બપોરે ઝોકું ખાઈ લેવું સ્વાસ્થ્ય માટે ખરેખર લાભદાયક છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઈસાબેલ ગેરેટ્સન
- પદ, બીબીસી ફ્યૂચર
ગુજરાતમાં બપોરે ઝોકું ખાઈ લેવું એ રોજિંદા જીવનમાં વણાઈ ગયેલી ટેવ ગણાય છે.
સૌરાષ્ટ્રમાં તો બપોરે ઝોકું ખાવા માટે બજારમાં દુકાનો પણ બંધ કરવામાં આવતી હોવાની પરંપરા જોવા મળે છે.
આમ જ યુરોપમાં સ્પૅનિશ લોકો સિએસ્ટા એટલે કે બપોરે જમ્યા પછી થોડીવાર ઝોકું ખાઈ લેવાનો આનંદ માણવા માટે જાણીતા છે અને કેટલાક જાપાની કામદારો હિરુન નામે ઓળખાતી બપોરની નિંદ્રા અચૂક લે છે.
ગૂગલ, સૅમસંગ અને ફેસબુક જેવી વિરાટ કનૉલૉજી કંપનીઓની ઑફિસોમાં નૅપ પૉડ્સ હોય છે, જેમાં કર્મચારીઓ દિવસે કામકાજ દરમિયાન ઝોકું ખાઈ શકે છે.
પાવર નૅપિંગનો ટ્રેન્ડ વિશ્વભરમાં વિસ્તરી રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન લેવામાં આવતી આવી ટૂંકી નિદ્રા વાસ્તવમાં અસરકારક છે ખરી? તે તાજગી અને ઊર્જાનો અનુભવ કરાવે છે કે પછી તેનાથી વધારે થાક અનુભવાય છે? આવી પાવર નૅપ કેટલા સમયની હોવી જોઈએ? પાવર નૅપ લેવા માટે દિવસનો શ્રેષ્ઠ સમય કયો છે?
દૈનિક નૅપ એટલે કે અલ્પનિદ્રા આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક છે કે નહીં તે જાણવા માટે બીબીસી ફ્યૂચર લેટેસ્ટ સાયન્સ પર નજર નાખે છે.
અલ્પદ્રાથી સ્વાસ્થ્યને કેવા લાભ થાય છે

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધન દર્શાવે છે કે નિયમિત રીતે ટૂંકી નિદ્રા આપણા મગજના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે.
યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડન (યુસીએલ) અને ઉરુગ્વેની યુનિવર્સિટી ઑફ રિપબ્લિકના સંશોધકોના 2023ના અભ્યાસ મુજબ, રોજ ટૂંકી નિદ્રાની આદત આપણા મગજને લાંબા સમય સુધી સક્રિય રાખવામાં અને એકંદર સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાયોમેડિકલ ડેટાબેઝ ઍન્ડ રિસર્ચ રિસોર્સ યુકે બાયોબૅન્ક દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સહભાગી બનેલા 40થી 69 વર્ષની વયના 35,000 લોકોના ડેટાનું વિશ્લેષણ સંશોધકોએ કર્યું હતું. રોજ અચૂક અલ્પનિદ્રા લેતા લોકો સાથે સંકળાયેલી ડીએનએ સ્નિપેટ્સને તેમણે ઓળખી કાઢી હતી.
સપ્તાહમાં ઘણી વખત અલ્પનિદ્રા લેતા લોકોનું મગજ, દિવસમાં ક્યારેય ન ઊંઘતા લોકોના મગજની સરખામણીએ 15 ક્યુબિક સેન્ટીમીટર (0.9 ક્યુબિક ઇંચ) મોટું હતું.
યુસીએલ ખાતેના એમઆરસી યુનિટ ફોર લાઈફલોંગ હેલ્થ એન્ડ એજિંગના સીનિયર રિસર્ચ ફેલો વિક્ટોરિયા ગાર્ફીલ્ડે જણાવ્યું હતું કે એ પ્રમાણ મગજને વૃદ્ધ થતું અટકાવવામાં ત્રણથી છ વર્ષ સુધીનો વિલંબ કરવા સમાન છે.
ગાર્ફીલ્ડ કહે છે, "સૌથી મોટું તારણ એ છે કે દિવસના સમયની ટૂંકી નિદ્રાને મગજની મોટી માત્રા (લાર્જર બ્રેઈન વૉલ્યૂમ) સાથે મજબૂત સંબંધ છે." ઉંમરની સાથે મગજ કુદરતી રીતે સંકોચાય છે અને મગજનું ઘટતું જતું કદ અનેક રોગ સાથે સંકળાયેલું છે.
ગાર્ફીલ્ડના કહેવા મુજબ,"જે લોકોમાં બ્રેઇન વૉલ્યુમ ઓછું હોય છે તેઓમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઊંચું હોય છે અથવા તેઓને સ્લીપ ઍપ્નિયા (ઊંઘની ગંભીર બીમારી) હોવાનું નિદાન થાય છે. ઘણાને કાર્ડિયોવૅસ્ક્યુલર રોગ હોય છે. અલ્ઝાઇમર અને વેસ્ક્યુલર ડિમેન્શિયા ધરાવતા લોકોમાં મગજનું નોંધપાત્ર સંકોચન પણ અમને જોવા મળ્યું છે."
ગાર્ફિલ્ડ કહે છે, "તમારા મગજના કદના શક્ય તેટલા લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તમે જે કંઈ કરી શકો તે સારી બાબત છે. નૅપ લેવાથી મગજને મદદ મળે છે એ ખરેખર સકારાત્મક સંદેશ છે."
બાળકોના જ્ઞાનાત્મક વિકાસ માટે નિદ્રા મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવવામાં આવ્યું છે. પરીક્ષણ દર્શાવે છે કે જે બાળકો થોડા સમય પછી લાંબી નિદ્રા ન લેતા હોય તેઓ નવાં કાર્યોને યાદ રાખવામાં અસમર્થ હોય છે.
જોકે, પુખ્ત વયના લોકો માટે નિદ્રા લેવાના ફાયદા બહુ ઓછા સમજી શકાયા છે. ગાર્ફીલ્ડના અભ્યાસમાં સહભાગી બનેલા લોકોની ઉંમર 40થી 69 વર્ષ વચ્ચેની હતી. ગાર્ફીલ્ડના કહેવા મુજબ, "જીવનના મધ્ય તબક્કા લોકોને ડાયાબિટીસ તથા હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ થતી હોય છે અને અમે તે મધ્યબિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો."
જેઓ નિયમિત રીતે નૅપ લેતા હોય તેવા લોકોમાં જ તેના લાંબા ગાળાના ફાયદા જોવા મળે છે, એવું ભારપૂર્વક જણાવતા ગાર્ફિલ્ડ કહે છે, "તેમાં ઉત્તરોત્તર વધારો થવો જોઈએ."
ઝોકું ખાઈ લેવાના ટૂંકા ગાળાના સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ છે. પાંચથી પંદર મિનિટની ટૂંકી નિંદ્રાથી આપણું માનસિક પ્રદર્શન બહેતર બને છે. તેની માનસિક ઉત્તેજના આપણે જાગીએ પછી ત્રણ કલાક સુધી ટકતી હોય છે.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ લોફબોરો ખાતેના સાયકોલૉજીના પ્રોફેસર અને નિદ્રા નિષ્ણાત કેવિન મૉર્ગન કહે છે, "હાલમાં સ્પોર્ટ્સ સાયન્સમાં નિદ્રા બહુ મોટી બાબત ગણાય છે. રમતવીરોના પ્રદર્શનમાં થોડોક સુધારો કરે તેવી દરેક બાબતને અપનાવી લેવી જોઈએ."
મૉર્ગનના કહેવા મુજબ, "પ્રશિક્ષકો બૉટલ નૅપિંગ કરીને તેનો લાભ રમતવીરોને આપવા ઇચ્છે છે. તેને એક પ્રકારનો પૂરક આહાર ગણવા ઇચ્છે છે."
અભ્યાસ દર્શાવે છે કે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ઝોકું ખાઈ લેવાથી શારીરિક અને જ્ઞાનાત્મક કાર્યક્ષમતામાં ફાયદો થાય છે અને મૂડ સુધરે છે. મૉર્ગેન કહે છે, "તમે સ્મૃતિનો સંચય કરો છો. તમારા રિઍક્શન ટાઇમમાં સુધારો થઈ શકે છે અને સંકલિત પ્રદર્શનની દૃષ્ટિએ થોડો સુધારો પણ થઈ શકે છે."
મૉર્ગન દ્વારા સહ-લિખિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દર અઠવાડિયે 17 કલાક સુધી તાલીમ લેતા ચુનંદા ઍથ્લીટ્સ ઓછી ઊંઘની ફરિયાદ કરતા હોવા છતાં નૉન-ઍથ્લીટ્સ કરતાં ઝડપથી ઊંઘી જતા હોય છે. સ્નૂકર ખેલાડી રોની ઓ-સુલિવાન, અલ્ટ્રામૅરેથૉન દોડવીર કેમિલ હેરોન અને રીઅલ મેડ્રિડનાના પ્રીમિયર લીગ ફૂટબૉલર્સ બધાએ તેમની દિનચર્યામાં નેપિંગનો સમાવેશ કર્યો છે.
ઝોકું ખાઈ લેવું તે આપણી દિનચર્યાનો ભાગ હોવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્વાસ્થ્ય સંબંધી આટલા બધા લાભ થતા હોય તો આપણે બધાએ દરરોજ ઝોકું ખાઈ લેવાનું શરૂ કરવું જોઈએ?
નિષ્ણાતો કહે છે કે નૅપિંગની રાતની ઊંઘનો વિકલ્પ ન બની જાય તે મહત્ત્વનું છે.
ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના સ્લીપ મેડિસિનના પ્રોફેસર કૉલિન એસ્પી કહે છે, "સામાન્ય રીતે ઝોકું એ તમને પૂરતી ઊંઘ ન આવી હોવાનો સંકેત છે. દિવસમાં વારંવાર ઝોકું ખાઈ લેવાની ઇચ્છા થાય છે, એવું તમને લાગતું હોય તો તમારે તમારી જાતને સવાલ કરવો જોઈએ કે તમે ઊંઘની સમસ્યાની ભરપાઈ કરી રહ્યો છો કે પછી જીવનશૈલીને લીધે રાત્રે પૂરતી ઊંઘ લઈ શકતા નથી? મુખ્ય વાત એ છે કે રાતની ઊંઘ સલામત રહે તે માટે આપણે પ્રયાસ કરવા જોઈએ. કેટલાક પ્રાણીઓની માફક આપણે ઇચ્છીએ ત્યારે ઊંઘનો ચારો ચરી શકતા નથી."
દાખલા તરીકે, કેટલાક નેસ્ટિંગ પેંન્ગ્વિન દિવસમાં 10,000થી વધુ વખત સરેરાશ ચાર સેકન્ડ માટે ઝોકું ખાઈ લેતા હોય છે.
15થી 20 મિનિટ સુધીના ઝોકાથી લોકો ગાઢ નિંદ્રામાં સરી પડતા નથી. એ સમયે શરીર પેશીઓનું સમારકામ કરે છે, તેની પુનઃવૃદ્ધિ કરે છે, સ્નાયુ મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે લાંબા ગાળાની સ્મૃતિના એકત્રીકરણ માટે અને નવી માહિતીના પ્રોસેસિંગ માટે મહત્વપૂર્ણ છે.
એસ્પી કહે છે, “ઊંઘ કુદરતી ઔષધ છે. આપણે બહુ વિકસિત છીએ અને આપણને બહુ બધા બ્રેઈન પાવરની જરૂર હોય છે. તેથી આપણે રાતે સારી રીતે ઊંઘવું જરૂરી છે.”
મોર્ગનના કહેવા મુજબ, નાનાં સંતાનોનાં માતા-પિતા કે શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ જેવા રાત્રે પૂરતું ઊંઘવા સંઘર્ષ કરતા લોકોને "દિવસ દરમિયાન શિસ્તબદ્ધ રીતે ચોક્કસ પ્રમાણમાં ઊંઘવાથી લાભ મળી શકે."
જોકે, બધા લોકોને ઝડપથી ઊંઘ આવતી નથી, એમ જણાવતાં તેઓ ઉમેરે છે, "ઘણા લોકો ઝોકું ખાઈ શકતા નથી, કારણ કે તેમને એ આસાન નથી લાગતું."
મૉર્ગન કહે છે, "નૅપિંગ એ ઊંઘને ઑન-ડિમાન્ડ રિસોર્સ ગણવા જેવું છે અને જે લોકો ઝોકું ખાઈ શકે છે તેમના માટે એ કારગત સાબિત થાય છે." જોકે, તેનો અર્થ એ નથી કે આપણે બધાએ ઝોકું ખાઈ લેવું જોઈએ. "આ તો એમ કહેવા જેવું છે કે ડાબા હાથે લખવું ફાયદાકારક છે."
કેટલા લાંબા સમય સુધી ઝોકું ખાઈ લેવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
પાવર નૅપ માટે ટાઇમિંગ સૌથી વધારે મહત્ત્વની વાત છે. એટલે કે દિવસમાં કેટલી વાર તમે ઝોકું લઈ લો, એ મહત્ત્વનું છે.
મૉર્ગન જણાવે છે કે તમે નૅપ લેવાના હો તો તે બપોરના સમયગાળાની મધ્યમાં લો એ સુનિશ્ચિત કરવું જોઈએ અને એ ઝોકું 20 મિનિટથી વધારે લાંબું ન હોવું જોઈએ.
મૉર્ગન સમજાવે છે કે બપોરે બેથી ચાર વાગ્યા દરમિયાન "તમારું શરીર દિવસની ઊંઘ માટે વધુ અનુકૂળ હોય છે, કારણ કે આ સમયગાળામાં સર્કેડિયન રિધમમાં ઘટાડો થતો હોય છે અને આપણા શરીરનું તાપમાન ઘટી જતું હોય છે."
તેમના જણાવ્યા મુજબ, તમે સવારે નૅપ લેવાનો પ્રયાસ કરો તો ત્યારે તમારા શરીરનું તાપમાન વધી રહ્યું હોય છે. એટલે તમે વધારે સાવધ હોવાનો અનુભવ કરો છો. તમે દિવસમાં ખૂબ મોડેથી નૅપ લેશો તો તમારે રાત્રે ઊંઘવા માટે સંઘર્ષ કરવો પડશે.
તમે 20 મિનિટથી વધુની નૅપ લો તો જાગો ત્યારે તમને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે, તેને ટેક્નિકલી સ્લીપ ઇનર્શિયા તરીકે ઓળખવામાં આવે છે, એમ જણાવતાં એસ્પી કહે છે, "આ દેખીતી રીતે પ્રતિકૂળ છે, કારણ કે એ પછીના સમયમાં તમારે સંઘર્ષ કરવો પડશે."
મૉર્ગન જણાવે છે કે સ્લીપ ઇનર્શિયાને ગાઢ નિદ્રા સાથે સંબંધ છે. 30 મિનિટ પછી તમે સ્લો વેવ સ્લીપમાં સરકી પડો છો, જેને ડીપ સ્લીપ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંથી જાગવું મુશ્કેલ હોય છે.
એસ્પીના કહેવા મુજબ, તમે નૅપ લેવાનું શરૂ કરવાના હો તો તેનો સમય ટૂંકો રાખવો અને તેને સ્પેનમાં સિએસ્ટાની પરંપરા છે તેમ તમારી જીવનશૈલીનો ભાગ બનાવવી મહત્ત્વપૂર્ણ છે.
તેઓ કહે છે, "ભૂમધ્ય આબોહવાના ઘણા સમાજમાં ઝોકું ખાઈ લેવું એ સામાન્ય બાબત છે, પરંતુ તેની એક અસરને જાણી લેવી જરૂરી છે કે ત્યાં રહેતા લોકો બહુ મોડા ઊંઘે છે અને તેમણે નૅપ લીધી હોવાથી આસાનીથી ઊંઘી શકતા નથી."
એસ્પી કહે છે, “નૅપિંગ એ પસંદગી નથી, આદત છે. તમને તેની આદત પડી જાય પછી તેને વળગી રહેવામાં તમારું મગજ તમને મદદ કરે છે."












