બ્રિટનના સૌથી અમીર હિંદુજા પરિવારના ચાર સભ્યોને કોર્ટે જેલની સજા કેમ ફટકારી?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ઇમોજોન ફાઉલ્કેસ
- પદ, જિનેવા સંવાદદાતા
બ્રિટેનના સૌથી ધનિક પરિવારના ચાર સભ્યોને પોતાના જિનેવાસ્થિત વિલામાં કામ કરવા માટે ભારતથી લવાયેલા કર્મચારીઓના શોષણ કરવાના દોષમાં જેલની સજા ફટકારાઈ છે.
સ્વિઝ ન્યાયાલયે પ્રકાશ અને કમલ હિંદુજા ઉપરાંત તેમના પુત્ર અજય અને વહૂ નમ્રતાને શોષણ અને ગેરકાયદેસર રોજગારીના મામલામાં દોષી ગણ્યાં છે. કોર્ટે પરિવારના ચાર સભ્યોને ચારથી સાડાં ચાર વર્ષની જેલની સજા ફટાકરી છે. જોકે, તેમને માનવતસ્કરીના ગંભીર આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.
દોષિતના વકીલે રૉબર્ટ ઍસેલે કહ્યું કે તેઓ આ નિર્ણયની વિરુદ્ધ અરજી દાખલ કરશે. કોર્ટની બહાર તેમણે વકીલ કહ્યું, “હું સ્તબધ છું. અમે આ મામલે છેલ્લે સુધી લડીશું.”
ભારતથી લાવેલા ત્રણ કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને રોજના 18 કલાક કામના માત્ર સાત યુરો (અંદાજે 625 રૂપિયા) આપવામા આવતા હતા. આ ઉપરાંત તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયા હતા. કર્મચારીને ચૂકવવામાં આવતો પગાર સ્વિટ્ઝરલૅન્ડના કાયદા પ્રમાણે મળવા પાત્ર પગારના માત્ર દસમા ભાગનો જ હતો.
હિંદુજા પરિવાર આશરે 37 બિલિયન પાઉંડની સંપત્તિ ધરાવે છે. તેમનું ઘર જિનેવાના અમીર વિસ્તાર ‘કોલોગ્ની’માં આવેલું છે. કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે તેમને ક્યારેક જ ઘરની બહાર જવા મળતું હતું. ફરિયાદીઓએ આરોપ લગાવ્યો કે હિંદુજા પરિવારે કર્મચારીઓ કરતાં કુતરાં પર વધારે ખર્ચ કર્યો હતો.
હિંદુજા પરિવારના વકીલે દાવો કર્યો હતો કે કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ આપવામા આવતી હતી. તેમને અલગ રાખવામા આવતા નહોતા અને તેઓ વિલા છોડવા માટે પણ સ્વતંત્ર હતા.
બચાવ પક્ષના વકીલ ઉમેર્યું, “કર્મચારીઓ એક સારી જિંદગી મેળવવા બદલ હિંદુજા પરિવારના આભારી હતા.”
પ્રકાશ અને કમલ હિંદુજાની ઉંમર 70 વર્ષથી વધારે છે અને બંનેએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને કોર્ટમાં હાજર રહ્યા ન હતા. અજય અને તેમનાં પત્ની નમ્રતા હિંદુજા કોર્ટમાં હાજર હતાં. જોકે, ન્યાયલયે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે તેઓ હાજર નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદુજા પરિવાર હિંદુજા ગ્રુપનો માલિક છે. હિન્દૂજા ગ્રુપ તેલ, ગૅસ અને બૅન્કિંગના કારોબાર સાથે સંકળાયેલ છે. હિંદુજા પરિવાર યુકેસ્થિત ‘રેફ્ફલ્સ હોટલ’નો પણ માલિક છે.

ભારતમાંથી નિકળીને વિશ્વભરમાં છવાયેલો હિંદુજા પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિંદુજા પરિવારના મૂળિયાં ભારતમાં છે અને તેના નામે એક બિઝનેસ હાઉસ છે, જે અનેક કંપનીઓનો એક સમૂહ છે. તેમાં કન્સ્ટ્રક્શન, ટેક્સટાઇલ, ઑટોમોબાઈલ, ઑઇલ, બૅન્કિંગ અને ફાઇનાન્સ જેવાં ક્ષેત્રો સામેલ છે.
હિંદુજા ગ્રુપના સ્થાપક પરમાનંદ દીપચંદ હિંદુજાનો જન્મ અવિભાજિત ભારતના સિંધના પ્રસિદ્ધ શહેર શિકારપુરમાં થયો હતો. 1914માં તેમણે ભારતની આર્થિક રાજધાની બૉમ્બે (હવે મુંબઈ)નો પ્રવાસ ખેડ્યો હતો.
હિંદુજા ગ્રુપની વેબસાઇટ પરની માહિતી મુજબ, બૉમ્બેમાં તેમણે વેપારની આંટીઘૂંટી ઝડપથી શીખી લીધી. સિંધથી શરૂ થયેલી વ્યાપારી યાત્રા 1919માં ઈરાનમાં એક ઓફિસ સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પ્રવેશી હતી.
હિંદુજા ગ્રુપનું હેડક્વાર્ટર 1979 સુધી ઈરાનમાં હતું. એ પછી તે યુરોપ સ્થાનાંતરિત થઈ હતું. શરૂઆતનાં વર્ષોમાં હિંદુજા ગ્રુપના બિઝનેસના બે મુખ્ય સ્તંભ મર્ચન્ટ બૅન્કિંગ અને ટ્રેડિંગ હતા.
પરમાનંદ હિંદુજાના ત્રણ પુત્રો – શ્રીચંદ, ગોપીચંદ તથા પ્રકાશે બાદમાં કામકાજ સંભાળ્યું અને પોતાની કંપનીનો દેશ-વિદેશમાં પ્રસાર કર્યો.
2023માં શ્રીચંદ હિંદુજાના નિધન પછી તેમનું સ્થાન તેમના નાનાભાઈ ગોપીચંદે લીધું હતું અને ગ્રુપના પ્રેસિડેન્ટ તરીકે કામકાજ સંભાળ્યું હતું. સ્વિત્ઝલૅન્ડ સજા મેળવનારા પ્રકાશને મોનેકોમાં જમાવવામા આવેલો બિઝનેસ મળ્યો છે.
હિંદુજા પરિવારે યુનાઇટેડ કિંગડમમાં અનેક કિંમતી પ્રોપર્ટીઝ ખરીદી છે.
હિંદુજા ગ્રુપે 2023માં લંડનના વ્હાઈટહૉલસ્થિત ‘ઑલ્ડ વોર’ ઓફિસ ખરીદી હતી. તેમાં અગાઉ બ્રિટનનું સંરક્ષણ મંત્રાલય પણ હતું. તેમણે તેમાં ‘રેફ્ફલ્સ’ નામની હોટલ બનાવી છે. આ હો’લની વિશિષ્ટતા એ છે કે તે બ્રિટનના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટથી થોડા મીટર દૂર આવેલી છે.
આ ગ્રુપ કાર્લટન હાઉસના એક હિસ્સાની માલિકી પણ ધરાવે છે. તે બિલ્ડિંગમાં અનેક ઓફિસ, ઘર અને ઇવેન્ટ રૂમ છે. તે બકિંગહામ પેલેસની બહુ નજીક પણ છે.
હિંદુજા ગ્રુપનો દાવો છે કે દુનિયામાં બે લાખ લોકો તેમની કંપનીઓમાં કામ કરે છે. જૂન 2020માં યુનાઈટેડ કિંગડમની એક કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ, હિંદુજા ભાઈઓ વચ્ચે સારો સંબંધ ન હતો.
દસ્તાવેજ જણાવે છે કે ભાઈઓમાં સૌથી મોટા શ્રીચંદે તેમના નાનાભાઈ સામે સ્વિત્ઝલૅન્ડમાં જીનિવાસ્થિત એક બૅન્કના માલિકી હક મેળવવા માટે કેસ કર્યો હતો.
કર્મચારીઓ કરતાં વધારે ખર્ચ કૂતરાઓ માટે

ઇમેજ સ્રોત, Getty Images
આ પરિવાર પર સ્વિસ વહીવટી તંત્રની નજર લગભગ છ વર્ષથી છે. એ વખતે સ્વિસ વહીવટી તંત્રે જીનિવાસ્થિત એક ઘરમાં પોતાના કર્મચારીઓના ભરણપોષણ બાબતે હિંદુજા પરિવાર સામે તપાસ શરૂ કરી હતી.
એક પીડિત સાથે આર્થિક સમજૂતી કર્યા બાદ આ પરિવારને ગયા અઠવાડિયે જ ઉત્પીડન સંબંધી એક કેસમાં કોર્ટમાંથી રાહત મળી છે.
આ કેસની સુનાવણી સોમવારે શરૂ થઈ અને તપાસકર્તાઓ દ્વારા કરવામાં આવેલા આરોપો પછી બ્રિટન તથા ભારતના મીડિયાનું ધ્યાન આ કેસ તરફ ખેંચાયું.
‘બ્લૂમબર્ગ’ના અહેવાલ અનુસાર, સરકારી વકીલ ય્વેસ બેરતોસાએ કોર્ટમાં કહ્યું હતું, “તેમણે (હિંદુજા પરિવારે) તેમના કર્મચારી કરતાં એક કૂતરા માટે વધારે ખર્ચ કર્યો છે.”
અધિકારીએ જણાવ્યું હતું કે એક આયાએ એક દિવસમાં અઢાર કલાક કામ કર્યું હતું અને તેને માત્ર 7.84 ડૉલર મહેનતાણું આપવામાં આવ્યું હતું, જ્યારે કે દસ્તાવેજ જણાવે છે કે આ પરિવારે તેમના એક કૂતરાની સારસંભાળ તથા આહાર માટે વર્ષમાં 10,000 ડૉલર ખર્ચ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે અનેક નોકરોએ સપ્તાહમાં સાત દિવસ કામ કરવું પડે છે અને તેમને પગાર ફ્રેન્કમાં નહીં, પરંતુ ભારતીય રૂપિયામાં આપવામાં આવે છે.
એક વિવાદાસ્પદ નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી જીનિવાના ‘ઈમોજેન ફોક્સ’ના અહેવાલ મુજબ, હિંદુજા પરિવારના વકીલોએ ઓછા પગારના આરોપોને નકાર્યા નથી, પરંતુ એવું કહ્યું છે કે જે પગાર છે તેમાં રહેવા અને ખાવાના ખર્ચનો પણ સમાવેશ થાય છે.
વકીલ યાએલ હયાતે કહ્યું હતું, “પગાર ઘટાડી શકાય નહીં.”
વધારે સમય સુધી કામ કરવાના આરોપોને ખોટા ગણાવવામાં આવ્યા છે. આ બાબતે એક વકીલે જણાવ્યું હતું કે બાળકો સાથે ફિલ્મ જોવા જવાને કામ ગણી શકાય નહીં.
હિંદુજાના વકીલોએ જણાવ્યું હતું કે કથિત પીડિત અનેક વખતે હિંદુજા પરિવાર માટે સતત કામ કરી ચૂક્યા છે. એ દર્શાવે છે કે તેઓ બધા કામના માહોલથી સંતુષ્ટ હતા.
પરિવારનો બચાવ કરતા વકીલોએ એવા અનેક લોકોને સાક્ષી આપવા માટે બોલાવ્યા હતા, જેઓ અગાઉ આ પરિવાર માટે કામ કરી ચૂક્યા છે. આ લોકોએ હિંદુજા પરિવાર બધાની સાથે સારો વ્યવહાર કરતો હોવાનું જણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના નોકરોને આદર આપે છે.
હિંદુજા પરિવારના વકીલે સરકારી વકીલ પર ક્રૂરતા અને બદનામીનો આરોપ મૂક્યો છે. બચાવ પક્ષના વકીલો પૈકીના એકે કહ્યું હતું, “બીજા કોઈ પરિવાર સાથે આવું થયું નથી.”
જોકે, હિંદુજા પરિવાર માટે કામ કરતા નોકરોના પાસપોર્ટ લઈ લેવાના અને તેમના ક્યાંય આવવા-જવા પર નિયંત્રણનો મુદ્દો હિંદુજા પરિવાર માટે ચિંતાનો એક મુખ્ય મુદ્દો છે.
તેનું કારણ એ છે કે આ બાબતને સ્વિસ કાયદા હેઠળ માનવતસ્કરી ગણવામાં આવે છે.
આ જ કારણસર સરકારી વકીલ બેરતોસાએ કારાવાસની સજાની સાથે 10 લાખ ડ\લરના દંડ અને કર્મચારીઓ માટે 40 લાખ ડૉલરના વળતરની માંગ કરી હતી.
જીનિવાની કાળી બાજુ
દુનિયાના સૌથી અમીર લોકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કેન્દ્ર જીનિવામાં નોંધાયેલો આવો આ પહેલો કેસ નથી.
લીબિયાના ભૂતપૂર્વ તાનાશાહર મુઅમ્મર ગદ્દાફીના પુત્ર હાનિબાલના પુત્રની પણ અલ્પાઈન સિટી પોલીસે 2008માં એક ફાઇવ સ્ટાર હોટલમાંથી ધરપકડ કરી હતી. હાનિબલ ગદ્દાફી અને તેમનાં પત્ની પર તેમના નોકરની મારપીટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ કેસ તો બંધ થઈ ગયો હતો, પરંતુ તેના કારણે લીબિયા અને સ્વિત્ઝર્લૅન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધમાં, આ કેસના બદલામાં ત્રિપોલીમાં બે સ્વિસ નાગરિકોની ધરપકડ કરવામાં આવી ત્યારે તિરાડ પડી હતી.
ફિલિપાઇન્સના ચાર ઘરેલુ કામદારોએ સંયુક્ત રાષ્ટ્રસંઘના એક રાજદૂત સામે ગયા વર્ષે એવો આરોપ મૂકીને કેસ નોંધાવ્યો હતો કે તેમને વર્ષોથી વેતન ચૂકવવામાં આવ્યું નથી.












