ટેકનૉલૉજી અને રોજિંદા જીવનમાં આવતા બદલાવ.
આપણે આજકાલ જે કામ કરીએ છીએ, આપણું મગજ એ બધાં માટે નહોતું બન્યું. છતાં આપણે આ આધુનિક વિશ્વમાં સારી રીતે ગોઠવાઈ ગયા અને સતત થઈ રહેલાં પરિવર્તનોના હિસાબે પોતાની જાતનેય બદલતા જઈ રહ્યા છીએ.
આવું શક્ય બની શક્યું છે આપણા મગજને કારણે. એક એવું અંગ છે જેમાં પોતાની જાતને ઢાળવાની, શીખવવા અને વિકસિત કરવાની જબરદસ્ત ક્ષમતા છે.
હવે સવાલ એ થાય છે કે આ કમાલના અંગને આપણે કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ? શું એવી કોઈ રીત છે ખરી જે આપણા મગજની ક્ષમતા વધારીને તેને વધુ ધારદાર બનાવી દે?
બીબીસીનાં સાયન્સ પત્રકાર મેલિસા હોગેનબૂમે આ સવાલોના જવાબ શોધવા માટે નવાં સંશોધનોનું અધ્યયન કર્યું અને કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી.
ઇંગ્લૅન્ડની સરે યુનિવર્સિટીમાં ક્લિનિકલ સાઇકૉલૉજીના પ્રોફેસર થૉરસ્ટ્રીન બાર્નહોફરે મેલિસાને જણાવ્યું કે આપણે આપણા મગજની ક્ષમતાને ઘણા પ્રકારે વધારી શકીએ છીએ.
તેઓ જણાવે છે કે, “એવી કેટલીક પ્રક્રિયાઓ છે, જે અમુક અઠવાડિયાંમાં તણાવ ઘટાડીને ન્યુરોપ્લાસ્ટિસિટીને વેગ આપે છે. ન્યુરોપ્લાસ્ટિસિટી વધારવાથી ડિમેન્શિયા જેવી બીમારીઓને ટાળી શકાય છે. આ સિવાય મનોવૈજ્ઞાનિક આઘાતને કારણે મસ્તિષ્કને થયેલ નુકસાન ઘટાડી શકાય છે.”
ન્યુરોપ્લાસ્ટિસિટી શું હોય છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પ્લાસ્ટિસિટી આપણા મગજની એ ક્ષમતાનું નામ છે, જે બહારથી આવતી માહિતીઓના આધારે પોતાની જાતમાં બદલાવ લાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લખનૌસ્થિત મનોવૈજ્ઞાનિક રાજેશ પાંડેએ બીબીસી સાથેની વાતચીતમાં આદર્શ રાઠોડને જણાવ્યું કે ન્યુરોપ્લાસ્ટિસિટી ખરેખર આપણા મગજમાં રહેલા નર્વ સેલ એટલે કે ન્યુરોનમાં બનતા અને બદલાતા કનેક્શનને કહેવાય છે.
તેઓ કહે છે કે, “આપણું મસ્તિષ્ક એક ન્યુરલ વાયરિંગ સિસ્ટમ છે. મગજમાં અબજો ન્યુરોન્સ હોય છે, આપણી ઇન્દ્રીયો જેમ કે આંખ, કાન, નાક, મોં અને ત્વચા બાહ્ય સૂચનાઓને મગજ સુધી લઈ જાય છે. આ માહિતી ન્યુરોન વચ્ચે કનેક્શન બનવાને કારણે સ્ટોર થાય છે.”
“જન્મ સમયે આ ન્યુરોનમાં ઘણાં ઓછાં કનેક્શન હોય છે. રિફ્લેક્સવાળાં કનેક્શન પહેલાંથી હોય છે, જેમ કે બાળક ગરમ વસ્તુના સંપર્કમાં આવતાં જ પોતાનો હાથ પાછો ખેંચી લે છે. પરંતુ એ સાપને મોંમાં નાખી લેશે, કારણ કે એ કનેક્શન તેના મગજમાં નથી બન્યું. તેને નથી ખબર કે સાપ ખતરનાક હોય છે. તે બાદ એ શીખે છે અને ન્યુરલ કનેક્શન બનતાં જાય છે.”
રાજેશ પાંડે જણાવે છે કે નવા અનુભવો થતા જાય એમ આ કનેક્શનોમાં બદલાવ આવે છે. આ પ્રક્રિયાને જ ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. માણસના શીખવા, અનુભવ ઘડવા અને યાદોને એકત્રિત કરવા પાછળ આ જ ક્રિયા કામ કરતી હોય છે.
કેવી રીતે વધારી શકાય છે ન્યુરોપ્લાસ્ટિસિટી

પ્રોફેસર થૉર્સ્ટન બાર્નહોફનું કહેવું છે કે માઇન્ડ વૉન્ડરિંગ એટલે કે મન ભટકવાને કારણે સ્ટ્રેસ વધે છે.
તેઓ કહે છે કે વાંરવાર એક જ વાત વિશે વિચારતા રહેવું એ હાનિકારક હોય છે, કારણ કે તેનાથી કાર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે.
આ હોર્મોન મગજ માટે હાનિકારક હોય છે અને ન્યુરોપ્લાસ્ટિસિટી માટે અવરોધ સર્જે છે. આનાથી બચવાની રીત છે – માઇન્ડફુલનેસ એટલે કે જાગૃત રહેવું.
માઇન્ડફુલનેસનો સીધો અર્થ છે કે પોતાની આસપાસના માહોલ, પોતાના વિચાર અને પોતાની ઇન્દ્રીયો અંગે સચેત રહેવું. એટલે કે વધુ પડતું મનન કરવાને સ્થાને જે-તે સમયે આપ શું કરી રહ્યા છો, એના પર ધ્યાન આપવું.
મનોવૈજ્ઞાનિક રાજેશ પાંડે જણાવે છે કે, “સરળ ભાષામાં સમજીએ તો માઇન્ડફુલનેસનો અર્થ છે – એ વાત અંગે સચેત રહેવું કે આપણી ઇન્દ્રીયો મારફતે બહારથી મગજમાં કઈ જાણકારીઓ જઈ રહી છે અને અંદર રહેલી જાણકારીઓનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.”
મેડિટેશનનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે, “સરળ ભાષામાં કહીએ તો પોતાના સેન્સરી ઑર્ગન્સ પર પર ફોકસ કરવાની આ પ્રક્રિયા છે. પોતાની શ્વસનક્રિયા પર ધ્યાન આપવું કે તેનો અનુભવ કરવો, તેમજ આસપાસના વાતાવરણમાં રહેલાં સુગંધો અને અવાજોને મહેસૂસ કરવાં.”
“આનાથી પણ ન્યુરલ કનેક્શન બને છે. તમે જોશો કે જો કોઈ વ્યક્તિ દિવસમાં 15 મિનિટ સુધી આ સેન્સરી અંગો પર ધ્યાન કેન્દ્રિત કરે તો તેની ચાલવા-ફરવા, બોલવા, હસવા, સ્મિત આપવા સહિતની ક્રિયાઓ સાવ બદલાઈ જશે.”

ઇમેજ સ્રોત, GETTY IMAGES
હાલમાં જ ખબર પડી છે કે ન્યુરોપ્લાસ્ટિસિટીની પ્રક્રિયા દરમિયાન મગજની સંરચનામાં પણ બદલાવ આવે છે.
આની સાબિતી માટે મેલિસા હોગેનબૂમે પોતાના મગજનું સ્કેન કરાવ્યા બાદ છ સપ્તાહ સુધી મેડિટેશન કરીને ફરીથી સ્કેન કરાવ્યું.
પ્રોફેસર બાર્નહોફરે પહેલા અને પછીના સ્કેનની સરખામણી કર્યા બાદ જણાવ્યું કે છ અઠવાડિયાંમાં મેલિસાના મસ્તિષ્કમાં ન્યુરોપ્લાસ્ટિસિટીમાં વધાર થયો છે.
તેમણે કહ્યું, “બ્રેના રાઇટ અમિગડલાનો આકાર ઘટ્યો. આવું સ્ટ્રેસ ઘટવાને કારણે થાય છે. જે લોકોને ચિંતા કે તણાવ હોય છે, તેમાં આ ભાગ વધેલો હોય છે. આપણે અગાઉ પણ જોયું છે કે માઇન્ડફુલનેસ ટ્રેનિંગથી આનો આકાર ઘટ્યો છે. સાથે જ મગજના પાછલા ભાગમાં પણ બદલાવ આવ્યો છે. આનો અર્થ એ છે કે મન ભટકવાની સ્થિતિમાં ઘટાડો થયો છે.”
કસરત પણ મદદરૂપ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વિશેષજ્ઞો પ્રમાણે મગજમાં ન્યુરોપ્લાસ્ટિસિટી વધારવા માટે કસરત પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ઇટાલીના ‘સેન્ટ્રો ન્યુરોલેસી’ સંસ્થાનના નિદેશક પ્રોફેસર એંજલે ક્વૉટ્રોને અનુસાર દિવસ દરમિયાન એક અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ સુધી 30 મિનિટની કસરત કરવાથી મગજ પર સારી અસર થાય છે.
યુનિવર્સિટી ઑફ સસેક્સમાં કમ્પેરેટિવ કૉગ્નિશનનાં પ્રોફેસર ગિલિયન ફૉરેસ્ટરે જણાવ્યું કે મસ્તિષ્કમાં થનારી પ્રક્રિયાઓ અને બદલાવોનો શારીરિક ચેષ્ટાઓ સાથે ઘેરો સંબંધ છે.
તેઓ જણાવે છે કે, “અમે જોયું કે જો કોઈને બોલવામાં મુશ્કેલી હોય તો એ વ્યક્તિને હાથ વડે ઇશારા કરીને બોલવામાં સુવિધાનો અનુભવ થઈ શકે છે. ખરેખર, આપણા મગજનો જે ભાગ આપણને બોલવામાં મદદરૂપ થાય છે, એ મોટર ડેક્સ્ટેરિટી એટલે કે હાથ, પગ કે ખભાની મદદથી કામ કરવામાં મદદરૂપ થનારા ભાગ સાથે જોડાયેલો છે. કદાચ આવું એટલા માટે થયું, કારણ કે ભાષાનો વિકાસ ઇશારા વડે થયો છે.”

સ્કૂલ ઑફ સાઇકૉલૉજી, બર્કબેક, યુનિવર્સિટી ઑફ લંડનમાં ડૉક્ટર ઓરી ઑસમી જણાવે છે કે મેડિટેશન સિવાય શારીરિક કસરતથી પણ સ્ટ્રેસમાં ઘટાડો થાય છે.
તેઓ કહે છે કે, “આપણું મગજ સતત પોતાનામાં બદલાવ લાવતું હોય છે. પરંતુ બાળકોમાં આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થતી હોય છે. એવું જોવા મળ્યું છે કે જે શિશુ હાથ-પગ સામાન્ય સ્તરે હલાવે, તેઓ બાદમાં સારી રીતે બોલી શકે છે. પરંતુ જેઓ એવું નથી કરતાં, તે પૈકી કેટલાકને બાદમાં બોલવા કે સામાજિક વ્યવહારમાં મુશ્કેલી થઈ શકે છે.”
મનોવૈજ્ઞાનિક રાજેશ પાંડે જણાવે છે કે વ્યાયામ જ નહીં, મ્યુઝિક કે ભાષા શીખવા જેવું કોઈ નવું કામ કરવાથી ન્યુરોપ્લાસ્ટિસિટીને વધારી શકાય છે, કારણ કે જ્યારે આપણે કંઈક જોઈએ, શીખીએ કે વિચારીએ છીએ ત્યારે મગજમાં નવાં ન્યુરલ કનેક્શન બને છે.
તેઓ કહે છે કે, “માણસનું મગજ આજીવન ન્યુરલ કનેક્શન બનાવી શકે છે. તમે 80 વર્ષના થાઓ ત્યારે પણ નવી ભાષા શીખી શકો છો. નવી જગ્યાએ જવા, નવા રૂટિન તોડવા અને કંઈ પણ નવું કરવાનો લાભ હોય છે. બસ, આપણે તેને નવા અનુભવ આપતા રહેવાનું છે.”
મગજને થયેલ નુકસાનનો ઇલાજ

ઇટાલીના ‘સેન્ટ્રો ન્યુરોલેસી’ સંસ્થાનમાં ન્યુરોલૉજિકલ સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા દર્દીઓની આધુનિક તકનીક વડે મદદ કરાય છે.
આ સંસ્થાનના નિદેશક પ્રોફેસર એંજલે ક્વૉટ્રોને જણાવે છે કે જે લોકો ચાલી-ફરી નથી શકતા, તેમના માટે વિશેષ ગેમ બનાવાઈ છે. જેનાથી તેમના મગજને સંકેત મળતા રહે છે. આનાથી પ્લાસ્ટિસિટી વધે છે અને મગજ ફરીથી એ કનેક્શન બનાવી શકે છે, જે કોઈ અકસ્માત કે સ્ટ્રોકના કારણે તૂટી ગયાં હોય છે. આને રિવાયરિંગ કહેવાય છે.
આ કામમાં રોબૉટિક્સ અને કરન્ટ સ્ટિમ્યુલેશનની પણ મદદ લેવાય છે. કરન્ટ સ્ટિમ્યુલેટર એ એવું ઉપકરણ છે, જે મગજમાં કમજોર થઈ ગયેલા સિગ્નલને વધારી દે છે. આનાથી મગજને રિવાયર કરવામાં મદદ મળે છે.
ભવિષ્યમાં શીખવાની પ્રક્રિયા બની જશે સરળ
અત્યાર સુધી એવું મનાતું કે ન્યુરોપ્લાસ્ટિસિટી બાળકોમાં વધુ હોય છે, પરંતુ હવે સમગ્ર વિશ્વમાં પુખ્તોમાં પણ આનો મગજને ઍક્ટિવ રાખવા અને તેને પહોંચેલા નુકસાનને ઘટાડવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે.
યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજમાં ઍક્સ્પેરિમેન્ટલ સાઇકૉલૉજીનાં પ્રોફેસર ઝોઈ કોર્તજી જણાવે છે કે દરેક વ્યક્તિના મગજની શીખવાની પોતાનો એક લય હોય છે.
તેમણે મેલિસા હોગેનબૂમને કહ્યું કે, “દરેક વ્યક્તિનું મગજ પોતાના લયમાં કામ કરે છે. જો કોઈ વ્યક્તિને એના મગજના લયની માહિતી અપાય તો એની શીખવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે.”
યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજમાં કરાયેલા એક પ્રયોગમાં લોકોને કેટલાક સવાલ ઉકેલવા આપ્યા. બાદમાં તેમના મગજની ઇલેકટ્રિકલ ઍક્ટિવિટીને માપવામાં આવી. આનાથી એ વાતનો અંદાજ આવી શક્યો કે મગજ કયા લયમાં કામ કરી રહ્યું છે. તેમજ એ લય પ્રમાણે સવાલ અપાયા તો તેઓ સારી રીતે તેનો જવાબ આપી શક્યા.
આ શોધ હાલ તેના શરૂઆતના તબક્કામાં છે અને આશા કરાઈ રહી છે કે ભવિષ્યમાં લોકોને તેમના મગજના લયના હિસાબે સારી રીતે શીખવી શકાશે, તેમની ન્યુરોપ્લાસ્ટિસિટી વધારી શકાશે.














