ઋષિ સુનકે બ્રિટનના વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, બ્રિટનની માફી કેમ માગી?

ઋષિ સુનક, યુકે ઇલેક્શન 2024, બીબીસી ગુજરાતી

બ્રિટનની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની હાર પછી વડા પ્રધાને ઋષિ સુનકે 10, ડાઉનિંગ સ્ટ્રીટ બહાર રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું.

તેમના સંબોધન દરમિયાન તેમણે છેલ્લા કેટલાક દાયકામાં થયેલા પક્ષના ખરાબ પ્રદર્શનને લઈને દેશ સમક્ષ માફી માગી છે.

તેમણે કહ્યું હતું કે, “હું હારની જવાબદારી લઉં છું.”

સુનકે 14 વર્ષના શાસન દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીની ઉપલબ્ધિનાં વખાણ કરતાં કહ્યું હતું કે બ્રિટન 2010ની સરખામણીએ હાલમાં વધુ સમૃદ્ધ અને નિષ્પક્ષ છે.

ઋષિ સુનકે તેમના હરીફ અને બ્રિટનના આગામી વડા પ્રધાન કિએર સ્ટાર્મરનાં પણ વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે સ્ટાર્મરની સફળતાને સમગ્ર દેશ વધાવી રહ્યો છે.

બીબીસી ગુજરાતી

બકિંગહામ પૅલેસે જાણકારી આપી છે કે ઋષિ સુનકે આપેલા રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

બ્રિટનમાં લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન કરી રહી છે.

સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 બેઠકો મળી છે. સંસદમાં બહુમતી માટે 326 બેઠકોની જરૂર હોય છે.

હાર પછી ઋષિ સુનકે શું કહ્યું?

ઋષિ સુનક, યુકે ઇલેક્શન 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરિણામ બાદ ઋષિ સુનકે પોતાના સમર્થકોની માફી માગી હતી અને કહ્યું હતું કે આ પરિણામમાંથી શીખવાની જરૂર છે.

તેમણે કહ્યું, “આજે રાત્રે આ મુશ્કેલ સમયમાં, હું રિચમન્ડ અને નૉર્થલેર્ટન મતવિસ્તારના લોકોનો અમારા સતત સમર્થન માટે આભાર માનું છું. દસ વર્ષ પહેલાં હું અહીં સ્થાયી થયો ત્યારથી ત્યાંના લોકોએ મને અને મારા પરિવારને અપાર પ્રેમ આપ્યો છે અને અમને અહેસાસ કરાવ્યો છે કે અમે અહીંના જ છીએ.”

“હું તમારા સાંસદ તરીકે સેવા આપવા માટે ઉત્સાહિત છું. આ મારું સૌભાગ્ય છે. હું મારા એજન્ટ અને સમગ્ર ટીમનો પણ આભાર માનું છું. હું મારા વિરોધીઓને પણ ઊર્જાભરેલું અને સકારાત્મક ચૂંટણી અભિયાન ચલાવવા બદલ અભિનંદન આપું છું.

“મેં કિઅર સ્ટાર્મરને પણ ફૉન કર્યો છે અને તેમને આ જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે. આજે શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થશે. તમામ પક્ષો વચ્ચે સુમેળ હતો. આ બધી બાબતોથી આપણા બધાનો આપણા દેશની સ્થિરતા અને ભવિષ્ય વિશેનો વિશ્વાસ વધ્યો છે.”

“બ્રિટનના લોકોએ આજે રાત્રે તેમનો સ્પષ્ટ ચુકાદો સંભળાવ્યો છે. તેમાંથી ઘણું શીખવાનું અને જોવાનું છે. હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું. હું એ સારા અને મહેનતુ કન્ઝર્વેટિવ ઉમેદવારો માટે માફી માગું છું કે જેઓ સ્થાનિક સ્તરે તેમના શ્રેષ્ઠ પ્રયાસો અને પ્રતિબદ્ધતા હોવા છતાં પણ હારી ગયા."

“હું હવે લંડન જઈશ, જ્યાં હું વડા પ્રધાનપદ છોડતા પહેલાં આજે રાત્રે પરિણામો વિશે વધુ વિગતવાર વાત કરીશ. હું આવનારાં અઠવાડિયાં, મહિનાઓ અને વર્ષો તમારા બધા સાથે વધુ સમય વિતાવવા માટે આતુર છું. આભાર."

ભારતીય મૂળના પહેલા બ્રિટિશ પીએમ

ઋષિ સુનક, યુકે ઇલેક્શન 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા ઋષિ સુનક બ્રિટનના પહેલા ભારતીય મૂળના વડા પ્રધાન હતા. 44 વર્ષીય સુનક ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચનાર સૌથી નાની ઉંમરના નેતા છે.

તેમનાં ત્રણ ભાઈ-બહેન સાથે ઋષિ સુનક સાઉધમ્પ્ટનમાં ઉછર્યાં અને મોટા થયા તથા દેશની સૌથી મોંઘી સ્કૂલ બૉર્ડિંગ સ્કૂલ વિન્ચેસ્ટરમાંથી તેમનું ભણતર પૂર્ણ કર્યું.

તેમણે ફિલસૂફી, રાજનીતિ અને અર્થશાસ્ત્રનું શિક્ષણ ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાંથી લીધું અને ત્યાર બાદ અમેરિકાની સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીથી એમબીએનું શિક્ષણ મેળવ્યું હતું.

ત્યાં તેમની મુલાકાત અક્ષતા મૂર્તિ સાથે થઈ હતી, જેઓ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિનાં પુત્રી છે.

ત્યાર બાદ બંનેનાં લગ્ન થયાં. વર્ષ 2015માં રિચમંડ, યૉર્કશાયરથી સાંસદ બન્યા તે પહેલાં તેઓ ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક ગૉલ્ડમાન સાક્સના અબજો રૂપિયાના હેજ ફંડને મૅનેજ કરતા હતા.

સત્તાના શિખર સુધી કઈ રીતે પહોંચ્યા?

ઋષિ સુનક, યુકે ઇલેક્શન 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2020માં ઋષિ સુનકને પીએમ બૉરિસ જૉન્સન દ્વારા નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા.

તેમની નિમણૂક કૉવિડ-19 મહામારીની શરૂઆત સાથે થઈ હતી.

તેમણે નોકરીમાંથી છૂટા થયેલા લોકોને મદદ કરવા માટે ઈટ આઉટ ટૂ હેલ્પ આઉટ યોજના શરૂ કરી, જે હૉસ્પિટાલિટી સૅક્ટરમાં કામ કરતાં લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ હતી.

પરંતુ કોવિડ-19 કેસોમાં થયેલા ભારે વધારાને કારણે આ યોજનાના પ્રભાવને લઈને સુનકને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

બોરિસ જૉન્સનનું નામ પાર્ટીગેટ સ્કૅન્ડલમાં પણ સામે આવ્યું હતું અને તેનાથી તેમની છબી ખરડાઈ હતી.

પોલીસે તેમની પાસેથી દંડ પણ વસૂલ્યો હતો. કોવિડ લૉકડાઉન દરમિયાન, તત્કાલીન વડા પ્રધાન બોરિસ જૉન્સનના નિવાસસ્થાને એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લૉકડાઉન નિયમોનું ઉલ્લંઘન હતું, તેને પાર્ટીગેટ સ્કૅન્ડલ તરીકે ઓળખવામાં આવે છે.

ઋષિ સુનકનાં પત્ની અક્ષતા પણ ટૅક્સના કારણસર ચર્ચામાં રહ્યાં હતાં. તેમનું કાયમી સરનામું અથવા નિવાસસ્થાન યુકેની બહાર છે. એવું માનવામાં આવે છે કે તેમણે બ્રિટનની બહાર તેમની સંપત્તિ પરના ટૅક્સમાં લાખો ડૉલરની બચત કરી હતી.

આ માહિતી પ્રકાશમાં આવ્યા પછી તેમણે કહ્યું હતું કે તેઓ યુકેની બહારથી આવતી પોતાની સંપત્તિ પર યુકેમાં ટૅક્સ ચૂકવશે.

જુલાઈ 2022માં જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીમાં રાજીનામાંની લહેર હતી ત્યારે તત્કાલીન વડા પ્રધાન બોરિસ જૉન્સન પછી સુનકે પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

બોરિસ જૉન્સનનું સ્થાન લીઝ ટ્રસે લીધું. પરંતુ ટ્રસે 45 દિવસમાં જ રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીએ સુનકને પીએમ બનાવ્યા હતા.

તેમણે ચૂંટણીમાં શું વાયદા કર્યા હતા?

ઋષિ સુનક, યુકે ઇલેક્શન 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૉરિસ જ્હૉન્સન સાથે ઋષિ સુનક

ગત વર્ષે તેમણે પાંચ વાયદાઓ કર્યા હતા અને કહ્યું હતું કે મતદાતાઓ તેમણે કરેલા આ વાયદાનું મૂલ્યાંકન કરે.

આ વાયદાઓ હતા...

  • મોંઘવારી ઓછી કરવી
  • અર્થવ્યવસ્થાને આગળ લઈ જવી
  • દેવું ઘટાડવું
  • એનએચએસમાં વેઇટિંગ ટાઇમ ઘટાડવો
  • નાની બોટ મારફતે આવતા પ્રવાસીઓને રોકવા

જુલાઈમાં સામાન્ય ચૂંટણી યોજવાના તેમના નિર્ણય પહેલાં યુકેમાં મોંઘવારી 2.3% પર એટલે કે ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગઈ હતી.

સુનકે કહ્યું હતું કે આ એક સંકેત છે કે અર્થવ્યવસ્થા માટે તેમની યોજના કામ કરી રહી છે અને દેશ મંદીમાંથી બહાર આવી રહ્યો છે.

જોકે, આંકડાકીય વિશેષજ્ઞો અને નિયમનકારોએ તેમના નિવેદનની ટીકા કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે દેવું ઘટી રહ્યું છે જ્યારે તે વધી રહ્યું હતું.

એનએચએસમાં વેઇટિંગ પિરિયડ સુનક સત્તા પર આવ્યા તેના કરતાં આજે વધી ગયો છે. સુનકના કેમ્પેઇન દરમિયાન જ ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા હતા.

સુનક સરકારની વધુ એક યોજના પણ વિવાદમાં રહી હતી. તેમણે નાની હોડીઓમાં આવતા ઇમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની યોજના શરૂ કરી હતી.

પરંતુ તેમના વિરોધીઓએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તે આ આપણને ભારે પડશે. અતિશય ટીકાનો સામનો કર્યા પછી તેમણે નિર્ણય લીધો હતો કે ચૂંટણી પહેલાં કોઈને રવાન્ડામાં મોકલવામાં આવશે નહીં.

આંકડા જાહેર કરતાં બ્રિટનના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ નાની બોટમાં દેશમાં પ્રવેશનારા લોકોની સંખ્યા રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ રીતે 10 હજાર લોકો આવ્યા છે. આ વર્ષે આ દરિયાઈ માર્ગને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે સાત વર્ષની બાળકી સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં.

આ અભિયાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ યુવાઓ માટે એક વર્ષ માટે ફરજિયાત નૅશનલ સર્વિસ શરૂ કરવાની વાત કરી હતી. તેમણે ટૅક્સ ફ્રી પેન્શન વધારવાનું વચન આપ્યું હતું.

સુનકે કેવી પરિસ્થિતિમાં તેમના પક્ષને સંભાળ્યો?

ઋષિ સુનક, યુકે ઇલેક્શન 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે સુનકે પક્ષનું સુકાન સંભાળ્યું ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટી અતિશય વિખરાયેલી અવસ્થામાં હતી.

સુનકે વહેંચાયેલી કન્ઝર્વેટિવ પાર્ટીને એક કરવાની કોશિશ કરી, જેમાં તેમને એક હદ સુધી સફળતા પણ મળી હતી. ખાસ કરીને તેઓ એવા લોકોને શાંત પાડી શક્યા કે જેઓ તેમના પર ટૅક્સને ઊંચા સ્તરે લઈ જવાને કારણે હુમલા કરી રહ્યા હતા.

નવેમ્બરથી જ થઈ રહેલા તમામ સર્વેમાં લેબર પાર્ટી સતત 20 પૉઇન્ટ પાછળ ચાલી રહી હતી.

માર્ચથી લઈને અત્યાર સુધી લેબર અને રિફૉર્મ યુકે પાર્ટીના નેતાઓ સુનકને તેમની યોજનાઓને લઈને સતત ઘેરી રહ્યા હતા.

એ સિવાય પણ ડઝનેક કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો તેમના પદેથી રાજીનામું આપી રહ્યા હતા.

મોટા ભાગના ઑબ્ઝર્વર અને ટોરી સાંસદોનું કહેવું હતું કે સુનક ઑક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચૂંટણીનું એલાન કરશે પરંતુ તેમણે ચાર જુલાઈએ ચૂંટણીનું એલાન કરી દીધું હતું.