પૅકેજ્ડ ફૂડ ખાતા પહેલાં પૅકેટ પરનું લખાણ કેમ વાંચવું જોઈએ?

પૅકેજ્ડ ફૂડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, પાયલ ભુયન
    • પદ, બીબીસી સંવાદદાતા

તમે બજારમાંથી નાસ્તા કે ખોરાકનું પૅકેટ ખરીદો ત્યારે તેના પરના લખાણને વાંચવામાં તમે કેટલો સમય આપો છો?

તમે કોઈ ચિપ્સના પૅકેટમાંથી ચિપ્સ ખાઓ તો તમને એ વાતનો અંદાજ હોય છે કે તેમાં કેટલું ફૅટ હોય છે અને કેટલું કાર્બોહાઇડ્રેટ?

આ સવાલોનો જવાબ કદાચ તમારી પાસે નહીં હોય.

બજારમાં પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ પૅકેટમાં વેચાતા ખોરાકની ભરમાર છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માટે આટલા બધા વિકલ્પોમાંથી એક સારો વિકલ્પ પસંદ કરવો સરળ નહીં હોય.

જાણીતી મેડિકલ જર્નલ લૅન્સેન્ટના એક અહેવાલ મુજબ દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં માણસો જે પણ ખોરાક સ્વરૂપે લે છે તેનામાંથી મળતી કુલ કૅલરી પૈકી સરેરાશ દસ ટકા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના માધ્યમથી માણસો સુધી પહોંચી રહી છે. આર્થિક રીતે જેની સ્થિતિ સારી હોય તેવા શહેરી પરિવારમાં તો તેનું પ્રમાણ વધીને 30 ટકા સુધી પહોંચી ગયું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ ભારતમાં પ્રોસેસ્ડ ફૂડનું બજાર 2021માં 2,535 અબજ રૂપિયાનું થઈ ગયું હતું.

ફૂડ પૅકેટ્સ
ઇમેજ કૅપ્શન, પૅકેજ્ડ ફૂડના વેચાણના આંકડાઓ

તેમજ માર્કેટ રિસર્ચ કંપની યૂરોમૉનિટરના ડેટા અનુસાર ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું વેચાણ કરીયાણાની દુકાનો પર સૌથી વધુ થાય છે.

2021ના આંકડા પ્રમાણે નાસ્તાના પૅકેટનું સૌથી વધુ વેચાણ કરીયાણાના નાના વેપારીઓએ કર્યુ છે.

પૅકેજ્ડ ફૂડ

ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલા અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનમાં સામુદાયિક અને પારિવારિક ચિકિત્સા વિભાગમાં એડિશનલ પ્રોફેસર, ડૉક્ટર પ્રદીપ અગ્રવાલ જણાવે છે કે પાછલા બે દાયકામાં ભારતમાં નૉન કમ્યુનિકેબલ ડિસીઝ જેમ કે, મેદસ્વીપણું, હાઇપરટેન્શન, ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે અને તેનું કારણ પ્રોસેસ્ડ ફૂડ છે. જેનું ચલણ શહેરો સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ વધી રહ્યું છે.

તેઓ કહે છે, ''પાછલા કેટલાક સમયમાં લોકોની રહેણીકરણી પણ બદલાઈ છે. આ વર્ષોમાં પૅકેટમાં મળતું પ્રોસેસ્ડ ખાવાનું આપણા જીવનનો ભાગ બનતું ગયું છે. આવો ખોરાક તમને તરત જ ઊર્જા આપે છે, પણ તેમાં પોષકતત્ત્વોની ઊણપ હોય છે. તેમાં ગળપણ, મીઠું અને ઍમ્પટી કૅલેરીનું પ્રમાણ વધારે હોય છે.’’

ઍમ્પટી કૅલેરી એ ખાદ્યપદાર્થોમાંથી મળે છે જેમાં પોષ્કતત્ત્વો નહિવત્ પ્રમાણમાં હોય છે.

ખાદ્ય વસ્તુના પૅકેટ પર લખેલું લખાણ વાંચવું કેમ જરૂરી છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) (પૅકેજિંગ અને લેબલિંગ) રેગ્યુલેશન 2011 મુજબ ભારતમાં વેચાનારા દરેક પ્રીપૅક્ડ ફૂડના પૅકેટ પર તેનાં પૌષ્ટિક તત્ત્વો સંબંધિત તમામ જાણકારી હોવી જોઈએ.

એફએસએસએઆઇનું માનવું છે કે આ જાણકારી ગ્રાહકોને કોઈ પણ પૅકેટ ખરીદતા પહેલાં એક જાગૃત નાગરિક તરીક નિર્ણય લેવામાં સહાયક નીવડે છે.

હકીકતમાં તે એટલે જરૂરી છે, કારણ કે પૅકેજ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી પર એવા આરોપ લાગતા રહ્યા છે કે તે એવા ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહન આપે છે, જેમાં ખાંડ, મીઠું, ફૅટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય છે.

સવાલ એ છે કે જ્યારે ખાદ્ય પદાર્થોની જાણકારી પાછળ આપવામાં આવી હોય છતાં તેને સામેની બાજુએ લખવાની શું જરૂર છે?

ભારતમાં રહેતા લોકોમાં એક વિશાળ વર્ગ એવો છે જે હિન્દી અને અંગ્રેજીમાં લખેલી માહિતીને વાંચી શકતો નથી.

સાથે જ ઘણી વાર લોકોની એવી પણ ફરિયાદ રહે છે કે પૅકેટ પરના લખાણની સાઇઝ અત્યંત નાની હોય છે.

આ કારણે તે જોઈ જ નથી શકાતું. તેથી એક એવી પ્રણાલીની જરૂર છે જેને કોઈ પણ વ્યક્તિ સમજી શકે પછી ભલે તેને વાંચતા આવડતું હોય કે નહીં.

શું છે ફ્ન્ટ ઑફ પૅક લેબલિંગ?

પૅકેજ્ડ ફૂડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગ્રાહકો પૌષ્ટિક ખોરાકના વિકલ્પોને પસંદ કરી શકે તે હેતુથી ઘણા સમયથી ફ્રન્ટ ઑફ લેબલિંગ સિસ્ટમને પ્રોત્સાહિત કરવાની વાત થઈ રહી છે.

આને આવી રીતે સમજો. જો તમે સિગારેટનું પૅકેટ જુઓ તો તેના પર એવી તસવીર અને ચેતવણી હોય છે, જેના કારણ ગ્રાહક તેને ખરીદતા પહેલાં વિચાર કરે. પછી તે ગ્રાહક પર આધારિત છે કે તે તે ખરીદે કે નહીં.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, “ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ એવી રીતે કરવું જોઈએ જે ગ્રાહકને પહેલી નજરે જ દેખાઈ જાય, જેને સમજવું સરળ હોય અને તેને ગ્રાફિક્સ તરીકે બતાવવામાં આવે. પૅકેટ પર એ જાણકારી હોય જે પૅકેટની પાછળ આપેલી જાણકારી સાથે મેળ ખાતી હોય.”

એફએસએસએઆઇએ 2014માં ખોરાકના પૅકેટ પર એક એવી લેબલિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે હાલના નિયમને વધુ કડક બનાવી શકે. આ અભિપ્રાય એફએસએસએઆઇએ બનાવેલી એક વિશેષ સમિતિ તરફથી મુકાયો હતો.

આ મુદ્દે કેટલાંય વર્ષોથી અલગ અલગ સ્તરે ચર્ચા ચાલી રહી છે. પણ પૅકેટ ફૂડ ઇન્ડસ્ટ્રી એ અંગે રાજી નથી થતી, તેમજ આરોગ્ય નિષ્ણાતો વધુને વધુ કડક માપદંડોની માગ કરી રહ્યા છે.

શું છે ઇન્ડિયન ન્યૂટ્રીશન રેટિંગ મોડલ?

પૅકેજ્ડ ફૂડ

ઇમેજ સ્રોત, Getty Images

2022ના સપ્ટેમ્બરમાં એફએસએસઆઇએ ‘ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ’નો મુસદ્દો રજૂ કર્યો હતો.

આ ડ્રાફ્ટમાં ઇન્ડિયન ન્યૂટ્રિશન રેટિંગ મૉડલને લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો કોઈ ખોરકામાં પોષકતત્ત્વો વધારે હોય તો તેને 5 રેટિંગ મળશે. જો કોઈમાં પોષકતત્ત્વો ઓછાં હોય તો રેટિંગ ઘટી જશે. પણ કોઈ પણ વસ્તુને અડધાથી ઓછું રેટિંગ નહીં આપી શકાય. આ મુસદ્દો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ અમદાવાદ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણ પર આધારિત હતો.

કન્ઝ્યુમર રાઇટ ઍક્ટિવિસ્ટ અને સિટિઝન કન્ઝ્યુમર ઍન્ડ સિવિક ઍક્શન ગ્રૂપના ઍક્સિક્યુટિવ ડાયરેક્ટર એસ. સરોજા કહે છે, ''અમે સ્ટાર રેટિંગના બદલે સ્પષ્ટ વૉર્નિંગ લેબલની માગ કરી રહ્યા છીએ.''

તેઓ કહે છે, “પૅકેટ પર એવાં લેબલ હોય, જેને દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે. પછી ભલે તેને વાંચતા, અંગ્રેજી કે હિન્દી બોલતા આવડતું હોય કે નહીં. અમે ઇચ્છીએ છીએ તે તેને અત્યંત સરળ રાખવામાં આવે.”

તેઓ જણાવે છે, ''ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ બાબતે FSSAIની જે બેઠક થઈ હતી, તેમાં FSSAI તરફથી સ્ટાર રેટિંગની વાત કહેવાઈ હતી. એટલે કે અડધા સ્ટારથી માંડીને પાંચ સ્ટાર સુધી. તેનો અર્થ એ થયો કે જો કોઈને પાંચ સ્ટાર મળે છે તો તે બહુ સ્વાસ્થ્યપ્રદ છે, પણ જો કોઈ ખાદ્ય પદાર્થને અડધો સ્ટાર જ મળે છે તો તે ઓછો સ્વાસ્થ્યપ્રદ છે. પણ આ રેટિંગ સિસ્ટમમાં અમને જે સમસ્યા લાગી તે એ છે કે તમે કોઈને અડધાથી ઓછા સ્ટારનું રેટિંગ ન આપી શકો. સ્ટારનો અર્થ એ થયો કે બધી વસ્તુમાં કંઈક ને કંઈક સારું છે. જ્યારે આ વાત સાચી નથી. ''

સરકાર સામે મુસદ્દો રજૂ કરતા પહેલાં FSSAI એ જનતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. આ માટે તેણે નવેમ્બર, 2022માં આ મુસદ્દાને સાર્વજનિક કર્યો. જેના પર ઘણી ચર્ચા થઈ.

પબ્લિક હેલ્થ પ્રૉફેશનલોએ તેની ટીકા કરી. તેમણે આઇએનઆર સિસ્ટમમાં ઍજ્યુકેશનલ કમ્પોનેન્ટ જોડવાનો આગ્રહ કર્યો, જે ગાયબ હતો.

ડૉક્ટર પ્રદીપ અગ્રવાલ કહે છે, “સરેરાશ વ્યક્તિને કોઈ પણ ખાદ્ય પદાર્થનું પૅકેટ ખરીદતા સાતથી આઠ સેકન્ડનો સમય લાગે છે. આપણે આ સાત-આઠ સેકન્ડમાં વંચાઈ જાય એવું ફ્રન્ટ ઑફ પૅક લેબલ બનાવવું પડશે, જે સ્પષ્ટ રીતે સમજાવી શકે કે તેને ખરીદવું જોઈએ કે નહીં. આમાં બે વસ્તુ છે. પહેલી એ કે તે સરળતાથી સમજાવું જોઈએ અને બીજી એ કે તે સાઇન લૅંગ્વેજમાં હોય. આપણે દેશની વિવિધતાને ધ્યાનમાં રાખીને ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગની પસંદગી કરવી જોઈએ.”

પણ ઘણી નિષ્ણાત પૅનલની ભલામણો અને મુસદ્દાના નિયમો પછી પણ ભારતમાં હજુ પણ પૅકેટમાં સામેની બાજુ એક સ્પષ્ટ લેબલિંગ કે ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ પ્રણાલી પર સહમતી નથી બની શકી.

કયા દેશોમાં છે ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ સિસ્ટમ?

લૅન્સેટમાં છપાયેલા એક લેખ મુજબ ફ્રન્ટ ઑફ પૅક લેબલ્સને (એફઓપીએલ) ત્રણ તબક્કામાં વહેંચી શકાય છે.

  • 'નૉર્ડિકનો હોલ લોગો' અને 'હેલ્ધિયર ચૉઇસ લોગો'
  • વૉર્નિંગ લેબલ્સ
  • સ્પેકટ્રમ લેબલ્સ

'નૉર્ડિકનો હોલ લોગો' ઉત્તર યુરોપિયન દેશોમાં લાગુ છે. 'હેલ્થિયર ચૉઇસ લોગો' સિંગાપોરમાં લાગુ છે. આ બંને પ્રકારના લોગો માટે ફૂડ ઇન્ડસ્ટ્રીને વધુ સ્વીકાર્ય છે, કારણ કે તે પૅકેજ્ડ ફૂડને હકારાત્મક રીતે રજૂ કરે છે.

આ લેબલિંગ ગ્રાહકોને સ્પષ્ટ રીતે એ નથી કહી શકતું કે આ પૅકેટ્સમાં રહેલો ખોરાક સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં.

એફઓપીએલની બીજી શ્રેણી વૉર્નિંગ લેબલની છે. આ લેબલિંગ સિસ્ટમ ચિલી અને મૅક્સિકોમાં લાગુ છે. વૉર્નિંગ લેબલ્સ પૅકેટમાં રહેલા ખોરાકમાં રહેલી એવી વસ્તુઓને સ્પષ્ટપણે દર્શાવે છે જે તેમાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં હોય છે અને આપણે તેનું સેવન નિયમિત રીતે ના કરવું જોઈએ.

ત્રીજી શ્રેણી સ્પેક્ટ્રમ લેબલિંગની છે. તેમાં ન્યુટ્રિ સ્કોર અને ટ્રાફિક લાઇટ સિગ્નલ જેવી વૉર્નિંગ સિસ્ટમ અને હેલ્થ સ્ટાર રેટિંગ હોય છે. ન્યુટ્રિ સ્કોર યુરોપિયન દેશોમાં, મલ્ટિપલ ટ્રાફિક લાઇટ્સ યુકેમાં અને હેલ્થ સ્ટાર રેટિંગ ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં લાગુ છે.

પણ આ પ્રકારના લેબલની સિસ્ટમ વચ્ચે શું કોઈ એવું પૅકેટ લેબલિંગ છે જે અન્યથી વધારે સારું હોય?

આ વિશે સરોજા કહે છે, ''ચિલી અને ઇઝરાયલમાં વૉર્નિંગ લેબલ્સનો ઉપયોગ કરાય છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકોએ એવા ખાદ્ય પદાર્થ જેમાં મીઠું, ખાંડ કે ફૅટનું પ્રમાણ વધારે હોય તેનુ સેવન ધીરે ધીરે ઓછું કરી દીધું છે. સાથે જ જે કંપનીઓ આ ફૂટ પૅકેટ્સને બનાવે છે તેમને પણ તેમના ઉત્પાદનોમાં ફેરફાર કરવો પડ્યો છે.''

યોગ્ય ખોરાક કેવી રીતે પસંદ કરશો?

પૅકેજ્ડ ફૂડ

ઇમેજ સ્રોત, Getty Images

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં પીડિયાટ્રિક ઍન્ડોક્રિનોલૉજિસ્ટ અને ‘શુગર ધ બીટર ટ્રુથ’ના લેખક, ડૉક્ટર રૉબર્ટ લસ્ટિગનું માનવું છે કે ‘પૅકેટની પાછળ છપાયેલા લખાણનો કોઈ અર્થ નથી અને જે ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ સિસ્ટમ પણ કોઈ સમાધાન નથી.’”

તેઓ કહે છે, “પૅકેટમાં પાછળ લખાયેલું લખાણ બહુ ઓછા લોકો વાંચે છે. બીજું કંપની તમને સાચી માહિતી નથી આપતી. તે એવા શબ્દોનો ઉપયોગ કરે છે, જે સામાન્ય માણસો સમજી નથી શકતા. તેને અમે ‘હાઇડિંગ ઇન પ્લેન સાઇટ’ એટેલે કે સ્પષ્ટ રીતે વસ્તુઓને છુપાવી દેવું એવું કહીએ છીએ.”

“હકીકતમાં તકલીફ એ નથી કે ખાદ્ય વસ્તુઓમાં શું છે, તકલીફ તો એ છે કે આ ખાદ્ય વસ્તુઓ સાથે શું કરાયું છે. મારા મતે હાલ દુનિયામાં જે ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ છે તે પણ સમસ્યાનું સમાધાન તો નથી જ.”

નાસ્તાનું પૅકેટ ખરીદતા અગાઉ શું ધ્યાન રાખવું? આ સવાલ પર ડૉક્ટર રૉબર્ટ લસ્ટિગ કહે છે કે કોઈ પણ પૅકેટ ખરીદો કે પોતાનો ખોરાક પસંદ કરો તો ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખો.

ખાદ્ય પદાર્થ એવો હોય જે આંતરડાંનું ધ્યાન રાખે. તમારા લિવરનું રક્ષણ કરે અને મગજને તાકત આપે.

આંતરડાંને સ્વસ્થ રાખવા ખાદ્ય પદાર્થમાં રફેઝની માત્રા પૂરતી હોય.

લિવરને ખાંડ અને કૅડમિયમથી બચાવો. જે વસ્તુઓમાં ખાંડ હોય તે તમારા લિવરને અસર કરે છે. તેથી તમે જોશો કે હવે ઘણા લોકોને ફૅટી લિવરની સમસ્યા થાય છે.

મગજ માટે ઓમેગા 3 ફૅટી ઍસિડની જરૂર છે તે તેમાં હોવું જોઈએ.

ડૉ. રૉબર્ટ કહે છે, "મારી સલાહ એ છે કે જેમાં આ ત્રણમાંથી કંઈ ના હોય તેને બિલકુલ ના ખરીદો.''

બીબીસી
બીબીસી