પાકિસ્તાનનાં શહેરોમાં ગુજરાતી થાળી અને ઢોકળાંનો સ્વાદ કેવી રીતે લોકોની દાઢે વળગ્યો?

શાકાહારી ભોજનનું વલણ પાકિસ્તાનમાં પણ વધી રહ્યું છે

ઇમેજ સ્રોત, UROOJ JAFRI

    • લેેખક, ઉરુજ જાફરી
    • પદ, ઈસ્લામાબાદથી, બીબીસી હિન્દી માટે

ભારત અને પાકિસ્તાને છેલ્લાં 76 વર્ષમાં દોસ્તીની થોડીઘણી ઇચ્છા તો જરૂર રાખી છે, પરંતુ એ દિશામાં ખાસ કંઈ પ્રગતિ થઈ નથી.

પુરુષના હૃદયનો માર્ગ પેટમાંથી પસાર થાય છે, એવું કહેવાય છે ત્યારે એ શક્ય છે કે બન્ને દેશોની દોસ્તીનો માર્ગ પણ કદાચ ભોજન હોય?

મેં આ બાબતે વિચારવાનું શરૂ કર્યું ત્યાર બાદ એક પછી એક પડ ખુલ્યાં હતાં.

પાકિસ્તાની ભોજનમાં ભારતીય મસાલાઓની છાપ ન હોય તે વાત એક માતાનાં બન્ને સંતાન એકમેકથી બિલકુલ અલગ હોય તેવી છે.

જેમ ભાઈ-બહેનના ચહેરા કે વર્તણૂંક એકમેકને મળતી હોય છે તેમ બન્ને દેશોનાં પકવાનમાં પણ એકસમાન સ્વાદ અનુભવવા મળે છે.

ક્યાંક કશુંક અલગ હશે. ભોજન પર પાણીની અસર પણ હોય છે, એ જગજાહેર છે.

ખૈબર પખ્તૂનખ્વાહમાં બદાયુંના વિખ્યાત પેંડા

બાર્બેક્યૂમાં મેરઠના કબાબ અને લખનૌના ગિલોટી કબાબનો પણ સમાવેશ થાય છે

ઇમેજ સ્રોત, UROOJ JAFRI

મુંબઈમાં રોજ બિરયાની રંધાતી હોય તો સરહદ પર પણ તેની ઘણી દેગ બનાવવામાં આવે છે. દિલ્હીની નિહારી માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ કરાચી અને લાહોરમાં પણ પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવે છે.

પાકિસ્તાનીઓ બાર્બેક્યૂના શોખીન છે. ભલે પનીર ટિક્કા મસાલા ન હોય, પરંતુ કરાચી અને લાહોરવાળાને ટિક્કા, બોટી અને સિક કબાબ બહુ પસંદ છે.

આ બાર્બેક્યૂમાં મેરઠના કબાબ અને લખનૌના ગિલોટી કબાબનો પણ સમાવેશ થાય છે.

પેશાવર તરફ જતા જીટી રોડ પર નાના શહેર વાહમાં બિહારી કબાબનું બોર્ડ પણ જોવા મળે છે અને ત્યાં ઉમદા કબાબની લિજ્જત માણી શકાય છે.

અહમદ શાહ અબ્દાલીના લશ્કરની મુલાકાત જીટી રોડ પર કોઈ બિહારી રસોઈયા સાથે થઈ હશે કે કેમ, કોને ખબર.

આટલું જ નહીં, ખૈબર પખ્તૂનખ્વાહના મર્દાન શહેરમાં બદાયુંના વિખ્યાત પેંડા વર્ષોથી બનાવવામાં આવે છે અને લોકો તેના દિવાના છે.

આ બધાં નામ અને તેનો આહાર પાકિસ્તાનમાં બહુ લોકપ્રિય છે.

પાકિસ્તાનના વિખ્યાત સ્ટ્રીટ ફૂડ્ઝમાં ‘દિલ્હી નિહારી‘ અને ‘બંબઈવાલા નમકીન’નો સમાવેશ આજે પણ મશહૂર દુકાનોમાં થાય છે.

પાકિસ્તાનમાં ગુજરાતી થાળી અને હિન્દુસ્તાની સ્વાદની સંસ્કૃતિ

કરાચીનું રાજધાની રેસ્ટોરાં શુદ્ધ શાકાહારી ભોજન પણ પીરસે છે

ઇમેજ સ્રોત, UROOJ JAFRI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનીઓ માંસાહારી હોવાને કારણે શાકાહારી ભોજન સાથે વધુ જોડાયેલા નથી, પરંતુ તમામ દેશી ફૂડ રેસ્ટોરાંના મેન્યૂમાં થાળી અનિવાર્ય રીતે સામેલ હોય છે.

કરાચીની રાજધાની રેસ્ટોરાં શુદ્ધ શાકાહારી ભોજન પણ પીરસે છે અને તે પણ સ્ટીલની ચમકતી વાટકીઓ ભરેલી થાળીમાં.

એટલું જ નહીં, તેમના વેઈટર રાજસ્થાની પોષાકમાં ખાસ બાંધણીવાળી પાઘડી બાંધીને ભોજન પીરસે છે. આ રેસ્ટોરાં એક હિન્દુની છે અને તેમનો સંબંધ સિંધ સાથે છે.

આ રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી, છાશ, ઢોસા, ઢોકળાં અને સ્વાદિષ્ટ પનીર ડિશ પણ મળે છે તથા જેસલમેરના કાળા ચણાની ચાટ પણ. સાંજે ચારથી પાંચની વચ્ચે ભેળપુરી, પાણીપુરી અને કચોરીઓની સાથે ચા પણ સર્વ કરવામાં આવે છે.

માંસાહારી પાકિસ્તાની ગ્રાહક ચિકન કે મટન બિરયાની શોખીન છે તેમના માટે રાજધાની રેસ્ટોરાંના માલિકે જણાવ્યું હતું કે તેઓ તેમના મેન્યૂમાં બિરયાનીનું કોઈ સ્વરૂપ પણ ટૂંક સમયમાં સામેલ કરશે.

રાજધાનીમાં દિવાળીની ઊજવણી કરવામાં આવે છે, પણ અલગ શૈલીમાં. તેનું કારણ એ છે કે પાકિસ્તાન સિક્યુરિટી સ્ટેટ છે અને હિન્દુઓને લઘુમતી ગણવામાં આવે છે. તેથી થોડું સંભાળીને રહેવું સલામત માનવામાં આવે છે.

આ રેસ્ટોરાંના ગ્રાહકોના જણાવ્યા મુજબ, તેઓ શોખથી કે સ્વાદ બદલવા થાળીનો આનંદ માણે છે.

પાકિસ્તાની મટન કઢી અને ગુજરાતી ઢોકળાં

તમામ રેસ્ટોરામાં પાકિસ્તાની થાળી એક ટ્વિસ્ટ સાથે સર્વ કરવામાં આવે છે

ઇમેજ સ્રોત, UROOJ JAFRI

ઇસ્લામાબાદમાં 20 વર્ષથી ચાલી રહેલાં ટેબલ ટૉક રેસ્ટોરાંના માલિક કહે છે, “અમારા દેશી-વિદેશી ગ્રાહકો થાળી જરૂર ઑર્ડર કરે છે, પરંતુ પાકિસ્તાની ભોજન પર હિન્દુસ્તાની છાપ હોય છે, એવું માનવું યોગ્ય નથી.”

“અમને અમારા સ્વાદ પર ગર્વ છે. જે રીતે ચપલી કબાબ અને મટન કઢી અમારી ભેટ છે તે રીતે ઢોકળાં અને ઢોસા શુદ્ધ હિન્દુસ્તાની વાનગીઓ છે.”

આ તમામ રેસ્ટોરાંમાં પાકિસ્તાની થાળી એક ટ્વિસ્ટ સાથે સર્વ કરવામાં આવે છે. તે શુદ્ધ શાકાહારી નથી હોતી, પરંતુ તેની સાથે ચિકનનો વિકલ્પ પણ મળે છે.

અલબત, જે લોકો દિલ્હી, મુંબઈ કે જયપુરની સ્મૃતિ તાજી કરવા ઇચ્છતા હોય તેઓ શાકાહારી થાળી ઑર્ડર કરે છે.

આ સંદર્ભમાં વાત કરીએ તો શાકાહારી ભોજનનું વલણ પાકિસ્તાનમાં પણ વધી રહ્યું છે.

ઇસ્લામાબાદનાં ટેબલ ટોક અને સારંગ સિંધી ફૂડ રેસ્ટોરાંનાં મહિલા પ્રમોટર્સનું કહેવું છે કે તેમની વેજ થાળી છેલ્લાં 10 વર્ષથી બહુ સારો બિઝનેસ કરી રહી છે.

સિંધી થાળી અને ભારતીય થાળી

ભોજન પર પાણીની અસર પણ હોય છે, એ જગજાહેર છે

ઇમેજ સ્રોત, UROOJ JAFRI

આ બન્ને રેસ્ટોરામાં રોજ સિંધી થાળી અને ભારતીય થાળી મળે છે.

તેમાં મોસમી શાકભાજી, દાળ-ભાત, સરસૌં દા સાગ, ચણા મસાલા, પકોડા તથા શાકવાળી કઢી, ગરમ પુરી, રોટલી, હલવો, મીઠા ભાત અને ખીર પીરસવામાં આવે છે.

માત્ર શાકાહારી ભોજન કરવા ઇચ્છતા રાજદ્વારી અધિકારીઓ માટે આ થાળી રેસ્ટોરાં મોટી રાહત સમાન છે. એમના માટે તો દરેક વાનગી શાકાહારી શૈલીમાં રાંધવામાં આવે છે.

મજાની વાત એ છે કે તમામ થાળી રેસ્ટોરાંનાં માલિકો પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં રહેવાસી છે.

સિંધની સરહદ ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી હોવાથી સરહદ પારના ભોજનનો સ્વાદ પણ એકમેકના પિતરાઈ ભાઈ-બહેન હોવા જેવો છે.