જો ટ્રમ્પ જીતશે તો ઉપરાષ્ટ્રપતિપદની સ્પર્ધામાં આ ભારતીય મૂળનાં લોકો પણ સામેલ હશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હોલી હોંડેરિચ, સેમ કેબ્રાલ
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન
ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને વિસ્કોન્સિનમાં યોજાનારા રિપબ્લિકન પક્ષના સંમેલન દરમિયાન ઉપરાષ્ટ્રપતિપદના નામ માટે પોતાની પસંદની જાહેરાત કરશે.
ટ્રમ્પની ટીમમાં સામેલ થવાની ઇચ્છા ધરાવતા અનેક લોકોનાં નામો આપવામાં આવી રહ્યાં છે.
એ પૈકીના અનેક ઉમેદવારો પાસે તેમની આર્થિક પૃષ્ઠભૂમિ સંબંધિત માહિતી માગવામાં આવી છે.
આ ચર્ચામાં સામેલ નામોમાં ભારતીય મૂળનાં રાજકીય નેતાઓનાં નામ પણ છે.
ત્યારે એ સંભવિત ઉમેદવારો વિશે જાણીએ, જેમની પાસે ટ્રમ્પની ચૂંટણીપ્રચારની ટીમ દ્વારા માહિતી માગવામાં આવી હોય અને જેમના નામની ચર્ચા ચાલી રહી છે.
તુલસી ગબાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
એક ડેમૉક્રૅટ તરીકે તુલસી ગબાર્ડ અમેરિકન સંસદનાં પહેલા હિંદુ સભ્ય હતાં. તેમનું નામ ટ્રમ્પની યાદીમાં સૌથી મોટો અપસેટ સાબિત થઈ શકે છે.
એક દાયકા પહેલાં તેઓ ઇરાકમાં યુદ્ધ લડી ચૂક્યાં છે અને અમેરિકન સૈન્યના રિઝર્વિસ્ટ પણ હતાં.
તુલસી ગબાર્ડે 2016ની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમૉક્રેટ પક્ષના ઉમેદવાર બનવાનો પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પછી તેમણે હિલેરી ક્લિન્ટનના સ્થાને બર્ની સૅન્ડર્સને ટેકો આપ્યો હતો.
2013-21 દરમિયાન અમેરિકન કૉંગ્રેસમાં હતાં ત્યારે તુલસી ગબાર્ડ ઓબામા વહીવટીતંત્ર અને અમેરિકન સૈન્યની દખલગીરી કરવાના વલણના કઠોર આલોચક હતાં.
2020માં પ્રમુખપદ માટે ડેમૉક્રેટિક પક્ષની પ્રાઇમરીની સ્પર્ધામાં તેઓ સામેલ હતાં અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની આકરી ટીકા કરતા રહ્યાં હતાં.
42 વર્ષનાં તુલસી ગબાર્ડે બાદમાં ફૉક્સ ન્યૂઝમાં જવાની જાહેરાત કરી હતી અને 2022માં ડેમૉક્રેટિક પક્ષ છોડી દીધો હતો.
વૉશિંગ્ટન પોસ્ટ અખબારે ફેબ્રુઆરીમાં એવા સમાચાર પ્રકાશિત કર્યા હતા કે યુક્રેનને મદદ કરવાના કઠોર આલોચક તુલસી ગબાર્ડે ટ્રમ્પ સાથે વિદેશ નીતિ અને પેન્ટાગોનના સંચાલન બાબતે વાત કરી હતી.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
જેડી વાંસ

ઇમેજ સ્રોત, Getty Images
39 વર્ષના જેડી વાંસ ઓહાયોથી જુનિયર સેનેટર છે અને ઘણા મહિનાઓથી અનેક પ્રસંગે ટ્રમ્પનું મજબૂત સમર્થન કરતા રહ્યા છે.
યેલમાં અભ્યાસ કરી ચૂકેલા વાંસ બેસ્ટ સેલિંગ પુસ્તક ‘હિલિબિલી એલેગી’ના લેખક છે.
તેઓ એક સમયે ટ્રમ્પના વિરોધી હતા, પરંતુ ટ્રમ્પના મહત્ત્વપૂર્ણ સમર્થનથી 2022માં સેનેટની ચૂંટણી લડ્યા એ પછીથી તેમણે વલણ બદલ્યું હતું.
પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મુ્દ્દાઓ પર ટ્રમ્પનું સમર્થન કર્યું હતું.
જેડી વાંસ માને છે કે સેનેટમાં ભવિષ્યના ટ્રમ્પ વહીવટીતંત્ર માટે તેઓ બહેતર સાબિત થશે, જોકે, તેમની ઉપરાષ્ટ્રપતિ બનવાની શક્યતાને નકારી શકાય નહીં.
ટિમ સ્કૉટ

ઇમેજ સ્રોત, Getty Images
સેનેટર ટીમ સ્ટૉક એ અમેરિકાનો મુખ્ય અશ્વેત રિપબ્લિકન ચહેરો છે અને તેઓ પક્ષની પ્રાઇમરી ચૂંટણીમાં ટ્રમ્પના પ્રતિસ્પર્ધી હતા.
58 વર્ષના સ્ટૉક તેમના પ્રચાર અભિયાન માટે ભંડોળ એકત્ર કરી શક્યા ન હતા અને ત્રણ ડિબેટમાં કંગાળ પ્રદર્શન બાદ પ્રાઇમરી ચૂંટણીમાંથી ફેંકાઈ ગયા હતા તથા તેમણે ટ્રમ્પને ટેકો આપ્યો હતો.
ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીમાં ટ્રમ્પની પહેલી ચૂંટણી રેલીમાંના તેમના જોશીલા ભાષણે તેમને પ્રમુખપદના દાવેદારોમાં સૌથી મોખરે પહોંચાડી દીધા હતા.
તેમણે કહ્યું હતું, “આપણને ટ્રમ્પની જરૂર છે.”
તેમણે ટ્રમ્પને કહ્યું હતું, “હું તમને પ્રેમ કરું છું.”
ભૂતપૂર્વ પ્રમુખે સ્મિત કરતા જવાબ આપ્યો હતો, “એટલે તો તમે મહાન રાજનેતા છો.”
સીએનબીસીના જણાવ્યા મુજબ, ટ્રમ્પની કૅમ્પેન ટીમ દ્વારા સ્ટૉકને પણ સંદેશો મોકલવામાં આવ્યો છે.
ડગ બુરગમ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાઇમરીમાં ટ્રમ્પ સામે હારી ગયેલા એક અન્ય પ્રતિસ્પર્ધી છે ડગ બુરગમ. 67 વર્ષના બુરગમ નોર્થ ડાકોટાના બીજી વાર ગવર્નર બન્યા છે.
પ્રમુખપદની ઉમેદવારીની સ્પર્ધામાં તેઓ ખાસ કોઈ છાપ છોડી શક્યા ન હતા.
તેમણે 2023માં જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પ સાથે કોઈ સંબંધ રાખશે નહીં, કારણ કે “જેવી સંગત હોય છે, એવી તમારી છબી બને છે.”
બુરગમે એક નાના સૉફ્ટવૅર સ્ટાર્ટઅપ સાથે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એ સ્ટાર્ટઅપ માઇક્રોસોફ્ટે લીધું હતું અને એ પછીનાં વર્ષોમાં તેઓ અબજોપતિ બની ગયા હતા.
તેમણે તેમના ઓછા નાટકીય વ્યવહાર અને રાજકીય જ્ઞાન વડે ટ્રમ્પના પ્રભાવિત કર્યા હોવાનું કહેવાય છે. આ ખૂબીઓને કારણે 2016માં ભૂતપૂર્વ વાઈસ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સની પસંદગી થઈ હતી.
બુરગમ પાસે પણ કહેવાય છે તે પ્રમાણે માહિતી મંગાવવામાં આવી છે.
બાયરન ડોનાલ્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images
બાયરન ડોનાલ્ડ્સે અશ્વેત લોકોમાં રિપબ્લિકન પાર્ટીનો પાયો મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.
ન્યૂયૉર્કમાં સિંગલ મધરના કૂખે જન્મેલા 45 વર્ષના બાયરન ડોનાલ્ડ્સે 2012માં ફ્લૉરિડાના રાજકારણમાં ડગલું માંડ્યું હતું. એ પહેલાં તેઓ નાણાકીય સંસ્થાઓમાં કામ કરતા હતા.
ફ્લૉરિડા હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં ચાર વર્ષ સેવા આપ્યા પછી 2020માં તેમણે યુએસ હાઉસમાં જમણેરી જૂથનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અશ્વેત મતદાતાઓને સાથે લાવવા માટે તેમણે 15 જૂને ટ્રમ્પની મિશિગન રેલીમાં ભાગ લીધો હતો. તેમણે ટ્રમ્પને પોતાની પસંદ ગણાવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું હતું, “બાયરન ડોનાલ્ડ્સ એક શાનદાર વ્યક્તિ છે અને ઉપરાષ્ટ્રપતિપદ માટેના સંભવિત ઉમેદવારોની યાદીમાં સમાવિષ્ટ છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ બને તેવું કોઈ ઇચ્છે છે?”
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિપદની જવાબદારી સંભાળવાની ઇચ્છા બાયરન સાર્વજનિક રીતે જાહેર કરી ચૂક્યા છે.
તેમને પણ માહિતી માટેના દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે.
એલિસ સ્ટેફાનિક

ઇમેજ સ્રોત, Getty Images
એલિસ સ્ટેફાનિક ન્યૂયૉર્કથી કૉંગ્રેસનાં સભ્ય છે અને અમેરિકન પ્રતિનિધિસભામાં ટોચનાં રિપબ્લિકન મહિલા નેતા છે.
પહેલાં ઉદારમતવાદી અને ટ્રમ્પ બાબતે ખચકાટ ધરાવતાં 39 વર્ષનાં એલિસે હાલનાં વર્ષોમાં જમણેરી વલણ લીધું છે અને કૅપિટલ હિલ હુલ્લડના મામલામાં તેમને ટ્રમ્પના સૌથી વધુ વફાદાર સમર્થક માનવામાં આવે છે.
તાજેતરના મહિનાઓમાં અમેરિકન કૉલેજ પરિસરોમાં યહૂદીવાદ વિરોધી લાગણીના મુદ્દાને ઉઠાવીને તેઓ મીડિયામાં ચમકતા રહ્યાં છે.
તેમણે જણાવ્યું છે કે તેઓ કોઈ પણ પદ સાથે ટ્રમ્પ વહીવટીતંત્રનો હિસ્સો બનવા માગે છે.
સીએનબીસીના જણાવ્યા મુજબ, તેમને પણ માહિતી સંબંધી દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે.
માર્કો રૂબિયો

ઇમેજ સ્રોત, Getty Images
ફ્લૉરિડાના સેનેટર માર્કો રૂબિયો અને ટ્રમ્પ 2016ની રિપબ્લિકન પ્રાઇમરીમાં પ્રતિસ્પર્ધી હતા.
2012માં રૂબિયોને રિપબ્લિકન નૉમિનેટેડ મિટ રોમનીની પસંદ તરીકે આગળ કરવામાં આવ્યા હતા.
તેઓ મજૂર વર્ગની પૃષ્ઠભૂમિ ધરાવતા ક્બૂયન પિતાના પુત્ર છે. તેમણે શરૂઆતમાં જ તેમના ભૂતપૂર્વ પ્રતિસ્પર્ધીને ટેકો જાહેર કરી દીધો હતો.
બાવન વર્ષના રૂબિયો સરખામણીએ યુવાન અને ટેલિવિઝનની દૃષ્ટિએ આકર્ષક છે તેમજ ટ્રમ્પને લેટિન સમાજના મતનો એક મોટો હિસ્સો અપાવી શકે છે.
સીબીએસના અહેવાલ મુજબ, તેમને પણ કથિત રીતે માહિતી માગતા દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે.
ક્રિસ્ટી નોએમ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉથ ડાકોટાનાં ગવર્નર ક્રિસ્ટી નોએમ એક સમયે ટ્રમ્પને સમર્થકોમાં ઉપરાષ્ટ્રપતિપદ માટે પહેલી પસંદ બની ગયાં હતાં.
કોવિડ દરમિયાન ફૉક્સ ન્યૂઝ પર માસ્ક સંબંધી નિયંત્રણોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યાં ત્યારે બાવન વર્ષનાં નોએમ ચર્ચામાં આવ્યાં હતાં.
તેમના સંસ્મરણ પ્રકાશિત થયાં પહેલાં તેઓ ઉભરતાં સિતારા હતાં.
સંસ્મરણમાં તેમણે જણાવ્યું હતું કે શિકાર માટે સારો સાથી સાબિત ન થવાને કારણે તેમણે તેમના 14 મહિનાના કૂતરાને ગોળી મારી દીધી હતી. આવી જ રીતે એક બકરીને પણ ગોળી મારી દીધી હતી.
આ કહાણીઓની ચારેતરફ ટીકા થઈ હતી અને તેઓ ઉપરાષ્ટ્રપતિપદની ઉમેદવારીથી દૂર થઈ ગયાં હતાં.
નિકી હેલી, વિવેક રામસ્વામી અને અન્ય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય મૂળના 37 વર્ષના વિવેક રામસ્વામીનો જન્મ ઓહાયોમાં થયો હતો. તેમણે હાર્વર્ડ અને યેલમાં અભ્યાસ કર્યો છે તથા બાયૉ ટેક્નૉલૉજી ક્ષેત્રમાં કરોડોની કમાણી કરી છે. 2024ની પ્રાઇમરીમાં તેમણે ટ્રમ્પના સમર્થકોમાં બૉલ્ડ પૉલિસી ઍજેન્ડા ધરાવતા યુવા હોવાના અભિગમ સાથે અનોખી છાપ છોડી હતી. તેમની પાસે કોઈ રાજકીય અનુભવ નથી.
ભારતીય મૂળનાં નિકી હેલીએ એક દાયકા પહેલાં 39 વર્ષની વયે અમેરિકાના સૌથી યુવાન ગવર્નર બનવાનો વિક્રમ સર્જ્યો હતો. રિપબ્લિકન પ્રાઇમરીમાં પરાજય પછી ટ્રમ્પના સમર્થક બનવાના તેમના ઇનકારથી ટ્રમ્પ અસહજ થઈ ગયા હતા, પરંતુ નિકી હેલીએ જણાવ્યું હતું કે તેઓ નવેમ્બરમાં ટ્રમ્પને મત આપશે.
નિકીનો જન્મ ભારતથી આવીને અમેરિકાના સાઉથ કેરોલિનાના બામબર્ગમાં વસેલા એક પંજાબી શીખ પરિવારમાં થયો છે. તેમનો પરિવાર કપડાનો વેપાર કરે છે. જન્મ સમયે નિકીનું નામ નિમ્રતા રંધાવા હતું.
બેન કાર્સન આવાસ અને શહેરી વિકાસના મામલામાં ટ્રમ્પના ભૂતપૂર્વ સેક્રેટરી તરીકે કામ ચૂક્યા છે. તેઓ પીડિયાટ્રિક ન્યૂરોસર્જન છે અને 2016માં પ્રમુખપદની ઉમેદવારીની દોડમાં સામેલ હતા. ટ્રમ્પ પર ચાલેલા કેસ દરમિયાન તેઓ જોવા મળ્યા ન હતા. એનબીસીનું કહેવું છે કે તેમનું નામ પણ વિચારણા હેઠળ છે.
સીબીએસના જણાવ્યા મુજબ, આર્કન્સાસના બે વખત સેનેટર બનેલા ટોમ કોટનને પણ તપાસ સંબંધી દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે. તેઓ ભૂતપૂર્વ સૈનિક છે અને તેમને વિદેશ નીતિમાં યુદ્ધના સમર્થક માનવામાં આવે છે. હાર્વર્ડ લોક સ્કૂલના ગ્રૅજ્યુએટ કોટનને અગાઉ ટ્રમ્પના સંભવિત સુપ્રીમ કોર્ટ નોમિની તરીકે આગળ કરવામાં આવ્યા હતા.
રોન ડીસેન્ટિસે 2022માં ફ્લૉરિડાના ગવર્નર પદ માટે યોજાયેલી વચગાળાની ચૂંટણીમાં જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પના આંદોલનને આગળ ધપાવનાર કન્ઝર્વેટિવ નેતા સાબિત થઈ શકે છે.
કેટી બ્રિટ અલબામાથી પહેલી વાર ચૂંટાયેલાં સેનેટર છે અને આ વર્ષે જો બાઇડનના સ્ટેટ ઑફ યુનિયન ભાષણ બાબતે પ્રતિભાવ આપવાને લીધે ચર્ચામાં આવ્યાં હતાં.
ભૂતપૂર્વ ટીવી ઍન્કર કેરી લેકે 2020ની ચૂંટણીમાં ગોટાળાના ટ્રમ્પના દાવાઓને સંપૂર્ણ ટેકો આપ્યો હતો, પરંતુ 2022માં એરિઝોનાના ગવર્નરપદની સ્પર્ધામાં તેઓ નિષ્ફળ રહ્યાં હતાં.
સારા હુકાબી સેન્ડર્સ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને પ્રેસ સેક્રેટરી તરીકે બે વર્ષ કામ કરી ચૂક્યાં છે.












