ભાજપે સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું પણ ગુજરાતમાં તેઓ સેફ્ટી કિટ વિના કેમ સફાઈ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
સુરતમાં ધોધમાર વરસાદમાં સફાઈ કરતાં એક મહિલા કર્મચારીનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ મહિલા સફાઈ કર્મચારીનું ભાજપે પોતાના એક સંમેલનમાં સન્માન કર્યું છે.
હવે કેટલાક આ મહિલા સફાઈ કર્મચારીના ભાજપ દ્વારા કરવામાં આવેલાં સન્માનને આવકારી રહ્યા છે પણ કેટલાક જાણકારો સવાલ ઉઠાવે છે કે, ‘જે મહિલા સફાઈ કર્મચારીનું સન્માન કરાયું તેની પાસે સેફ્ટી કિટ કેમ નહોતી અને ધોધમાર વરસાદમાં આ મહિલા વગર રેઇન-કોટ કે છત્રીએ કામ કેમ કરતાં હતાં?’
સફાઈ કર્મચારીઓનાં માનવાધિકાર માટે લડતાં સંગઠનો આરોપ લગાવતાં કહે છે કે સેફ્ટી કિટ ન આપીને સરકાર સફાઈ કર્મચારીઓનાં આરોગ્ય સાથે એક પ્રકારે ચેડાં કરી રહી છે.
જાણકારો દ્વારા કરવામાં આવેલા આ આરોપ બાદ ગુજરાતમાં એ ચર્ચા જોર પર છે કે રાજ્યભરમાં સફાઈ કર્મચારીઓને સેફ્ટી કિટ કેમ આપવામાં નથી આવતી?
જોકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં સુત્રો જણાવે છે કે કેટલાક શહેરોમાં સફાઈ કર્મચારીઓને સેફ્ટી કિટ આપી હોવા છતાં ઘણીવાર સફાઈ કર્મચારી પોતે તેનો ઉપયોગ કરતા નથી.

ભાજપે જે મહિલા સફાઈ કર્મચારીનું સન્માન કર્યું તેમણે સેફ્ટી કિટ કેમ પહેરી નહોતી?

ઇમેજ સ્રોત, DHARMESH AMIN
સુરત જિલ્લામાં હાલમાં જ્યારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે પણ રેઇન-કોટ અને છત્રી વગર શહેરના માર્ગોની સફાઈ કરતાં સફાઈ કર્મચારી જાગૃતિબહેન પટેલનો વીડિયો વાઇરલ થયો.
આ વીડિયો ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો.
ત્યારબાદ ભાજપના એક કાર્યક્રમમાં આ પ્રકારે ભારે વરસાદ વચ્ચે પણ પોતાની ફરજ બજાવવા માટે જાગૃતિબહેન પટેલ સહિત સુરતનાં પાંચ મહિલા સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે આ મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન થયું ત્યારે કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ જગ્યા પર ઊભા થઈને તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
હવે, જે સફાઈ કર્મચારીઓના માનવાધિકાર માટે લડત ચલાવે છે, તેઓ આ સન્માનને આવકારે તો છે પણ સાથે સવાલ પણ ઉઠાવે છે કે રેઇન-કોટ કે છત્રી કે પછી સેફ્ટી કિટ વગર આ મહિલા સફાઈ કર્મચારીએ ધોધમાર વરસાદમાં સફાઈ કરવા શા માટે ઊતરવું પડ્યું?
સફાઈ કર્મચારીઓના અધિકારો માટે લડતી સંસ્થા માનવ ગરિમા ટ્રસ્ટના ડિરેક્ટર પુરુષોત્તમ વાઘેલા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં કહે છે, “માત્ર ચોમાસા દરમિયાન જ તેમનું કામ દેખાયું, તેમને સેફ્ટી કિટ કેમ આપતા નથી? તેઓ સફાઈ કર્મચારીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે.”

ઇમેજ સ્રોત, C R PATIL
આ મામલે અમે ખુદ જાગૃતિબહેન પટેલ સાથે વાત કરી. જાગૃતિબહેનને બીબીસી ગુજરાતીને જણાવ્યું, “સન્માન થવાથી હું ખુબ ખુશ છું. મને તેમણે પૈસા, સાડી અને સન્માનપત્રક આપ્યું.”
જ્યારે અમે તેમને પુછ્યું કે તેઓ આટલા ભારે વરસાદમાં સેફ્ટી કિટ વગર કેમ ગયાં હતાં તો તેમણે જવાબ આપ્યો, “તેમણે અમને કપડાં અને બૂટ આપ્યાં છે, પણ આ બધાં સાથે મને કામ કરવાનું માફક આવતું નથી એટલે હું આ બધું પહેરતી નથી.”
જાગૃતિબહેનનો જવાબ બતાવે છે કે તેમને સેફ્ટી કિટ આપી હોવા છતાં તેનો ઉપયોગ તેઓ કરતાં નથી.
સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચૅરમૅન વિક્રમ પાટીલ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “અમે તો આપીએ જ છીએ છતાં જો કોઈને ન મળી હોય કે કોઈ ન પહેરતું હોય, તો તેમના વિશે મને જાણકારી નથી. આ મામલે હું જાતતપાસ કરીશ”

શું ખરેખર તમામ સફાઈ કર્મચારીઓને સેફ્ટી કિટ આપવામાં આવે છે ખરી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક સફાઈ કર્મચારીઓના યુનિયનોના સંચાલકોનો આરોપ છે કે તેમને સેફ્ટી કિટ આપવામાં આવતી નથી.
વડોદરા ખાતેના સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ મહેશ સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “કૉન્ટ્રેક્ટ પર હોય તેવા સફાઈ કામદારોને સેફ્ટી કિટ મળતી નથી. જે સેફ્ટી કિટ આપવામાં આવે છે તે માફક આવતી નથી. બે જોડી કપડાં હોય તો સફાઈ કામદારને કેવી રીતે ચાલે? તેમણે તો રોજ કામ પર જવાનું હોય છે. તેમને આપવામાં આવતા બૂટ પણ કામ આવતા નથી.”
વડોદરાના જ એસસી એસટી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલંકી કહે છે કે કૉન્ટ્રેક્ટ પર કામ કરતાં સફાઈ કર્મચારીઓની હાલત કફોડી છે.
તેઓ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “તેમને સેફ્ટી કિટ આપવામાં નથી આવતી. તેમને પગાર મળે તેમાંથી તેઓ સેફ્ટી કિટ લે કે પછી ઘર ચલાવે?”
જોકે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો દાવો છે કે તેમની પાસે સુરક્ષા માટેનાં પૂરતાં સાધનો છે.
રાજકોટ મહાનગરપાલિકાની સફાઈ સમિતિના ચૅરમૅન અશ્વિન પાંભર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “અમે તમામ પ્રકારની સુવિધાઓ આપીએ છીએ. પણ તેઓ જ પહેરતાં નથી. તેમને તેમના આરોગ્યની ચિંતા જ નથી.”
જોકે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ સમિતિના ચૅરમૅનથી ઊલટો મત રાજકોટમાં સફાઈ માટેનો કૉન્ટ્રેક્ટ લેનારા ગિરિરાજ સિંહનો છે.
ગિરિરાજ સિંહ રાજકોટના વોર્ડ નંબર 13માં સફાઈનો કૉન્ટ્રેક્ટ ધરાવે છે. તેમના કૉન્ટ્રેક્ટ હેઠળ 80 સફાઈ કામદારો વોર્ડ નંબર 13માં સફાઈનું કામ કરે છે.
ગિરિરાજ સિંહનું માનવું છે, “કેટલાક કૉન્ટ્રેક્ટરો સેફ્ટી કિટ આપતા જ નથી. મહાનગરપાલિકા પણ તેમના કાયમી સફાઈ કર્મચારીઓને આપતી હોય તો સફાઈ કર્મચારીઓ પહેરતા નથી.”
અશ્વિન બાંભર કહે છે, “અમે જ્યારે થોડી સખ્તાઈ કરીએ છીએ તો તેમનું યુનિયન પ્રશ્નો ઊભા કરે છે. તેઓ અમને માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવાની ધમકી આપે છે. અમે તો તેમનું ભલું ઇચ્છીએ છીએ.”

ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે આધૂનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કેમ કરાતો નથી?
કેન્દ્ર સરકારના કાયદા ધી પ્રોહિબિશન ઑફ ઍમ્પ્લૉયમૅન્ટ ઍઝ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ઍન્ડ ધૅર રીહેબિલેશન ઍક્ટ-2013 અંતર્ગત સફાઈ કર્મચારી દ્વારા ગટરની અંદર સફાઈ માટે ઊતરવા પર પ્રતિબંધ છે.
આ કાયદાના કડક અમલ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને નોડલ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમને નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવી છે.
શહેરી વિસ્તારોમાં ઍક્ટના અમલ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગને અમલીકરણ વિભાગની કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
દર ત્રણ માસે ભારત સરકારને નિયત પત્રકમાં આ અંગે વિગતો મોકલવાની થાય છે.
આમ છતાં, સફાઈ કર્મચારીઓના માનવાધિકાર માટે લડતા કર્મશીલોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ગટર સફાઈ કામદારોના મોત ગૂંગળાવાને કારણે થતા રહે છે.
ગુજરાત વિધાનસભામાં 16 માર્ચ, 2022ના રોજ અમદાવાદની જમાલપુર વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું, “રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 11 સફાઈ કામદારોનાં મોત થયાં હતાં. પ્રત્યેક મૃતક સફાઈ કામદારોના પરિવારજનોને 10-10 લાખની સહાય આપવામાં આવી છે.”
પુરુષોત્તમ વાઘેલા જણાવે છે, “વર્ષ 1993થી 2013 સુધી 386 સફાઈ કામદારોનાં મોત ભૂગર્ભ ગટર કે ખાળકુવામાં અંદર ઊતરવાને કારણે થયાં છે. કારણકે કાયદો હોવા છતાં તેનું પાલન થતું જ નથી.”
પુરુષોત્તમ વાઘેલા દ્વારા ગુજરાતમાં ગટર સફાઈ કામદારોનાં મોત, અધિકારીઓની જવાબદારી, ગટર સફાઈનાં અપૂરતાં સાધનો અને વળતર મામલે 2016માં ગુજરાત હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરાઈ છે. જેની સુનાવણી ચાલું છે.
જોકે તેમણે ગુજરાતમાં મૃત્યુ પામેલા 152 ગટર સફાઈકર્મીઓની જ યાદી હાઈકોર્ટમાં આપી હતી.
જે પૈકી 137 સફાઈ કર્મચારીઓના પરિવારજનોને વળતર અપાઈ ગયું હોવાનો દાવો ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કર્યો હતો.
પુરુષોત્તમ વાઘેલા કહે છે, “44 પ્રકારનાં સાધનો ગટર સાફ કરતા કર્મચારી પાસે હોવા જોઈએ તેવો નિયમ હોવા છતાં તેનું પાલન નથી થતું. નાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે સાધનોનો અભાવ છે. ઝેરી ગૅસને ટ્રેસ કરવા ગૅસ મોનિટર હોવું જોઈએ, પણ નથી. કામ દિવસે જ થવું જોઈએ પણ તેનું પાલન નથી થતું. 90 મિનિટથી વધુ કામ ન થઈ શકે પણ તેનું પણ પાલન નથી થતું. મૅનહૉલમાં પૂરતું વૅન્ટિલેશન હોવું જોઈએ અને તેની સફાઈ કરતા કામદારનો સંપર્ક થઈ શકે તેવાં સાધનો હોવાં જોઈએ.”
નિયમ પ્રમાણે ગટરની સફાઈ ફરજિયાત રીતે યાંત્રિક સાધનોથી કરવાની છે. તે માટે જેટિંગ મશીન, મોટી ટોર્ચ, સળિયા અને પાંનાં, માસ્ક સાથેનો ઑક્સિજન સિલિન્ડર, હૅલમેટ, ફર્સ્ટ એઇડ બૉક્સ, હાથના ગ્લાઉઝ, સુરક્ષા ગમ બૂટ વગેરે સેફ્ટી સાધનો હોવાં જરૂરી છે.

સરકારી અધિકારીઓની પણ જવાબદારી નક્કી છે

ઇમેજ સ્રોત, Government of Gujarat
ધી પ્રોહિબિશન ઑફ ઍમ્પ્લૉયમૅન્ટ ઍઝ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ઍન્ડ ધૅર રીહેબિલિટેશન ઍક્ટ-2013ના અમલની જવાબદારી મહાનગરપાલિકાના કમિશનર તથા નગરપાલિકા હોય તો ચીફ ઓફિસરની છે. જો તેનું ઉલ્લંઘન થયું તો ફરિયાદ નોંઘાઈ શકે છે.
જોકે પુરુષોત્તમ વાઘેલા કહે છે, “પોલીસ એડી દાખલ કરે છે. અકસ્માતનો ગુનો. હકીકતમાં આઈપીસી 304 અંતર્ગત ગુનો દાખલ કરવો જોઈએ. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાવા જોઈએ. પણ અત્યારસુધી આટલાં મોત થયાં તો પણ એક પણ અધિકારીને સજા નથી મળી.”
જોકે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સંચાલકો દોષનો ટોપલો સફાઈ કર્મચારીઓ પર ઢોળે છે. તેઓ કહે છે કે તેમના તરફથી તો બધી સૂચનાઓ આપવામાં આવે જ છે પરંતુ ઘણીવાર સફાઈ કર્મચારીઓ જ તેમની વાત માનતા નથી.
અશ્વિન પાંભર કહે છે, “અમે સફાઈ કર્મચારીઓની જાગૃતિ માટે સેમિનાર પણ કરીએ છીએ. તમને સમજાવીએ છીએ. ચેતવણી પણ આપીએ છીએ. તેમની સુરક્ષા માટે જે કરવું જરૂરી છે તે કરીએ છીએ. તેઓ અમારી સલાહને અવગણે છે.”

‘કૉન્ટ્રેક્ટ પર કામ કરતાં સફાઈ કામદારોનું થાય છે શોષણ?’

ઇમેજ સ્રોત, Getty Images
નિયમ પ્રમાણે કાયમી કામદારને 452 રૂપિયા રોજ પગાર મળે છે. પણ જે કૉન્ટ્રેક્ટ પર હોય તે કામદારોને કાયમી કામદારોને મળતી પીએફ કે વિમાની સુવિધા નથી મળતી. હકીકતમાં સફાઈ કામદાર જે કૉન્ટ્રેક્ટર સાથે કામ કરતા હોય તે કૉન્ટ્રેક્ટરે તેનો વીમો કરાવવો ફરજિયાત છે, પરંતુ કૉન્ટ્રેક્ટરો વીમો કરાવતા નથી.
મહેશ સોલંકી કહે છે, “વડોદરા મહાનગરપાલિકા આ કર્મચારીઓ કૉન્ટ્રેક્ટ પર છે એમ કહેવાને બદલે તેઓ માનવદિન અંતર્ગત કામ કરે છે. તેમને પીએફ ન મળે, મેડિકલ ન મળે અને તેમને સેફ્ટી કિટ પણ આપવામાં આવતી નથી.”
તેઓ વધુમાં ઉમેરે છે કે કૉન્ટ્રેક્ટરો તેમને સરખું ઝાડુ સુધ્ધા આપતા નથી.
અશ્વિન સોલંકી કહે છે, “કૉન્ટ્રેક્ટ પરથી રોજમદાર અને પછી કાયમી કામદાર કરવાની નીતિ એટલી પેચીદી છે કે જેને આ વિશે ખબર ન પડે તે કાયમ કૉન્ટ્રેક્ટ પર જ રહી જાય.”
નિયમ પ્રમાણે જો કોઈ સફાઈ કામદારે 720 દિવસ સુધી કૉન્ટ્રેક્ટ પર કામ કર્યું હોય તો તેને કાયમી કરવો જોઈએ. પણ, ઘણા કિસ્સામાં કામદારને ખબર હોતી નથી.
પુરુષોત્તમ વાઘેલા કહે છે, “કૉન્ટ્રેક્ટ પદ્ધતિને કારણે સફાઈ કામદારોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. વધારે બોજ ન પડે તે માટે મહાનગરપાલિકા કે નગરપાલિકા કર્મચારીને કાયમી કરતી નથી તેને કારણે તેમનું શોષણ થાય છે.”














