પોતાને ‘પ્રાઉડ હિન્દુ’ કહેનારા ભારતીય મૂળના ઋષિ સુનકની બ્રિટનની સત્તા હાંસલ કરવાની અને ગુમાવવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનને તેના નવા વડા પ્રધાન મળી ગયા છે. નવા પીએમ કિએર સ્ટાર્મર 10, ડાઉનિંગ સ્ટ્રીટ એટલે કે વડા પ્રધાનના કાર્યાલય અને આવાસ પહોંચી ગયા છે.
ચૂંટણીમાં હાર બાદ સત્તા ગુમાવનાર ઋષિ સુનકે માફી માંગી હતી અને વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું.
ઋષિ સુનક ભારતીય મૂળના છે અને જ્યારે તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતમાં તેમની ખૂબ ચર્ચા થઈ હતી.
ઋષિ સુનકનું એક અન્ય ભારતીય કનેક્શન એ છે કે તેઓ ઈન્ફોસિસ કંપનીના માલિક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં પુત્રી અક્ષતાના પતિ છે. ઋષિએ 2009માં અક્ષતા મૂર્તિ સાથે બેંગલુરુમાં લગ્ન કર્યા હતા.
ઋષિ સુનક પોતાને ‘પ્રાઉડ હિન્દુ’ ગણાવતા રહ્યા છે.
તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે અક્ષરધામ મંદિરે ગયા હતા.
આવો તમને જણાવીએ કે કઈ રીતે ઋષિ સુનક વડા પ્રધાન પદે પહોંચ્યા અને કઈ રીતે સત્તાથી બહાર થઈ ગયા.
કહાણી ઋષિ સુનકની

ઇમેજ સ્રોત, Getty Images
ઋષિ સુનક માટે વર્ષ 2022 ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા. તેઓ બ્રિટનમાં લોકશાહી સત્તાના શિખરે પહોંચનાર પ્રથમ બ્રિટિશ એશિયન અને પ્રથમ હિન્દુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય મૂળના ઋષિ સુનકની પૃષ્ઠભૂમિ અને ભૂતકાળ ખૂબ જ રસપ્રદ છે.
વર્ગ, વંશીયતા, સંસ્થાનવાદ અને બ્રિટિશ સામ્રાજ્યના માળખામાં ઋષિ સુનક કેવી રીતે 10, ડાઉનિંગ સ્ટ્રીટ સુધી પહોંચ્યા તે જાણવું રસપ્રદ છે.
ઋષિ સુનકનો જન્મ 1980માં સાઉધમ્પ્ટનમાં ઉષા સુનક અને યશવીર સુનકને ત્યાં થયો હતો. તેમના માતાપિતાં પૂર્વ આફ્રિકાની બ્રિટિશ વસાહતોમાંથી બ્રિટન આવ્યાં હતાં.
ઋષિનાં માતાનો જન્મ તંગનયિકામાં થયો હતો, જે પાછળથી આધુનિક તાન્ઝાનિયાનો ભાગ બન્યું હતું.
તેમના પિતા યશવીરનો જન્મ પ્રૉટેક્ટરોટ ઑફ કેન્યામાં થયો હતો, જે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતું.
સુનકના દાદાનો જન્મ બ્રિટિશ શાસિત પંજાબમાં થયો હતો. ત્યાંથી તેઓ 1930માં પૂર્વ આફ્રિકા ગયા અને ત્યાં સ્થાયી થયા.
પરંતુ જેમ જેમ આફ્રિકન દેશોએ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવવાનું શરૂ કર્યું, ભારતીય સમુદાયના લોકો બ્રિટન પહોંચવા લાગ્યા.

‘બ્રિટન જવા માટે લગ્નના ઘરેણાં વેચ્યા’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઋષિ સુનકની એક બાયોગ્રાફીમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 1960માં તેમનાં નાની સરક્ષાએ બ્રિટન આવવા માટે તેમના લગ્નના ઘરેણાં વેચી દીધા હતા. આ પછી તેમનાં નાના-નાની બ્રિટન આવી ગયાં.
સુનકના દાદા તંગનયિકામાં ટેક્સ ઑફિસર હતા અને બ્રિટન આવ્યા બાદ તેમને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી.
સુનકનાં માતા-પિતા તબીબી વ્યવસાયમાં હતાં. પિતા નેશનલ હેલ્થ સર્વિસમાં ફેમિલી ડૉક્ટર હતા અને માતાએ ફાર્મસી ચલાવવાનું શરૂ કર્યું હતું.
જેમ જેમ ભારતીય સમુદાય બ્રિટનમાં પ્રગતિ કરવા લાગ્યો તેમ તેમ તે અન્ય એશિયન સમુદાયોથી અલગ દેખાવા લાગ્યો. બ્રિટિશ સમાજ કરતાં ભારતીય સમાજ વધુ મિશ્ર થયેલો હતો.
'ડાયરેક્ટ ફ્લાઇટ માઇગ્રન્ટ્સ' પણ બ્રિટન આવ્યા હતા. પરંતુ સુનકના પૂર્વજોની જેમ તેઓ વસાહતીકરણના માર્ગે આવ્યા ન હતા. આ લોકો 1947માં ભારતના ભાગલા સાથે સીધા અહીં આવ્યા હતા.
તેમાંના મોટા ભાગના ગ્રામીણ સમુદાયના હતા અને તેમનામાં મુસ્લિમોની સંખ્યા હિન્દુઓ કરતા વધુ હતી. સારી નોકરી મેળવવા માટે તેની પાસે આવડત અને લાયકાત ન હતી. તેઓ અંગ્રેજી પણ જાણતા ન હતા.
બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન' અનુસાર, બ્રિટનમાં હિન્દુ ઇમિગ્રન્ટ્સ હોવું સારી બાબત છે કારણ કે અહીંના બે તૃતિયાંશ હિન્દુઓ મૅનેજરી હોદ્દા અથવા ઉચ્ચ વ્યાવસાયિક હોદ્દા પર છે.
સત્તા સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2020માં તત્કાલીન વડા પ્રધાન બૉરિસ જ્હૉન્સને તેમને નાણામંત્રી બનાવ્યા હતા.
તેમની નિમણૂક કોવિડ-19 મહામારીની શરૂઆત સાથે થઈ હતી.
તેમણે નોકરીમાંથી છૂટા થયેલા લોકોને મદદ કરવા માટે ઈટ આઉટ ટૂ હેલ્પ આઉટ યોજના શરૂ કરી, જે હૉસ્પિટાલિટી સૅક્ટરમાં કામ કરતાં લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ હતી.
પરંતુ કોવિડ-19 કેસોમાં થયેલા ભારે વધારાને કારણે આ યોજનાના પ્રભાવને લઈને સુનકને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
બૉરિસ જ્હોન્સનનું નામ પાર્ટીગેટ સ્કૅન્ડલમાં પણ સામે આવ્યું હતું અને તેનાથી તેમની છબી ખરડાઈ હતી.
જુલાઈ 2022માં જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીમાં રાજીનામાની લહેર હતી ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પછી, સુનકે પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
બૉરિસ જૉન્સનના સ્થાને લિઝ ટ્રસ બ્રિટનના વડાં પ્રધાન બન્યા, પરંતુ તેમણે 45 દિવસમાં જ રાજીનામું આપી દીધું. ત્યારબાદ કન્ઝર્વેટિવ પાર્ટીએ સુનકને પીએમ બનાવ્યા અને તેમને ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા.
મોંઘવારી ઘટાડવી, અર્થતંત્રમાં સુધારો કરવો અને સ્થળાંતર કરનારાઓને નાની હોડીઓ દ્વારા બ્રિટન આવતા અટકાવવા એ તેમનાં મુખ્ય ચૂંટણી વચનોમાંના કેટલાંક હતાં.
સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીની કમાન એવા સમયે સંભાળી હતી જ્યારે પાર્ટી વિખવાદોના સમયગાળામાંથી પસાર થઈ રહી હતી. તેમને સંભાળવામાં થોડીઘણી સફળતા પણ મળી હતી.
‘હિન્દુ હોવાને નાતે આવ્યો છું’

ઇમેજ સ્રોત, Getty Images
ગયા વર્ષે ઑગસ્ટમાં બ્રિટનના વડા પ્રધાન તરીકે ઋષિ સુનકનું નિવેદન સમાચારોમાં ચર્ચાયેલું રહ્યું હતું.
બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં કથાકાર મોરારીબાપુ કથા સંભળાવી રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો. ઋષિ સુનકે મોરારીબાપુની આરતી ઉતારી હતી અને મંચ પરથી પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.
જય સિયારામના નારા સાથે તેમના ભાષણની શરૂઆત કરતા સુનકે કહ્યું, "ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે મોરારી બાપુની કથામાં આવીને સારું લાગે છે."
ઋષિ સુનકે વધુમાં કહ્યું હતું કે, "હું અહીં વડા પ્રધાન તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે આવ્યો છું. આસ્થા મારા માટે ખૂબ જ અંગત છે. તે મને જીવનના દરેક તબક્કે દિશા બતાવે છે. વડા પ્રધાન બનવું એ સન્માનની વાત છે, પરંતુ આ એટલું સરળ કામ નથી."
"કઠિન નિર્ણયો લેવા પડશે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં આપણી આસ્થા આપણને હિંમત અને તાકાત આપે છે જેથી દેશ માટે સારા નિર્ણયો લઈ શકાય."

ઇમેજ સ્રોત, YT/CHITRAKUTDHAM TALGAJARDA
ત્યારે ઋષિ સુનકે કહ્યું હતું કે, "મારા માટે આ હકીકતમાં વિશેષ પળ હતી કે મેં ચાન્સેલરપદે રહીને 11, ડાઉનિંગ સ્ટ્રીટ પર દીવો પ્રગટાવ્યો હતો. જે રીતે બાપુની પાછળ હનુમાનજીની પ્રતિકૃતિ છે, મને ગર્વ છે કે વડા પ્રધાનના કાર્યાલયમાં પણ મારા ટેબલ પર ગણેશ છે."
હિન્દુ ધર્મને લઈને ઋષિ સુનક પહેલાં પણ બોલતા રહ્યા છે, તેઓ બ્રિટનના પહેલા હિન્દુ વડા પ્રધાન છે.
ભારતમાં સોશિયલ મીડિયા પર ઋષિ સુનક હિન્દુ ધર્મના હોવા અંગેની ચર્ચા ઘણીવાર જોવા મળે છે.
જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ 2022માં સુનકને પીએમ બનવાની મંજૂરી આપી ત્યારે તે દિવસ દિવાળીનો હતો.
વર્ષ 2020માં જ્યારે ઋષિએ નાણામંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. એવા વીડિયો પણ છે જેમાં ઋષિ સુનક ગાયની પૂજા કરતા જોવા મળે છે. 2020માં દિવાળી નિમિત્તે તેમના ઘરની બહાર દીવો પ્રગટાવતા વીડિયોમાં ઋષિ સુનક પણ જોઈ શકાય છે.
વૈદિક સોસાયટી ટેમ્પલ એ સાઉધમ્પ્ટનમાં હિન્દુ સમુદાયનું એક વિશાળ મંદિર છે, જેના સ્થાપકોમાં ઋષિ સુનકના પરિવારના લોકો પણ સામેલ છે.
ઋષિનું બાળપણ આ મંદિરની આસપાસ વીત્યું હતું જ્યાં તેમણે હિન્દુ ધર્મનું શિક્ષણ મેળવ્યું હતું.
75 વર્ષીય નરેશ સોંચાતણા ઋષિ સુનકને બાળપણથી ઓળખે છે. તેઓ કહે છે, "ઋષિ સુનક નાના હતા ત્યારથી જ તેમનાં માતાપિતા અને દાદાદાદી સાથે મંદિરમાં આવતા હતા."
એ સમયે કન્ઝર્વેટિવ પાર્ટીએ દેશના ટોચના પદ માટે અશ્વેત અને ધાર્મિક લઘુમતીને તક આપી એ બદલ તેમના ખૂબ વખાણ થયા હતા.
ત્યારબાદ ગાર્ડિયને તેના અહેવાલમાં લખ્યું હતું કે, "ઋષિ સુનક એક ધર્મનિષ્ઠ હિંદુ છે. જોકે, તેઓ ભાગ્યે જ જાહેરમાં તેમના ધર્મ વિશે વાત કરે છે."
"દિવાળીના દિવસે બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે ઋષિના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રકાશનો આ તહેવાર વિશ્વભરના કરોડો હિન્દુઓ, શીખો અને જૈનો દ્વારા ઉજવવામાં આવે છે."
સુનકે 2015માં બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "બ્રિટિશ ઇન્ડિયન વસ્તી ગણતરીમાં એક શ્રેણીને ચિહ્નિત કરે છે. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું. આ મારું ઘર અને દેશ છે. પરંતુ મારો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ભારતીય છે. મારાં પત્ની ભારતીય છે. હું હિન્દુ છું અને તેમાં છુપાવવા જેવું કંઈ નથી."
હાર પછી શું બોલ્યા સુનક?

ઇમેજ સ્રોત, Getty Images
પરિણામ બાદ ઋષિ સુનકે પોતાના સમર્થકોની માફી માગી હતી અને કહ્યું હતું કે આ પરિણામમાંથી શીખવાની જરૂર છે.
તેમણે કહ્યું, "આજે રાત્રે આ મુશ્કેલ સમયમાં, હું રિચમન્ડ અને નૉર્થલેર્ટન મતવિસ્તારના લોકોનો અમારા સતત સમર્થન માટે આભાર માનું છું. દસ વર્ષ પહેલાં હું અહીં સ્થાયી થયો ત્યારથી ત્યાંના લોકોએ મને અને મારા પરિવારને અપાર પ્રેમ આપ્યો છે અને અમને અહેસાસ કરાવ્યો છે કે અમે અહીંના જ છીએ."
"હું તમારા સાંસદ તરીકે સેવા આપવા માટે ઉત્સાહિત છું. આ મારું સૌભાગ્ય છે. હું મારા એજન્ટ અને સમગ્ર ટીમનો પણ આભાર માનું છું. હું મારા વિરોધીઓને પણ ઊર્જાભરેલું અને સકારાત્મક ચૂંટણી અભિયાન ચલાવવા બદલ અભિનંદન આપું છું."
"મેં કિઅર સ્ટાર્મરને પણ ફૉન કર્યો છે અને તેમને આ જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે. આજે શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થશે. તમામ પક્ષો વચ્ચે સુમેળ હતો. આ બધી બાબતોથી આપણા બધાનો આપણા દેશની સ્થિરતા અને ભવિષ્ય વિશેનો વિશ્વાસ વધ્યો છે."
"બ્રિટનના લોકોએ આજે રાત્રે તેમનો સ્પષ્ટ ચુકાદો સંભળાવ્યો છે. તેમાંથી ઘણું શીખવાનું અને જોવાનું છે. હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું. હું એ સારા અને મહેનતુ કન્ઝર્વેટિવ ઉમેદવારો માટે માફી માગું છું કે જેઓ સ્થાનિક સ્તરે તેમના શ્રેષ્ઠ પ્રયાસો અને પ્રતિબદ્ધતા હોવા છતાં પણ હારી ગયા."
"હું હવે લંડન જઈશ, જ્યાં હું વડા પ્રધાનપદ છોડતા પહેલાં આજે રાત્રે પરિણામો વિશે વધુ વિગતવાર વાત કરીશ. હું આવનારાં અઠવાડિયાં, મહિનાઓ અને વર્ષો તમારા બધા સાથે વધુ સમય વિતાવવા માટે આતુર છું. આભાર."












