આત્મવિશ્વાસ તમને શારીરિક અને માનસિક રીતે કેવી રીતે મજબૂત બનાવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
“જ્યારે મને ખબર પડી કે હું કૅન્સરનો શિકાર છું, તો મારું મન થોડીક સેકન્ડ માટે સુન્ન થઈ ગયું. પણ પછી મેં બીજી જ ક્ષણે નક્કી કરી લીધું કે મારે આ જીવલેણ રોગમાંથી જલદીથી છુટકારો મેળવવાનો છે.”
આવું કહેવું છે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ વિસ્તારમાં રહેતાં અનિતા શર્માનું.
તેઓ જણાવે છે કે જ્યારે તેમને ખબર પડી કે તેમને બ્રેસ્ટ કૅન્સર છે, તો તેમને થોડો આઘાત લાગ્યો. તેમના કહેવા પ્રમાણે, "મારા પરિવારની હાલત વધુ ખરાબ હતી."
તેમના કહેવા પ્રમાણે, “ત્યાર બાદ મેં નક્કી કર્યું કે હું હારવાની નથી. માત્ર એક અઠવાડિયા પછી મેં મારું ઑપરેશન કરાવ્યું અને મને ક્યારેય એવો વિચાર આવવા ન દીધો કે હું કોઈ ગંભીર રોગથી પીડિત છું.
અનિતાનું ઑપરેશન વર્ષ 2013માં કરવામાં આવ્યું હતું. તેઓ હવે સામાન્ય જીવન જીવી રહ્યાં છે. તેઓ લોકોને સકારાત્મક વિચાર જાળવવા માટે પણ પ્રેરિત કરી રહ્યાં છે.
તેઓ માત્ર નિયમિત રીતે કસરત જ નથી કરતાં, પણ લોકોને યોગ અને ધ્યાન પણ શીખવે છે.

યોગ અને ધ્યાનનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
અનિતા શર્માની ઇચ્છાશક્તિ જ તેમને ક્યારેય નબળી પડવા દેતી નથી. તેઓ જાણતાં હતાં કે તેમની માંદગી પડકારરૂપ છે પણ તેમના આત્મવિશ્વાસ દ્વારા સરળતાથી તેનો સામનો કરવામાં સફળ રહ્યાં.
નિષ્ણાતોનું માનવું છે કે જો તમને તમારામાં વિશ્વાસ હશે તો તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બની શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાત પર મિસિસિપી સ્ટેટ યુનિવર્સિટીના ઍક્સરસાઇઝ ફિઝિયૉલૉજી વિભાગ સાથે સંકળાયેલા ડૉ. ઝાચેરી એમ. ગિલેન કહે છે કે, આત્મવિશ્વાસ પોતાને પ્રેરિત કરવામાં મદદ કરે છે અને તેની સકારાત્મક અસર થાય છે.
બીબીસી રીલ્સ સાથે વાત કરતા ડૉ. ઝાચેરી એમ ગિલેન કહે છે: "આનાથી એપિનેફ્રાઇન, એડ્રેનાલિન અને નોરાડ્રેનાલિન હોર્મોન્સના સ્તરમાં મોટો વધારો થાય છે, જે શક્તિની લાગણી વધારવા માટે જાણીતાં છે."
ડૉ. ગિલેનના જણાવ્યા અનુસાર, “જો તમે પૂરા આત્મવિશ્વાસ સાથે કસરત કરો તો સ્નાયુઓની શક્તિમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. આ ઍથ્લીટ્સની શક્તિનું વાસ્તવિક રહસ્ય છે."
તેઓ કહે છે, “સ્નાયુઓ જેટલા મોટા, શરીર એટલું જ મજબૂત અને શક્તિશાળી. ઍથ્લેટ જેટલો શક્તિશાળી, તેના સ્નાયુઓનું કદ એટલું જ મોટું હોય છે."

સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ઝાચેરી એમ. ગિલેનના જણાવ્યા અનુસાર, “સ્નાયુઓ શરીરની જરૂરિયાતો અનુસાર તેમની ભૂમિકા નક્કી કરવામાં સક્ષમ છે. સામાન્ય માણસ ભલે ઍથ્લીટની જેમ શાનદાર પ્રદર્શન ન કરી શકે, પરંતુ તે વધુ મજબૂત બની શકે છે અને તેના પ્રદર્શનમાં સતત સુધારો કરી શકે છે. તે જ સમયે સકારાત્મક વિચાર પણ તમને તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
જેમ કે અનિતા શર્માના કિસ્સામાં સ્પષ્ટ દેખાય છે. સારવાર દરમિયાન તેમના જમણા હાથને નુકસાન થયું હતું.”
અનિતાએ બીબીસીના સહકર્મી આર દ્વિવેદીને જણાવ્યું કે, કીમો દરમિયાન દવાની આડઅસરને કારણે તેમનો હાથ અચાનક સૂજી ગયો અને પછી ત્રણ આંગળીએ કામ કરવાનું બંધ કરી દીધું.
અનિતા જણાવે છે કે શરૂઆતમાં તેમને લાગતું હતું કે, તેઓ આ હાથથી કોઈ કામ નહીં કરી શકે. પરંતુ તેમણે આશા ગુમાવી ન હતી અને આ આંગળીઓને ધીમે ધીમે ઉપયોગમાં લેતાં રહ્યાં.
હવે લોટ બાંધવાનો હોય કે ભારે વસ્તુ ઉપાડવાની હોય, આ આંગળીઓ વાંકીચૂકી હોવા છતાં તેમને રોજિંદા કાર્યોમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

ક્યારેય લાચારી ન અનુભવો

ઇમેજ સ્રોત, Getty Images
અનિતા માને છે કે વ્યક્તિએ કોઈ પણ સંજોગોમાં પોતાને લાચાર ન સમજવા જોઈએ અને આત્મવિશ્વાસ એ સૌથી મોટી તાકાત છે. આ જ કારણ છે કે ઑપરેશન પછી પણ તેમને સંપૂર્ણ થાકીને બૅડ પર સૂવું પસંદ નહોતું.
અનિતાને જુલાઈ 2013માં બ્રેસ્ટ કૅન્સર હોવાનું જાણવા મળ્યું અને તેના એક અઠવાડિયા પછી જ તેનું ઑપરેશન કરવામાં આવ્યું. ઑપરેશન પછી બીજા દિવસથી તેમણે વૉશરૂમ જવા માટે પણ કોઈની મદદ લીધી ન હતી.
તેઓ હકારાત્મક વિચારસરણી પર ભાર મૂકે છે.
તેમનું કહેવું છે કે કસરતથી શરીર મજબૂત બને છે અને સકારાત્મક વિચારથી માનસિક શક્તિ વધે છે અને દરેક મુશ્કેલી કે પડકાર નાનાં લાગે છે.

માનસિક બીમારીમાં પણ કસરત અસરકારક

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના મતે જો માનસિક સમસ્યા બહુ ગંભીર ન હોય તો તેને યોગ અને કસરતની મદદથી ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
દેહરાદૂનની સરકારી દૂન મેડિકલ કૉલેજના વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. જે.એસ. બિષ્ટે બીબીસીના સહયોગી આર. દ્વિવેદીને કહ્યું કે, “શારીરિક તંદુરસ્તી તમારા સ્નાયુઓને મજબૂત કરીને તમારી શારીરિક ક્ષમતામાં વધારો કરે છે. તે માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે."
ડૉ. બિષ્ટ કહે છે, "નર્વસનેસ, ડિપ્રેશન, ચિંતા જેવી માનસિક સમસ્યાઓને દૂર કરવા માટે નિયમિત કસરત કરતાં વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે."

કઈ કસરત કરવી વધુ સારી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. જે.એસ. બિષ્ટ કહે છે કે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અલગથી જોઈ શકાતું નથી અને તેમાં આત્મવિશ્વાસ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની વ્યાખ્યામાં પણ બંનેને એકબીજાના પૂરક માનવામાં આવે છે.
તેઓ કહે છે કે, ઘણા મનોચિકિત્સકો તેમના દર્દીઓને દવાઓની સાથે નિયમિત કસરત કરવાની સલાહ આપે છે, કારણ કે જે લોકો શારીરિક રીતે સક્રિય હોય છે તેમના માટે માનસિક પડકારોને દૂર કરવામાં સરળતા રહે છે.
તેઓ કહે છે કે, વ્યક્તિ ગમે તે ઉંમરની હોય, તેણે કસરત ચોક્કસ કરવી જોઈએ, કારણ કે તેના ઘણા ફાયદા છે.
- કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને તેમની કાર્યક્ષમતા વધે છે.
- જોગિંગ, એરોબિક્સ, દોરડા કૂદવા જેવી નિયમિત પ્રવૃત્તિઓ ફાયદાકારક છે.
- બૅડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી રમતો અજમાવવાથી પણ શારીરિક ક્ષમતા વધે છે.
- જો વધુ કંઈ શક્ય ન હોય તો ઝડપી ચાલવાનો પ્રયાસ કરી શકાય.
- વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ જાળવી રાખવા માટે હળવી કસરત ખૂબ જ અસરકારક છે.
ઝાચેરી એમ ગિલેન કહે છે કે, જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો તમે કસરતની મદદથી તમારા સ્નાયુઓને મજબૂત કરી શકો છો અને રમતવીર જેવી તાકાત મેળવી શકો છો. પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પણ ખૂબ જ જરૂરી છે.
તેઓ કહે છે કે, કસરત દરમિયાન તમારા સ્નાયુઓના અવાજને અવગણશો નહીં. શક્ય તેટલી આરામથી કસરત કરો અને વજન ઉપાડવામાં ઉતાવળ ન કરો. કોઈ દિવસ ઓછું વજન અને કોઈ દિવસ વધુ વજન ઉપાડવાનો પ્રયાસ કરો. આ સાથે સ્નાયુઓ સરળતાથી શરીરની જરૂરિયાતોને અનુરૂપ થઈ જશે.
તેઓ વર્કઆઉટ પછી તરત જ પ્રોટીન લેવાની ભલામણ પણ કરે છે.
મૂળ વાર્તા વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો .














