ઋષિ સુનકે બ્રિટનમાં વહેલી સામાન્ય ચૂંટણી કરાવવાની જાહેરાત કેમ કરી ?

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક
    • લેેખક, ક્રિસ મેસન
    • પદ, રાજકીય સંપાદક, બીબીસી ન્યૂઝ

બ્રિટનમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. દેશનું ભવિષ્ય જલ્દી જ બ્રિટનના નાગરિકોના હાથમાં હશે.

વેસ્ટમિનસ્ટર અને હાલમાં જે લોકો ત્યાં સત્તા પર છે તેમની તાકાત ખતમ થઈ જશે.

રાજકારણીઓ અને તેમનું ભવિષ્ય તમારા હાથમાં હશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ દેશ કઈ દિશામાં જશે તે નાગરિકોના હાથમાં હશે.

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકને જાહેરાત કરી છે કે ચાર જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે.

ઋષિ સુનક જ્યારે પોતાના આધિકારિક નિવાસ 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર સામાન્ય ચૂંટણીનું એલાન કરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદ થઈ રહ્યો હતો અને બહારથી સંગીતનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

કયું ગીત વાગી રહ્યું હતું? 1990ના દાયકાનું ડી:રીમ્સનું એક હિટ ગીત “થિંગ્સ કૅન ઓન્લી ગેટ બેટર” જે તમને પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેયરના યુગની યાદ અપાવે છે.

કેટલાક અઠવાડિયાંથી આશા હતી કે ચૂંટણી શિયાળામાં યોજાશે. આ કારણે વડા પ્રધાનના કાર્યકાળને ઓછાંમાં ઓછાં બે વર્ષ મળશે અને આર્થિક સુધાર માટે એક સારો મોકો મળશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ મને થોડાક દિવસો પહેલાં સામાન્ય ચૂંટણી વિશે થઈ રહેલી એક વાતચીત દરમિયાન કહ્યું, "ઉત્સાહિત થવાનું કોઈ કારણ નથી."

મેં કન્ઝર્વેટિવ પાર્ટીના એક વરિષ્ઠ નેતા સાથે ગઈ કાલે એક કલાકથી લાંબી વાતચીત કરી, જેમાં આખી વાત એક લાંબા અભિયાનની આસપાસ કેન્દ્રિત હતી.

જોકે, આ અભિયાન વિશે ઘણો લોકોને જાણકારી ન હતી.

આ નિર્ણય જોખમી હતો. જોકે, ઉપ વડા પ્રધાન ઓલિવર ડાઉડેન સહિત કેટલાક લોકોએ ઋષિ સુનક પર સામાન્ય ચૂંટણી વહેલી કરાવવા માટે દબાણ કર્યું હતું.

બ્રિટેનમાં વહેલી ચૂંટણીના સમર્થનમાં તર્ક આપનાર લોકો કહે છે કે દેશની પરિસ્થિતિમાં કોઈ મોટો સુધારો થશે નહીં. આ ઉપરાંત જો મતદારોને મતદાનો મોકો જલદી આપવામાં નહીં આવે તો બની શકે કે કન્ઝર્વેટિવ પાર્ટીને એક ખૂબ જ ખરાબ પરાજયનો સામનો કરવો પડે.

મોંઘવારીમાં ઘટાડો

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક

ઇમેજ સ્રોત, PETER NICHOLLS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજા શબ્દોમાં કહીએ તો અત્યારે જ ચૂંટણીનું એલાન કરવું જોઈએ નહીં તો પરિસ્થિતિ વધુ કથળી શકે છે.

વડા પ્રધાન એ વાત પણ કહી શકે છે કે તેમના કેટલાક ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે, અને કેટલાક ઉદ્દેશ્ય પૂરા થવાની અણીએ છે.

દેશની મોંઘવારીમાં થયેલો ઘટાડો એક સફળતા ગણી શકાય છે. જોકે, એ વાતમાં કોઈ શંકા નથી કે આ સારી આર્થિક પરિસ્થિતિ માત્ર સરકારના પગલાંને કારણે જ નથી.

જોકે, જ્યારે મોંઘવારી આસમાને પહોંચે છે તો તેના માટે સરકારને જવાબદાર ગણવામાં આવે છે. આ કારણે જ્યારે મોંઘવારી ઘટે છે તો સરકાર તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કરે છે.

દેશની આર્થિક સ્થિતિ પણ હાલમાં થોડીક સારી છે.

આ ઉપરાંત યુકેમાં આશ્રય શોધનારા લોકોને ફરીથી રવાન્ડા મોકલવાની પણ યોજના છે. જોકે, આશ્રય માગનારા લોકોને હજી સુધી રવાન્ડા મોકલવામાં આવ્યા નથી, પરંતુ લાગે છે કે એ ચોક્કસ થશે અને કદાચ ચૂંટણી દરમિયાન પણ થઈ શકે. જોકે, ચૂંટણીમાં તે અવરોધક તરીકે કામ કરશે તેવા દાવાઓને ચકાસણી મતદાનના દિવસ પહેલાં થશે નહીં.

આ સાથે જ ચૂંટણી અભિયાન શરૂ થઈ ગયાં છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ વારંવાર કહેશે કે તમે જે ઇચ્છો છો તેના વિશે સાવધાન રહો. જોકે, લેબર પાર્ટી અને અન્ય લોકો વારંવાર યાદ અપાવશે કે હવે બદલાવનો સમય છે.

જે પણ પરિણામ આવશે તે ચોકવનારાં હશે.

ઓપિનિયન પોલ્સ કદાચ વ્યાપક રીતે સાચા પડશે અને સરકાર બદલાશે અથવા તો ઓપિનિયન પોલ્સ ખોટા પડશે અને તાજેતરનાં વર્ષોમાં સૌથી મોટો અપસેટ સર્જાશે.