ખાંડ ખાવાથી શરીરને શું નુકસાન થાય, કેટલું ગળ્યું ખાવું જોઈએ?

ખાંડ, શુગર, ગોળ, શરીર, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુશીલા સિંહ અને પાયલ ભુયન
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીમાં રહેતાં 15 વર્ષનાં રિયા (નામ બદલ્યું છે) પિગમેન્ટેશનની સમસ્યાથી પીડિત હતાં અને તેમને ગરદન, બગલ અને આંગળીના સાંધાની ત્વચા પર ઘેરા રંગના નિશાન હતા.

ડર્મેટોલૉજિસ્ટ કે ત્વચાના તબીબે તેમને ચયાપચય, હૉર્મોન અને ગ્રંથીઓના નિષ્ણાત એટલે કે ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટની મુલાકાત લેવાની સલાહ આપી.

જ્યારે રિયાની તપાસ કરવામાં આવી ત્યારે તેમને ભૂખ્યા પેટે બ્લડ શુગરનું લેવલ 115 અને નાસ્તો કર્યા પછી 180 હતું.

તબીબો અનુસાર વ્યક્તિનું ભૂખ્યા પેટે બ્લડ શુગર લેવલ 100 સુધી અને નાસ્તો કર્યા પછી 140 સુધી હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે.

રિયાની સારવાર કરનાર તબીબ સુરેન્દ્ર કુમારે કહ્યું, "રિયા જંક ફૂડ ખાતાં હતાં અને તેમના પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ પણ છે. રિયા કસરત પણ કરતાં નહોતાં. જો માતા-પિતાને ડાયાબિટીસ હોય તો બાળકોને ડાયાબિટીસ થાવાની શક્યતા 50 ટકા છે."

ડાયાબિટીસ ભારતમાં તો જાણે કે દરેક ઘરમાં થતો રોગ બની ચૂક્યો છે. ગળ્યું ખાવાથી શુગર લેવલ જમ્પ મારે છે. તો એવામાં ડાયાબિટીસ હોય કે ન હોય, એવી પરિસ્થિતિમાં વ્યક્તિએ કેટલી ખાંડ લેવી જોઈએ?

ખાંડ કે શુગર છે શું?

ખાંડ, શુગર, ગોળ, શરીર, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં ઍન્ડોક્રાઇનોલૉજી અને મેટાબૉલિજમ વિભાગના તબીબ સુરેન્દ્ર કુમાર જણાવે છે શુગર અનેક પ્રકારની હોય છે.

તેઓ ખાંડ વિશે જણાવે છે કે તે શેરડીમાંથી પ્રોસેસ થઈને બને છે, જેમાં કેલરી અને મીઠાશ સૌથી વધારે હોય છે. જેને સુક્રોઝ પણ કહેવામાં આવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શુગરના અન્ય પ્રકારો ગ્લુકોઝ, લૅક્ટોઝ અને ફ્રુકટોઝ છે.

ડૉકટર સુરેન્દ્ર કુમારે કહ્યું, "ફળોમાં ગ્લુકોઝ અને ફ્રુકટોઝ વધારે હોય છે જ્યારે ડેરીનાં ઉત્પાદનો જેવાં કે દૂધ અને પનીરમાં લૅક્ટોઝ મળી આવે છે. આ જ રીતે મધ અને ફળોમાં ગ્લુકોઝ મળી આવે છે જે હાનિકારક નથી."

જોકે જે વસ્તુઓમાં પ્રોસેસ્ડ શુગર એટલે કે સુક્રોઝ નાખવામાં આવે છે અને જો તેને વધુ માત્રામાં લેવામાં આવે તો નુકસાન પહોંચાડી શકે છે.

તબીબોનું કહેવું છે કે પ્રાકૃતિક શુગરવાળા ખાદ્યપદાર્થોને પ્રાધાન્ય આપવું જોઈએ કારણ કે તેમાંથી આપણને પોષકતત્ત્વો મળે છે. ફળો અને શાકભાજીમાં ફાઇબર, મિનરલ્સ અને ઍન્ટીઑક્સિડેન્ટ હોય છે, જ્યારે ડેરી ઉત્પાદનોમાંથી આપણને પ્રોટીન અને કેલ્શિયમ મળે છે.

ડૉકટર રાજીવ કોવિલે કહ્યું, "ભારતના કોઈ પણ વિસ્તારના લોકોનું ભોજન જોઈએ તો તેમના ખોરાકમાં 75થી 80 ટકા કાર્બોહાઇડ્રેટનો સમાવેશ થાય છે, જે દુનિયામાં સૌથી વધારે છે. અહીં લોકો શુગરનું સેવન પણ વધારે માત્રામાં કરે છે."

તેઓ દાખલો આપે છે કે બાજરો અને જ્વાર જેવાં અનાજમાં ફાઇબર વધારે હોય છે અને શરીરમાં તેનું પાચન ધીમે-ધીમે થાય છે. આ કારણે શુગરને સારી રીતે પચાવામાં મદદ મળે છે. આવી સ્થિતિમાં શરીરમાં શુગર અચાનક નથી વધતી. આનાથી ઊલટું ઘઉંમાંથી બનેલો લોટ કે મેંદો તરત જ શુગરમાં બદલી જાય છે અને એટલા માટે જ તેને ખાવા માટે મનાઈ કરવામાં આવે છે.

એકદમ વધારે માત્રામાં શુગર લેવાથી શરીરમાં ઇંસ્યુલિન વધારે બનવા લાગે છે અને તેને કારણે ભૂખ વધારે લાગે છે અને આ એક ચક્ર બની જાય છે. ત્યાર પછી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે.

ડૉ. રાજીવ કોવિલ જણાવે છે કે શુગર લેવાને કારણે અન્ય કાર્બોહાઇડ્રેટની તુલનામાં શરીરને વધારે કેલેરી મળે છે, જેના કારણે આપણને ઊર્જા અને ખુશી આપે છે.

શરીર પર ખાંડ કેવી રીતે અસર કરે છે?

ખાંડ, શુગર, ગોળ, શરીર, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ખાદ્યપદાર્થમાં મૂળ ત્રણ ઘટક કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીન હોય છે. માણસના શરીરને તાકાત માટે કાર્બોહાઇડ્રેટની જરૂરત હોય છે.

આ કાર્બોહાઇડ્રેટ કેટલાક પ્રકારના ખાદ્યપદાર્થોમાં પ્રાકૃતિક રીતે મળી આવે છે. કાર્બોહાઇડ્રેટ સૌથી વધારે ફળોમાં મળી આવે છે અને ખાંડ પણ એક કાર્બોહાઇડ્રેટ છે.

ખાંડ સિવાય અન્ય સામાન્ય કાર્બોહાઇડ્રેટ આપતા ખાદ્યપદાર્થો જેમ કે ભાત અને લોટ પણ જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે આપણાં આંતરડાં તેને તોડીને તેમાંથી ગ્લુકોઝ બનાવે છે.

આ ગ્લુકોઝ શરીરમાં ઈંધણનું કામ કરે છે અને તેમાંથી આપણને ઊર્જા મળે છે.

મુંબઈમાં ડાયાબિટીસ કેર સેન્ટરમાં તબીબ રાજીવ કોવિલ અને સુરેન્દ્ર કુમારે ઇંસુલિન રેસિસ્ટેંસ વિશે સમજાવતા કહ્યું કે ઇંસુલિન હાર્મોન આપણા શરીરમાં ડ્રાઇવરનું કામ કરે છે. જે આપણા શરીરમાં ગ્લુકોઝને કિડની, હૃદય અને શરીરનાં અન્ય અંગોની કોશિકાઓમાં પહોંચાડે છે.

તેઓએ કહ્યું, "જ્યારે ઇંસ્યુલિનની માત્રા વધે છે ત્યારે આ કામ કરવાનું બંધ કરી દે છે અને ગ્લુકોઝ અન્ય વિકલ્પો થકી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. આ કારણે કોશિકાઓમાં સમસ્યા આવે છે અને ગ્લુકોઝ શરીરમાં ચરબીના રૂપે જમા થાય છે અને પછી પરેશાનીઓ ઊભી થાય છે."

તબીબોના મત પ્રમાણે આને કારણે શરીરમાં ખાંડનું સ્તર વધતું જાય છે અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે.

ડાયાબિટીસનો ખતરો કેમ વધ્યો?

ખાંડ, શુગર, ગોળ, શરીર, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુનિયામાં સ્થૂળતાની ગંભીર સમસ્યા બની રહી છે જે આગળ જતાં વધી જવાની આશંકા છે. (પ્રતીકાત્મક તસવીર)

કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ખાસ બાળકો માટેના ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ અને "શુગર, ધી બિટર ટ્રૂથ" નામના પુસ્ત ના લેખક રૉબર્ટ લસ્ટિંગનું કહેવું છે કે પુખ્ત વયના લોકોની બીમારી હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. જેમ કે ટાઇપ 2 ડાયાબિટિસ અને ફેટી લિવર."

તેમના મત પ્રમાણે 1980ના દાયકામાં આ બીમારી પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. ફેટી લિવરની બીમારી એવા લોકોને થતી જે દારૂનું સેવન કરતા હતા. જોકે અમેરિકામાં અત્યારે 25 ટકા બાળકોના લિવરમાં ચરબીની સમસ્યા છે, જ્યારે તેઓ દારૂનું સેવન પણ નથી કરતાં.

તબીબ રૉબર્ટ લસ્ટિંગ જણાવે છે કે પહેલાંના સમયમાં ખાંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કૅન્ડી અને ચૉકલેટ બાળકોને એટલી સરળતાથી મળતી ન હતી જેટલી અત્યારે મળે છે. અત્યારનાં બાળકોને આ બધું જ સરળતાથી મળી જાય છે.

આ કારણે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયને સંબંધી બીમારીઓ અને કૅન્સર થવાનો પણ ખતરો છે.

ખાંડ ખાવાથી ખુશીનો અનુભવ કેમ થાય છે?

ખાંડ, શુગર, ગોળ, શરીર, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ખુશીના અવસરો પર ગળ્યું મોં કરવાનો વિચાર આવે એ સ્વાભાવિક છે. પૂજા કે તહેવારોમાં મળતા પ્રસાદમાં પણ મોટા ભાગે કંઈક ગળ્યું હોય છે.

શુગર આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થય માટે સારી હોય છે. જો તેને ગ્લુકોઝના રૂપે લેવામાં આવે તો આપણને તરત જ ઊર્જા અને ખુશી અનુભવાય છે.

ડૉ. રાજીવ કોવિલના મત પ્રમાણે આપણા મગજનું 80 ટકા કામ ગ્લુકોઝ પર આધાર રાખે છે અને જો શરીરને તે ઓછી કે વધારે માત્રામાં મળે તો ચક્કર આવવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.

જ્યારે ડૉ. સુરેન્દ્ર કુમારે કહ્યું, "શુગર ખાવાથી એક પ્રકારની ખુશી પણ મળે છે. જ્યારે આપણે તેને ખાઈએ છીએ અને તે આપણા મગજમાં જાય છે ત્યારે ઍન્ડોર્ફિન હૉર્મોન્સ રિલીઝ થાય છે, જેનાથી આપણને આનંદ થાય છે. જો કે આનો અર્થ એ નથી કે આપણે મીઠાઈઓ ગમે ત્યારે ખાવાનું શરૂ કરીએ છીએ."

નિષ્ણાતોના મત પ્રમાણે વાધારે શુગર ખાવાથી સમસ્યા ત્યારે આવે છે જ્યારે લોકો યોગ્ય પ્રમાણમાં શારીરિક શ્રમ કે કસરત નથી કરતા અને ત્યાર પછી આ સમસ્યાઓ ઊભી થાય છે.

કેટલું ગળ્યું ખાવું જોઈએ?

વિશ્વ ઑબેસિટી ઍટલસની 2023માં આવેલા એક રિપોર્ટ અનુસાર, 51 ટકા કે ચાર અબજથી વધારે લોકો 2035 સુધીમાં સ્થૂળતાનો શિકાર હશે.

બાળકોમાં સ્થૂળતા બમણી ઝડપથી વધી રહી છે. રિપોર્ટ અનુસાર છોકરીઓમાં સ્થૂળતાનો દર છોકરાઓ કરતાં બમણો હશે.

ભારતમાં 2035 સુધીમાં 11 ટકા વયસ્કો સ્થૂળતાનો શિકાર થશે અને આ કારણે અર્થતંત્ર પર 13,000 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

અમેરિકન હાર્ટ ઍસોસિયેશન અનુસાર, એક પુરૂષે દરરોજ 36 ગ્રામ એટલે કે 150 કેલરીથી વધારે ખાંડ ન ખાવી જોઈએ. જ્યારે મહિલાઓએ 25 ગ્રામ કે 100 કેલરીથી વધારે ખાંડ ન લેવી જોઈએ.

ડૉ. રાજીવ કોવિલ જણાવે છે કે સામાન્ય રીતે વિકસિત દેશોમાં ખાંડનો વપરાશ વધારે થાય છે પરંતુ ભારતમાં પણ ખાંડનો વધારે વપરાશ છે.

તેઓ જણાવે છે કે 1980ના દાયકાના મધ્યમાં અને 1990ના દાયકામાં સમૃદ્ધ પરિવારના લોકોનું વજન વધવાની કે ડાયાબિટીસની સમસ્યા જોવામાં આવી હતી. કારણ કે તેમના માટે ભોજન એ એક આનંદ લેવાનું માધ્યમ છે. જો કે છેલ્લાં 15 વર્ષોથી બાળકોમાં પણ આવી સમસ્યા જોવા મળી રહી છે, કારણ કે તેમને ખાદ્ય પદાર્થોમાં અનેક વિકલ્પો મળી રહ્યા છે.

થ્રિફ્ટી જીનોટાઇપ હાઇપોથીસિસ

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં છપાયેલી એક જાણકારી અનુસાર, કેટલાક દશકો પહેલાં લોકોમાં એવા જનીનો વિકસિત થયા જે ચરબીનો સંગ્રહ કરી શકે છે.

બન્ને તબીબો જણાવે છે કે માનવીના શરીરમાં આ જનીન ત્યારે વિકસિત થયા જ્યારે લોકોનું ભોજન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ સમયમાં થ્રિફ્ટી જનીનવાળા લોકોમાં ભોજનનો સંગ્રહ ચરબીના રૂપમાં થતો હતો. દુષ્કાળ વખતે ભોજન ન મળવાની સ્થિતિમાં શરીર આ ચરબીનો ઉપયોગ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે કરે છે.

ડૉ. સુરેન્દ્રકુમાર નૉર્થ અમેરિકન માઉસ (ઉંદર)નું ઉદાહરણ આપે છે, જે વર્ષમાં છ મહિના ભોજન કરે છે અને બાકીના છ મહિના કંઈ પણ ભોજન કર્યા વગર પણ જીવી શકે છે.

જોકે બન્ને તબીબોનું કહેવું છે કે આ જનીનના જે કામથી આપણને ફાયદો થતો હતો, હવે તે નુકશાન પહોંચાડી રહ્યા છે. હવે લોકોને ભોજન માત્ર મળી જ નથી રહ્યું પણ તેમની પાસે ભોજનના અનેક વિકલ્પો પણ છે. જો કે આ જનીન પહેલાંની જેમ જ ચરબીનો સંગ્રહ કરી રહ્યો છે. જ્યારે લોકો આજે જેટલું ભોજન કરે છે તેના સમપ્રમાણમાં કસરત ખૂબ જ ઓછી કરે છે.

વધારે ગળ્યું ખાવાથી શરીરમાં શું નુકશાન થાય છે?

ખાંડ, શુગર, ગોળ, શરીર, સ્વાસ્થ્ય, ડાયાબિટીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોનું માનવું છે કે વધારે માત્રામાં ગળ્યું ખાવાથી શરીરને ધણું નુકસાન થાય છે.

એક તો સ્થૂળતાની સમસ્યા ઊભી થાય છે અને ત્યાર પછી અન્ય સમસ્યાઓ પણ ઊભી થતી જાય છે જેવી કે હાઈ બ્લડ પ્રેશર, કૉલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને અન્ય હૃદય રોગ વગેરે.

જોકે ડૉક્ટર એ પણ સ્પષ્ટ કરે છે કે એવું જરૂરી નથી કે વધારે ગળ્યું ખાવાથી સૌથી પહેલાં સ્થૂળતા જ આવે. બીજી અન્ય સમસ્યાઓ પણ પહેલાં થઈ શકે છે.

જેમકે, મહિલાઓને પીસીઓડીની સમસ્યા હોઈ શકે છે અને ત્વચામાં કાળાશ અથવા પિગમેન્ટેશન થઈ શકે છે.

ખાંડ અને કૅન્સરનો શું સંબંધ છે?

તબીબોના મત પ્રમાણે કૅન્સરનું એક કારણ શરીરમાં વધારે માત્રામાં ઇન્સયુલિન પણ છે. શું કૅન્સરના દર્દીઓએ ગળ્યું ન ખાવું જોઈએ?

ડૉ. રાજીવ કોવિલ જણાવે છે કે એવા નિર્દેશો હજી નથી આવ્યા કે કૅન્સરના દર્દીઓએ શુગર છોડી દેવી જોઈએ. જોકે તેમનું કહેવું છે કે એ વાત સાચી છે કે જો શરીરમાં શુંગરનું પ્રમાણ વધારે હોય તો કૅન્સરને અનુકૂળ માહોલ મળે છે.

તેમના મત પ્રમાણે કૅન્સરનો સ્થૂળતા અને ડાયાબિટીસ સાથે સંબંધ છે કારણ કે આવા દર્દીઓમાં કૅન્સરના કેસો 20 ટકા વધારે છે.

ડૉ. સુરેન્દ્ર કુમાર કહે છે કે જો કૅન્સરના દર્દીને ડાયાબિટિસ હોય અથવા તેમનું શરીર ગ્લુકોઝને સહન ન કરી શકવાને કારણે બ્લડ શુગર વધવા લાગે તો ગળ્યું ન ખાવું જોઈએ. જો આવી સમસ્યા ન હોય તો દર્દી થોડાક પ્રમાણમાં ગળ્યું ખાઈ શકે છે.

તેઓ દાખલો આપે છે કે જો કોઈને આઇસક્રીમ ખાવાની ઇચ્છા હોય તો તેમણે એક સાથે આખો સ્કૂપ ન ખાવો જોઈએ. તેમણે દિવસમાં અલગ-અલગ સમય પર સ્કૂપમાંથી એક-એક ચમચી આઇસ્ક્રીમ ખાવી જોઈએ.

આની પાછળનું કારણ જણાવતા ડૉ. સુરેન્દ્ર કુમારે કહ્યું, "કૅન્સર કે ડાયાબિટીસના દર્દી દિવસના અલગ-અલગ સમયે થોડોક-થોડોક આઇસક્રીમ ખાશે તો તેના શરીરમાં હાજર ઇન્સ્યુલિન તેને સહન કરી લેશે. જો કે અચાનક જ શરીરમાં વધારે પ્રમાણમાં ખાંડ જશે તો શરીર તેને સંભાળી નહીં શકે."

આર્ટિફિશિયલ શુગર કે ખાંડમાંથી કયો સારો વિકલ્પ છે ?

નિષ્ણાતોના મત પ્રમાણે જૅમમાં જો માત્ર ફ્રુક્ટોઝ હોય અને તે પ્રાકૃતિક હોય તો તે નુકસાનકારક નથી પરંતુ જો તેમાં ખાંડ ઉમેરવામાં આવી છે તો લાંબા સમય સુધી તે ખાવાથી નુકશાન થઈ શકે છે.

તબીબોનું કહેવું છે કે આવી વસ્તુઓ ખાવાથી સંતોષ નથી મળતો અને વારંવાર તે ખાવાની ઇચ્છા થાય છે. આ એક એવું ચક્ર બની જાય છે કે જે શરીરને નુકશાન કરે છે.

તબીબોનું કહેવું છે કે શુગર ફ્રી ખાદ્યપદાર્થો કે જેમાં આર્ટિફિશિયલ શુગરનો ઉપયોગ થાય છે તેનું પણ જેટલું ઓછું સેવન કરે તે સારું છે. ડાયાબિટિસના દર્દીઓ શુગર ફ્રી વસ્તુનો ઉપયોગ કરી શકે છે.

ડૉ. રાજીવ કોવિલનું કહેવું છે કે તેમણે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયને પ્રસ્તાવ આપ્યો કે જેવી રીતે શાકાહારી અને માંસાહારી ખાદ્યપદાર્થો પર લીલું અને લાલ નિશાન લગાડવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત ખાવાની વસ્તુઓ પર વાદળી નિશાન લગાડવામાં આવે.

ડૉકટરોનું માનવું છે કે ભારતના લોકોમાં ફૂડ લેબલની બાબતમાં જાગરૂકતા ઓછી છે અને સાથે જ હેલ્થ લિટરેસી એટલે કે સ્વાસ્થયને લઈને સામાન્ય વાતોની જાણકારીની અછત છે.

લોકો ખાવાપીવાની વસ્તુઓની ઍક્સપાયરી ડેટ તો વાંચી લે છે પરંતુ તેમાં શું-શું પદાર્થો છે તે વાંચવાની મહેનત નથી કરતા જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.